સત્યઃ વ્યવહારમાં (3)
આજે સંબંધોની ચર્ચા કરીએ છીએ પણ માન્યતાની ચર્ચા પર પરદો નથી પડી જતો. આપણે કેટલાય મુદ્દા એવા જોઈ ગયા છીએ કે સંબંધોમાં એમના સ્થાન વિશે અણસાર તો આવી જ ગયો હશે. સંબંધની વાત કરીએ તો એ પ્રશ્ન તો આવે જ કે સંબંધ કોની વચ્ચે?
આપણે અને સૄષ્ટિ
આપણે સૄષ્ટિથી જુદા નથી. જે તત્વોને કારણે ખનિજો, વૃક્ષો, પશુપક્ષીઓ બન્યાં છે, તે જ તત્વોએ માનવશરીરની રચનામાં પણ ભાગ ભજવ્યો છે. રસાયણશાસ્ત્રમાં મળતાં તત્વો આપણાં શરીરની અંદર અને બહાર પણ મળે છે. આ રીતે આપણે અને પદાર્થો એકરૂપ છીએ. પદાર્થ માત્ર એકમેવ અદ્વિતીય હોત તો સંબંધનો સવાલ ઊભો ન થાત, પરંતુ એના વૈવિધ્યને કારણે પરસ્પર સંપર્ક થાય છે. ચેતન તરીકે ઓળખાતા અને જડ તરીકે ઓળખાતા બધા પદાર્થો વચ્ચે મૂળભૂત સમાનતા હોવાથી ‘જડ’ અને ‘ચેતન’ અથવા ‘સજીવ’ અને ‘નિર્જીવ’ એવા શબ્દો વાપર્યા વિના પણ આપણે સંબંધોને સમજી શકીએ કે નહીં? વળી જેને આપણે ‘ચેતન’ તરીકે ઓળખીએ છીએ તેમાં પણ ચલાયમાન ચેતન અને સ્થિર ચેતન એવા ભાગ દેખાય છે. ચલાયમાન ચેતનમાં કીડાથી માંડીને પશુપક્ષીઓ અને મનુષ્યજાતિનો સમાવેશ થાય છે, જ્યારે સ્થિર ચેતન એટલે વૃક્ષો. બીજી બાજુ જડ તરીકે ઓળખાતી સૃષ્ટિમાં બધું સ્થિર છે, પરંતુ, વાયુ અને પાણી ગતિશીલ છે! આમ, જડ અને ચેતન શબ્દો વાપરવાથી સંબંધોનો પ્રશ્ન સમજવામાં કઠિનતા વધે છે.
બીજી બાજુ, આપણે સ્થિર પદાર્થો અને મનુષ્ય સિવાયનાં ચલાયમાન ચેતનને લગભગ એકસમાન ગણીને વર્તતા હોઇએ છીએ. દાખલા તરીકે મારી ગાય, મારૂં ઘર. એટલે વ્યવહારમાં આપણા સંબંધોમાં બે જ ઘટકો હોય છેઃ મનુષ્ય જાતિ અને અન્ય સૃષ્ટિ. વ્યક્તિગત સ્તરે આપણે એમાં વધુ ઊંડા ઊતરીએ છીએઃ હું અને અન્ય મનુષ્યો, અથવા હું અને અન્ય પદાર્થો. આનું કારણ એ છે કે આપણા મગજનો જેટલો વિકાસ થયો છે એટલો કોઈ પણ પ્રાણીમાં જોવા નથી મળતો. આ કારણે સંબંધોની સાર્થક ચર્ચા માત્ર માણસના સંદર્ભમાં જ થઈ શકે. અહીં આખી માણસજાતને લેવાથી બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોની ચર્ચા નહીં થઈ શકે. એટલે આપણે હમણાં કહ્યું તે સુધારીને ફરીથી કહીએ કે “સંબંધોની સાર્થક ચર્ચા માત્ર માણસો (માણસ નહીં)ના સંદર્ભમાં જ થઈ શકે.”
સંબંધોનાં ત્રણ પરિમાણ
આમ તો આખું જગત પરિવર્તનશીલ છે, તેમ છતાં સમયના એક નાના ગાળાની અંદર દરેક ઘટકની સ્થિતિ જેમ-ની-તેમ રહે છે. આ નાનો ગાળો એટલે, એમ માનો ને કે આપણી આવરદા. ૬૫-૭૫ વર્ષના ગાળામાં મોટાં પરિવર્તનો મોટી હોનારતોને જ કારણે આવી શકે. આપણી જિંદગીનાં થોડાં જ વર્ષોમાં કીડાઓમાં સમજી શકાય એવો ઉદ્વિકાસ થતો હોય છે. દાખલા તરીકે, મચ્છર એને મારવાની દવાઓથી ટેવાઈ જઈને નવી પ્રતિરોધ વ્યવસ્થાનો વિકાસ કરી લે. પરંતુ, આ્પણી ચર્ચામાં આવા ફેરફારોનું મહત્વ નથી. એટલે આપણી આવરદા દરમિયાન કશું બદલાતું નથી એમ માની લઈએ તો સંબંધોનાં ત્રણ પરિમાણ દેખાશેઃ ૧) સ્થિર અને સ્થિર વચ્ચેના સંબંધ (૨) સ્થિર અને મનુષ્ય વચ્ચેના સંબંધ અને (૩) મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધ. અહીં આપણે એક ધારણા કરીએ અને મનુષ્ય સિવાયનું જે કઈં છે તેને ‘ઈતર’ એવું નામ આપી દઈએ. આમ, વૃક્ષ, પ્રાણી, પદાર્થ એ બધું ‘ઈતર’માં ગણાશે. હવે આપણી પાસે બે ઘટક છેઃ મનુષ્ય અને ઈતર.
સંબંધઃ ઈતર + ઈતર
એક અર્થમાં ‘સંબંધ’ શબ્દ જે સૂચવે છે તેવું આમાં કઈં નથી, દાખલા તરીકે, એક વાક્ય લઈએઃ “ગંગા હિમાલયમાંથી નીકળે છે” અથવા તો શ્રી અતુલભાઈ જાનીએ આ લેખમાળાના પહેલા ભાગમાં જે વાક્ય લીધું હતું તે લઈએઃ ” સમુદ્રમાં મોજાં ઊછળે છે”. અહીં સંબંધનો અર્થ માત્ર સંલગ્નતા અથવા અભિન્નતા થશે. ગંગાને ખબર નથી કે એ હિમાલયમાંથી નીકળે છે, અથવા હિમાલયને ખબર નથી કે ગંગા જેવી પૂજનીય નદીનો એ જનક છે. પરંતુ આ વાક્ય એમની સંલગ્નતા દર્શાવે છે અને બન્નેને એક સાથે મૂકે છે. સમુદ્રમાં મોજાં ઊછળે તેમાંથી સમુદ્ર અને મોજાંની અભિન્નતા વ્યક્ત થાય છે. મોજાં સમુદ્રમાં જ થાય, લોટમાં તો મોજાં થાય જ નહીં! આ થઈ અભિન્નતા. આ એમનો સંબંધ. આ બન્ને વાક્યો નક્કર રીતે સિદ્ધ થઈ શકે છે. આપણે સત્યવચનના પહેલા ભાગમાં જોયું હતું તેમ વાક્યની સત્યતા માત્ર બાહ્ય પ્રમાણથી જ સાબીત થાય. આ બન્ને વાક્યોને ટેકો આપે એવી બાહ્ય સ્થિતિ છે જ. આ ઉપરાંત કાર્ય-કારણ પણ આવી જ સંલગ્નતા કે અભિન્નતા તરફ લઈ જાય છે. દાખલા તરીકે, વાદળાં બંધાય તો જ વરસાદ પડે.
હકીકતોના આધારે બનેલા આવા સંબંધો અથવા જોડકાં સત્ય છે. હકીકતો કદી વિવાદાસ્પદ ન હોય. એ નક્કર સ્વરૂપની હોય. આથી હું’સાપેક્ષ-નિરપેક્ષ શબ્દો વાપરવાનું પસાંદ નહીં કરૂં. નિરપેક્ષનો અર્થ તો એ થશે કે આ સત્યો કશાય આધાર વિના સ્વયંભૂ છે. પરંતુ, એવું નથી. ગંગાને હિમાલયની, મોજાંને સમુદ્રની અને વરસાદને વાદળાંની અપેક્ષા છે. આથી હું માત્ર એમને ‘નિર્વિવાદ સત્ય’ કહેવાનું પસંદ કરીશ. ભૌતિક જગત આવાં નિર્વિવાદ સત્યોનું બનેલું છે; એનો આધાર, અથવા પ્રમાણ, નક્કર અને ચકાસી શકાય એવી સ્થિતિઓમાં હોય છે.
સંબંધઃ ઈતર + મનુષ્ય
‘ઈતર’ કરતાં મનુષ્ય મગજને કારણે ચડિયાતો છે. આ કારણે હું બીજા માટે અભિપ્રાય આપી શકું છું, પરંતુ. સામો પક્ષ મારા વિશે અભિપ્રાય બાંધવા સમર્થ નથી, સિવાય કે એ પણ મનુષ્ય જ હોય. આમ, ‘મારી ગાય સારી છે’ અને ‘મારૂં ઘર સારૂં છે’ એમ કહું ત્યારે હું એવી ચિંતા નથી કરતો કે ગાય અથવા ઘર પણ મારા વિશે અભિપ્રાય આપે તો? આ બન્ને વાક્યો બોલતી વખતે મારા મનમાં ગાય અને ઘર મારા નિયંત્રણ હેઠળ હોવાનો ભાવ હોય છે. આ એક પ્રકારનો સંબંધ થયો.
આપણે જરા જુદા પ્રકારનું વાક્ય લઈએઃ “આ ખુરશી મને ફાવે છે”. આમાં ખુરશી સાથે તમારા સારા સંબંધોનો સંકેત છે. બીજી બાજુ, બીજી વ્યક્તિ એના જવાબમાં કહી શકે છે કે “આ ખુરશીમાં મારી કમર દુખી જાય છે.” આમ ઈતર + મનુષ્ય સંબંધ, મનુષ્યના અનુભવ પર આધારિત છે. એક વાર એમાં બેઠા તે પછી કમર દુખવા લાગી એ સ્મૃતિ પણ ખરી. પ્રશંસા અથવા નિંદાનાં આ બન્ને વાક્યો બોલાય તે પછી પણ ખુરશી નિર્લિપ્ત રહે છે. હવે ધારો કે આ ખુરશી તમે વેચી નાખો તો તમને દુઃખ પણ થાય! પરંતુ ખુરશીને દુઃખ નથી થવાનું. આ પ્રકારના સંબંધમાં મનુષ્યના ભાવો મહત્વના છે. આ ભાવો કોઇ પ્રકારની પ્રતિક્રિયા રૂપે વ્યક્ત થાય છે. અહીં એ વાક્યમાં સત્ય છે કે નહીં એનો પ્રતિપાદક (verifier) કોઈ એક નથી. જેનો જેવો અનુભવ, તેવો તેનો સંબંધ. વ્યક્તિગત અનુભવો જુદા હોવાથી આ સંબંધો સાપેક્ષ હોઈ શકે, પરંતુ નિર્વિવાદ તો નથી જ, એટલે નિરપેક્ષ હોવાનો તો સવાલ જ નથી.
‘ઈતર + ઈતર’ અને ‘ઈતર + મનુષ્ય’ સંબંધોનું સ્વરૂપ આપણે તપાસ્યું અને એની પાછળનાં સત્યો પણ જાણ્યાં. એ નોંધવા જેવું છે કે આ સંબંધોને મેં ‘+’ના ચિહ્નથી દેખાડ્યા છે. હવે આપણે મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધોને તપાસવાના છે. અહીં ખાસ નોંધવાનું એ છે કે આ સંબંધોમાં બન્ને પક્ષો સમાન છે, ચકાસણીની ક્ષમતા બન્નેમાં છે. બન્ને કલ્પના કરી શકે છે, બન્નેને સ્મૃતિ છે, બન્નેની માન્યતાઓનું એક આખું માળખું વિકસેલું છે. એમની પાસે ભાષા પણ છે, અભિપ્રાય આપવાની શક્તિ પણ છે.આ બધું ‘ઈતર + ઈતર અને ઈતર + મનુષ્ય સંબંધોમાં એકપક્ષી રહે છે. આથી જ, અહીં +નું ચિહ્ન વાપર્યું છે. એમાં બન્ને પક્ષોનો સંપર્ક સમાંતરે ચાલે છે અને નવી સ્થિતિ પેદા કરે છે. પહેલા સંબંધમાં બન્ને પક્ષો ભૌતિક તથ્યો છે અને એ એકબીજા વિશે કશો અભિપ્રાય બાંધતા નથી. બીજા પ્રકારમાં અભિપ્રાય બાંધવાની પ્રક્રિયા એકતરફી છે.
મનુષ્ય અને મનુષ્યના સંબંધો માટે આપણે +નું ચિહન ન વાપરી શકીએ કારણ કે એમાં દ્વિમાર્ગી વ્યવહાર છે. એટલે આપણે આ રીતે મૂકીશું: મનુષ્ય x મનુષ્ય. આ બહુ મહત્વનો વિષય છે અને એમાં માન્યતાઓનું સ્વરૂપ, સંબંધોને મૂલવવાની આપણી રીત, વગેરે ઘણા મુદ્દાઓ આવી જાય છે. અહીં આપણે જે બે સંબંધોની ટૂંકી ચર્ચા કરી તે પણ આ ત્રીજા પ્રકારના સંબંધોનું ક્ષેત્ર સમજવામાં ઉપયોગી થશે. પરંતુ, એમાં તો ઘણું બધું આવશે, એટલે એ હવે આજે નહીં…