Life and Death

આ અઠવાડિયે શ્રી ગોવિંદભાઈ મારુએ એમના બ્લૉગ ‘અભિવ્યક્તિ’ પર એમના દેહદાનના સંકલ્પનું વિલ મૂક્યું છે: http://govindmaru.wordpress.com/will/ શ્રી અરવિંદભાઈ અડાલજાએ એના પ્રતિભાવ રૂપે એમનો ૨૦૦૮નો ભાવવાહી પત્ર મૂક્યો છે. બન્ને વાંચવા જેવા છે.

ઘણાં વર્ષો પહેલાં મૃત્યુની ઘટનાને સમજવાની કોશિશ કરી હતી પરંતુ એ મિત્રને પત્રના સ્વરૂપમાં જ રહ્યું. હાલમાં એનો એક લેખ તૈયાર કરી રાખ્યો હતો, પરંતુ ટાળતો રહ્યો કે દિવાળી આવે છે તે ટાંકણે મૃત્યુની વાત શું કામ કરવી. દિવાળી પછી તરત આ ”અંતિમ ઇચ્છાપત્ર’ વાંચતાં અહીં મારા વિચારો રજૂ કરવામાં થોડૉ સંકોચ થતો હતો તે દૂર થયોઃ

જીવન અને મૃત્યુ – કાં તો આ માથું પાકી જાય એવો મોટો મુદ્દો છે, કાં તો મુદ્દો જ નથી; માત્ર સોગિયાં ડાચાંની હોરિઝોન્ટલ હલચલ એ મુદ્દો હોવાનો આભાસ કરાવે છે. ખબર નથી પડતી.

જીવન શું છે? મૃત્યુ શું છે? વિચારોની દુનિયામાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની સફર ચાલ્યા કરે છે. જીવન ક્યાંથી આવ્યું, એના વિશે વિવાદ છે અને તે વિવાદ મૃત્યુ સુધી ચાલુ રહે છે. ‘મૃત્યુ સુધી’ એમ હું કહું છું ત્યારે મારા મનમાં એના બે અર્થ ઊપસે છેઃ એક તો એ કે, જીવનના સ્વરૂપ અંગેની દલીલોમાં આપણે મૃત્યુના અર્થ શોધવા સુધી પહોંચી જઈએ છીએ. અને બીજો અર્થ એ કે, બન્ને પક્ષકારોનું મૃત્યુ થાય ત્યાં સુધી આ વિવાદનો અંત નથી આવતો!

કોઇ જડ અને ચેતનની વાત કરે છે. કોઈ કહે છે કે જડનું જ એવું સંયોજન થયું છે કે એ ચેતન સમું ભાસે છે; જડ મુખ્ય છે, ચેતન એની પ્રક્રિયાઓનું પરિણામ કે પ્રતિબિંબ છે. તો, સામે પક્ષે એમ કહેનારા છે કે ચેતન મુખ્ય છે અને ચેતન -એક પરમ તત્વ જ જૂજવે રૂપે અનંત ભાસે છે. એક કહે છે કે જડની પ્રક્રિયાઓ થંભી જવાની સ્થિતિ એ જ મૃત્યુ છે અને એનાથી આગળ કઈં નથી. ચેતનવાદી કહે છે કે ચેતનની વિદાય થયા પછી જડની પ્રક્રિયાઓ બંધ પડે છે એને આપણે મૃત્યુ કહીએ છીએ. આ ચેતન તત્વ તો અમર, અવિનાશી છે. અને એના કર્મબંધ પ્રમા્ણે એ નવાં કલેવર ધારણ કરશે. તો, કોઈ કહે છે કે શાંતિથી પરગેટરીમાં કે કબરમાં સૂતા રહો. કયામતનો ઘંટ વાગશે ત્યારે એ સૌને એકઠા કરશે અને ન્યાય કરશે. કબર પર કોઈ પથ્થર મૂકે છે, તો કોઈ કહે છે, પથ્થર ન મુકાય, કારણ કે પથ્થર મૂક્યો હોય તો ક્યામતને દિવસે કબરમાંથી ઊઠી નહીં શકાય.

આજુબાજુ, અંદર, બહાર નજર દોડાવીએ તો સમજાય છે કે ચેતનવાદીઓનાં શાસ્ત્રો ઘણાં છે અને દરેકમાં મૃત્યુને કેન્દ્રમાં રાખીને જીવનની ફિલોસોફીની ચર્ચા થઈ છે. અને તે એટલે સુધી કે મૃત્યુ ન હોત તો કદાચ આપણે જીવન વિશે પણ વિચારતા ન હોત, એવું લાગે છે. જડવાદીઓને તો માત્ર પ્રક્રિયાઓ અટકી જવા સાથે સંબંધ છે. એમણે પણ જીવનની ફિલોસોફી આપી છે. સમજાતું નથી કે જીવન શું છે અને મૃત્યુ શું છે.

મનમાં વિચાર આવ્યો કે કઈંક જુદી રીતે વિચારીએ. મૃત્યુ નિશ્ચિત છે. આ બાબતમાં જડવાદીઓ અને ચેતનવાદીઓ વચ્ચે મતભેદ નથી! આ સર્વસંમતિનો આધાર લઈને કઈંક વિચારી જોઉં તો? એટલે એમ કે મૃત્યુ વિશે નવા દૃષ્ટિકોણથી વિચારી શકાય કે નહી?

મૃત્યુ શા માટે નિશ્ચિત છે? જડવાદીઓ તો જવાબ આપી ચૂક્યા છે. ચેતનવાદીઓએ એને અંત તરીકે જ નથી સ્વીકાર્યું, એટલે એમનાં અર્થઘટનોની તો અનેક પાંખો છે, જ્યાં ફાવે ત્યાં ઊડી જાઓ! આમાં જીવન છે એટલે જ મૃત્યુ છે, એ પાયાની વાત ભૂલી જવાય છે! જીવન અને મૃત્યુ આટલાં અભિન્ન હોય તો એમનાં કોઈ લક્ષણો સમાન છે?

આવો, સાથે મળીને આપણે પોતે જ વિચારીએ. કદાચ કશુંક સમજાય. કદાચ વધુ ગુંચવાઈ જઈએ, પ્ણ વિચારશું પોતે જ.

તો, હું પહેલ કરૂં છું, વિચાર રજૂ કરવાની. – જીવનમાં માત્ર આપણો ભૂતકાળ નિશ્ચિત છે. તમે જન્મતારીખનું નવું પ્રમાણપત્ર લઈ શકો, પણ ખરેખર જન્મ તારીખ બદલી ન શકો. તમે કયા વર્ષમાં ગ્રેજ્યૂએટ થયા તે પણ નિશ્ચિત છે. એમાં ફેરફાર ન કરી શકો. બીજી બાજુ, વર્તમાનમાં તમે નિર્ણય કરી શકો છો કે આજે બટાટાનું શાક બનાવવું કે માત્ર દાળથી ચલાવવું. કોઈ પણ નાનો મોટો નિર્ણય લેવાની સ્વતંત્રતા તો વર્તમાનમાં છે. જેમ જેમ ક્ષણો પાછળ જતી જાય તેમ તેમ એને ભૂતકાળ ગળી લે છે. એ તમારી પાસે પાછી ન આવી શકે. પથ્થરની જેમ જડાઈ જાય. તમે એમાં કઈં પણ ફેરફાર ન કરી શકો.

સ્વતંત્રતા તો વર્તમાનમાં છે. કઈં પણ નિર્ણય લો, પણ નિર્ણય લીધાની સાથે એ ક્ષણ ભૂતકાળમાં ચાલી જશે અને તમારો નિર્ણય પથ્થર બની જશે! આગળનું જીવન તમારી સમક્ષ એ નિર્ણયને આધારે આવશે. તમે નિર્ણય બદલી શકો, માર્ગ બદલી શકો, નવું ભવિષ્ય બનાવી શકો પણ હમેશાં કહેવાનું રહેશે કે મેં પહેલાં અમુક કર્યું હતું!

આમ ભૂતકાળ પથ્થર છે તો વર્તમાન પ્રવાહી. જેમ વાળો તેમ વળી જાય. ભવિષ્યમાં શું થાય તે કોઈ ન કહી શકે. તમારી સામે અનેક સંભાવનાઓ છે. તમે વર્તમાનમાં એક નિર્ણય કરો છો ત્યારે આવી અનેક સંભાવનાઓમાંથી એકની પસંદગી કરતા હો છો. એ પસંદગી થઈ જાય તે પછી બધી સંભાવનાઓનો અંત આવે છે અને તમારા નિર્ણયને અનુરૂપ એક જ સંભાવનાની સીડીનો ભરોસો છે. આમ, ભવિષ્ય હવા છે. કઈ બાજુ વાય તે ન કહી શકાય.

આમ છતાં, ભવિષ્યમાં બનનારી એક ઘટના એવી છે કે જે ‘સંભાવના’ના વર્ગમાં ન આવે. એ છે મૃત્યુ. આપણે એવો કોઈ નિર્ણય ન લઈ શકીએ કે આપણે મરશું જ નહીં. મૃત્યુ બધી સંભાવનાઓનો અંત છે. એ નિશ્ચિત છે. પણ, આપણે હમણાં જ જોયું કે નિશ્ચિતતા તો ભૂતકાળનું લક્ષણ છે! તો શું મૃત્યુ પણ ભૂતકાળની ઘટના છે?

મને લાગે છે કે જડવાદી અને ચેતનવાદી, બન્ને કોમ, મૃત્યુની આ ખાસિયતને કારણે એને ભૂતકાળની પેન્ડિંગ ઘટના માનવા તૈયાર થશે. ‘મૃત્યુ’ એમને નજીક લાવતું હોય તો પસંદ કરવા જેવું ખરૂં!

મૃત્યુ એટલે ભવિષ્યમાં બનનારી ભૂતકાળની એકમાત્ર પેન્ડિંગ ઘટના, જેની તારીખ માત્ર આપણે જાણતા નથી. કારણ કે આપણે એ નથી જાણતા કે જીવન સમક્ષની સંભાવનાઓનો ભંડાર ક્યારે ખાલી થઈ ગયો છે. એ જાણી પણ ન શકીએ કારણ કે અહીં હિઝેનબર્ગનો ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ લાગુ પડે છે. એક પાર્ટિકલની અત્યારની ‘સ્થિતિ’ અને ભવિષ્યની ‘ગતિ’, આ બન્ને એકી સાથે માપી ન શકાય. તમે સ્થિતિનું માપ કાઢવામાં જેટલી બારીકાઈ રાખશો એટલી જ ગરબડ ગતિનું માપ કાઢવામાં થશે. એક સાંધો ત્યાં તેર તૂટે, જેવું કઈંક છે. એ જો એક રાગે ચાલે તો મ્રૂત્યુ ક્યારે થશે તે પણ જાણી શકીએ. પણ આપણે તો પાર્ટિકલોના જ બનેલા છીએ!

આવું ‘ઍબ્સ્ટ્રૅક્ટ’ અમૂર્ત વિચારવાનો ફાયદો શું? ફાયદો એ જ કે જેમ આપણે ‘જન્મ્યા’ તેના વિશે નથી વિચારતા, તેમ ‘મરશું’ વિશે પણ વિચારવાનું બંધ કરશું. યાર! જીવો ને, જ્યાં સુધી જીવવાનું છે, ત્યાં સુધી શાંતિથી, મૃત્યુ વિશે વિચારવાથી મન માંદલું થઈ જાય છે અને આ દુનિયા બની જાય છે, ‘મૉર્ગ’. આપણે આત્મકેન્દ્રિત બની જઈએ છીએ મોટા ફિલસુફ જેવા ચહેરા બનાવીને બેઠા તુક્કા લડાવ્યા કરીએ છીએ અને આપણી અંદર રહેલા મૃત્યુના ભયને રૂપાળાં નામો આપતા રહીએ છીએ. ખરી ચિંતા એ હોય છે કે “હાય, હું મરી જઈશ…હું અમુક વખત પછી નહીં હોઉં અને આ દુનિયા તો યથાવત્ ચાલતી રહેશે!”

વિચારી જૂઓ, મૃત્યુની વાત આવતી હોય એવી આપણી કેટલી ચિંતનશાખાઓ છે. એમાંથી મૃત્યુને કાઢી નાખો તો એમનું શું થશે? એકમાત્ર લોકાયતવાદીઓ એવા હતા કે જે કહેતા કે મૃત્યુ પછી કઈં નથી વધતું. આ કઠોર વાસ્તવિકતા કોણ સ્વીકારી શકે? પરંતુ, આ ભયનો મનોવૈજ્ઞાનિક લાભ લેતાં જેમને આવડ્યું, એમને તો લીલા લહેર જ થઈ ગઈ ને!.

તમે શું કહો છો?

Advertisements

12 thoughts on “Life and Death”

 1. જીવન આનંદ છે તો મૃત્યું વિશ્રાંતિ છે.
  બંન્ને એક સીક્કાની બે બાજુ જેવા છે.
  બંન્ને જરૂરી છે.

  હું ક્યારેય તેમ ન કહી શકું કે મારું સર્જન શૂન્યમાંથી થયું છે. કશુંક સંયોજાયું અને આપણે અભીવ્યક્ત થયા અને કશુંક છુંટું પડ્યું એટલે આપણે અભિવ્યક્ત થતા બંધ થયા.

  વીજ ઉપકરણો અને વિદ્યુતનું જોડાણ જીવન કહો તો સ્વીચ ઓફ કરવી તે મૃત્યું છે. જો હવાની જરૂર ન હોય તો તેવે વખતે સ્વીચ ઓફ થવી દુ:ખદ નથી. હવાની જરૂર હોય અને વીજ કંપની પાવર સપ્લાય બંધ કરે તો તે દુ:ખદ લાગે છે. ઈચ્છાઓ હોય અને જીવનનો અંત આવે તો તે દુ:ખદ છે. ઈચ્છા ન હોય અને મૃત્યું થાય તો કશો ફરક ન પડે.

  ઈચ્છા રહીત હોવું તે જડતા છે તો સતત ઈચ્છા કરતા રહેવી તે ગુલામી છે. ખરી સ્વંતત્રતા તેમાં છે કે ઈચ્છા હોય અને તે પુરી ન થાય તો યે ખુમારીથી કહી શકો કે મારી ઈચ્છા હતી હું ઈચ્છાનો નથી.

  જીવો અને જીવવા દ્યો 🙂

  1. અતુલભાઈ, સર્જન શૂન્યમાંથી તો નથી જ થયું. આપણે પ્રકૃતિનું ઘટક છીએ. ‘કશુંક’ એટલે શું સર્જાયું? ‘કશુંક’ એટલે શું વિરામ પામ્યું? આમ ચકડોળની જેમ ફરતા રહેશું?
   માનવજાતને મગજ મળતાં એને ઘણી શક્તિઓ મળી છે અને એમાં વિચાર કરવાની, સ્મૃતિઓ જાળવી રાખવાની અર્થઘતનો કરવાની પણ શક્તિ છે. આપણે આ જ કારણે ચેતનને જડ કરતાં અલગ માનીએ છીએ. જડ પોતે હંમેશાં નિર્વિવાદ અસ્તિત્વમાં રહ્યું છે.
   બીજી એક વાત પર ધ્યાન દોરૂં. મૃત્યુના સ્વરૂપ અંગે અહીં ચર્ચા કરી છે (કે એ ભૂતકાળની પેન્ડિંગ ઘટના છે) એના વિશે પણ તમે અભિપ્રાય આપ્યો હોત તો સારૂં થાત.

   1. અહીં આપે સ્વતંત્ર અને મૌલિક ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો છે – તેથી જન્મ મરણ વિશે શાસ્ત્ર નથી ટાંકતો. (શાસ્ત્રની દૃષ્ટિએ મ્રુત્યું અને જન્મ બંને ભૂતકાળની પેન્ડિંગ ઘટના છે.)

    બધાં ચગડોળ માંથી હું ઉતરી ગયો છું અને કોઈ ડોળ મને પસંદ નથી. સાચા માણસને આવવું હોય તો ભલે આવે – ઉમળકાથી સ્વાગત કરવામાં આવશે અને સર્વ મનોકામના પૂર્ણ કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવશે.

    1. માણસ એટલે માણસ. માણસાઈ હોય તે માણસ.

     જેવી રીતે ભાવનગરમાં જન્મેલ ભાવક હોય તે જરુરી નથી તેવી રીત માણસામાં જન્મેલ માણસ હોય તે જરૂરી નથી.

     જામનગરમાં જન્મેલ હંમેશા જામગરી ચાંપ્યા કરે તેવું નથી હોતું.

     અર્થના અનર્થ કરવામાં ગુજરાતી બ્લોગ જગતના બ્લોગરો કરતાં વિશેષ ચડીયાતા લોકો જો તમને ક્યાંય જડી આવે તો તમે એક મહાન શોધ કરી છે તેમ માનજો.

 2. શ્રી.દીપકભાઈ,
  ’ વિચારશું પોતે જ’ એવો માર્ગદર્શક આદેશ મળ્યો છે માટે આજે ટેવ છોડીને અન્ય કોઈના (વ્યક્તિ,પુસ્તક,વિચાર) સંદર્ભ નહીં ટાંકું ! માત્ર લેખના સંદર્ભ લઈશ.

  સૌ પ્રથમ તો (જો કે આપે શબ્દો જરા અલગ વાપર્યા) આપે ભૂત, વર્તમાન અને ભવિષ્ય માટે એ જ ક્રમમાં ’ઘન’, ’પ્રવાહી’ અને ’વાયુ’ની જે મૌલિક ઊપમા વાપરી તે મગજમાં છપાઈ ગઈ. ક્યા બ્બાત હૈ !

  મૃત્યુને ’ભૂતકાળની પેન્ડિંગ ઘટના’ માનવામાં લગભગ કોઈને વિરોધ નહીં હોય, કારણ જન્મ સાથે જ એ નિશ્ચિત થઈ જાય છે. અને હજુ બે દિવસ પહેલાં જ દિકરીને ’પરમાણ્વીય બંધારણ’ અંતર્ગત હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવ્યો હતો તેથી મગજમાં તાજો જ છે અને આપનો લેખ સમજવામાં જબરો કામ આવ્યો ! પરમાણુ રચના સમજવામાં આ અને દ-બ્રોગલીના દ્ર્વ્ય-તરંગ સિદ્ધાંતના મેળથી પરિવર્તન આવ્યું અને પરમાણુ રચનામાં ઈલેક્ટ્રોનને માત્ર કણ તરીકે નહીં પણ કણ અને તરંગ એમ દ્વિ-સ્વરૂપે જોવામાં આવ્યાં. અહીં બીજા શબ્દો વાપરો તો જડ અને ચેતનનો મેળાપ જ છે. અને વધારે તકનિકી ડહાપણ વાપરી માથું ન દૂખાવતા કહું તો, આપે કહ્યું તેમ જ, એક અનિશ્ચિતતા ઘટાડવા જતાં બીજી અનિશ્ચિતતા વધી જાય છે અને નિશ્ચિત માર્ગ કે પ્રક્ષેપ પથ ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે નહીં. આપે જણાવ્યું કે આપણે પાર્ટિકલોનાજ બનેલા છીએ, આપનો અર્થ મને સ્પષ્ટ ના થયો પરંતુ આપ એ કહેવા માંગતા હો કે આપણે ’જડ’નાં બનેલા છીએ (એટલે કે આપણું ફિઝિકલ બોડી) તો ઉપરોક્ત સિદ્ધાંત જ જડના પરમાણુ રચનાનાં ઈલેક્ટ્રોનને કણ અને તરંગ એમ દ્વિ-સ્વરૂપે સમજાવે છે એ ધ્યાને લેતા ’જડ’ અને ’ચેતન’ બંન્નેનો સમન્વ્ય સમજાય છે. કારણ દરેક ગતિશીલ કણ તરંગપ્રકૃતિ ધરાવે છે (– દ-બ્રોગલી). અહીં આપણે તરંગપ્રકૃતિને ચેતન કહી શકીએ, અને તરંગપ્રકૃતિ ન અનૂભવાય તો ગતિશીલતા પણ ન અનુભવાય તેથી માત્ર જડ અર્થાત મૃત્યુ ! (જો કે પરમાણું વિજ્ઞાનમાં આવા સરળ તારણ ના શક્ય બને પરંતુ આપણો પ્રયાસ મૃત્યુની ’જાતે જ’ વ્યાખ્યા કરવા કે સમજવાનો છે તેથી આ ઉપરછલ્લી સમજાવટ માત્ર ગણવી)

  મેં માત્ર આપે સૂચવેલા ’અનિશ્ચિતતા’નાં સિદ્ધાંતને વિસ્તારી મૃત્યુને સમજવાનો ભાંગ્યો તૂટ્યો પ્રયાસ કર્યો, પરંતુ એ નિશ્ચિત થયું કે આ ’અનિશ્ચિતતા’ એ જ જીવનનું લક્ષણ છે. (આગળ જોયુંને કે કણ અને તરંગ બંન્ને સ્વરૂપ હોય ત્યારે જ કણનો પ્રક્ષેપ પથ અનિશ્ચિત બને છે) અર્થાત ’નિશ્ચિતતા’ એટલે મૃત્યુ ! સરવાળે જડ મુખ્ય કે ચેતન મુખ્ય એવો કશો ભેદ થવો જરૂરી નથી કારણ દ્વિ-સ્વરૂપ હોય તો જ જીવન કહેવાય ! દ્વિ-સ્વરૂપ મટ્યું એ મૃત્યુ ! તો પછી છેલ્લું સમીકરણ તો વગર માથાફોડીએ સમજાય જશે કે માત્ર ચેતન એટલે પણ મૃત્યુ !! (આ જરા અઘરું થયું પણ દીપકભાઈએ લેખ પણ ક્યાં સહેલો લખ્યો છે ! 🙂 )

  અંતે, મેલો બધી માથાફોડી, આપનું એ કથન સૌથી વધુ ગમ્યું કે, ’યાર! જીવો ને, જ્યાં સુધી જીવવાનું છે, ત્યાં સુધી શાંતિથી’ …આમે અનિશ્ચિત હોય તેની અગાઉથી ચિંતા શી ? અને જે નિશ્ચિત છે તેનો ભય શો કરવો ?!

  1. આપણે જડના (પાર્ટિકલોના) બનેલા છીએ અને ‘ચેતન’ એનું જ એક લક્ષણ છે.
   અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમે તમારી દીકરીને બરાબર સમજાવ્યો હશે, એ તો સ્પષ્ટ છે! મૃત્યુ ભૂતકાળ જેમ ઘન છે. માત્ર આપણે એની તારીખ નથી જાણતા એટલે એને ભવિષ્ય માનીએ છીએ. આ જાણી પણ ન શકીએ, કારણ કે પાર્ટિકલોનું સમગ્ર મશીન ક્યાંથી ખોટકાશે તે નક્કી ન થઈ શકે. વિજ્ઞાન જ્યારે ગતિ અને સ્થિતિ બન્ને એક સાથે જાણી શકશે ત્યારે કદાચ એ જ્યોતિષ કરતાં પણ વધારે સારી રીતે મૃત્યુની આગાહી કરી શકશે. પરંતુ આજે તો એ ‘સાયન્સ ફિક્શન’નું વિષયવસ્તુ છે.

 3. કે અહીં હિઝેનબર્ગનો ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ લાગુ પડે છે. એક પાર્ટિકલની અત્યારની ‘સ્થિતિ’ અને ભવિષ્યની ‘ગતિ’, આ બન્ને એકી સાથે માપી ન શકાય. – વાહ … વૈજ્ઞાનિક ચિંતન અને તર્ક.

  એકમાત્ર લોકાયતવાદીઓ એવા હતા કે જે કહેતા કે મૃત્યુ પછી કઈં નથી વધતું. આ કઠોર વાસ્તવિકતા કોણ સ્વીકારી શકે? પરંતુ, આ ભયનો મનોવૈજ્ઞાનિક લાભ લેતાં જેમને આવડ્યું, એમને તો લીલા લહેર જ થઈ ગઈ ને!. – સાચી વાત.

 4. Speaking purely at a material level, as we age, our body stops producing enough new cells and hence the body decays and we die “naturally”. In fact everything in the universe decays. The rate of decay is measured by the principal known as “half life”. The Carbon-14 dating method is used to find the age of decayed organic matter.
  Unfortunately, only a small percentage of people die naturally. A large number die because of some disease. Some unfortunate ones die of an accident, suicide or killing. Anyway the death is certain regardless of how it arrives. We do however control the timing of it to certain extent.

  In the epic of Mahabharat, it is said that Bhishma was blessed with “swetcha-mrutu” that does not make sense. Everyone has that option. Jump in front of a fast moving train or a truck and you are gone with 99% probability. It is true for jumping off from a 10-story building or several other means. If anyone is called to be blessed, then it would be to live until he wishes to live. That is impossible as it is against the laws of nature as stated above. We could however prolong our life somewhat by healthy life-style.

  So, the death is certain, it’s timing is partially in our hands to some extent. It still remains a future event and not a “pending past” as you suggested.

  There are many natural events such as sunrise etc., which happen with regularity. We cannot call all of them as pending past

  1. Thanks, Murjibhai,
   Yes, everything including human body decays. Scientists have worked out ages of various elements. Decay is also a part of the process. Human body decays, faster than the elements it is composed of.
   you have rightly explained why people die and also that, very few people die naturally. Illness is a factor speeding up the decay. Accident does not appear to be a factor identical with the illness. Suicide too seems to be altogether a different thing. But, Factors, they are! Even if they are different they answer the question ‘why’. I raised the question ‘what’ and tried to look into the characteristics of death.
   Despite Einstein’s relativity (for a large scale observation) and quantum mechanics (for micro level observation), Newton remains valid for day-to-day observation. The issue of death is, I dare say, like that. It has characteristics common with the event of the past. Had it been just an event of future it would have to be put among probabilities which we cannot do. it is the end of all probabilities.
   About sunrise, if I thought it was a past event I would have mentioned it. It is a recurring event which follows the laws of science and we KNOW it by inference emerging from our long term observation that leads us to form a habit.

 5. બહુ મજાની કસરત લઈ આવ્યા છો, દીપકભાઈ. હુંય થોડી દંડબેઠક કરી લઉં.

  ‘સમય’ના ‘વ્યાપ’ને કેટલા અંશે આપણે સામે રાખ્યો છે એના ઉપર વીચારવાનું આધારિત છે.

  ક્ષણના શક્ય તેટલા નાના અંશને ગણતરીમાં રાખીશું તો ત્રણ કાળ દેખાતા નથી !! ભાવીનો જે અંશ આવીને જતો રહ્યો તે દરમિયાનમાં – એટલે કે તે જતો રહે તે પહેલાં (!) – તેને પ્રયોજી લેવાની, ઉપયોગમાં લઈ લેવાની આપણી – જે તાકાત હોય ( જો તાકાત હોય !!) તો…તેને ‘વર્તમાન’નું નામ આપી શકાય ! બાકી તો બે જ કાળ હોય છે !

  સમયના સૌથી નાના એકમનો જેમ વિચાર કર્યો તે જ રીતે સ્થળનાય સૌથી નાના એકમની કલ્પના કરી, વહેતી નદીના કોઈ એવા એકમ–સ્થળે બેસીને તપાસીશું તો આપણી સમક્ષના નદીના તે ક્ષણના પાણીનો વર્તમાન નહીં જણાય ! વહી ગયું તે ભૂતકાળ ને આવનારું તે ભવિષ્યકાળ.

  મૃત્યુની ‘નિશ્ચિતતા’ને ભૂતકાળ કહી શકાય ? નક્કી હોવું કે તેને અંગે આપણને જાણ હોવી તેટલા માત્રથી મૃત્યુને ભૂતકાળ કહી ન શકાય. જે આવવાનું બાકી છે તે ભવિષ્ય જ છે.

  ભૂતકાળ પથ્થરરૂપ – જડ જ – છે ? ભૂતકાળ એટલે ખરેખર શું ? પ્રસંગો કે એની યાદો ? મંદિર ચણાઈ ગયું એટલે ભૂતકાળરૂપ ખરું પરંતુ એને જો ઈમારત ગણીશું તોય તેમાં સમયાધારિત ‘ફેરફારો’ છે ને બની ગયેલી ઈમારતની આપણી જે ‘સ્મૃતિ’ છે તેને ભૂતકાળ કહીશું તો તેમાંય પરિવર્તનો હોય જ છે !! સ્મુતિઓનેય સાપેક્ષ ફેરફારો હોય છે તેથી ભૂતકાળને ને એના સ્વરૂપને સમજવાં પડશે.

  ભૂતકાળમાં જે ‘ગયું’ તે પાચ મહાભૂતમાંનું કયું ? ભૂતકાળમાંનું ભૌતિક કેટલું ને અ–ભૌતિક કેટલું ? ભૂતકાળનું ‘એ બધું’ પણ પરિવર્તનશીલ તો હોય જ છે !

  હકીક્તે, જીવનને આપણે કઈ રીતે જોઈએ છીએ તેના પર મૃત્યુને જોવાનો આધાર રહેલો છે. જીવનને એક સળંગ પ્રવાહરૂપે જોનારાંઓ મૃત્યુને “કપડાં બદલવા” જેમ જ ગણશે.
  પૂર્વ–પુનર્જન્મમાં ન માનનારાંને માટે જન્મ છે, ને મૃત્યુય છે.

  બન્ને વચ્ચેનાં સમાનતત્ત્વો શોધવાની કસરત અઘરી બાબત છે ! જન્મને “મૃત્યુ પછીના અવર્ણનીય–ગાળા”નું મૃત્યુ ગણી શકાય ? ને તો મૃત્યુને હવે પછીના અવર્ણનીય ગાળામાં થતો જન્મ જ ગણવાનું ફાવે ?!!

  માણસને મગજ આપ્યું છે એટલે એનો લાભ લઈએ ને આ કસરત કરતાં રહીએ એટલું જ બાકી તો “આપ મુવા ફિર ડૂબ ગઈ દુનિયા.

  1. શ્રી જુગલભાઈ, ‘મગજની કસરત’ વાળું ગમ્યું! અંતે તમે કહ્યું છે તે “આપ મુવા ફિર ડૂબ ગઈ દુનિયા” સૌથી વધારે સાચું છે, આ જ વાત બિચારા લોકાયતવાદીઓ કહેતા હતા.
   તમે કાલ ગણનાનો સવાલ ઊભો કર્યો છે તે કોઈ વસ્તુ કે ઘટનાની મૂળભૂત ખાસિયત વિશે વિચાર કરીએ ત્યારે કેતલો કામ લાગે એ વિચારવા જેવું છે. તમે મંદિરનો દાખલો આપ્યો છે તેના અનુસંધાનમાં તો ભૂતકાળ એટલે આપણને જે વારસામાં મળે તે. આપણી સ્મૃતિઓ પણ ખરી જ. આ બધું પહેલાં થયેલા ફેરફારો સાથે આપણા માટે તો સ્થિર. નિશ્ચિત સ્વરૂપે જ આવે છે! એક મંદિર બંધાય, એ તૂટે, એનો જીર્ણૉદ્ધાર થાય, નવા રૂપે આપણી સમક્ષ આવે -આ બધું ખરૂં. પરંતુ આપણે નક્કર આધાર વિના (સંદર્ભઃ સત્યવચન ચર્ચા- પહેલો ભાગ) એમ ન કહી શકીએ કે અમુક વખતે એ બંધાયું જ નહોતું કે તૂટ્યું નહોતું. એટલે નિશ્ચિતતા એની આગવી ખાસિયત બની જાય છે.
   મૃત્યુની ખાસિયતની આપણે અહીં ચર્ચા કરીએ છીએ. એનું સ્વરૂપ ભૂતકાળની ઘટનાઓ જેમ સ્થિર, નિશ્ચિત છે. એ બધી શક્યતાઓનો અંત લાવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s