સત્ય: વ્યવહારમાં (૧)

ડૉ. પરેશ વૈદ્યને તો હવે આપ સૌ એમના લેખોને કારણે જાણો જ છો. પત્રો લખવાના જમાનામાં અમારા વચ્ચે વિવિધ વિષયો પર ઘણો પત્રવ્યવહાર થતો અને સ્થિતિ એ હતી કે મારે કઈં સ્વતંત્ર લખવું હોય તો પણ ઉપર પહેલાં “પ્રિય પરેશ” એમ ન લખું તો પેન જ ન ચાલે! આ વખતે પરેશ દિવાળીમાં દિલ્હી આવ્યા, ત્યારે છેક ૧૯૬૯થી એમને મેં લખેલા પત્રો પણ સાથે લાવ્યા! એટલે કે, અમે ‘શેવ’ કરવાની શરૂઆત કરી હોય તે તો નજીકનો ભૂતકાળ હતો એવા દિવસો. એમના પત્રો મેં પણ સાચવ્યા હતા પરંતુ ઉધઈ-ઇચ્છા બલિયસી.

મિત્રો, ‘સત્યવચન’ સીરીઝના લેખો આપ સૌ પહેલાં જ વાંચી ચૂક્યા છો, તે આ પત્રવ્યવહારના ઝાડની ડાળીઓ પર જ પારણાં ઝૂલ્યા છે. એ વખતના વિચારો અપરિપક્વ હોય અથવા બહુ સમજાયું ન હોય તેને પણ આપણે ‘બહુ સમજાયું’ માની લઈએ એ શક્ય છે. મારા જ ઘણા પત્રોમાં ઘણું એવું વાંચવા મળ્યું, જે બાલિશ લાગે છે; અથવા મારૂં લખેલું મને પોતાને જ સમજાતું નથી! કેટલુંક તો એવું છે કે હવે એને હું નકારતો થઈ ગયો છું. આમ છતાં, કેટલાક પત્રોની પરિપક્વતા (કે અપરિપક્વતા) આજે પણ મારી અંદર ટકી રહી છે – દાખલા તરીકે, એમાં, ‘માન્યતા’ વિશેના બર્ટ્રાન્ડ રસેલના વિચારો, અને તે પછી એમના આધારે, ‘માન્યતા’નું જ પૃથક્કરણ કરીને ‘સત્ય’ને સમજવાનો અથવા માન્યતાને ‘હકીકત’ તરીકે જોવાનો પ્રયાસ.

‘સત્યવચન’ ના લેખોમાં મેં લખ્યું હતું કે કોઈ વાક્ય કે કથનને સાચું પૂરવાર કરવા માટે નક્કર હકીકતોનો આધાર જોઈએ કારણ કે સત્ય પોતે વાક્યનો ગુણ નથી,વાક્ય માત્ર વ્યાકરણ પ્રમાણે સાચું હોઈ શકે, પરંતુ એ સાચી સ્થિતિને રજુ ન કરતું હોય. આપના પ્રતિભાવોને કારણે થોડી પ્રગતિ પણ થઈ અને સત્યની અભિવ્યક્તિથી આગળ વધીને સત્યને આપણે વ્યક્તિના સંદર્ભમાં પણ જોયું: (૧) સત્ય દરેકનું અલગ હોય છે એટલે માત્ર આપણે સાચા નથી હોતા; (૨) સમસંવેદન એટલે કે આપણે બીજાની સ્થિતિ સમજીએ અને પારદર્શી બનીએ; તે ઉપરાંત (૩) આપણે પોતે એવા બનીએ કે સૌ આપણી આરપાર જોઈ શકે વગેરે. આમ છતાં આપણા સામાજિક વ્યવહારની આમાં ક્યાંય વાત ન આવી, અમુક માપદંડો જરૂર ચર્ચાયા. આપણા પરસ્પર સામાજિક અને વ્યક્તિગત વ્યવહારમાં કે ઇચ્છાઓમાં સત્યને કેમ સમજવું? સામાજિક વ્યવહારમાં માન્યતાઓનું જોર વધારે હોય છે. માન્યતાઓ એટલે પરંપરાઓ, આપણે પ્રાપ્ત કરેલી ટેવો, વારસામાં મળેલા વિચારો.ઍન્થની ડિમેલોની વાર્તાઓ દ્વારા આપણે રૂઢ માન્યતાઓ સત્યને સમજવામાં કેમ આડે આવે છે તે પણ જોયું હતું. આમ માન્યતાઓનું ખરૂં રૂપ સમજ્યા વિના ‘સત્ય’ પણ ન સમજાય. આ બાબતમાં રસેલથી સંતોષ નહોતો થયો.

રસેલની ‘માન્યતા’
સાચું કહું તો, ૧૯૭૫માં રસેલનું My Philosophical Development વાંચ્યા પહેલાં ‘સત્ય’ને સમજવાનો પ્રયાસ કરવાનો પણ વિચાર નહોતો આવ્યો. રસેલ પહેલાં અદ્વૈતવાદી (Monist) હતા. બ્રિટનનો અદ્વૈતવાદ આપણા આધ્યાત્મિક અદ્વૈતવાદથી જુદો છે. બ્રિટિશ અદ્વૈતવાદીઓનું કહેવું છે કે બધાં સત્યો એકબીજાનાં પૂરક છે અને સમગ્ર રીતે જોતાં બધાં સત્યો આખા વિશ્વના એક સળંગ સત્યના ભાગ છે. ખરૂં જોતાં આ વ્યાખ્યા નથી, વર્ણન છે. બીજી બાજુ, બ્રિટનના વ્યવહારવાદીઓના મતે “જે માન્યતા અસરો પેદા કરે તે સાચી માન્યતા.” રસેલે અદ્વૈતવાદી વર્ણન તો નકારી કાઢ્યું, તે સાથે વ્યવહારવાદીઓની ‘સાચી માન્યતા’ની વ્યાખ્યાને પણ પડકારી. એમણે ઉદાહરણ તરીકે નાઝીવાદી જર્મનીને લીધું. નાઝીવાદી માન્યતાની તો કેવી ભયંકર અસરો થઈ!. માત્ર અસર થવાને કારણે કોઈ માન્યતાને સાચી ન માની શકાય. એમણે વ્યવહારવાદીઓના મતને “વિશ્વશાંતિ માટે ભયજનક” ગણાવ્યો.

હવે એમણે ભાષાનાં વાક્યો લઈને તપાસ શરૂ કરી કે જેથી વાસ્તવિક સ્થિતિના આધારે વ્યાખ્યા આપી શકાય. એમણે કહ્યું કે જ્યારે પણ સત્યને સમજવાની વાત આવે ત્યારે લોકો ઈશ્વર, બ્રહ્માંડ વગેરે મોટા વિષયોથી શરૂઆત કરે છે. ખરેખર સાદાં વાક્યો લેવાં જોઇએ. દાખલા તરીકે, “સોક્રેટિસ પ્લેટોને ચાહે છે” એ વાક્યમાં (૧) સોક્રેટિસ, (૨) પ્લેટો, અને (૩) ચાહવું – આ ત્રણ બાબતો છે. પરંતુ એ વખતે રસેલ Subject એટલે કે વ્યક્તિની ભૂમિકાને મહત્વ આપતા હતા એટલે એમણે કહ્યું કે ખરેખર તો આ વાક્ય આ પ્રમાણે છેઃ “હું માનું છું કે સોક્રેટિસ પ્લેટોને ચાહે છે” આમ ચોથું આત્મલક્ષી ઘટક “હું માનું છું” પણ એની અંદર ગર્ભિત રૂપે છે.

એમને પાછળથી લાગ્યું કે સોક્રેટિસ પ્લેટોને ચાહે એમાં ‘મારા માનવા’ સાથે કશો સંબંધ જરૂરી નથી. હું ગમે તે માનું, સોક્રેટિસના પ્લેટો માટેના સ્નેહનો આધાર મારી માન્યતા નથી. આ વાક્ય સાચું ઠરાવવા માટેનો આધાર મારી અંદર નહીં પણ બહાર હોવો જોઈએ.

હવે એમણે નવેસરથી પ્રયાસ શરૂ કર્યા. એમણે ત્રણ તબક્કામાં આ વ્યાખ્યા આપીઃ

(૧) વાક્યઃ દરેક સત્યો વાક્યમાં પ્રગટ થાય છે. જે બોલી શકે તે વાક્યનો પ્રયોગ કરે છે, પણ ન બોલી શકે તેય મનમાં એ વાક્ય અનુભવે છે.

૨) સૂચિતાર્થઃ વાક્ય કોઈ પણ ભાષામાં હોઈ શકે પરંતુ એનો સૂચિતાર્થ બદલાતો નથી – “Nehru is dead” અને “નહેરુ મૃત્યુ પામ્યા” એ બન્ને જુદી ભાષામાં બોલાયેલાં વાક્યો હોવા છતાં એમનો સૂચિતાર્થ “નહેરુનું મૃત્યુ” છે. આમ, રસેલે ભાષા વૈવિધ્યને કારણે ઊભી થઈ શકે એવી મુશ્કેલી દૂર કરી અને વાક્યની અંદર ગયા.

(૩) માન્યતાઃ રસેલનું કહેવું છે કે દરેક સૂચિતાર્થની પાછળ એક માન્યતા હોય છે. આવું માન્યતાવાળું વાક્ય એક કે તેથી વધારે તથ્યો સાથે સુસંગત હોય તો સાચું ગણાય. નહેરુનું મૃત્યુ થયું એવી માન્યતા “નહેરુનું મૃત્યુ” નક્કર હકીકત હોય તો જ સાચી ઠરે. આમ દરેક માન્યતાનો નક્કર પ્રતિપાદક (verifier) હોવો જોઈએ.

રસેલનું ચિંતન
રસેલે સત્યની વ્યાખ્યા ન આપી, પરંતુ, એમણે માત્ર કઈ માન્યતા સાચી અને કઈ ખોટી તે જ સમજાવ્યું – અને તે પણ ‘માન્યતા’ની વ્યાખ્યા કર્યા વિના જ! માન્યતા સાચી કે ખોટી એ એમણે પ્રતિપાદકને આધારે નક્કી કરવાની સલાહ આપી, પણ આ માન્યતા છે શું? માન્યતાઓ કયા આધારે બંધાય? કઈંક જુઓ, અનુભવો, અનુમાનો કરો તેના આધારે જ ને? રસેલ ફરીથી ‘માન્યતા’ની બાબતમાં એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં આત્મલક્ષી તત્વનો પ્રવેશ થાય અને તથ્ય ન હોય. જો કે એમણે જ્ઞાનના ‘ડેરિવેટિવ’ (તારવેલું) અને ‘ઇન્ટ્યૂટિવ’ (આત્મસ્ફુરણથી) મળતું જ્ઞાન એવા ભાગ પાડ્યા છે અને ઇન્ટ્યૂટિવ જ્ઞાન બાબતમાં શંકા પણ વ્યક્ત કરે છે. આમ છતાં એમણે માન્યતાઓને પણ હકીકતો (‘ફૅક્ટ્સ’)માં ફેરવી નાખી હોત તો કામ સહેલું થઈ ગયું હોત. કેમ એ કરવું?

સમસ્યાઓઃ કેટલાંક ઉદાહરણો

એમની સમક્ષ અમુક વાક્યોમાં શી સમસ્યા ઊભી થઈ તે જોઈએ. મને લાગ્યું કે આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે રસેલે બહુ બૌદ્ધિક દંડબેઠક કર્યાં છે.

રસેલ કહે છે કે ‘સાચાપણું’ કે ‘ખોટાપણું’ માત્ર જેમાં માન્યતા હોય એવાં વાક્યોને લાગુ પડે છે, એટલે સત્યને સમજવા માટે આવી માન્યતાવાળાં વાક્યોનું જ પૃથક્કરણ કરવું જોઇએ. નક્કર હકીકત દ્વારા પ્રતિપાદન થતું હોય તો માન્યતા સાચી, નહીંતર ખોટી. વાક્યનો આધાર માન્યતા હોવાથી વાક્ય પણ માન્યતા પ્રમાણે સાચું કે ખોટું ઠરે.એમનાં જ કેટલાંક ઉદાહરણ જોઈએ.

“મારે ઘરે ચાલો, આપણે કૉફી પીશું”. આ વાક્ય સાચું પણ નથી અને ખોટું પણ નથી. આ વાક્યનો નક્કર આધાર શો? બનાવ તો બન્યો નથી એટલે એને સાચું સાબીત કરે એવો પ્રતિપાદક ન જ હોય. ભવિષ્યકાળનાં વાક્યોમાં આ મુશ્કેલી નડે છે. આમ છતાં, તમે મને ઘરે લઈ જાઓ ત્યારે ખબર પડે કે કૉફી તો ખલાસ થઈ ગઈ છે! રસેલ કહે છે કે તમારી માન્યતા હતી કે કૉફી ઘરમાં છે, પણ એ માન્યતા ખોટી પડી, ધારણા કે માન્યતા ખોટી પડે એ શક્ય છે. આમ વાક્યનો સૂચિતાર્થ સિદ્ધ ન થાય તો એ ખોટું ઠરે, પરંતુ વાક્ય બોલાયું ત્યારે એ માન્યતા ખોટી જ હતી એમ ધારવાનું શક્ય નથી. એ માત્ર પ્રતિપાદકની અપેક્ષા રાખતું હતું. પ્રતિપાદક મોડેથી પ્રવેશતો હોવાથી વાક્ય શરૂઆતથી, અને અંત સુધી, ખોટું સાબીત ન થઈ શકે. સવાલ એ છે કે વાક્ય અને હકીકત વચ્ચે ભવિષ્યની ઘટનામાં કેમ સંબંધ બની શકે? હજી ઘટના તો બની જ નથી! ઘરમાં કૉફી હશે એવી જ ધારણાથી આમંત્રણ આપેલું ને? આવી ધારણા કેમ બની એનો ખુલાસો જરૂરી છે.

ઉપરના ઉદાહરણમાં વાક્ય બોલાયું ત્યારે પ્રતિપાદક(કૉફી)ની હાજરી જ નહોતી. પરંતુ, ઘણી વાર એવું બને કે આપણી સમક્ષ નકારાત્મક વાક્ય હોયઃ “હું નહેરુને કદી મળ્યો નથી”. નહેરુને મળ્યો ન હોઉં તો આ વાક્યનો પ્રતિપાદક કોણ? આ વાકયને સાચું શી રીતે માનવું? નહેરુને મેં નજરે જોયા જ ન હોય તો એમને પ્રતિપાદક તરીકે કેમ રજુ કરૂં? જે ક્ષણે બોલતો હોઉં તે સમયે નહેરુને દેખાડી શકું તો એમની સાથે મારી મુલાકાત થઈ જાય! એટલે ‘કદી મળ્યો નથી” એ ખોટું પડે! રસેલ આને અંતર્વિરોધ તરીકે ઓળખાવે છે. પરંતુ અંતર્વિરોધ જેવું કઈં નથી. અહીં હકીકતમાં ‘હું’ આ વાક્યનો પ્રતિપાદક છે. આમ પ્રતિપાદકની પસંદગી પણ બરાબર હોવી જોઈએ.

ઉલ્ટું, આપણે ક્યારેક પ્રતિપાદકની હાજરીને કારણે છેતરાઈ જઈએ, એવું પણ બનતું હોય છે. ઉપરનાં બન્ને ઉદાહરણોમાં વાક્ય બોલાયું ત્યારે પ્રતિપાદક હતો જ નહીં, પરંતુ, પ્રતિપાદક જ ખોટો હોય એવું ન બને? તમે ઘડિયાળ જોઈને કહો કે “અત્યારે દસ વાગ્યા છે” પરંતુ એ વાત પર ધ્યાન ન આપો કે ઘડિયાળ બંધ પડી ગઈ છે. હવે, એ વખતે ખરેખર દસ વાગ્યા હોય તો “દસ વાગ્યા છે” એ વાક્ય ઘડિયાળ રૂપી પ્રતિપાદકને કારણે સાચી પડે. આમ છતાં, અર્ધા કલાક પછી તમને ખ્યાલ આવે કે ઘડિયાળ તો બંધ પડી ગઈ છે ત્યારે તમારો પ્રતિપાદક ખોટો હતો એમ સમજાય. પરંતુ, તમે ઘડિયાળ જોઈને કહ્યું તે શા માટે? આનું કઈં કારણ હશે?

જો કે, એટલું કહેવું પડશે કે રસેલે આ ત્રીજા ઉદાહરણમાંથી એક મહત્વનું તારણ આપ્યું છેઃ માન્યતાને જ્ઞાન સાથે સંબંધ નથી. માન્યતા સાચી હોય તો પણ એમાં જ્ઞાન પણ છે એમ ન કહી શકાય. આ ઉદાહરણ દેખાડે છે કે પહેલાં પ્રતિપાદકની હાજરીની કારણે માન્યતા તો સાચી પડી પરંતુ જ્ઞાન નહોતું. અર્ધા કલાક પછી ઘડિયાળ જૂઓ ત્યારે તમને જ્ઞાન થાય અને તમારી માન્યતાને જ્ઞાનનો પણ આધાર મળે. બીજું ઉદાહરણ લઈએ. “ઈશ્વર સર્વવ્યાપી છે” એમ કહેવામાં માત્ર માન્યતા વ્યક્ત થાય છે. આ વાક્યનો પ્રતિપાદક કોણ? એટલે આ માન્યતામાં જ્ઞાન નથી. ભલે એ બોલનારો જ્ઞાની લાગે. જ્ઞાન સિવાય તો બધું ‘લોલેલોલ’ હોય અથવા આંધળે બહેરૂં કૂટાતું હોય!

વળી, ભાષા વિના પણ માન્યતા બનતી હોય છે. રસેલે આનું ઉદાહરણ પણ આપ્યું છે. જોરથી આંધી આવે ત્યારે તમારી માન્યતા બને કે બારી બારણાં અફળાશે. તમે ઘરમાં એકલા હો તો આ માન્યતા શબ્દમાં તો વ્યક્ત ન જ કરો, તેમ છતાં માન્યતા પેદા તો થાય જ છે. રસેલે વાક્યની સત્યતાનો આધાર માન્યતાને બનાવી પણ અહીં તો માત્ર માન્યતા છે, વાક્ય નથી. તમે શાને સાચું કે ખોટું ઠરાવો? આ ઉદાહરણ તો એમ દેખાડે છે કે માન્યતા માટે ભાષાની જરૂર નથી.

આમ, ‘માન્યતા’ને સમજ્યા વિના વાક્યમાં સત્ય છે કે નહીં એ જ ન સમજાય. વ્યહવારમાં તો બહુમતીની માન્યતા જ સાચી તરીકે સ્થાપિત થતી હોય છે, જે ખરેખર સાચી ન હોય. માન્યતા સત્યનો આધાર બનતી નથી.

માન્યતાઓ, વિશેષણો અને સંબંધો વિશે હવે પછી…

%d bloggers like this: