Life and Death

આ અઠવાડિયે શ્રી ગોવિંદભાઈ મારુએ એમના બ્લૉગ ‘અભિવ્યક્તિ’ પર એમના દેહદાનના સંકલ્પનું વિલ મૂક્યું છે: http://govindmaru.wordpress.com/will/ શ્રી અરવિંદભાઈ અડાલજાએ એના પ્રતિભાવ રૂપે એમનો ૨૦૦૮નો ભાવવાહી પત્ર મૂક્યો છે. બન્ને વાંચવા જેવા છે.

ઘણાં વર્ષો પહેલાં મૃત્યુની ઘટનાને સમજવાની કોશિશ કરી હતી પરંતુ એ મિત્રને પત્રના સ્વરૂપમાં જ રહ્યું. હાલમાં એનો એક લેખ તૈયાર કરી રાખ્યો હતો, પરંતુ ટાળતો રહ્યો કે દિવાળી આવે છે તે ટાંકણે મૃત્યુની વાત શું કામ કરવી. દિવાળી પછી તરત આ ”અંતિમ ઇચ્છાપત્ર’ વાંચતાં અહીં મારા વિચારો રજૂ કરવામાં થોડૉ સંકોચ થતો હતો તે દૂર થયોઃ

જીવન અને મૃત્યુ – કાં તો આ માથું પાકી જાય એવો મોટો મુદ્દો છે, કાં તો મુદ્દો જ નથી; માત્ર સોગિયાં ડાચાંની હોરિઝોન્ટલ હલચલ એ મુદ્દો હોવાનો આભાસ કરાવે છે. ખબર નથી પડતી.

જીવન શું છે? મૃત્યુ શું છે? વિચારોની દુનિયામાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની સફર ચાલ્યા કરે છે. જીવન ક્યાંથી આવ્યું, એના વિશે વિવાદ છે અને તે વિવાદ મૃત્યુ સુધી ચાલુ રહે છે. ‘મૃત્યુ સુધી’ એમ હું કહું છું ત્યારે મારા મનમાં એના બે અર્થ ઊપસે છેઃ એક તો એ કે, જીવનના સ્વરૂપ અંગેની દલીલોમાં આપણે મૃત્યુના અર્થ શોધવા સુધી પહોંચી જઈએ છીએ. અને બીજો અર્થ એ કે, બન્ને પક્ષકારોનું મૃત્યુ થાય ત્યાં સુધી આ વિવાદનો અંત નથી આવતો!

કોઇ જડ અને ચેતનની વાત કરે છે. કોઈ કહે છે કે જડનું જ એવું સંયોજન થયું છે કે એ ચેતન સમું ભાસે છે; જડ મુખ્ય છે, ચેતન એની પ્રક્રિયાઓનું પરિણામ કે પ્રતિબિંબ છે. તો, સામે પક્ષે એમ કહેનારા છે કે ચેતન મુખ્ય છે અને ચેતન -એક પરમ તત્વ જ જૂજવે રૂપે અનંત ભાસે છે. એક કહે છે કે જડની પ્રક્રિયાઓ થંભી જવાની સ્થિતિ એ જ મૃત્યુ છે અને એનાથી આગળ કઈં નથી. ચેતનવાદી કહે છે કે ચેતનની વિદાય થયા પછી જડની પ્રક્રિયાઓ બંધ પડે છે એને આપણે મૃત્યુ કહીએ છીએ. આ ચેતન તત્વ તો અમર, અવિનાશી છે. અને એના કર્મબંધ પ્રમા્ણે એ નવાં કલેવર ધારણ કરશે. તો, કોઈ કહે છે કે શાંતિથી પરગેટરીમાં કે કબરમાં સૂતા રહો. કયામતનો ઘંટ વાગશે ત્યારે એ સૌને એકઠા કરશે અને ન્યાય કરશે. કબર પર કોઈ પથ્થર મૂકે છે, તો કોઈ કહે છે, પથ્થર ન મુકાય, કારણ કે પથ્થર મૂક્યો હોય તો ક્યામતને દિવસે કબરમાંથી ઊઠી નહીં શકાય.

આજુબાજુ, અંદર, બહાર નજર દોડાવીએ તો સમજાય છે કે ચેતનવાદીઓનાં શાસ્ત્રો ઘણાં છે અને દરેકમાં મૃત્યુને કેન્દ્રમાં રાખીને જીવનની ફિલોસોફીની ચર્ચા થઈ છે. અને તે એટલે સુધી કે મૃત્યુ ન હોત તો કદાચ આપણે જીવન વિશે પણ વિચારતા ન હોત, એવું લાગે છે. જડવાદીઓને તો માત્ર પ્રક્રિયાઓ અટકી જવા સાથે સંબંધ છે. એમણે પણ જીવનની ફિલોસોફી આપી છે. સમજાતું નથી કે જીવન શું છે અને મૃત્યુ શું છે.

મનમાં વિચાર આવ્યો કે કઈંક જુદી રીતે વિચારીએ. મૃત્યુ નિશ્ચિત છે. આ બાબતમાં જડવાદીઓ અને ચેતનવાદીઓ વચ્ચે મતભેદ નથી! આ સર્વસંમતિનો આધાર લઈને કઈંક વિચારી જોઉં તો? એટલે એમ કે મૃત્યુ વિશે નવા દૃષ્ટિકોણથી વિચારી શકાય કે નહી?

મૃત્યુ શા માટે નિશ્ચિત છે? જડવાદીઓ તો જવાબ આપી ચૂક્યા છે. ચેતનવાદીઓએ એને અંત તરીકે જ નથી સ્વીકાર્યું, એટલે એમનાં અર્થઘટનોની તો અનેક પાંખો છે, જ્યાં ફાવે ત્યાં ઊડી જાઓ! આમાં જીવન છે એટલે જ મૃત્યુ છે, એ પાયાની વાત ભૂલી જવાય છે! જીવન અને મૃત્યુ આટલાં અભિન્ન હોય તો એમનાં કોઈ લક્ષણો સમાન છે?

આવો, સાથે મળીને આપણે પોતે જ વિચારીએ. કદાચ કશુંક સમજાય. કદાચ વધુ ગુંચવાઈ જઈએ, પ્ણ વિચારશું પોતે જ.

તો, હું પહેલ કરૂં છું, વિચાર રજૂ કરવાની. – જીવનમાં માત્ર આપણો ભૂતકાળ નિશ્ચિત છે. તમે જન્મતારીખનું નવું પ્રમાણપત્ર લઈ શકો, પણ ખરેખર જન્મ તારીખ બદલી ન શકો. તમે કયા વર્ષમાં ગ્રેજ્યૂએટ થયા તે પણ નિશ્ચિત છે. એમાં ફેરફાર ન કરી શકો. બીજી બાજુ, વર્તમાનમાં તમે નિર્ણય કરી શકો છો કે આજે બટાટાનું શાક બનાવવું કે માત્ર દાળથી ચલાવવું. કોઈ પણ નાનો મોટો નિર્ણય લેવાની સ્વતંત્રતા તો વર્તમાનમાં છે. જેમ જેમ ક્ષણો પાછળ જતી જાય તેમ તેમ એને ભૂતકાળ ગળી લે છે. એ તમારી પાસે પાછી ન આવી શકે. પથ્થરની જેમ જડાઈ જાય. તમે એમાં કઈં પણ ફેરફાર ન કરી શકો.

સ્વતંત્રતા તો વર્તમાનમાં છે. કઈં પણ નિર્ણય લો, પણ નિર્ણય લીધાની સાથે એ ક્ષણ ભૂતકાળમાં ચાલી જશે અને તમારો નિર્ણય પથ્થર બની જશે! આગળનું જીવન તમારી સમક્ષ એ નિર્ણયને આધારે આવશે. તમે નિર્ણય બદલી શકો, માર્ગ બદલી શકો, નવું ભવિષ્ય બનાવી શકો પણ હમેશાં કહેવાનું રહેશે કે મેં પહેલાં અમુક કર્યું હતું!

આમ ભૂતકાળ પથ્થર છે તો વર્તમાન પ્રવાહી. જેમ વાળો તેમ વળી જાય. ભવિષ્યમાં શું થાય તે કોઈ ન કહી શકે. તમારી સામે અનેક સંભાવનાઓ છે. તમે વર્તમાનમાં એક નિર્ણય કરો છો ત્યારે આવી અનેક સંભાવનાઓમાંથી એકની પસંદગી કરતા હો છો. એ પસંદગી થઈ જાય તે પછી બધી સંભાવનાઓનો અંત આવે છે અને તમારા નિર્ણયને અનુરૂપ એક જ સંભાવનાની સીડીનો ભરોસો છે. આમ, ભવિષ્ય હવા છે. કઈ બાજુ વાય તે ન કહી શકાય.

આમ છતાં, ભવિષ્યમાં બનનારી એક ઘટના એવી છે કે જે ‘સંભાવના’ના વર્ગમાં ન આવે. એ છે મૃત્યુ. આપણે એવો કોઈ નિર્ણય ન લઈ શકીએ કે આપણે મરશું જ નહીં. મૃત્યુ બધી સંભાવનાઓનો અંત છે. એ નિશ્ચિત છે. પણ, આપણે હમણાં જ જોયું કે નિશ્ચિતતા તો ભૂતકાળનું લક્ષણ છે! તો શું મૃત્યુ પણ ભૂતકાળની ઘટના છે?

મને લાગે છે કે જડવાદી અને ચેતનવાદી, બન્ને કોમ, મૃત્યુની આ ખાસિયતને કારણે એને ભૂતકાળની પેન્ડિંગ ઘટના માનવા તૈયાર થશે. ‘મૃત્યુ’ એમને નજીક લાવતું હોય તો પસંદ કરવા જેવું ખરૂં!

મૃત્યુ એટલે ભવિષ્યમાં બનનારી ભૂતકાળની એકમાત્ર પેન્ડિંગ ઘટના, જેની તારીખ માત્ર આપણે જાણતા નથી. કારણ કે આપણે એ નથી જાણતા કે જીવન સમક્ષની સંભાવનાઓનો ભંડાર ક્યારે ખાલી થઈ ગયો છે. એ જાણી પણ ન શકીએ કારણ કે અહીં હિઝેનબર્ગનો ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ લાગુ પડે છે. એક પાર્ટિકલની અત્યારની ‘સ્થિતિ’ અને ભવિષ્યની ‘ગતિ’, આ બન્ને એકી સાથે માપી ન શકાય. તમે સ્થિતિનું માપ કાઢવામાં જેટલી બારીકાઈ રાખશો એટલી જ ગરબડ ગતિનું માપ કાઢવામાં થશે. એક સાંધો ત્યાં તેર તૂટે, જેવું કઈંક છે. એ જો એક રાગે ચાલે તો મ્રૂત્યુ ક્યારે થશે તે પણ જાણી શકીએ. પણ આપણે તો પાર્ટિકલોના જ બનેલા છીએ!

આવું ‘ઍબ્સ્ટ્રૅક્ટ’ અમૂર્ત વિચારવાનો ફાયદો શું? ફાયદો એ જ કે જેમ આપણે ‘જન્મ્યા’ તેના વિશે નથી વિચારતા, તેમ ‘મરશું’ વિશે પણ વિચારવાનું બંધ કરશું. યાર! જીવો ને, જ્યાં સુધી જીવવાનું છે, ત્યાં સુધી શાંતિથી, મૃત્યુ વિશે વિચારવાથી મન માંદલું થઈ જાય છે અને આ દુનિયા બની જાય છે, ‘મૉર્ગ’. આપણે આત્મકેન્દ્રિત બની જઈએ છીએ મોટા ફિલસુફ જેવા ચહેરા બનાવીને બેઠા તુક્કા લડાવ્યા કરીએ છીએ અને આપણી અંદર રહેલા મૃત્યુના ભયને રૂપાળાં નામો આપતા રહીએ છીએ. ખરી ચિંતા એ હોય છે કે “હાય, હું મરી જઈશ…હું અમુક વખત પછી નહીં હોઉં અને આ દુનિયા તો યથાવત્ ચાલતી રહેશે!”

વિચારી જૂઓ, મૃત્યુની વાત આવતી હોય એવી આપણી કેટલી ચિંતનશાખાઓ છે. એમાંથી મૃત્યુને કાઢી નાખો તો એમનું શું થશે? એકમાત્ર લોકાયતવાદીઓ એવા હતા કે જે કહેતા કે મૃત્યુ પછી કઈં નથી વધતું. આ કઠોર વાસ્તવિકતા કોણ સ્વીકારી શકે? પરંતુ, આ ભયનો મનોવૈજ્ઞાનિક લાભ લેતાં જેમને આવડ્યું, એમને તો લીલા લહેર જ થઈ ગઈ ને!.

તમે શું કહો છો?

%d bloggers like this: