Truth in Practice (5)

સત્ય વ્યવહારમાં (૫)
આપણે મનુષ્ય x મનુષ્ય સંબંધોની ચર્ચા કરીએ છીએ. એમાં માન્યતાઓની ભૂમિકા જોઈ. માન્યતાઓના અસ્થાયી રૂપ અને ભ્રાન્તિમૂલક આધારની ચર્ચા કરી. વિષેષણો એટલે માન્યતાઓનું શાબ્દિક રૂપ અને એ પણ આપણે જોયું. સંબંધોમાં માન્યતાઓ એટલો મો્ટો ભાગ ભજવે છે કે એ પ્રતિપાદિત થઈ શકે એવા સત્યને આડે આવે છે.

માન્યતા x માન્યતા
સ્થિતિ એવી છે કે મનુષ્ય x મનુષ્ય સંબંધો મોટા ભાગે તો માન્યતા x માન્યતા સંબંધો બની રહે છે. આપણે સામી વ્યક્તિની એક છબી બનાવી લઈએ છીએ. આપણો મોટા ભાગનો વ્યવહાર તો આ છબી પર આધાર રાખતો હોય છે. સાસુ એટલે અમુક પ્રકારની, વહુ એટલે અમુક પ્રકારની. વાણિયો એક પ્રકારનો તો રાજપૂત બીજા પ્રકારનો. એક છબી હિન્દુઓના મનમાં મુસલમાનોની છે અને સામે પક્ષે મુસલમાનોના મનમાં પણ એવી જ છબી હિન્દુઓની છે. આ છબીઓ લડ્યા કરે છે. વ્યક્તિગત રીતે આપણે સામા જૂથના કોઈ માણસના સંપર્કમાં આવીએ તો પણ સ્મૃતિઓના આધારે પ્રતિક્રિયા આ્પીએ છીએ. સ્મૃતિઓ વ્યક્તિગત કે જૂથગત પ્રતિભાવને અધીન હોય છે એટલે આખી પરિસ્થિતિને સમાવી શકતી નથી. એ એકાંગી હોય છે. એના આધારે માન્યતાઓ બને છે પરંતુ આપણે આ લેખમાળામાં ઘડિયાળના ઉદાહરણ સાથે રસેલનું કથન વાંચ્યું છે કે માન્યતામાં જ્ઞાન નથી હોતું.

માન્યતા કેમ બને છે?
માન્યતાઓની ભૂમિકા તો આપણે જોઈ, પરંતુ આ માન્યતાઓ કેમ બંધાય છે? માન્યતાઓ ઉપરાઉપરી બનતી અને સ્વરૂપમાં એકસરખી લાગતી ઘટનાઓનું પરિણામ છે. માન્યતા તે પછી એ ઘટનાથી સ્વતંત્ર રૂપ ધારણ કરી લે છે અને ઘટના ન બને ત્યારે પણ એ જીવિત રહે છે. આમ, માન્યતાઓ પણ નક્કર હકીકતોના આધાર પર બને છે, માત્ર ફેર એટલો જ કે એના પર વ્યક્તિગત સ્મૃતિ, સામુદાયિક સ્મૃતિનો પ્રભાવ હોય છે.આ સ્મૃતિ એના અસ્થાયી સ્વરૂપને સ્થાયી પણાનો આભાસ આપે છે. આમ, મૂળ હકીકતનો તો આધાર હોય પરંતુ, માન્યતામાં આત્મલક્ષી સ્મૃતિ, સ્મૃતિના ખાડા અને પૃથક્કરણ અને અમુક રેતી વિચારવાની આપણી ટેવ પણ કામ કરે છે. આપણે જોયું છે કે માત્ર ‘ઈતર+ ઈતર’ સંબંધો જ નિર્વિવાદ હોઈ શકે. ‘ઈતર + મનુષ્ય’ અને ‘મનુષ્ય x મનુષ્ય’ સંબંધોમાં મનુષ્ય પોતાનો અભિપ્રાય આપી શક્તો હોવાથી એક્માં મૂલ્યાંકન એકતરફી રહે છે, જ્યારે બીજામાં બન્ને પક્ષો એકબીજાનું મૂલ્યાંક્ન કરે છે.

હવે સામાન્ય જીવનમાંથી એક દાખલો લઈએ. દાખલા તરીકે તમે કહો છો કે “હું ‘ક’ સ્ટેશનેથી ઉપડતી બસમાં ‘ખ’ સ્ટેશનેથી બેસીશ અને ‘ગ’ સ્ટેશને તમને મળીશ”. આપણે પહેલા ભાગમાં જ જોયું છે કે ભવિષ્યકાળનાં વાક્યોમાં પ્રતિપાદક હોઈ જ ન શકે એટલે એ માત્ર ઇચ્છા કે ધારણા જ વ્યક્ત કરી શકે આવું વાક્ય સાચું પણ હોય અને ખોટું પણ ન હોય. અહીં તમે બોલો છો ત્યારે ‘ક’ સ્ટેશને બસ નથી એટલે ‘ખ’ સ્ટેશને એ આવી જ ન શકે અને ‘ગ’ સ્ટેશને કોઈ બસ પહોંચી નથી. પ્રતિપાદક કોઈ પણ તબક્કે હાજર નથી. પરંતુ તમે દરરોજ આમ કરો છો એટલે તમે આજે પણ ગઈકાલના અનુભવનું પુનરાવર્તન થશે એમ ધારીને બોલો છો. પણ તમે જે ‘ધાર્યું’ એ માન્યતા બની જાય છે. ‘ક’ સ્ટેશને હકીકતમાં કોઈ બસ નથી, તો પણ તમારી સ્મૃતિમાં એ ‘ક’ સ્ટેશને છે! ‘ખ’ સ્ટેશને એ આવે પણ છે અને ‘ગ’ સ્ટેશને તમે પહોંચો પણ છો! આમ નવો અનુભવ કરવાને બદલે તમે જૂના અનુભવનું પુનરાવર્તન કરવા માગો છો.

હવે આજે તો થયો નવો અનુભવ! આની ત્રણ સંભાવના ધારી લઈએઃ (૧) ‘ક’ સ્ટેશનેથી બસ આવી જ નહીં! (૨) એ આવી અને તમે ‘ખ’ સ્ટેશને સમયસર પહોંચી ન શક્યા અને બસ આવીને ચાલી ગઈ. અથવા (૩) એમાં તમે ‘ખ’ સ્ટેશનેથી બેઠા પરંતુ રસ્તામાં એ ખરાબ થઈ ગઈ અને ‘ગ’ સ્ટેશને પહોંચી જ નહીં. આમ,બધું જ તમારી ધારણા વિરુદ્ધ બન્યું! જૂઓ અહીં, બસ અને ‘ક’, ‘ખ’ અને સ્ટેશનો ‘ઈતર’ વર્ગમાં છે. એમના સંબંધો ‘ઈતર + ઈતર’ પ્રકારના છે. એમને પરસ્પર કઈં આશા-અપેક્ષા નથી. એમનું હોવું એ નિર્વિવાદ વસ્તુ છે. એમની સંલગ્નતા (એટલે કે સંબંધો) નિર્વિવાદ છે. આમાંથી એક પ્રક્રિયા પેદા થઈ.બસનું અમુક જગ્યાએથી નીકળીને રસ્તામાં અમુક જગ્યાએ થઈને અમુક જગ્યાએ પહોંચવું એ પ્રક્રિયા છે, પરંતુ એ ‘બસ’ કે ‘ક-ખ-ગ સ્ટેશનો’ જેવી નક્કર નથી અને અલ્પજીવી પણ છે! એ પ્રક્રિયા ચાલે ત્યાં સુધી હકીકત છે. પરંતુ પ્રક્રિયા અલ્પજીવી કે પરિવર્તનશીલ જ હોય. આથી તમારી સમક્ષ એ હકીકતોમાથી પેદા થયેલી એક નવી જ હકીકત તરીકે આવે છે. જેને તમે સંગઠિત સ્વરૂપે જોઈને એક સળંગ ‘ઈતર’ માનો છો. આ ‘ઈતર’ના સંપર્કમાં તમે આવ્યા એટલે અહીં ‘ઈતર + મનુષ્ય’ સંબંધનું સ્વરૂપ બને છે. એ ‘ઈતર’માં તમે એક મૂલ્ય ઉમેરો છો. ખુરશી ફાવે છે, અથવા, એમાં બેસવાથી કમર દુખી જાય છે – એ મૂલ્ય છે. એ જ રીતે, આ બસની નિયમિતતા પણ એક મૂલ્ય છે, પરંતુ અહીં તમે ભૂલ કરો છો તે એ કે એક પ્રક્રિયાને હકીકત માનીને મૂલ્ય આપો છો.

માન્યતાઓ એટલે અલ્પજીવી હકીકતો
અલ્પજીવી હકીકતોને આધારે જે માનસિક હકીકતો બને છે તેને આપણે ‘માન્યતા’ તરીકે ઓળખીએ છીએ. એ એક દિવસમાં, એક અઠવાડિયામાં, એક વર્ષ કે એક સદીમાં બંધાય, તો પણ વિરમી ગયેલી પ્રક્રિયાઓની પેદાશ હોય છે અને આ પ્રક્રિયાઓ પોતે જ સતત સ્વરૂપ બદલતી હોવા્થી અલ્પજીવી હોય છે. સદીઓથી ચાલી આવતી માન્યતાઓ તો આપણે વારસામાં મેળવેલી હોય છે; એ તો આપણી સમક્ષ પ્રક્રિયા તરીકે પણ નથી આવતી. પરંતુ આ માન્યતાઓને નિર્વિવાદ હકીકત માની લેવાની આપણે ભૂલ કરતા હોઇએ છીએ. અલ્પજીવી હકીકતોના આધારે બનેલી માન્યતાઓનો માપદંડ તરીકે કેમ ઉપયોગ થઈ શકે? એ માત્ર આપણા મનમાં જ સ્થિરતા પ્રાપ્ત કરે છે, વાસ્તવિક જગતમાં નહીં. હકીકતો માત્ર ભૂતકાળમાં હોય. એનો પ્રતિપાદક પણ મળી આવે એટલે એ સાચી છે કે ખોટી, તે નક્કી કરી શકાય. એ જ રીતે વર્તમાનમાં પણ પ્રતિપાદક મળી શકે પણ ભવિષ્ય માટે ન મળે. આ માન્યતાઓ કે અલ્પજીવી હકીકતો ઘન બનીને ભૂતકાળમાં જ રહી જવાને બદલે પ્રતિપાદક તરીકે વર્તમાનમાં પણ ઘુસે છે, કારણ કે વારસા તરીકે, વ્યક્તિગત કે સામુદાયિક સ્મૃતિ તરીકે અથવા વિસ્મૃતિ કે ખંડિત સ્મૃતિ તરીકે એ વર્તમાન બનીને વર્તે છે. પરંતુ એ માત્ર માનસિક, અલ્પજીવી હકીકતો છે, એના આધારે સંબંધો નક્કી ન થાય, એમાંથી તમારૂં સત્ય પ્રગટ ન થાય અને તમે બીજાના સત્ય સુધી પહોંચી ન શકો.

અંતે
આપણે શું કરી શકીએ?

-l આપણી માન્યતાઓ અલ્પજીવી હકીકતો પર આધારિત હોવાથી સંબંધોમાં એને આડે આવવા ન દઈએ;
-l સંબંધોમાં માન્યતાઓનો હસ્તક્ષેપ ન રહે તેનું ધ્યાન રાખીએ;
-l સામી વ્યક્તિને એની માન્યતાથી અલગ કરીએ;
-l એની છબીમાં એને કેદ ન કરીએ;
-l આપણે પોતે આપણી છબીમાંથી મુક્ત થઈએ;
-l સામી વ્યક્તિમાં મૂલ્યો ન આરોપીએ;
-l બન્ને પક્ષો પોતપોતાની માન્યતાઓના સેટોની અદલાબદલી કરી લે તો શું થાય, એવો પ્રશ્ન સતત પૂછતા રહીએ;
-l આપણે બીજાને જોઇએ, બીજો આપણને જુએ એમાં મદદ કરીએ;
-l આપણી માન્યતાઓને પડકારીએ.
-l સતત સિદ્ધ થઈ શકે એવા સત્યનો આધાર શોધીએ;
-l સત્ય પર આપણી માલિકી નથી હોતી એ અનુભવીએ.
xxxxxxxxx

4 thoughts on “Truth in Practice (5)”

 1. દીપકભાઈ, લેખમાળામાં ગેરહાજર રહ્યાનો સંકોચ છે. આજે તો બધા લેખો એક સાથે ‘વાંચી નાખ્યા’ છે. હવે નિરાંત લઈને વાંચી ‘લેવા’ છે. પછી તમારી સાથે વાત પણ કરીશું. બાપુની શ્રેણી પણ સાવ જ વાંચવી રહી ગઈ છે. હવે બન્ને સાથે વાંચીશ. ખુબ જ આભાર, આવા વિચારો સૌમાં વહેંચવા બદલ.

 2. “એક છબી હિન્દુઓના મનમાં મુસલમાનોની છે અને સામે પક્ષે મુસલમાનોના મનમાં પણ એવી જ છબી હિન્દુઓની છે. આ છબીઓ લડ્યા કરે છે.”
  આનાથી વધુ સત્યની સમજ જાણી નથી.

 3. દિપકભાઈ,
  મારા બ્લોગની પોસ્ટ પરની કોમેન્ટ પર આપેલી લિન્ક દ્વારા અહીં પહોંચ્યો. આપનું લખાણ નિરાંતે વાંચવું પડે તેમ છે. હું મુળભૂત સાયન્સનો માણસ, પણ નોકરી દરમ્યાન મોટીવેશન અને હ્યુમન બીહેવીયર સમજવાની, જાણવાની અને અનુભવવાની તક મળી. આથી સામાન્ય માણસને સમજાય તેવી ભાષામાં મારા વિચારો વ્યક્ત કરું છું.
  મળતા રહીશું, મારી આજની પોસ્ટ –
  સમાજના બે ‘કોમન’ ભાગ – જોઈ જશો (સામાન્ય માણસ અને બુધ્ધિજીવી માણસ)
  આભાર,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: