Truth in Practice (2)

સત્યઃ વ્યવહારમાં (૨)

આજે આપણે એ વિચારવાનું છે કે માન્યતાઓ શી રીતે બને છે,ભાષામાં એનો શી રીતે વ્યહવાર થાય છે અને એને સત્યના આધાર તરીકે માની શકાય કે નહીં. એક વાત ચોક્કસ કે આ બધી ગડભાંજ માણસની, માણસ માટે અને માણસ દ્વારા છે. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના ‘કુરુક્ષેત્ર’ પર ‘રાસાયણિક તત્વજ્ઞાન’ના લેખો આ સમજવામાં બહુ ઉપયોગી થાય તેમ છે.
કલ્પના
માણસના કૉર્ટેક્સનો વિકાસ એટલો થયેલો છે કે એ વિચારો અને કલ્પનાઓમાં આખું નવું જગત ઊભું કરી શકે છે. ‘ઍલિસ ઇન વંડરલૅન્ડ’ અથવા આપણા ચિરપરિચિત ‘બકોર પટેલ’ કે ગુલિવર( હંસાબહેન મહેતાનો અનુવાદ – ‘ગોળીબારની મુસાફરી’) અથવા તો વૈજ્ઞાનિક કથાઓ (સાયન્સ ફિક્શન), આ કલ્પનાજગતની કરામત છે. પરંતુ, કલ્પનાનું ક્ષેત્ર તો અનેકગણું વિશાળ છે. “જબ દુઃખ કે બાદલ પિગલેંગે…જબ ધરતી નગમે ગાયેગી…” આ પણ કલ્પના છે. એમાંની ઉપમાઓ અને નિર્જીવ ધરતીને સજીવ માનવાને કારણે આપણી સમક્ષ એક ભાવ જગત ઊભું થાય છે. કલ્પનાઓ વાસ્તવિક નથી હોતી પરંતુ એને કારણે આપણું મનો જગત બહુ સમૃદ્ધ બન્યું છે. કલ્પનાઓ ન હોત તો દુનિયાની વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન થઈ હોત. આમ, રસેલ જે વાક્યોનો અભ્યાસ કરે છે, એમાં કલ્પનાઓ તો આવતી નથી! એ સાકાર થતી હોય છે, પરંતુ સાહિત્યિક પાત્રો – સરસ્વતી ચન્દ્ર, દેવદાસ, શેરલૉક હોમ્સ અમર બની ગયા છે એ કેમ ભૂલી શકીએ?

સ્મૃતિ – વ્યક્તિગત, સામુદાયિક
આ ઉપરાંત સ્મૃતિની ભૂમિકા પણ બહુ મહત્વની રહે છે. આપણા પોતાના અનુભવો, કોઈએ કહેલી કડવી કે મીઠી વાત આપણી સ્મૃતિમાં સંઘરાઈ જાય છે. આ મહત્વની વાત છે અને એ આપણા સંબંધોને એક આકાર આપવામાં પણ ભાગ ભજવે છે. દૂધથી દાઝવાની સ્મૃતિ છાસનો સફેદ રંગ જોઈને એને પણ ફૂંકીને પીવાનો સંદેશ આપે છે. શરીરશાસ્ત્ર તો કહે છે કે હાથ પર ઈજા થાય તો એ સંદેશ મગજ સુધી પહોંચે ત્યારે ઈજાની પ્રતીતિ થાય છે. આપણી સ્મૃતિ આપણે કઈ જાતની પ્રતિક્રિયા આપીશું તેમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, એટલે જ દૂધથી દાઝવાનો અનુભવ, દાઝ્યાથી પહેલાં, છાસ પીતી વખતે પણ સાવચેતીનું ઍલાર્મ વગાડે છે. આ સ્મૃતિનું કામ છે.

પરંતુ આ તો વ્યક્તિગત સ્મૃતિ થઈ. આપણી સામુદાયિક સ્મૃતિ પણ હોય છે. માણસ આદિ કાળથી જૂથમાં રહેતો આવ્યો છે, એટલે બીજાનો અનુભવ પણ આપણી સ્મૃતિનો ભાગ બને છે. આપણે બીજાના અનુભવનું પણ પૃથક્કરણ કરીને આપણા પર એને લાગુ કરી શકીએ છીએ. એક જૂથ બીજા જૂથ પર હુમલો કરે અને આ હુમલાને મારી હઠાવવામાં સફળતા મળે અને તે પછી વિજય દિવસ મનાવાય. આ વિજય દિવસ એક પરંપરા બની જાય. એ વખતે શત્રુઓની બહુ નિંદા થાય, પોતાના જૂથનો મહિમા ગવાય. આમ સામુદાયિક અનુભવોનું પોત પાકું થતું જાય છે અને એ આપણી સામુદાયિક સ્મૃતિમાં પરિણમે છે. પછી આ જૂથોઅમુક પેઢીઓ પછી આ સ્મૃતિને આધારે જ પરસ્પર વર્તન કરે. એક જ જાતની સામુદાયિક સ્મૃતિઓ હોય એવા લોકોનું એક જૂથ બને છે. આને આપણે જાતિ. રાષ્ટ્ર, સમાજ વગેરે નામે ઓળખીએ છીએ. વાસ્તવમાં, આ બધું આપણી સ્મૃતિમાંથી પેદા થાય છે. ઘણી વાર આવી સ્મૃતિઓમાંથી અમુક ઘટકો નીકળી પણ ગયાં હોય, તેમ છ્તાં, ઉપર દૂધ અને છાસનો દાખલો આપ્યો છે તેમ આપણી પ્રતિક્રિયા મૂળ હતી તે જ ચાલુ રહેતી હોય છે.

સ્મૃતિ વિના જૂથો બને?
જુથમાં રહેવું એ આપણી જીવન ટકાવી રાખવાની, સર્વાઇવલની, જરૂરિયાત છે. એટલે સ્મૃતિના આધારે જૂથ બને છે, તેમ છતાં, જૂથ બનવાની પ્રક્રિયા માત્ર સ્મૃતિ પર આધાર નથી રાખતી. નવા અનુભવો પ્રમાણે નવાં જૂથો પણ બનતાં જાય છે. દાખલા તરીકે, ડૉક્ટરોનું સંગઠન, કામદારોનું સંગઠન. આમાં વ્યક્તિ તરીકે તમે કૉઇ પણ જાતિના હો, તો પણ ડૉક્ટર તરીકે તમારૂં નવું જૂથ બને છે અને તમે એના પણ સભ્ય બનો છો. નવાં જૂથ બનવાની પ્રક્રિયા દેખાડે છે કે જૂથની રચના અનાદિ નથી કે એ કોઇ એવી વ્યવસ્થા નથી કે આપણે એની બહાર ન જઈ શકીએ. એવું પણ નથી કે આપણે એક કરતાં વધારે જૂથના સભ્ય ન બની શકીએ. કોઈ જૂથ હંમેશાં ટકે એવું નથી હોતું એટલે આપણે અમુક જૂથના સભ્ય હોઇએ તે માત્ર ટેવની સમાનતાને કારણે હોય છે, ઘણી વાર – અને ખરેખર તો મોટા ભાગે – એવું બનતું હોય છે કે આપણી સ્મૃતિ પણ ધૂંધળી બની ગઈ હોય છે, માત્ર સભ્યોની ટેવને કારણે આવાં જૂથો ટકી રહે છે. એના માટેની આપણી ગર્વની કે શરમની લાગણી પણ ખરેખર તો અસ્થાયી જ છે.

માન્યતા
સામુદાયિક સ્મૃતિ, વ્યક્તિગત સ્મૃતિ, આપણું પૃથક્કરણ અને આપણી ટેવો માત્ર એક કાળ પૂરતાં મર્યાદિત નથી રહેતાં. એ પેઢીઓને વારસામાં મળે છે. આપણા દાદા-પરદાદા જે રીતે જીવતા, એ આપણે વારસામાં મેળવીએ છીએ, અને એના પ્રમાણે જીવવા માગીએ છીએ. આમાંથી માન્યતાઓ બને છે. ક્યારેક વ્યક્તિગત સ્તરે આવી માન્યતાઓમાંથી પલાયન દેખાય, પરંતુ મોટા ભાગે માન્યતાઓનું પાલન થતું હોય છે. ઘણી વાર તો એવું બને છે કે આવાં પલાયનો એટલાં વ્યાપક હોય છે કે મૂળ માન્યતા માત્ર મ્યૂઝિયમને લાયક બની ગઈ હોય છે. આપણે હજી પણ જોર કરીને ટકી રહી હોય એવી માન્યતાનો એક એવો દાખલો લઈએ જેમાંથી ભાષાના પ્રયોગનો પણ ખ્યાલ આવેઃ

આપણે ત્યાં મોટા ભાગે નાતની અંદર જ લગ્નો થાય છે. આ માત્ર વારસામાં મળેલી માન્યતા છે. હવે કોઈ છોકરી નાતની બહાર લગ્ન કરવા માગતી હોય તો એનો વિરોધ થાય. એ છોકરી ઘર છોડીને જાય અને મરજી પ્રમાણે લગ્ન કરી લે. એ વખતે આપણે કહીએ છીએ “ફલાણાભાઈની છોકરી ભાગી ગઈ” અથવા તો “ફલાણાભાઈની છોકરીએ ભાગીને લગ્ન કરી લીધાં”. અમુક પ્રકારનાં લગ્નો માટે “ભાગી ગઈ/ગયો એ પર્યાય જેવાં બની ગયાં છે! આ જ શબ્દો વપરાતા હોય છે ને! હસવું આવે એવી વાત છે. ભાગવાની ક્રિયાની અલગ કલ્પના કરો તો આંખ સામે એવું દૃશ્ય આવશે કે છોકરી દોડે છે… હાંફે છે… એની પાછળ થોડા લોકો દોડે છે… છોકરીની આગળ અથવા સાથે એક છોકરો પણ દોડે છે! ‘ભાગવું’ એટલે ખરેખર તો આ દૃશ્ય હોવું જોઈએ, પણ ખરેખર જે બનતું હશે તે દૃશ્ય કઈંક આવું હશેઃ છોકરી, હાંફવાનું તો બાજુએ રહ્યું, શ્વાસનો પણ અવાજ ન સંભળાય એમ ધીમેથી બહાર નીકળતી હશે, અથવા રોજની જેમ સ્વાભાવિક રીતે નીકળી હશે, ઘરમાં વધારે પડતી સભાનતાથી વર્તી હશે! આમ, ભાગવાની ક્રિયા ખરેખર આપણે ધારીએ છીએ એવી રોમાંચક નથી. એ તો સમાજની સ્થાપિત માન્યતાઓમાંથી ભાગવાની ક્રિયા છે, એમાં શારીરિક ક્રિયાનો રોમાંચ તો જરા પણ નથી, ન હોઈ શકે.

ભાષા અને વિશેષણો
આપણે જોયું કે ભાષા કેવું દૄશ્ય ઉત્પન્ન કરી શકે છે. આ દાખલામાં તો એક જીવંત વ્યક્તિ છે, પરંતુ આપણે પરંપરાઓ અને વારસામાં મળેલી માન્યતાઓને આધારે બધી ક્રિયાઓને પણ આવી જ રીતે વર્ણવીએ છીએ. આમાંથી વિશેષણોનો જન્મ થયો છે. વિશેષણો એક દૃશ્ય પણ ઊભું કરે છે. અહીં હું અમુક માન્યતા સારી કે ખરાબ, અથવા એના લાભ કે ગેરલાભની ચર્ચા નથી કરતો. માત્ર માન્યતાનું અસ્થાયી સ્વરૂપ સમજાવવાની કોશિશ કરૂં છું. દાખલા તરીકે મદ્યપાન વિશે દરેક સમાજનું મંતવ્ય જુદું છે. પશ્ચિમી જગતનું દારૂ પ્રત્યેનું વલણ આપણે સ્વીકારી શકતા નથી. જાતિઓ વિશે પણ એવું જ છે. આપણા માટે નાતજાત સ્વાભાવિક હોય, પણ પશ્ચિમી દેશો માટે નવાઇની વાત છે. આના આધારે આપણે ‘સારૂં’-‘ખરાબ’ એવા ગુ્ણો આપખુદીથી નક્કી કરીએ છીએ અને વ્યક્તિ કે કાર્ય પર આરોપીએ છીએ. વિશેષણોનો આધાર આવી માન્યતાઓ છે. હા, વિશેષણોમાં ઘણાં વર્ણનાત્મક હોય છે – કાળો ઘોડો, ધોળી ગાય વગેરે, પણ ‘સારો માણસ’, ‘ખરાબ માણસ’ વગેરેને પણ એ શ્રેણીમાં મૂકી શકીએ?. એ આપણી માન્યતાઓની નિષ્પત્તિ છે. એમાં કોઈ વર્ણન નથી. એ આપણી પ્રતિક્રિયા છે, જેનો આધાર આપણી અમુક માન્યતાઓ છે.

આ માન્યતાઓ ચિત્ર બનીને ભાષામાં આવે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં સર્વોદયવાદી પત્રિકા ‘ભૂમિપુત્ર’માં ભાષા વિશે આવી જ એક ચર્ચા હતી. એક વાક્ય હતું: “એ ભાઇ પોતાને ગાંધીવાદી કહેવડાવે છે, પણ એમને મઢીના સ્ટેશનનાં ભજિયાં બહુ ભાવે છે!” હવે ભજિયાંને અને ગાંધીવાદને શો સંબંધ? પણ એ આપણી ગાંધીવાદ વિશેની માન્યતા છે, આ માન્યતામાં ભજિયાં ક્યાંય ફિટ થતાં નથી! આ ગાંધીવાદનું આપણું ચિત્ર છે! પેલા ભાઇનો એમાં કઈં વાંક નથી આ માત્ર માન્યતાઓના આધારે બનેલાં ચિત્રો છે. તે ઉપરાંત, “આવો ગરીબડો રાજપૂત હોય?”, “પાકો વાણિયો છે”, “બ્રાહ્મણ નામ માટે કલંક છે”, “કોઈ જોઈને કહી ન શકે કે એ મુસલમાન છે”, “કપડાં એવાં પહેરે છે કે કોઈ કહી ન શકે કે પટાવાળો છે” – આવાં વાક્યો પણ આપણી ભાષામાં હોય છે. આવાં બધાં વાક્યોનો આધાર પણ આપણી માન્યતામાં હોય છે. માન્યતાઓને આધારે આપણી ‘સારૂં’ની એક વ્યાખ્યા છે, ‘ખરાબ’ની પણ એક વ્યાખ્યા છે. પરંતુ માન્યતાઓ હંમેશાં વિવાદગ્રસ્ત રહે છે.

રસેલ કહે છે કે આવી માન્યતાઓ વ્યાપક હોય તો એવી માન્યતા દર્શાવતું વાક્ય સાચું હોય. આપણે જોયું કે એવું નથી. આ માન્યતાઓ પોતે જ કોઈ બીજાં કારણોસર બની છે, એટલે એ માન્યતાઓની અંદર જવું પડશે. આ ચર્ચામાં હવેનો પડાવ સંબંધોનો છે, એમાં માન્યતાનો ઉપયોગ છે. પરંતુ આજે અલમ્ અતિ વિસ્તરેણ….

6 thoughts on “Truth in Practice (2)”

 1. કલ્પના, સ્મૃતિ અને માન્યતા વિશે રસપ્રદ વાતો માણી – સંબધો વિશે જાણવાની ઈંતેજારી રહેશે.

  વિષય ઘણો વ્યાપક છે તેથી તે એકહથ્થું ચર્ચાય તેમાં મજા છે. આ વિષયે ભાવ-પ્રતિભાવ ન આપતા આપના વિચારો જાણવા ગમશે.

 2. અતિ સુંદર, બાયોલોજીકલ સત્યની સામાજિક સમજ ખૂબ સુંદર રીતે આપી છે. બાયોલોજીકલ સત્ય ભારતીય માનસિકતામાં જલ્દી ઉતરે નહિ, માટે આ જરૂરી હતું તેવું લાગે છે. ખૂબ ખૂબ આભાર. સલીમ જાવેદની જેમ ભેગા મળીને લખવા જેવું છે.

  1. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ, આભાર. મારા વિચારોને તમારા લેખોએ નક્કર બળ આપ્યું છે. મુલાકાત લેતા રહેશો. જોડી બનાવવાનું સૂચન સારૂં છે!

 3. શ્રી દિપકભાઇ,

  ખૂબ ખૂબ સરસ લેખ. કલ્પનાઓ, સ્મૃતિ અને માન્યાતઓ વિશે વિશેષ જાણકારી મળી. સરળતાથી સમજાય તેવી રીતે આપે રજૂઆત કરી છે. ધન્યવાદ.

  આગળના લેખની ઇંતેજારી રહેશે.

 4. ૧) કલ્પનાના જગતની વાતે બે વાતઃ એક, ભારતીય આધ્યાત્મીકશાસ્ત્રો તો આ બાહ્ય અને નક્કરજગતનેય આભાસી કહે છે તે અને બીજું તે પ્લેટોનું કલાકાર દ્વારા રચાતું કાલ્પનીક અને તેને જ લીધે અસત્ય એવું જગત.
  ૨) આપની વાત કે કલ્પનાએ વીજ્ઞાનનેય મદદ કરી છે તે બહુ કીંમતી બાબત છે. એટલે કલ્પનાનું મુલ્ય સત્ય તરફ કે આ બાહ્યજગતના લાભાર્થે થતી કે થનારી પ્રગતી તરફ લઈ જનારા તત્ત્વ તરીકે ખુબ મુલ્ય ધરાવે છે.
  ૨) સાહીત્યસર્જનની બાબતે જોવા જઈએ તો નાટકનાં પાત્રોનું જગત અને નાટક જોઈ રહેલા પ્રેક્ષકોનું સ્ટેજ પર ભજવાઈ રહેલું જગત એ બે વચ્ચેની વાત બહુ મજાની છે. પાત્રોને જે અનુભવ ભજવતી વેળા થાય તે ભાવજગત હોય છે એનું રુપાંતર રસમાં થતું નથી પણ પ્રેક્ષકને સ્ટેજ પર દેખાતું જગત રસાનુભવ કરાવનારું હોઈ એનેય એક અદ્ભુત દુનીયામાં લઈ જનારું હોઈ કલ્પનાના સત્યનો અનુભવ કરાવે છે. ‘રસનિષ્પત્તિ’ના પ્રકરણે સાહીત્યજગતની અત્યંત લંબાણ અને ઉંડાણમાં લઈ જતી ચર્ચા છેડી છે. પણ એમાં આ કલ્પનાવ્યાપાર અને સત્યનો મુદ્દો બહુ રસનો વિષય બન્યો છે.
  ૩) સ્મૃતિથી બનતાં જૂથો માટે હું “ભય અને લાલચ”નો શિક્ષણજગતમાં વપરાતો શબ્દ વાપરીને કહીશ કે જૂથો બનવા પાછળનાં મુખ્ય પરિબળો એ બન્ને છે. ‘સંગઠન’ એ પોતાનાથી બળવાન સામે સુરક્ષા માટે અને ‘મંડળો’ પોતાના વિકાસ માટે બને છે. સ્મૃતિ એને આ બન્ને કામોમાં મદદ કરે છે. આ આખી પ્રક્રીયા માનવજીવનના આરંભથી જ હોય.
  ૪) માન્યતાઓવાળી આપની વાત ખુબ જ મજાની છે. ભાગવું ક્રીયાપદ દોડવું, નાસવું, બચવું, એસ્કેપીઝમ જેવા અનેક અર્થોનું દ્યોતક હોઈ ભાગનારાં આ બન્ને જણાંની વિશેષ પરિસ્થિતિને એકી સાથે દર્શાવનારું ક્રિયાપદ છે. પણ –
  ૫) વિશેષણો ઓછામાં ઓછી બે બાબતો બતાવે છેઃ એક છે તે સાપેક્ષ બાબત. જેમ કે સારું અને ખરાબ એ. જ્યારે કાળું અને ધોળું એ જગતના બધા જ માનવીને દેખાતી બાબત છે. તે સાપેક્ષતાથી બનતું વિશભષણ ન હોઈ શકે.
  ૬) છેલ્લે, આપે મૂકેલું રસેલનું વાક્ય, “આવી માન્યતાઓ વ્યાપક હોય તો એવી માન્યતા દર્શાવતું વાક્ય સાચું હોય.” આ વ્યાપકતા જેમ ઓછી તેમ સાપેક્ષતા વધુ લાગૂ પડે ને વ્યાપકતા વધુ તેમ ઓછી લાગૂ પડે. હવે આ જ વાતને વ્યાપકને બદલે શાશ્વતતા તરફ લઈ જઈએ એટલે તે “લગભગ સત્ય” બની ગયું ગણાય !
  ૭) હવે તો નવી પૃથ્વી શોધાઈ ચૂકી છે !! ત્યાંનાં સત્યો અને એને ‘સત્યો’ બનાવનારાં સ્મૃતિ–માન્યતા વગેરેની તપાસ જો થાય તો કદાચ એમની સરખામણીમાં આપણાં શાશ્વત સત્યોય નકામાં બની રહે !!!

  બહુ મજા આવી રહી છે….હવે પછી ત્રીજા લખાણ પર !

  1. પ્રિય શ્રી જુગલભાઈ,
   તમારો પ્રતિભાવ વાંચીને બહુ સારૂં લાગ્યું.

   કલ્પના વિશે તો તમે મારા મુદ્દામાં નવું પરિમાણ ઉમેર્યું છે મેં એ જ લખ્યું છે કે કલ્પનાનું માનવજીવનમાં ઘણું મહત્વ છે.

   સ્મૃતિથી બનતાં જૂથો બાબતમાં તમે જે ભય અને લાલચની વાત કરી છે તે સાચી સ્થિતિ છે. સ્તનપાયી પ્રાણીઓમાં મનુષ્ય સૌથી નબળૉ હોવાને કારણે સાથે રહેવું સંઘ બનાવવો, સહકાર કરવો એ જીવનરક્ષણ માટે બહુ જરૂરી હતું. જાતિઓ આવા સમાન અનુભવોના આધારે બની છે. પરંતુ પરિસ્થિતિ બદલાઈ જાય તે પછી પણ વારસામાં મળેલી ટેવો ચાલુ રહે છે! આમ છતાં, નવાં નવાં જૂથો પણ બનતાં રહે છે. એ વિકાસ માટે જ છે, પરંતુ, મૂળભૂત રીતે વિકાસ પોતે પણ સર્વાઇવલની ટૅક્ટિક્સ છે. બીજાં પ્રાણીઓના ઉદ્વિકાસની સરખામણીમાં માનસજાતનો ઉદ્વિકાસ માત્ર શારીરિક નથી રહ્યો; મસ્તિષ્કનો અને એનાં કાર્યોનો પણ ઉદ્વિકાસ થયો છે.! આ ઉદ્વિકાસ વિશે વિચાર કરીએ તો માત્ર એક જ ઉદ્‍ગાર નીકળેઃ “અદ્‍ભુત…અદ્‍ભુત…”!
   વિશેષણો ને મેં બે ભાગમાં વહેંચ્યાં છે. કાળો ઘોડો, સફેદ હંસ આ વિશેષણો વર્ણનાત્મક છે અને તથ્ય આધારિત છે, એમાં સાપેક્ષતા નથી. પણ સારો, ખરાબ એ વિશેષણોમાં સાપેક્ષતા છે. આપણી ચર્ચાનું કેન્દ્ર આ સાપેક્ષ અભિપ્રાયો છે.
   મને લાગે છે કે રસેલ માન્યતાઓવાળાં વાક્યોની ચર્ચામાં ગુંચવાઈ ગયા. માન્યતાઓનું વિશ્લેષણ કરીને એનાં મૂલમામ પહોંચ્યા હોત તો સારું થાત. તમે ‘શાશ્વત’ની વાત કરી છે. શાશ્વત પોતે પણ એક કલ્પના હોઈ શકે અને મેં આખી ચર્ચામાં મનુષ્યના સરેરાશ આયુષ્યને ધ્યાનમાં લીધું છે. ૬૫-૭૫ કે સો વર્ષ પૂરતું બધું શાશ્વત લાગે પણ તે પછીયે એ શાશ્વત હોય એ આપણી કલ્પના જ હોય તો? અને ‘નવી પૃથ્વી’નો ઉલ્લેખ કરીને તમે પોતે જ એ શાશ્વતીનો છેદ ઉડાડી દો છો! માત્ર નશ્વરતા શાશ્વત છે, એમ લાગે છે.
   આભાર… અને હજી પણ કૉમેન્ટ્સ આપતા રહેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s