E-mails vs Environment

ઇ-મેઇલ નિર્દોષ નથી!
પાંચમી નવેમ્બરના The HInduમાં એક ઉપયોગી લેખ વાંચવા મળ્યો. Speaking of science – E-mails not all that ‘green’ (http://www.thehindu.com/sci-tech/energy-and-environment/article2612323.ece). લેખક શ્રી ડી. બાલસુબ્રામનિયન અને ‘ધી હિન્દુ’એ આ લેખ દ્વારા આપણી સેવા કરી છે. લેખકના વિચારોને ફેલાવવાના ઉદ્દેશથી અહીં એનું ગુજરાતી રૂપાંતર મારા શબ્દોમાં આપું છું. મૂળ લેખમાં રસ હોય તેઓ આ લિંક પર જઈ શકે છે.લેખકની ઇ-મેઇલ આઇડી છેઃ dbala@lvpei.org.

આપણે માનીએ છીએ કે ઇ-મેઇલને કારણે કાગળની બચત થાય છે અને કાગળની બચત એટલે ઝાડની બચત, જંગલનું રક્ષણ. પર્યાવરણનું જતન. ઓછો કાર્બન ડાયોક્સાઇડ. શ્રી બાલસુબ્રામનિયનજીનો પણ એવો જ ખ્યાલ હતો. પરંતુ તેઓ લખે છેઃ ” સામયિક ‘સાયન્સ’ના હાલના અંકમાં એક ન્યૂઝ આઇટેમ જણાવે છે કે E-mails are not so green. એટલે કે ઇ-મેઇલ આપણે ધારીએ છીએ એટલા પર્યાવરણના સંરક્ષક નથી. યુરોપની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, કમ્પ્યૂસેંટરના શ્રી મૅથ્યૂ યેગરનું કહેવું છે કે એક ઇ-મેઇલમાં ૪.૭ એમબીની ફાઇલ ઍટેચમેન્ટ તરીકે મોકલો ત્યારે, ચાની કીટલીને ૧૭.૫ ગણી ઉકાળવાથી જેટલા ગ્રીનહાઉસ વાયુઓ પેદા થાય એટલા આ એક ઇ-મેઇલથી પેદા થાય છે. ૧ એમબીના ઇ-મેઇલથી ૧૯ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને તમે દસ જણને ‘સીસી’ કરીને મોકલો ત્યારે એની અસર ૭૩ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જેટલી હોય છે. લેખક કહે છે કે “આ વાંચીને મને આશ્ચર્ય થયું, કારણ કે હું માનતો હતો કે લોકો સાથેના પત્રવ્યવહાર માટે ટપાલને બદલે મારૂં કમ્પ્યૂટર વાપરીને હું આપણા ગ્રહની સેવા કરૂં છું!” સાચી વાત છે. દિવાળીના અને એવા જ તહેવારો કે પ્રસંગોએ તો ઢગલાબંધ ઇ-મેઇલની આપ-લે થયા કરતી હોય છે!

લેખક ‘ધી ઍટલાન્ટિક’ મૅગેઝિનના ૧૨ ઑગસ્ટ ૨૦૧૦ના અંકમાંથી કીરા બટલરને ટાંકે છેઃ “ધારો કે, તમે ૨૦ જણને એક પિક્ચર મોકલો છો. એ દરેક ડાઉનલોડ કરશે. એના માટે કમ્પ્યૂટર, સર્વર, સ્ટોરેજ સેન્ટરોનો ઉપયોગ થશે, કદાચ કોઈ પ્રિંટર પણ વાપરે. આ બધાંમાં ઊર્જા વપરાશે અને એમાં કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થશે.” ફેસબુક પર દર સેકંડે એક હજાર ફોટા મુકાતા હોવાનો અંદાજ છે. હિસાબ કરીએ તો ખબર પડે કે કેટલી ઊર્જા વપરાઇ.

મૅથ્યૂ યેગરના શબ્દો ટાંકીને શ્રી બાલસુબ્રામનિયન કહે છે કે, આજે દુનિયામાં ૧.૨ ઝિટાબાઇટ (ZB) જેટલો ડૅટાનો સંગ્રહ થાય છે. એક ઝિટાબાઇટ એટલે ૧ પછી ૨૧ મીંડાં. આટલી સામગ્રી સાચવવા માટે મૅનહટન ટાપુનો પાંચમો ભાગ જેટલી જગ્યા રોકાય. અમેરિકાની બધી શૈક્ષણિક લાયબ્રેરીઓનાં પુસ્તકોને પાંચ લાખથી ગુણો એ્ટલી બધી સામગ્રી હોવા છતાં આપણે કઈં વિચારતા જ નથી. ૨૦૨૦ સુધીમાં ડૅટા સ્ટોરેજ ૩૫ ZB સુધી પહોંચી જવાની ધારણા છે.

બાઇટનું માપ દર વખતે હજારગણું વધતું જાય છે. મેગા એટલે દસ લાખ, ગિગા એટલે એક અબજ, ટેરા એટલે ૧ પાછળ ૧૨ મીંડાં,, પેટા એટલે ૧ પાછળ ૧૫ મીંડાં, એક્ઝા ૧ પાછળ ૧૮ મીંડાં, ઝિટા એટલે ૧ પાછળ ૨૧ મીંડાં અને યોટા એટલે ૧ પાછળ ૨૩ મીંડાં. આમ આંકડો કુદકે ને ભૂસકે આગળ વધતો જ જાય.

આમ, ઇ-મેઇલને નિર્દોષ ન કહી શકાય. એમાં પૂંછડું પણ જોડ્યું હોય તો તો એ ગજબનો અપરાધી બની જાય છે. યેગર જણાવે છે કે એક ૧૦૦ કર્મચારીવાળી કંપનીમાં દરેક કર્મચારી દરરોજ સરેરાશ ૩૩ મેઇલ મોકલે છે અને ૫૮ મેઇલ મેળવે છે. આ કંપની વરસેદહાડે ઇ-મેઇલને કારણે જે ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરશે તેનું પ્રમાણ ૧૩.૬ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું હશે. ફ્રાન્સની પર્યાવરણ એજન્સીનો અંદાજ છે કે એકસો કર્મચારીઓવાળી આ કંપનીઓ વરસમાં ઇ-મેઇલના પ્રમાણમાં માત્ર દસ ટકાનો કાપ મૂકે તો પણ કઈં નહીં તો એક પેરિસ-ન્યૂ યૉર્ક-પેરિસ વિમાની સફરને કારણે પર્યાવરણને થતા નુકસાનને સરભર કરી શકાય.

લેખક અહીં પોતાનો જાત-અનુભવ લખે છેઃ એમણે જ્હોન હૉપકિન્સના ડૉ. જેરિમી નૅથન્સને એક વ્યાખ્યાન આપવા હૈદરાબાદ આવવા આમંત્રણ આપ્યું. નૅથન્સે ઇ-મેઇલથી જવાબ આપ્યો કે બાલ્ટીમોરથી આવવા અને પાછા જવામાં, પર્યાવરણને નુકસાન થાય તેના માટે તેઓ તૈયાર નથી. તે પછી એમનું લાઇવ વીડિયો વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું. લેખક કહે છે કે હવે આમ કરીને એમણે કેટલો કાર્બન ડાયોક્સાઇડ બચાવ્યો એનો મારે અંદાજ કાઢવો પડશે! ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશનમાં કેટલી ઊર્જા વપરાય છે તે જાણવા માટે શ્રી બાલસુબ્રામનિયને http://whatsthisgottodowithstoragefiles.wordpress.com/2010/08/wired-uk-july-2009-internet-electricity.pdfની મુલાકાત લેવાની ભલામણ કરી છે. આ વેબસાઇટ જણાવે છે કે દર વર્ષે ૧૨૩ અબજ કિલોવૉટ/કલાક વીજળી માત્ર ઇંટરનેટના સર્વર ચાલુ રાખવા માટે વપરાય છે.

લેખક સમાપન કરતાં પૂછે છે કે આપણે શું કરી શકીએ? એમણે પોતે જ કેટલાંક સૂચનો કર્યાં છેઃ
૧). કમ્પ્યૂટરની મેમરી સ્પેસ ખાલી કરી નાખો. અવારનવાર ઇન અને આઉટ મેઇલ ડિલીટ કરતા રહો. નહીંતર સ્ટોરેજની જરૂર વધી જશે અને એના માટે વધારે વીજળીની જરૂર પડશે.
૨). તમારા તરફથી ઇ-મેઇલ મેળવનારની સંખ્યા મર્યાદિત કરી નાખો.
૩). ઍટેચમેન્ટની સાઇઝ ઘટાડી નાખો.
૪). સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાને બદલે URL ઍડ્રેસ સીધું જ ઍન્ટર કરો. બહુ જરૂરી ન હોય ત્યાં સુધી ગૂગલ કે યાહૂ સર્ચ ન કરો.
૫). કમ્પૂટર કે ઍક્સેસરીઓને આખી રાત કામ વિના ચાલુ ન રાખો. ‘સ્લીપ મોડ’માં પણ વીજળી વપરાય છે, જેને તો આપણે અવશ્ય બચાવી શકીએ.
૬). લૅપટૉપ ૧૫-૬૦ વૉટ વીજળી વાપરે છે, જ્યારે ડેસ્કટૉપ કમ્પ્યૂટર ૨૫૦ વૉટ વીજળી ખાઇ જાય છે. બને ત્યાં સુધી ‘ઑફલાઇન’ કામ કરો.

તો, આમ છે. પરંતુ, આ લેખની લિંક તો આજ સુધી જેની સાથે સંપર્ક ન થયો હોય તેને પણ મોકલાવશો. સારૂં કરવા માટે એક વાર નાનું ખોટું સભાનપણે કરવામાં કઈં ખોટું નહીં! આવજો.

9 thoughts on “E-mails vs Environment”

 1. શ્રી દિપકભાઇ,

  ખૂબ સરસ વિજ્ઞાન-માહિતીલેખ. લેખકના સૂચનો ખૂબ ઉપયોગી.

  શક્ય એટલાને લિંક મોકલવાની વાત પણ સાચી. જ્યાંથી વધુ ઈ-મેઇલ આવતી હતી ત્યાં આ લિંક મોકલી દીધી છે.

 2. દીપકભાઈ, ઉપયોગી માહિતી માટે આભાર.
  આવા લેખો આવે ત્યારે ક્ષણીક બહુ અપરાધભાવ થઇ આવે અને એને વશ થઈને આ માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોચે એ માટે એની લીન્ક મોકલવા માંડીએ છીએ.
  અને થોડા કલાકોમાં તો આ વાત એવી ફેલાઈ જાય છે કે આપણે લિન્ક મોકલી હોવા છતાં આપણા પર પણ એના એ જ મેલ પાછા આવે છે. બધાને થાય છે કે – પર્યાવરણ બચાવવામાં હું પાછળ રહી જઈશ તો?
  બાકી તો કાગળ બચાવવા માટે કોણ મેલ વાપરે છે? એ તો સખત ઝડપી છે (અને એથીય વિશેષ તો- મફત છે) એટલે લોકો વાપરે છે, એવું મારું (મારા જેવા થોડા મિત્રો પૂરતું) અનુમાન છે. આમાં અમુક સૂચનો ખરેખર સારા છે. તકલીફ એક જ છે કે વાપરતી વખતે એ યાદ રહેવા જોઈએ. (દિમાગની મેમરી તો હવે આપણે કમ્પ્યુટરમાં ઠાલવી દીધી છે.)
  એટલે ડોન્ટ વરી, બી હેપી.

  1. મારી જ વાત કરૂં. આ લેખ ટાઇપ કરતો હતો ત્યારે ઇંટરનેટનું તો કઈં કામ નહોતું, પણ જ્યારે લેખમાં ‘ઑફલાઇન’ શબ્દ આવ્યો ત્યારે યાદ આવ્યું કે ઇંટરનેટ તો કારણ વગર ચાલુ છે! પોથીમાંનાં રીંગણાં!
   પણ મેં કેટલીયે કારણ વગરની ચીજો સંઘરી રાખી હતી તે બધી કાઢી નાખી, એટલી સેવા જરૂર કરી.આશા રાખું છું કે આ મારો શ્મશાન વૈરાગ્ય નહીં હોય!

 3. હજી હજારો કરોડો વર્ષ સુધી સુરજ આપણને મફતમાં કોઈ પણ ચાર્જ વગર ઉર્જા આપતો રહેશે. પૃથ્વી ઉપર ઘણાં જીવો હમેશને માટે અસ્તીત્વ મીટાવી ચુક્યા છે કારણ કે એ ફીટ ન થયા. માણસને વાંધો નહીં આવે.

 4. શ્રી.દીપકભાઈ, સ_રસ લેખ.
  કહો કે આંખ ખોલનારો લેખ ! હવે જ્યારે કોમ્પ્યુ. – નેટ ચાલુ કરીશું ત્યારે આ લેખ યાદ આવશે ! સવાલ માત્ર ’ક્યાં સુધી ?’ એટલો છે !! જો કે સંસાધનોના સમજણપૂર્વક વપરાશની કાયમી ટેવ પણ પાડી શકાય ખરી. (ચા-કોફી, મસાલા, બીડી વગેરેની ટેવ પડી જતી હોય, ફેસબૂક કે મેઈલ એવા બધા વપરાશની ટેવ પણ પડી શકતી હોય તો ઉપકરણો યોગ્ય સમયે બંધ કરવા, ખપમાત્રનો વપરાશ કરવો વ. ટેવ પણ પાડી તો શકાય જ.)

  આપે લિંક્સ તો આપી પણ લિંક્સ તરીકે કામ નથી આપતી. તો જરા જોઈ જશો. આભાર.

  1. પ્રામાણિકતાથી કહું તો મને વર્ડપ્રેસમાં લિંક બનાવતાં આવડ્યું નહીં! ટેકનિકલ બાબતોમાં હજી હું પ્રાથમિક શાલામાં છું. જો કે બીજી બાબતોમાં આગળ વધ્યો ચું એ મારો ભ્રમ હોઈ શકે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: