મિત્રો નમસ્તે!
’સત્ય: વ્યવહારમાં” લેખમાળામાં આપણે ’ઇમેજ વિશે વાત કરી હતી. આપણા મનમાં સ્મૃતિઓ અને વારસામાં મળેલી કથાઓને કારણે એક જૂથ માટે અમુક ઇમેજ હોય છે. આ ઇમેજના આધારે એ જૂથની કોઈ વ્યક્તિને અલગ મળીએ ત્યારે અગાઉથી તૈયાર મળેલા અભિપ્રાયો આડે આવતા હોય છે. સંબંધોનું સત્ય આ ઇમેજમાં નથી હોતું. આપણા મિત્ર ડૉ. પરેશ વૈદ્યનો પણ આ જ અનુભવ છે. એમનો દુનિયાના ઘણા સાયન્ટિસ્ટો સાથે સંપર્ક રહ્યો. આમાંથી એમણે પાકિસ્તાની પરિચિતો વિશે આ લેખ લખ્યો છે:
મારા પાકિસ્તાની પરિચિતો
— ડૉ. પરેશ ર. વૈદ્ય
આપણા સમાજમાં પાકિસ્તાની નાગરિકોને મળવાની તક મર્યાદિત છે. કલાકારો અને પત્રકારો ત્યાના લોકોને મળતા રહે છે. તે રીતે પાકિસ્તાની નાગરિકોના સગાવહાલા જે અહી રહેતા હોય તેમને આ મોકો મળે. બાકીના માટે આ રીતે પાકિસ્તાની નાગરિકો ને સામસામાં મળવાની તકો લગભગ નથી જ. બંને તરફથી ‘વિઝા’ આપવામાં પણ બમણી કાળજી લેવાતી હોવાથી અનાયાસ મળી જવાનો તો પ્રશ્ન જ નથી. હા, અખાતના દેશોમાં અને ઇંગ્લેન્ડમાં રહેનારા NRI પાકિસ્તાનીઓને જરૂર મળતા હશે. પરંતુ નિવાસી ભારતીય, તે પણ એક ગુજરાતી માટે આવી મુલાકાત બહુ વિરલ. આ સંદર્ભે વિચારૂં તો મને પાંચ-છ પાકિસ્તાનીઓને નજીકથી મળવાનું થયું તે કંઇક વિશેષ ઘટના કહેવાય. જો કે એ બધા જ વૈજ્ઞાનિક હતા તે માત્ર સંયોગ નથી. જુદા જુદા સમયે એ બધાને માત્ર વ્યવસાયને કારણે જ મળવાનું બન્યું હતું અને તે પણ ભારતની બહાર જ. એ વિશેષ મુલાકાતોમાંથી કેટલુંક યાદગાર પણ રહ્યું.
પ્રથમ પાકિસ્તાની પચીસ વર્ષ પહેલા ૧૯૮૬માં મળ્યા તે શ્રી અબ્દુર્રહીમ ખાન; તેઓ પણ મારામાં પહેલા ભારતીયને મળતા હતા. ઠીંગના , સ્થૂળ અને જથ્થાદાર દાઢીવાળા એ સજ્જન તદ્દન ભીરુ હતા. મારી જેમ એ પણ પહેલી વાર દેશની બહાર નીકળેલા. અમે બંને એક ટ્રેનીંગ કોર્સના તાલીમાર્થી હતા, જેમાં બાકીના પૂર્વ એશિયાના દેશોના નાગરિક હતા. આથી તેમને ઓળખી પાડવું મુશ્કેલ ન હતું. તેથી જેવી મેં ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં વાત શરુ કરી તેમને જાણે ઘણા દિવસે ઘરનો ખોરાક મળ્યો હોય તેવું લાગ્યું તે સ્પષ્ટ દેખાયું. એક જ હોટલ માં રહેતા તેથી દર શની-રવિવારે ટોકિયો શહેર જોવાની યાત્રામાં મોટા ભાગે સાથે જતા. તેમાં અગત્યનો એજન્ડા રહેતો ભારતીય રેસ્ટોરાંમાં જમવાનો. ધર્મચુસ્ત મુસલમાનોને અજાણ્યા પ્રદેશમાં ‘હલાલ’ માંસાહાર મળવાની ખાતરી ન હોવાથી એ લોકોએ શાકાહારી જ બનવું પડતું હોય છે. આથી અમે બે અને એક મલયેસિયન મિત્ર શહેરના વિવિધ પરામાં શાકાહારી ભોજન માટે ભટકતા.
બે વાર એવું થયું કે મારી તબિયત ખરાબ થઇ ગયેલી. પહેલી વાર પેટની ગડબડ વખતે રાત્રે પોતા પાસેની પાકિસ્તાની ટેબ્લેટો લઈને મારા રૂમે આવી પહોચેલા. બીજી વાર એક શૈક્ષણિક ટૂર દરમ્યાન મારો પગ સજ્જડપણે મચકોડાયો હતો. બીજી સવારે એ પૂછવા આવેલા કે હવે ચાલી શકાય છે?
આ પ્રમાણેની નિકટતા છતાં અમે બંનેએ એક નિયમ વિના જાહેરાતે પાળ્યો હતો કે રાજકારણની વાત કરવી નહિ. અનાયાસ જ એ મર્યાદા બંને એ બાંધી લીધી હતી. અ બાબતે તેમનો ડર મારા કરતાં વધારે હતો તે પાછળથી ખબર પડી! એક મહિના પછી મુંબઈ આવી મેં તેમને અમસ્તો પત્ર લખ્યો ત્યારે તેમણે તેની પહોચ પણ આપી નહિ. કદાચ એ સ્વાભાવિક જ હતું કારણ તેમનું અંગત સરનામું ન હોવાથી મેં સરકારી ઓફીસને સરનામે જ પત્ર નાખેલો. મારું પોતાનું સરનામું પણ ઓફિસનું જ હતું. થોડા જુનીઅર લેવલે હોવાથી સરકારી નોકર તરીકે એક ભારતીયને પત્ર લખવાની હિંમત નહિ ચાલી હોય તેમ મેં માન્યું.
એ પછી જે ભાઈ મળ્યા , મહંમદ શરીફ, એ શ્રી ખાન કરતાં ઉલટી પ્રકૃતિના હતા. એમને ખૂબ બોલવા જોઈતું હતું અને ભારત પાકિસ્તાન સંબંધો વિષે વાત એ જાણીને ઉપાડતા. તેઓ અને તેના સાથીદાર શાહીદ મન્સૂર પણ અગાઉ જેવી જ ટ્રેનિંગ અને સર્ટીફિકેટ પરીક્ષાના સંદર્ભમાં મળ્યા હતા. મન્સૂર સૌમ્ય અને હળવેથી બોલનારા પઠાણ – અને શરીફ પંજાબી. બુદ્ધિશાળી હતા અને રમૂજ પણ કરી જાણતા, પરંતુ રમૂજ પાછળ ચાલાકી છૂપાતી ન હતી.ભારત પર રાજ્ય કર્યું તેનો હિન્દુઓને ગુસ્સો છે તેથી જ તેઓને પાકિસ્તાન નથી ગમતું! મંતવ્ય ખરું. હોય કે ખોટું પણ તેમણે બે દેશોના સંબંધો અને ઇતિહાસ વિષે વાંચ્યું અને વિચાર્યું હતું તે સાફ હતું. આથી જ તેમને ચર્ચા ઊભી કરવાની મજા આવતી. તેમની સમાજકારણની સમજ પણ પ્રશંસાને પાત્ર હતી.
છેક ૧૯૯૧માં તેમણે ચિંતા વ્યક્ત કરેલી કે પાકિસ્તાનના વાયવ્ય પ્રદેશમાં કલાશ્નિકોવ રાઈફલોની બોલબાલા હતી. બાબરી મસ્જીદ પહેલાના એ દિવસોમાં હજુ આતંકવાદ કાશ્મીરની બહાર ભારતમાં પ્રસર્યો ન હતો. રશિયાએ અફઘાનિસ્તાન ખાલી કર્યા પછી ત્યાં વિવિધ પ્રકારના મુજાહીદોએ શસ્ત્રો ઉપાડી પોતપોતાના વર્ચસ્વ માટે લડાઈ શરુ કરી હતી તે બાબત આપણા માટે હજુ અગત્યની નહોતી બની. કદાચ સરેરાશ પાકિસ્તાનીએ પણ તેને ગંભીરતાથી નહોતી લીધી. તે વેળા AK-૪૭ ની સંસ્કૃતિ વિષે વિચાર કરનાર એક વૈજ્ઞાનિક હતો તે બાબતે મને આજે ય તેમના પર માન થાય છે. જો કે એક વ્યક્તિ તરીકે મારા વિચાર માંડુ તો પણ એક ભારતીયના વિચાર તરીકે એ પોતાને દેશ લઇ જશે એ સભાનતાથી જ મેં એમની જોડે વાત કરી.
એ જ શહેરમાં કિરણોત્સર્ગથી સુરક્ષા બાબત એક બીજો કોર્સ પણ એ જ વખતે ચાલતો હતો. તેમાં અમારા જ ખાતાના એક બેન ભાગ લેતા હતા. તેમના જન્મ પહેલા તેમનું કુટુંબ પૂર્વ પંજાબથી ભારત આવેલું. કદાચ તેથી તેમના કોર્સના બે પાકિસ્તાની ભાઈઓ જોડે તેઓને સારું ફાવી ગયું હતું. (ભાષા ધર્મ કરતા વધારે જોડે છે એ વાત બાંગ્લાદેશે પહેલા જ સાબિત કરી છે!). એ ત્રણ સાથે દેખાતાં.અને આમ એ બે પાકિસ્તાનીઓ જોડે પણ મારે વાત થતી. એ ભારત વિષે જાણવા ઉત્સુક રહેતા પરંતુ તેઓની વર્તુંણૂક ખૂબ જ અદબભરી રહેતી.
આ મુલાકાતો પછી ૭-૮ વર્ષો પછી આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા સંસ્થા (IAEA)ના એક રીસર્ચ પ્રોજેક્ટ માટે સીરિયા જવાનું થયું. પાટનગર દમાસ્કસના એરપોર્ટ પર લેવા આવેલ ભાઈએ પરિચય આપ્યો શ્રી અસગર અલી ખાનનો. IAEAના એ ટેકનીકલ ઓફિસર હતા અને આંતરરાષ્ટ્રીય સહકારના આવા કાર્યક્રમ તેમના ચાર્જમાં આવતા. એ દૃષ્ટિએ દમાસ્કસ મીટિંગના નિમંત્રક હતા, તેથી અમે એકબીજાના નામથી પરિચિત હતા જ. મારાથી સીનિયર હતા છતાં વિમાનમાંથી ઊતરીને એક કલાક મારી રાહ જોઈને કાઢ્યો જેથી લેવા આવનારે કારથી બીજો ફેરો ન કરવો પડે! એકવડા બાંધાના, લાંબા, ગોરા શ્રી ખાનને ત્યાર પછી મેં હમેશા સુઘડ રીતે તૈયાર થયેલા અને મુદ્દાસર બોલતા જ ભાળ્યા.
IAEA ( તેને આગળ ‘એજન્સી’ કહીશું) યુનોની એક સંસ્થા છે; તેમાં કામ કરનારે પક્ષપાત વિના વૈશ્વિક દૃષ્ટિબિંદુથી નિર્ણય લેવાના હોય. એક ભારતીય વૈજ્ઞાનિક માટે એક પાકિસ્તાની ઓફિસર નિષ્પક્ષ કેમ રહી શકે છે તેનાં ઘણાં ઉદાહરણ શ્રી અસગરે પૂરાં પાડ્યાં.
એજન્સી ના નિયમ મુજબ ત્યારે વીમાન ભાડું આપતી વેળા એમ માની લેવાતું કે તમે કન્સેશનના ભાવમાં યાત્રા કરશો. મૂળથી મારા સીનિયર એ મીટિંગમાં
જવાના હતા અને તેમણે એજન્સીએ આપવા ધારેલ ભાડાની રકમ કબૂલ કરી હતી. તેમને બદલે મારે જવાની વાત આવી ત્યાં લગીમાં મહિનો નીકળી ગયો અને યાત્રાની તારીખ નજીક હોતાં વિમાન ભાડું વધી ગયું. કબૂલ કરેલ ભથ્થું હવે અપૂરતું હતું. મેં સંદેશો મોકલ્યો કે આ ભાડાથી તો મારાથી આવી ના શકાય. શ્રી ખાને એજન્સીમાં પોતાના ઉપરી પાસેથી મંજૂરી મેળવી ભાડાની રકમ એ સમયની ટિકિટના ભાવો સુધી લાવી દીધી અને પાકું કર્યું કે ભારત
મીટિંગમાંથી બહાર ન રહે.
અગાઉ જેને મળેલો તેમાંથી ત્રણ પાકિસ્તાનીઓ એમની નીચે કામ કરતા હતા, આથી મેં પૂછ્યું કે અબ્દુર્રહીમ ખાન અને શરીફ વચ્ચે એટલો તફાવત કેમ હતો? શું શરીફ પંજાબી છે તેથી ’સ્માર્ટ’ હતો? તો કહે કારણ બીજું હશે કેમ કે પંજાબી તો બંને છે. શરીફે કહેલ ‘બંદૂક કલ્ચર’ વિષે પૂછતાં કહે કે ગ્રામ્ય વિસ્તારોમાં તેના વિના છૂટકો નથી. મારા પોતાના મૂળ વતનના ઘરમાં બંદૂકો છે!
જે બસમાં અમે સ્થાનિક મુસાફરી કરતા તેમાં અરબી ભાષામાં ગીતો વાગતાં, પણ સગીતને ભાષા કેવી? બે ત્રણ ગીત એટલાં મધુર હતાં કે અજાણ્યા શબ્દો પણ મોઢે થઇ ગયા હતા. તે પરથી વાત નીકળતાં કહે કે ‘મુઝે લતાજી કે 1950s કે ગાનોકી CD ભેજ સકતે હૈં?’ વિયેનામાં પરિવારથી દૂર રહેતા હોવાથી ગીતો સાંભળવાં એ તેમનો ‘પાસટાઈમ’ હતો. મેં મુંબઈ આવી મહેનતથી પસંદગી કરી બે કે ત્રણ CD મોકલાવી. મારે ધાર્યે, જયારે પણ એક ભારતીય અને એક પાકિસ્તાની અંગત સ્તરે મળે તો આવા જ સંબંધ રહેતા હશે. પણ એક અનુભવે મારું એમના પ્રત્યે માન વધારી દીધું.
સીરીયામાં લશ્કરી સરમુખત્યારનું રાજ છે. તેમના વિદેશી હૂંડિયામણના નિયમો કાગળ ઉપર કડક અને વ્યવહારમાં કોઈ પણ ત્રીજા વિશ્વના દેશ જેવા પોલા છે. ડોલરમાંથી સીરિયન ચલણ લઇ લો પછી તે ખર્ચ જ કરવાનું રહે. સીરિયન પાઉન્ડનું ડોલરમાં પરિવર્તન ન કરી શકાય. કમભાગ્યે આ વાત અમને કોઈએ કહી જ નહોતી. એજન્સીએ પણ નહિ. મેં વધારે પડતા ડોલરનું સ્થાનિક ચલણ લઇ લીધું હતું. જવાના આગલે દિવસે જયારે ખબર પડી કે સીરિયન પાઉન્ડમાંથી ડોલર નહિ મળી શકે, ત્યારે ખર્ચ કરવા જેટલો સમય જ નહોતો. આમે ય ખજૂર સિવાય એ દેશમાંથી શું ખરીદી લાવવાના? આમ તો બેન્કને નામે એક ટેબલ હોટલમાં હતી જે પર બેસી એક છોકરો કોલેજનું વાંચતો અને ઝોકા ખાતો. એણે પોતે જે ચલણ મને વેચેલું તે પાછું લેવા એ તૈયાર હતો. પણ ઓછા ભાવે. (સરમુખત્યારના રાજમાં કેવું લોલેલોલ ચાલે તેનો આ દાખલો.) પણ વળવાના દિવસે શુક્રવાર એટલે ત્યાં રજા. પેલો છોકરો દેખાયો નહિ.
દરમ્યાન શ્રી ખાને પોતાના રૂમમાં મને વિદાય રૂપે નાસ્તો કરવા બોલાવેલો. મેં તેમને હૂંડિયામણની વાત કરી, કહ્યું કે એજન્સીને આ વાતની ખબર હોવી જોઈતી હતી. તેઓ કહે તમારા બચેલા સીરિયન પાઉન્ડ મને આપી દો.. બદલામાં જે ભાવ હતો તે મુજબ ડોલર પોતાના ખિસ્સામાંથી કાઢી મને આપ્યા.કહે, વિએનામાં હું ઘણા સીરિયનોને ઓળખું છું , એમને આ ચલણ આપી દઈશ. માત્ર ચાર દિવસની ઓળખાણમાં કદાચ એક ભારતીયે પણ બીજા ભારતીયને પણ આમ મદદની તૈયારી ન બતાવી હોત. સદનસીબે, છેલ્લી ઘડીએ પેલી દીન-દવાનુ બેંક ખૂલી અને ઝપાટાબંધ જઈને મેં શ્રી અસગર ખાનને સીરિયન પાઉન્ડથી મુક્ત કર્યા અને મારી જાતને એક મોટા અહેસાનથી.
તેમને હજુ એક વાર મળવાનું નસીબમાં હતું. દોઢ બે વર્ષ પછી વિયેનામાં જ પ્રોજેક્ટની છેલ્લી મીટિંગ હતી અને એ યજમાન હતા. મારી જેમ એ પણ પ્રોજેક્ટમાં વચ્ચેથી દાખલ થયેલા પરંતુ એને સફળતાથી પાર પાડવો એ તેમની જવાબદારી હતી. માત્ર ચાર દિવસમાં ૧૦-૧૧ દેશોના પરિણામોમાંથી તારતમ્ય કાઢી રિપોર્ટ બનાવવાનો હતો. બાકીના પેલા ૮-૧૦ પ્રતિનિધિઓ તો પાંચ વાગતાં પોતાનાં દફતર સમેટી ચાલી નીકળતા, કદાચ શહેર જોવા. અમે બંને સાત – સાડા સાત સુધી રીડિંગો સાથે માથું ફોડતા.
ઓક્ટોબર મહિનામાં યુરોપમાં છ વાગે તો અંધારું ઉતારી આવે. પછી ઉતારે જવા સિવાય શું કરવું? છેવટે ચોથે દિવસે મેં તેમને કહ્યું કે હું પ્રથમ વાર આ સુંદર અને સાંસ્કૃતિક શહેરમાં આવ્યો છું અને એક દિવસ બાકી છે પણ મેં કશું જોયું નથી. તો કહે, આજ તમારી જોડે આવીને તમને હું શહેરની ‘ઝાંખી’ કરાવીશ. અંધારું ઉતરતાં પૂર્વે જ ઓફીસ છોડી, વિયેનાના મુખ્ય વિસ્તાર કાર્ટનર રિંગ લઇ ગયા. ટ્રામ અને ટ્રેન માં ચઢો, ઉતરો, ચઢો એમ કરી દોઢ કલાકમાં શહેરનાં મુખ્ય સ્થાનો ધૂંધળા પ્રકાશમાં દેખાડી, મને પાછા આવવાના મેટ્રો સ્ટેશન પાસે છોડી એ છૂટા પડ્યા. એમણે એ પહેલ ન કરી હોત તો યુરોપની એ પ્રથમ યાત્રામાં હું ‘હીરો ઘોઘે જઈ આવ્યા’ જેવો પાછો આવ્યો હોત.
ઘણા સમય બાદ તેમનો ઈ મેઈલ આવ્યો કે રીસર્ચ પ્રોજેક્ટનો રીપોર્ટ પુસ્તકરૂપે તૈયાર કરવાનો છે. તેમની પાસે સમય ન હતો , તો હું કરી આપી શકું? એજન્સી પાસેથી એ માટે ખાસ પરવાનગી લઇ રીતસરનો કોન્ટ્રેક્ટ બનાવીને મને મોકલ્યો. આ પ્રકારની ભલામણ એ કોઈ બીજા માટે પણ કરી શક્યા હોત; ચીન, ફ્રાંસ અને મલયેસિયાના વૈજ્ઞાનિકો પણ સમિતિમાં હતા જ. કદાચ તેઓના અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ વિષે તેમને ઓછી શ્રધ્ધા હોય તેમ બને. પરંતુ પોતાની ફરજ પૂરી કરવા માટે એક ભારતીયને અગત્યનું કામ સોંપવામાં તેમને સંકોચ ન હતો કે નહિ કોઈ પૂર્વગ્રહ. એ પછી બે વાર વિયેના જવાનું થયું પણ તેઓ પોતાની ટર્મ પૂરી કરી પાકિસ્તાન ચાલ્યા ગયેલા. એ મુલાકાતો દરમ્યાન શહેરના કાઉન્સિલ હૉલ કે દેશની પાર્લામેન્ટ પાસેથી પસાર થતાં એ જરૂર યાદ આવતું કે પહેલી વાર અસગર ખાને આ સ્થાનો દેખાડ્યાં હતાં.
ત્યાં જઈ એ પાકિસ્તાન ઇન્સ્ટેટ્યૂટ ઓફ ટેકનોલોજી (PINSTECH) ના વડા બન્યા. અને તે છતાં ઈ-મેઈલથી ક્યારેક સંપર્ક કરો તો તેમના જુનિયરની જેમ જવાબ દેતા અચકાતા નહિ !!
માણસ પૂર્વગ્રહ વિના રહી શકે છે, મનની ગાંઠો ખોલવા તૈયાર થાય તો.
xxxxxxxxxx
દિપકભાઈ,
બ્લોગપોસ્ટ બહુ રસપૂર્વક વાંચી ગયો.
એક ફરિયાદ આ પોસ્ટ વિષે કરવાની રહે છે. ખૂબ રસપ્રદ અને માનવમનને પ્રતિબિમ્બિત કરતા આ પ્રસંગો બહુ ઝડપથી આલેખી દેવાયા છે. એનું કદાચ કોઈ કારણ હશે. જરૂર પડ્યે બે ભાગમાં લખી શકાત. પણ બહુ ઉતાવળે લખાયા હોય એમ હોવાને કારણે અમુક વાતનો સંદર્ભ સમજાતા વાર લાગે છે.
આ વિષય બહુ મઝાનો છે, માનવીય સંબંધોનો અને એય ભારત -પાકિસ્તાનના નાગરીકો વચ્ચેનો! પૂર્વગ્રહ વિના આ વિષયે લખાતું જ ન હોય, અને તમારા જેવાના બ્લોગ પર યથાતથ વાંચવા મળે એટલે આ ફરિયાદ.
ભાઈ પરેશનું ધ્યાન દોરીશ.તમે રસ લો છો તે મારા માટે મોટી વાત છે.
સાર : માણસ પૂર્વગ્રહ વિના રહી શકે છે, મનની ગાંઠો ખોલવા તૈયાર થાય તો.
વાત ટુકાણમાં કહેવાની લાલચને કારણે કદાચ સંદર્ભ વિસ્તારી નહિ શકાયો હોય. બ્લોગ દીપકભાઈનો, તેમાં મહેમાનથી હાથપગ કેટલાંક પસારી શકાય તે અંદાજ ન હોવાથી લાઘવનો રસ્તો પસંદ કર્યો. વાતનો મુદ્દો ગમ્યો તે જાણીને આનંદ થયો.આભાર
માન.ડૉ.પરેશભાઈનો અને આપનો પણ આભાર.
આવા સ_રસ આલેખનની આગળ પણ રાહ જોઈશું. શ્રી.બિરેનભાઈની એ વાત સાથે સહમત છું કે; ’માનવીય સંબંધોનો અને એય ભારત -પાકિસ્તાનના નાગરીકો વચ્ચેનો! પૂર્વગ્રહ વિના આ વિષયે લખાતું જ ન હોય,’ અને અહીં આવું વાંચવા મળી જાય. સાનંદાશ્ચર્ય થાય. આભાર.
khub sachi vat che…
ઘણું બધું પરેશ ભાઈ અને દીપક ભાઈ પાસેથી જાણવા મળ્યું.
મને એક પાકિસ્તાનના ઈરાનની સરહદે આવેલા બલુચિસ્તાનની બાઈ અમેરિકાની લાઈબ્રેરીમાં મળી .મારો દેખાવ જોઈ એ મારી પાસે આવી .મારી સાથે વાત કરવામાં એને ખબર પડી કે હું ભારતનો છું. એટલે એ એટલી બધી રાઝી થઈકે હું અને તે પોતે ગળ ગળા થઇ ગયા .તેણેઅમેરિકન છોકરીઓ જેવા ટાઈટ કપડા પહેર્યા હતા .હું વર્ષો પહેલા બલુચિસ્તાન નાં કોઇટા શહેર સુધી અને પંજાબના ઘણા શહેરો સુધી ફરેલો છું સિંધમાં એકાદ વરસ સુધી રહેલો છું.ત્યાં કોઈ ભાષા કે ધર્મ કે દેશ આડો આવતો નોતો.दुनियाको नफ्रतोने दोज़ख बनादिया ,
जन्नत्सा था जहाँ उसे जहन्नुम बनादिया
हिम्मत लाल जोशी आता
આતા, ‘મારી બારી’માં ડોકિયું કર્યું તે બદલ આભાર. મેં લખ્યું છે કે આપણે પોતાની અને બીજાની ઇમેજ બનાવીએ છીએ અને એ ઇમેજિસ લડ્યા કરે છે. સીધા મળીએ તો બધું સામાન્ય નીકળે.મુલાકાત લેતા રહેશો તો સારૂં લાગશે.
શ્રી દીપક ભાઈ
શ્રી પરેશભાઈનો અહેવાલ વાંચ્યો,બે ત્રણ પાકિસ્તાની સાથે સુમેળ ભર્યો અનુભવ જાણી
આનંદ થયો, ૧૯૫૦થી ૧૯૯૦ સુધી પાકિસ્તાન કરાંચી રહ્યો, મને પાકિસ્તાન બહુ જ
ગમ્યુ અને સુખી થયા, પાકિસ્તાન અને હિંદુસ્તાન એક જ ભાગનાં બે દેશ બન્યા અને
બન્ને બહુ જ સારા દેશ, ફક્ત પાકિસ્તાનની એ કમનસીબી કે સરૂઆતથી જ ખરાબ
નેતાઓ મળ્યા, અત્યારે પણ સારા નેતાઓ મળે તો સોના જેવો દેશ અને લોકો છે.
શ્રી અકબરઅલીભાઈ, અભાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટી સમસ્યા હોય તો ઈગોની છે. આ સમસ્યાનો ઉકેલ આવે તો બીજી બધી સમસ્યાનો ઉકેલ આવી જાય. પાકિસ્તાનને શરૂઆતથી નેતા સારા ન મળ્યા એ સાચી વાત છે.પાકિસ્તાન નામનો એક દેશ પોતે પણ બે ભાગમાં વહેંચાયેલો રહ્યો. આમાં નેતાઓ માત્ર એક જ ભાગમાંથી આવ્યા. સુહરાવર્દી પછી ઈસ્ટ પાકિસ્તાનમાંથી કોઈ નેતા જ ન આવ્યો. લશ્કર પર પણ પશ્ચિમી પાકિસ્તાનનો કબજો રહ્યો.આથી ભાવનાત્મક રીતે એ અર્ધો દેશ હતો.આટલા નાના દેશ પર સત્તા જમાવવી એ લશ્કર માટે સહેલું કામ રહ્યું છે. આથી સિવિલ નેતાગીરીનો વિકાસ પણ ન થયો. આપણે ઇચ્છીએ કે ત્યાં લોકશાહીનો વિકાસ થાય. એ ભારત અને પાકિસ્તાન બન્નેના હિતમાં છે.