Truth in Practice (3)

સત્યઃ વ્યવહારમાં (3)
આજે સંબંધોની ચર્ચા કરીએ છીએ પણ માન્યતાની ચર્ચા પર પરદો નથી પડી જતો. આપણે કેટલાય મુદ્દા એવા જોઈ ગયા છીએ કે સંબંધોમાં એમના સ્થાન વિશે અણસાર તો આવી જ ગયો હશે. સંબંધની વાત કરીએ તો એ પ્રશ્ન તો આવે જ કે સંબંધ કોની વચ્ચે?

આપણે અને સૄષ્ટિ
આપણે સૄષ્ટિથી જુદા નથી. જે તત્વોને કારણે ખનિજો, વૃક્ષો, પશુપક્ષીઓ બન્યાં છે, તે જ તત્વોએ માનવશરીરની રચનામાં પણ ભાગ ભજવ્યો છે. રસાયણશાસ્ત્રમાં મળતાં તત્વો આપણાં શરીરની અંદર અને બહાર પણ મળે છે. આ રીતે આપણે અને પદાર્થો એકરૂપ છીએ. પદાર્થ માત્ર એકમેવ અદ્વિતીય હોત તો સંબંધનો સવાલ ઊભો ન થાત, પરંતુ એના વૈવિધ્યને કારણે પરસ્પર સંપર્ક થાય છે. ચેતન તરીકે ઓળખાતા અને જડ તરીકે ઓળખાતા બધા પદાર્થો વચ્ચે મૂળભૂત સમાનતા હોવાથી ‘જડ’ અને ‘ચેતન’ અથવા ‘સજીવ’ અને ‘નિર્જીવ’ એવા શબ્દો વાપર્યા વિના પણ આપણે સંબંધોને સમજી શકીએ કે નહીં? વળી જેને આપણે ‘ચેતન’ તરીકે ઓળખીએ છીએ તેમાં પણ ચલાયમાન ચેતન અને સ્થિર ચેતન એવા ભાગ દેખાય છે. ચલાયમાન ચેતનમાં કીડાથી માંડીને પશુપક્ષીઓ અને મનુષ્યજાતિનો સમાવેશ થાય છે, જ્યારે સ્થિર ચેતન એટલે વૃક્ષો. બીજી બાજુ જડ તરીકે ઓળખાતી સૃષ્ટિમાં બધું સ્થિર છે, પરંતુ, વાયુ અને પાણી ગતિશીલ છે! આમ, જડ અને ચેતન શબ્દો વાપરવાથી સંબંધોનો પ્રશ્ન સમજવામાં કઠિનતા વધે છે.

બીજી બાજુ, આપણે સ્થિર પદાર્થો અને મનુષ્ય સિવાયનાં ચલાયમાન ચેતનને લગભગ એકસમાન ગણીને વર્તતા હોઇએ છીએ. દાખલા તરીકે મારી ગાય, મારૂં ઘર. એટલે વ્યવહારમાં આપણા સંબંધોમાં બે જ ઘટકો હોય છેઃ મનુષ્ય જાતિ અને અન્ય સૃષ્ટિ. વ્યક્તિગત સ્તરે આપણે એમાં વધુ ઊંડા ઊતરીએ છીએઃ હું અને અન્ય મનુષ્યો, અથવા હું અને અન્ય પદાર્થો. આનું કારણ એ છે કે આપણા મગજનો જેટલો વિકાસ થયો છે એટલો કોઈ પણ પ્રાણીમાં જોવા નથી મળતો. આ કારણે સંબંધોની સાર્થક ચર્ચા માત્ર માણસના સંદર્ભમાં જ થઈ શકે. અહીં આખી માણસજાતને લેવાથી બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોની ચર્ચા નહીં થઈ શકે. એટલે આપણે હમણાં કહ્યું તે સુધારીને ફરીથી કહીએ કે “સંબંધોની સાર્થક ચર્ચા માત્ર માણસો (માણસ નહીં)ના સંદર્ભમાં જ થઈ શકે.”

સંબંધોનાં ત્રણ પરિમાણ
આમ તો આખું જગત પરિવર્તનશીલ છે, તેમ છતાં સમયના એક નાના ગાળાની અંદર દરેક ઘટકની સ્થિતિ જેમ-ની-તેમ રહે છે. આ નાનો ગાળો એટલે, એમ માનો ને કે આપણી આવરદા. ૬૫-૭૫ વર્ષના ગાળામાં મોટાં પરિવર્તનો મોટી હોનારતોને જ કારણે આવી શકે. આપણી જિંદગીનાં થોડાં જ વર્ષોમાં કીડાઓમાં સમજી શકાય એવો ઉદ્વિકાસ થતો હોય છે. દાખલા તરીકે, મચ્છર એને મારવાની દવાઓથી ટેવાઈ જઈને નવી પ્રતિરોધ વ્યવસ્થાનો વિકાસ કરી લે. પરંતુ, આ્પણી ચર્ચામાં આવા ફેરફારોનું મહત્વ નથી. એટલે આપણી આવરદા દરમિયાન કશું બદલાતું નથી એમ માની લઈએ તો સંબંધોનાં ત્રણ પરિમાણ દેખાશેઃ ૧) સ્થિર અને સ્થિર વચ્ચેના સંબંધ (૨) સ્થિર અને મનુષ્ય વચ્ચેના સંબંધ અને (૩) મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધ. અહીં આપણે એક ધારણા કરીએ અને મનુષ્ય સિવાયનું જે કઈં છે તેને ‘ઈતર’ એવું નામ આપી દઈએ. આમ, વૃક્ષ, પ્રાણી, પદાર્થ એ બધું ‘ઈતર’માં ગણાશે. હવે આપણી પાસે બે ઘટક છેઃ મનુષ્ય અને ઈતર.

સંબંધઃ ઈતર + ઈતર
એક અર્થમાં ‘સંબંધ’ શબ્દ જે સૂચવે છે તેવું આમાં કઈં નથી, દાખલા તરીકે, એક વાક્ય લઈએઃ “ગંગા હિમાલયમાંથી નીકળે છે” અથવા તો શ્રી અતુલભાઈ જાનીએ આ લેખમાળાના પહેલા ભાગમાં જે વાક્ય લીધું હતું તે લઈએઃ ” સમુદ્રમાં મોજાં ઊછળે છે”. અહીં સંબંધનો અર્થ માત્ર સંલગ્નતા અથવા અભિન્નતા થશે. ગંગાને ખબર નથી કે એ હિમાલયમાંથી નીકળે છે, અથવા હિમાલયને ખબર નથી કે ગંગા જેવી પૂજનીય નદીનો એ જનક છે. પરંતુ આ વાક્ય એમની સંલગ્નતા દર્શાવે છે અને બન્નેને એક સાથે મૂકે છે. સમુદ્રમાં મોજાં ઊછળે તેમાંથી સમુદ્ર અને મોજાંની અભિન્નતા વ્યક્ત થાય છે. મોજાં સમુદ્રમાં જ થાય, લોટમાં તો મોજાં થાય જ નહીં! આ થઈ અભિન્નતા. આ એમનો સંબંધ. આ બન્ને વાક્યો નક્કર રીતે સિદ્ધ થઈ શકે છે. આપણે સત્યવચનના પહેલા ભાગમાં જોયું હતું તેમ વાક્યની સત્યતા માત્ર બાહ્ય પ્રમાણથી જ સાબીત થાય. આ બન્ને વાક્યોને ટેકો આપે એવી બાહ્ય સ્થિતિ છે જ. આ ઉપરાંત કાર્ય-કારણ પણ આવી જ સંલગ્નતા કે અભિન્નતા તરફ લઈ જાય છે. દાખલા તરીકે, વાદળાં બંધાય તો જ વરસાદ પડે.

હકીકતોના આધારે બનેલા આવા સંબંધો અથવા જોડકાં સત્ય છે. હકીકતો કદી વિવાદાસ્પદ ન હોય. એ નક્કર સ્વરૂપની હોય. આથી હું’સાપેક્ષ-નિરપેક્ષ શબ્દો વાપરવાનું પસાંદ નહીં કરૂં. નિરપેક્ષનો અર્થ તો એ થશે કે આ સત્યો કશાય આધાર વિના સ્વયંભૂ છે. પરંતુ, એવું નથી. ગંગાને હિમાલયની, મોજાંને સમુદ્રની અને વરસાદને વાદળાંની અપેક્ષા છે. આથી હું માત્ર એમને ‘નિર્વિવાદ સત્ય’ કહેવાનું પસંદ કરીશ. ભૌતિક જગત આવાં નિર્વિવાદ સત્યોનું બનેલું છે; એનો આધાર, અથવા પ્રમાણ, નક્કર અને ચકાસી શકાય એવી સ્થિતિઓમાં હોય છે.

સંબંધઃ ઈતર + મનુષ્ય
‘ઈતર’ કરતાં મનુષ્ય મગજને કારણે ચડિયાતો છે. આ કારણે હું બીજા માટે અભિપ્રાય આપી શકું છું, પરંતુ. સામો પક્ષ મારા વિશે અભિપ્રાય બાંધવા સમર્થ નથી, સિવાય કે એ પણ મનુષ્ય જ હોય. આમ, ‘મારી ગાય સારી છે’ અને ‘મારૂં ઘર સારૂં છે’ એમ કહું ત્યારે હું એવી ચિંતા નથી કરતો કે ગાય અથવા ઘર પણ મારા વિશે અભિપ્રાય આપે તો? આ બન્ને વાક્યો બોલતી વખતે મારા મનમાં ગાય અને ઘર મારા નિયંત્રણ હેઠળ હોવાનો ભાવ હોય છે. આ એક પ્રકારનો સંબંધ થયો.

આપણે જરા જુદા પ્રકારનું વાક્ય લઈએઃ “આ ખુરશી મને ફાવે છે”. આમાં ખુરશી સાથે તમારા સારા સંબંધોનો સંકેત છે. બીજી બાજુ, બીજી વ્યક્તિ એના જવાબમાં કહી શકે છે કે “આ ખુરશીમાં મારી કમર દુખી જાય છે.” આમ ઈતર + મનુષ્ય સંબંધ, મનુષ્યના અનુભવ પર આધારિત છે. એક વાર એમાં બેઠા તે પછી કમર દુખવા લાગી એ સ્મૃતિ પણ ખરી. પ્રશંસા અથવા નિંદાનાં આ બન્ને વાક્યો બોલાય તે પછી પણ ખુરશી નિર્લિપ્ત રહે છે. હવે ધારો કે આ ખુરશી તમે વેચી નાખો તો તમને દુઃખ પણ થાય! પરંતુ ખુરશીને દુઃખ નથી થવાનું. આ પ્રકારના સંબંધમાં મનુષ્યના ભાવો મહત્વના છે. આ ભાવો કોઇ પ્રકારની પ્રતિક્રિયા રૂપે વ્યક્ત થાય છે. અહીં એ વાક્યમાં સત્ય છે કે નહીં એનો પ્રતિપાદક (verifier) કોઈ એક નથી. જેનો જેવો અનુભવ, તેવો તેનો સંબંધ. વ્યક્તિગત અનુભવો જુદા હોવાથી આ સંબંધો સાપેક્ષ હોઈ શકે, પરંતુ નિર્વિવાદ તો નથી જ, એટલે નિરપેક્ષ હોવાનો તો સવાલ જ નથી.

‘ઈતર + ઈતર’ અને ‘ઈતર + મનુષ્ય’ સંબંધોનું સ્વરૂપ આપણે તપાસ્યું અને એની પાછળનાં સત્યો પણ જાણ્યાં. એ નોંધવા જેવું છે કે આ સંબંધોને મેં ‘+’ના ચિહ્નથી દેખાડ્યા છે. હવે આપણે મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધોને તપાસવાના છે. અહીં ખાસ નોંધવાનું એ છે કે આ સંબંધોમાં બન્ને પક્ષો સમાન છે, ચકાસણીની ક્ષમતા બન્નેમાં છે. બન્ને કલ્પના કરી શકે છે, બન્નેને સ્મૃતિ છે, બન્નેની માન્યતાઓનું એક આખું માળખું વિકસેલું છે. એમની પાસે ભાષા પણ છે, અભિપ્રાય આપવાની શક્તિ પણ છે.આ બધું ‘ઈતર + ઈતર અને ઈતર + મનુષ્ય સંબંધોમાં એકપક્ષી રહે છે. આથી જ, અહીં +નું ચિહ્ન વાપર્યું છે. એમાં બન્ને પક્ષોનો સંપર્ક સમાંતરે ચાલે છે અને નવી સ્થિતિ પેદા કરે છે. પહેલા સંબંધમાં બન્ને પક્ષો ભૌતિક તથ્યો છે અને એ એકબીજા વિશે કશો અભિપ્રાય બાંધતા નથી. બીજા પ્રકારમાં અભિપ્રાય બાંધવાની પ્રક્રિયા એકતરફી છે.

મનુષ્ય અને મનુષ્યના સંબંધો માટે આપણે +નું ચિહન ન વાપરી શકીએ કારણ કે એમાં દ્વિમાર્ગી વ્યવહાર છે. એટલે આપણે આ રીતે મૂકીશું: મનુષ્ય x મનુષ્ય. આ બહુ મહત્વનો વિષય છે અને એમાં માન્યતાઓનું સ્વરૂપ, સંબંધોને મૂલવવાની આપણી રીત, વગેરે ઘણા મુદ્દાઓ આવી જાય છે. અહીં આપણે જે બે સંબંધોની ટૂંકી ચર્ચા કરી તે પણ આ ત્રીજા પ્રકારના સંબંધોનું ક્ષેત્ર સમજવામાં ઉપયોગી થશે. પરંતુ, એમાં તો ઘણું બધું આવશે, એટલે એ હવે આજે નહીં…

24 thoughts on “Truth in Practice (3)”

 1. શ્રી.દીપકભાઈ,
  એક અઠવાડિયાથી ચાતકવૃત્તિ ધરીને બેઠો છું ! રખેને કંઈક બોલવા જઉં અને એકાદ ટીપું ચૂકી જવાય ! વચ્ચે માત્ર એક પ્રશ્ન કરવા આવ્યો છું.
  સંબંધોનાં ત્રણ પરિમાણને વધુ સ્પષ્ટતાથી સમજવા માટે ગણિતની સંજ્ઞાઓ = , => , નો ઉપયોગ કરી શકાય ? જેમ કે, ઈતર = ઈતર, ઈતર ઈતર) અને મનુષ્ય મનુષ્ય.

  હવે સંબંધોનો ત્રીજો પ્રકાર સમજવાની તાલાવેલી રહેશે. આભાર.

   1. અશોકભાઈ,
    સંજ્ઞા જોવામાં મને પણ કઈંક પ્રોબ્લેમ થયો, ઇ-મેઇલમાં. મેં One to One સંબંધો લીધા છે.એટલે મેં સાદી સંજ્ઞાઓ લીધી છે. તમે સૂચવો છો એ, સંબંધોના આખા નેટવર્કની તો વાત નથી ને? કારણ કે એમાં શ્રેણીઓ બનાવવી પડશે. એ પણ રસપ્રદ મુદ્દો છે. સંબંધોના નેટવર્ક માટે મેં બહુ પહેલાં Give circle અને take circleનો કન્સેપ્ટ બનાવ્યો હતો. પરંતુ એમાં પણ વન-વે ટ્રાફિક છે. આ ઉપરાંત સેટ થિયરીનો પણ અંતમાં ખ્યાલ આપીશ.સેટ- સબસેટ વગેરે.(ભણવાનું પૂરૂં થયું તે પછી હું આ બધાં સાથે પરિચિત થયો એટલે માત્ર ઉપયોગી જણાયું એટલું જ સમજ્યો છું, એની સ્પષ્ટતા કરી દઉં) ગણિત, તર્કશાસ્ત્ર અને ફિલોસોફીને ગાઢ સંબંધ છે. ફિલોસોફી માત્ર પ્રભુભજન કે કોઈનો હવાલો આપવો એ નથી.ખોટા પડવાની તૈયારી પણ એનો ભાગ છે.
    તમારા મુદ્દા પર વધારે પ્રકાશ પાડશો, જેથી સહવિચારની પ્રક્રિયા આગળ વધે.

 2. bahu gahana vishay chhe….gahana manan thi j samajashe, pan ek sawal maara mann maan hanmesha thay chhe e puchhi laun, kadach tame ene vani lo.. sambandh vyakti ni saathe hoy k temani vachche kahevay? saapex nirpex na sandarbh thi juda paday chhe? tame mote bhage vachche hovanu ullekhyun chhe etle bhed janvanu mann thyu.

  1. ‘સાથે’ અને ‘વચ્ચે’ વચ્ચે આપણે સામાન્ય વાતચીતમાં કઈં ભેદ નથી કરતા. “અમારાં કુટુબો વચ્ચે સારા સંબંધ છે” અને “એમના કુટુંબ સાથે અમારા કુટુંબના સારા સંબંધ છે.” કઈં જ ફેર નથી. આમ છતાં, એક ફેર છે. ‘સાથે’ એકમાર્ગી છે, જ્યારે ‘વચ્ચે’ દ્વિમાર્ગી છે. ‘સાથે’માં હું જેની સાથે મારા સારા સંબંધો હોવાનું કહેતો હોઉં તે વ્યક્તિ પણ પોતે એમ જ માનતી હોય એ જરૂરી ન માની શકાય. આમાં નેતા અને એના અનુયાયીના સંબંધો ઉદાહરણ તરીકે લઈ શકાય. ‘ઉપરી અને એના હાથ નીચે કામ કરતા કારકુનના સંબંધો પણ ‘સાથે’ પ્રકારના સંબંધો ગણાય.’સાહેબ’ને ઘરે લગન હોય તો કારકુન ત્યાં અમુક કામો કરતો હોય. પણ કારકુનને ઘરે લગન હોય ત્યારે ‘સાહેબ’ એ કામ કરતા હોય એવું નથી હોતું.

 3. ચેતન તરીકે ઓળખાતા અને જડ તરીકે ઓળખાતા બધા પદાર્થો વચ્ચે મૂળભૂત સમાનતા હોવાથી ‘જડ’ અને ‘ચેતન’ અથવા ‘સજીવ’ અને ‘નિર્જીવ’ એવા શબ્દો વાપર્યા વિના પણ આપણે સંબંધોને સમજી શકીએ કે નહીં?

  વેદાંત મત પ્રમાણે સામાન્ય ચેતન તો સર્વત્ર હોય છે તેથી સર્વ પદાર્થ / પ્રાણી અને સમગ્ર સૃષ્ટિને તે આવરીને રહે છે. જ્યાં અંત:કરણ છે ત્યાં વિશેષ ચૈતન્ય રહે છે. મૃત્યું પછી દેહના પદાર્થો તો હોય છે પણ તેમાં સુખ દુ:ખ અને અન્ય ઈંદ્રિય વેપાર બંધ થાય છે. તેથી જડ અને ચેતન શબ્દ વાપર્યા વગર અત્યારે સંબધને સમજવાનો પ્રયાસ જરુરુ કરીએ પણ એક તબક્કે આ યાત્રા જડ અને ચેતન સુધી પહોંચ્યા વગર નહીં રહે તે નક્કી છે.

  1. અતુલભાઈ,
   મને ખબર નથી કે આ ચર્ચા ક્યાં સુધી લઈ જશે. કદાચ આપણી વિચારવાની રીત બદલે, કદાચ વિચારમાં ક્રાન્તિ થાય, કદાચ ખોદ્‍યો ડૂંગર અને કાઢ્યો ઉંદર જેવું પણ થાય. બધા પ્રકારના અભિપ્રાય હોઈ શકે છે. મારે મન એ મહત્વનું નથી.
   આપણે કેટલા ઊંડા ઊતરી શકીએ છીએ એ મહત્વનું છે. હું સહયાત્રાના ખ્યાલથી લખું છું.

   1. જ્યાં સુધી યાત્રી છે ત્યાં સુધી યાત્રા છે. જ્યાં સુધી યાત્રીઓ સાથે યાત્રા કરે છે ત્યાં સુધી સહયાત્રી છે. અત્યારે તો આપણે સહયાત્રા કરતા હોઈએ તેમ લાગે છે.

    એક વાહનમાં મુસાફરી કરનારા દરેક સહયાત્રી ગણાય. પૃથ્વીને જો એક વાહન ગણીએ અને અત્યારે માત્ર મનુષ્ય પુરતી વાત કરીએ તો બધા મનુષ્યો સહયાત્રી ગણાય. આપણું વાહન એટલે કે દૃષ્ટિકોણ જેટલો વિશાળ તેટલા આપણા સહયાત્રીઓ વધારે.

    સહયાત્રીઓ માં અમુક બાબતે સમાન હોય છે અને ઘણી બધી બાબતોમાં ભીન્ન. જેમકે પર્યાવરણને લગતો પ્રશ્ન કે બીજો ગ્રહ આવીને પૃથ્વી સાથે ટકરાય તેવો ભય તે દરેક સહયાત્રી અનુભવે છે. જ્યારે તેજી મંદી સામે ટક્કર ઝીલવી / ઠંડી ગરમી સહન કરવી / સુખ દુ:ખ અનુભવવા વગેરે ભાવોની અનુભુતિ દરેકની અલગ અલગ હોય છે.

 4. જેને આપણે ‘ચેતન’ તરીકે ઓળખીએ છીએ તેમાં પણ ચલાયમાન ચેતન અને સ્થિર ચેતન એવા ભાગ દેખાય છે. ચલાયમાન ચેતનમાં કીડાથી માંડીને પશુપક્ષીઓ અને મનુષ્યજાતિનો સમાવેશ થાય છે, જ્યારે સ્થિર ચેતન એટલે વૃક્ષો. બીજી બાજુ જડ તરીકે ઓળખાતી સૃષ્ટિમાં બધું સ્થિર છે, પરંતુ, વાયુ અને પાણી ગતિશીલ છે! આમ, જડ અને ચેતન શબ્દો વાપરવાથી સંબંધોનો પ્રશ્ન સમજવામાં કઠિનતા વધે છે.

  ચલાયમાન ચેતન અને સ્થીર ચેતન તેવા ભાગ પડી શકે નહીં ચેતન સર્વત્ર છે જેટલું અંત:કરણ વધુ વિકસીત તેટલું તે ચેતનને વધારે અભિવ્યક્ત કરી શકે. અંત:કરણ સ્થીર અને ચલાયમાન કહી શકીએ. વૃક્ષોમાં સ્થીર અને પ્રાણીઓમાં ચલાયમાન.

 5. બીજી બાજુ, આપણે સ્થિર પદાર્થો અને મનુષ્ય સિવાયનાં ચલાયમાન ચેતનને લગભગ એકસમાન ગણીને વર્તતા હોઇએ છીએ. દાખલા તરીકે મારી ગાય, મારૂં ઘર.

  આ દાખલો સાચો ન ગણાય. આપણે મારો દિકરો, મારી બહેન, મારી પત્નિ, મારી માતા, મારો મિત્ર તેમ પણ કહેતા હોઈએ છીએ.

 6. લેખનો પછીનો ભાગ રસપ્રદ છે. અલબત્ત જે પ્રાણીઓમાં અંત:કરણ વિકસીત છે તેઓ પણ ભાવ ધરાવે છે અને દર્શાવે છે. જેમ કે એક વ્યક્તિને કુતરો પસંદ કરે છે તો તેની પાસે પુછદી પટપટાવતો જશે જ્યારે અજાણ્યાને કરડવા દોડશે. ગાય પણ માત્ર તેના પાલકને દુધ દોહવા દેશે કોઈ પણ વ્યક્તિને નહીં.

  વિચાર પ્રક્રીયા જેમ જેમ ચર્ચા થશે તેમ વધારે ગહન બનશે. અલબત્ત આપણે સરળ થી જટીલ તરફ ગતી કરીએ તો જ કોઈ પણ વિષયને સારી રીતે સમજી શકીએ. શરુઆતના તબક્કે આવી સરળ ધારણાઓ સાથે આગળ વધવામાં કશું ખોટું નથી.

  1. આમાં ટેવનો સવાલ છે. પ્રાણીઓને મેં અલગ રાખ્યાં છે, તેનું સ્પષ્ટ કારણ છે. મેં અહીં એક જવાબમાં ‘સાથે’ અને ‘વચ્ચે’નો સૂક્ષ્મ ભેદ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે. માણસ અને કુતરાના સંબંધ વિશે વધુ ઊંડા ઊતરશો તો જણાશે કે એમાં કઈંક આવું જ છે.

 7. સંજ્ઞાઓ પણ અર્થ સભર હોય તે વધુ ઈચ્છનીય ગણાય.

  જેમ કે:

  મનુષ્ય <- ઈત્તર : જેમાં એરો તેમ સુચવે છે કે મનુષ્ય ભાવ અનુભવશે, ઈત્તર નહીં

  ઈત્તર – ઈત્તર : જેમાં એરો નથી એટલે કે કોઈ ભાવ નહીં અનુભવે.

  મનુષ્ય મનુષ્ય : જેમાં બંને બાજુ એરો છે તેથી બંને તરફ ભાવ અનુભવાશે.

  આ તો મારા તરફથી સુચન છે કહેવાનો ભાવાર્થ એટલો છે કે સંજ્ઞાનો અર્થ સુચક હોવી જોઈએ.

  + અને x થી તેવો ભાવ અર્થ ઉત્પન્ન થતો નથી.

  વળી ગાણીતીક રીતે + અને x નો અર્થ સરવાળો અને ગુણાકાર થાય છે. જેથી આ પ્રકારની સંજ્ઞાઓ વધારાના ગુંચવાડા ઉત્પન્ન કરશે.

  1. અતુલભાઈ, સાચી વાત છે. મેં માત્ર સરળતા ખાતર સૌથી વધારે પ્રચલિત સંજ્ઞાઓ વાપરી છે. મારો કહેવાનો અર્થ ‘આંતરકાર્ય’ છે.. બે પ્રકારના સંબંધોમાં આંતરકાર્ય નથી એટલે કે સામસામા પક્ષો પ્રભાવ પાડતા નથી. પરંતુ એમાં બે પક્ષ તો છે જ. પહેલા પ્રકારમાં માત્ર નિર્વિવાદ સત્ય વ્યક્ત થાય છે. બીજા પ્રકારમાં એક તરફી સાપેક્ષ પ્રતિભાવ છે.આ બન્નેમાં આંતરકાર્યનો પ્રકાર મને માત્ર ‘ઉમેરા’ જેવો જણાય છે જ્યારે ત્રીજો પ્રકાર અલગ છે. એટલે એમાં મેં ગુણાકારનું ચિહ્ન વાપર્યું. . વિચાર પ્રક્રિયા ચાલુ થશે તો કોઈ મારી ખામીઓ પણ દેખાડી શકશે. વિચાર નહીં, વિચાર પ્રક્રિયા વધારે અગત્યની હોય છે.
   જવાબો પોસ્ટ કરવામાં ભૂલ થઈ છે અને જવાબ યોગ્ય મુદ્દા સાથે ગોઠવાયા નથી. તમારા ‘કૂતરા’વાળા પ્રતિભાવ બાબતમાં પણ એમ જ સુધારો કરીને વાંચશો.

   1. આપની વાત સાચી છે – વિચાર પ્રક્રીયા મહત્વની છે. અહીં ખામી દર્શાવવાની કે ખુબીઓ વખાણવાનો મારો કોઈ ભાવ નથી પણ જે જગ્યાએ મારા વિચારો અલગ પડતા હોય તે દર્શાવવાનો પ્રયાસ છે. વિચાર વલોણાને અંતે જો આપણે ખુલ્લા દિલના હોઈએ તો જરૂર સમજણરુપી નવનીત નીકળે.

 8. ‘ખુબ સરસ’ અવું તમને તો કહેવાય એવું નથી દીપકભાઈ. કેમકે, એવું તો આપણે એને કહીએ જે ક્યારેક જ સરસ કામ કરતું હોય. ઘણા વખતે તમારી પોસ્ટ નવરાશથિઇ વાંચવાનો મોકો મળ્યો, તમારો સંબંધોનાં ‘ત્રણ પરિમાણ’ની વિભાવના બહુ ગમી.ેના પરથી તમારી વિચારશક્તિની જાણ થાય છે.

  1. અરે, ઘણા વખતે ડોકિયું કર્યું, મારી બારીમાં! હું તો આંખે નેજવું કરીને તમને શોધતો હતો, પણ કદાચ તમે જૂનાગઢમાં અશોકભાઈની મહેમાનગતીમાં મસ્ત હતા એમ લાગે છે!

 9. લાગે છે કે દૌપકભાઈએ દરિયો ડહોળ્યો છે !

  બહુ જ સૂક્ષ્મ ને ઊંડું ચિંતન તમે પ્રેર્યું છે. મજાની વાત તો એ છે કે, ચેતનતત્ત્વ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વને સંબંધો જેવી બાબત સાથે લઈને વાત વહેતી કરી છે.

  અતુલભાઈએ પણ ચિંતનને સારી દિશા આપી છે. મને કાપ્રાનું તાઓ ઓફ ફિઝિક્સ યાદ આવી ગયું. ચર્ચામાં ઉમેરો કરવાનું શક્ય નથી. ખૂબ જ સરસ ચાલે ચર્ચા ચાલી રહી છે.

  નેટ પર આવું પણ થઈ શકે છે એ વાત હવે સિદ્ધ થઈ. દીપકભાઈનો નેટપ્રવેશ વાચકો પાસે બાલકૌ ખાલ ઉતારતાં કરાવશે. આ બ્લોગ પણ એક નવું નજરાણું બની રહો !!

  1. શ્રી જુગલભાઈ,
   ફિલોસોફી એટલે જ બાલ કી ખાલ ઉતારવાની પ્રક્રિયા! અથવા ડૂંગળીનાં પડ ઉતારવાની પ્રક્રિયા. મૂ્ળમાં શું છે એ જોવાની ઇચ્છા. આપણી ભારતીય પરંપરામાં પણ આ પદ્ધતિ રહી છે, પણ એક કાળે આપણે આ પ્રક્રિયા આટોપી લીધી અને સહેલા રસ્તા શોધ્યા.
   સાયન્સ વસ્તુનું સાદામાં સાદું રૂપ શોધે છે. સાદામાં સાદું મૉડેલ સૌથી સુંદર મનાય છે. સાયન્સને જટિલતામાંથી સરળતા શોધે છે. ફ઼િલોસોફી પણ એ જ શોધે છે. માત્ર, આપણે મનુષ્યો જટિલતાથી એવા ટેવાઈ ગયા છીએ કે જટિલ, સાદું લાગે અને સાદું, જટિલ. જેટલી જટિલતા વધારે એટલી એનો પાર પામવાની પ્રક્રિયા પણ વધારે જટિલ લાગે. પણ દિશા સાદા નિયમો તારવવાની જ રહે છે.

   1. એક આડ વાત કહું ? આપણી ગુજરાતી સંસ્કૃતથી પાંચ પેઢી દૂર છે. એનું માતૃભાષાંતરણ કરતી વેળા આપણા પંડિતો(“બ્રાહ્મણો”)એ ધર્મને જેમ પોતાની મિલકત બનાવી દીધો તેમ ભાષાનેય અઘરી ને અટપટી રાખવામાં જ સાર જોયો તેથી આપણા જોડણીના નિયમો ફક્ત અઘરા જ નહીં પણ અતાર્કિક બની રહ્યા !! ગુજરાતીના માસ્ટર ડિગ્રીમાં ભણતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, લેખકો, પ્રકાશકો, ભાષા–સાહિત્યની સંસ્થાઓ, સરકારી ખાતાંના અધિકારીઓ તો ખરાં જ પણ ખુદ જોડણીકોશના રચનારાં સુદ્ધાં લખવામાં ભૂલો કરે છે (જો.કોશની પાંચમી આવૃત્તિની ત્રણ પ્રસ્તાવનાઓમાં પારાવાર ભૂલો છે !)અને કોઈના પેટનું પાણી પણ હાલતું નથી !!! વાતને અઘરી કરી મૂકવામાં પોતાનું મહત્ત્વ જળવાઈ રહે છે તે વાત પંડિતો સારી રીતે જાણે છે. વિજ્ઞાન આ બાબતે અપવાદ હોઈ એની સામે ભાગ્યે જ કોઈ વિરોધ હોય.

    વિષયાંતર માટે ક્ષમા કરશો.

    1. આને હું વિષયાંતર નથી માનતો. એને ચર્ચાનું એક્સ્ટેન્શન માનું છું. આપણે ભાષામાં પણ સાદું મૉડેલ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તમે આ દિશામાં સક્રિય છો જ. હાલમાં શ્રી ઉત્તમભાઈ ગજ્જરે નવું સૂચન મારે સાથેના મેઇલવ્યવહારમાં કર્યું હતું (એમના શબ્દમાં તુ્ક્કો). પરંતુ એ નવું અને સારૂં મોડેલ છે. એમનો વિચાર છે એટલે હું જાહેર કરવાનો યશ નહીં લ‍ઉં. એમણે હ્રસ્વ,દીર્ઘ ઇ-ઈ માટે નવું ધ્વનિચિત્ર વાપરવા સૂચવ્યું છે. દુનિયાએ તુક્કા વગર પ્રગતિ નથી કરી એટલે ઉત્તમભાઈનો આ ઉત્તમ તુક્કો છે.
     પરંતુ, અહીં મારો હેતુ, સંબંધોના પરંપરાગત અર્થઘટન કરતાં એના સાદામાં સાદા મૂળભૂત તથ્ય આધારિત રૂપ સુધી પહોંચવાનો છે. સંબંધોનું સાદામાં સાદું મૉડેલ કયું? તમે એક એક કરીને વાંચો છો એ મારા માટે આનંદ અને સંતોષની વાત છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: