Who I am? (or What “I” is?)

“હું” કોણ છે?

મારો દૌહિત્ર બે વર્ષ અગિયાર મહિના અને ત્રણ દિવસનો છે. એને સૌ કકુ કહે છે.જન્માષ્ટમીના દિવસે એનાં મમ્મી-પપ્પાએ એને કૃષ્ણ ભગવાન બનાવી દીધો હતો. મેં એને “કૃષ્ણ ભગવાન…” કહીને સંબોધ્યો, તો એનો જવાબ હતોઃ “નઈં, કકુ, કકુ હૈ..!” કૃષ્ણ ભગવાન હશે ભગવાન; પણ તો કકુ પણ કઈં ઓછો નથી!

હવે એની વાતોમાં ‘કકુ’ની જગ્યાએ ‘મૈં’ આવતો થયો છે, પરંતુ હજી અનિયમિત છે. વધારે કામ તો ‘કકુ ખાયેગા, જાયેગા’થી જ ચાલે છે. આ એકલા મારો અનુભવ નહીં હોય, આપ સૌને પણ આવો અનુભવ થયો હશે.

‘હું’ સ્વતંત્ર છે? કે સામાજિક સમજ વધવાની સાથે ‘હું’નો વિકાસ થાય છે? આપણી એક પ્રજાતિ છે. આપણે વ્યક્તિ તરીકે એ પ્રજાતિના સભ્ય અને એક એકમ છીએ. સમૂહના એક ભાગ હોવા છતાં એકમ તરીકે અલગ છીએ એવી અસ્મિતાની અનુભૂતિ આપણને છે.

પરંતુ, આપણી આ અનુભૂતિ માટે ‘અન્ય’ની જરૂર છે. કઈં નહીં તો એક નાના બાળકના વિકસતા ભાષા પ્રયોગને જોતાં મને તો એવું જ લાગ્યું. બાળકને પોતાની અસ્મિતાની અનુભૂતિ તો ભાષાથી પહેલાં જ હશે. એની દુનિયાના કેન્દ્રમાં જેને તમે ‘દીકરી’ કહો તે ‘મા’ છે. ‘મારો દીકરો’ની ભાવનાનો અનુવાદ બાળક ‘જ્યાંથી ભોજન મળે છે તેવું એકમ’ એવી ભાવના રૂપે કરતું હશે. તે પછી એને આપણે જે નામ આપીએ તે નામને એ પોતાની ઓળખાણ માનવા લાગે. ‘હું’ તો બહુ પાછળથી આવે!

આમ છતાં, જ્ઞાનીઓ માણસના ‘અહં’ની ચર્ચા કરતા હોય છે. ‘અહં’નો નાશ કરો. તમારી મુક્તિમાં ‘અહં’ આડો આવે છે. અરે, એ ‘અહં’ મારો છે જ ક્યાં? બીજા કોઈ નહોત તો ‘હું’ પણ નહોત. એક નિર્જન ટાપુ પર હું કયા સંદર્ભમાં ‘હું’નો ઉપયોગ કરી શકું? ‘હું’ એ તો વ્યવહારમાં અલગ અસ્મિતાની અભિવ્યક્તિ માટે સર્વને મળેલું સર્વનામ માત્ર છે! ભાષા ન હોત તો પણ અલગ અસ્મિતાની અનુભૂતિ તો રહેત જ. ગાયને છે, હરણને છે, કીડાને છે. આમ. ‘હું’ને બહુ હેરાન કરવાનું કારણ જણાતું તો નથી.

આમ છતાં, ‘હું’ હેરાન તો કરે જ છે! ‘હું’ શું છે, કોણ છે? ધર્મોમાં આ ચર્ચા થઈ છે. એ કોણ છે, જે પોતાને ‘હું’ કહે છે? બહુ ઊંડી ચર્ચામાં જતાં પહેલાં એક વાત કહું: એક તત્વચિંતકનું આ કથન છે, નામ શોધવાનો પ્રયત્ન કર્યો પણ હમણાં તો મળ્યું નથી. એમણે એક ખેડૂતને પૂછ્યું: “આ દાતરડું કેટલા વખતથી વાપરે છે?”. ખેડૂતે કહ્યું: “દસ વર્ષથી”. તત્વચિંતકે ફરી પૂછ્યું: “એને સમારવાની પણ જરૂર નથી પડી?” ખેડૂતે જવાબ આપ્યોઃ “એમ તો નહીં એનો હાથો બે વાર બદલવો પડ્યો છે અને એનું ફળું તો બે-ત્રણ વાર બદલાવ્યું.”

મુદ્દો એ છે કે એ હાથો અને ફળું બન્ને બદલ્યા પછી પણ ખેડૂતને એ પોતાનું મૂળ દાતરડું જ લાગતું હતું! એ ખરેખર તો મૂળ દાતરડાની ખરીદી, ઉપયોગ, રિપેર બધાં કામોમાં સીધી રીતે સંકળાયેલો હતો અને બધું બદલી ગયા પછી પણ એની મૂળ દાતરડાની અવધારણા એ સતત નવા ઓજાર પર આરોપતો રહ્યો. આમ એ નવું દાતરડું વાપરતો હોવા છતાં, એક અવધારણા જ વાપરતો હતો, એટલે એક જાતની નિરંતરતા પણ અનુભવતો હતો.

કદાચ ‘હું’ પણ આવો જ છે. મનુષ્ય જાતિના એક એકમ તરીકે આપણી અલગ અસ્મિતા બની અને એને આપણે સામાજિક વ્યવહારમાં જ્યારથી ‘હું’ તરીકે ઓળખતા થયા ત્યારથી એક અવધારણા બની છે તે આપણે બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ સતત વાપરતા રહીએ છીએ. વાસ્તવમાં એ સર્વસામાન્ય અને પ્રાણી માત્રના અનુભવમાં આવતું અલગ એકમ હોવાનું ભાન જ છે.

સહેલું પણ છે, જૂનું નામ વાપર્યા કરવાનું. પેઢીઓથી એક સાથે રહેતા હોઇએ અને ધીમે ધીમે એક એક સભ્ય દુનિયામાંથી વિદાય લેતો જાય અને તે સાથે લગ્ન કે જન્મના માર્ગે નવા સભ્યોનું ઘરમાં આગમાન પણ થાય. એક સમયે આખું ઘર જ બદલાઈ ગયું હોય. પણ ‘ઘર’, ‘કુટુંબ’ની અવધારણા ચાલુ જ રહે છે. ‘હું’નો ‘મામલો પણ કઈંક એવો જ નથી લાગતો? એનું સાતત્ય એક અવધારણા છે. એ સ્વાયત્ત હોવાનું પણ લાગવા માંડ્યું છે. આ સ્વાયત્તતાનો ભ્રામક ખ્યાલ જ આપણને ઘણા વિવાદાસ્પદ ખ્યાલો તરફ લઈ જાય છે.

તમને કઈં સૂઝે તો કહેજો ને!
XXX

17 thoughts on “Who I am? (or What “I” is?)”

 1. સાલ મુબારક દીપકભાઈ, આપને અને આપના સમસ્ત પરિવારને!

  ‘હું’ને નાથવાનો એક પ્રયાસ હુંને બદલે ‘અમે’ કે ‘આપણે’ તરિકે વિચારવાથી થઈ શકે. જેથી આપણે એક અલાયદા એકમ તરિકે ના રહેતા, સમુદાયના ભાગરૂપે વિચારતા થઈએ અને કોઈપણ કામનો શ્રેય વ્યક્તિગત રીતે નહી લઈએ. સ્વાભાવિક છે, કે આઅ ‘આપણે’માં આપણે કોનો સમાવેશ કરીએ છીએ તે અગત્યનું છે. હિંદી ભાષીઓ જેમ ‘મૈં’ને બદલે ગર્વથી કે ઘમંડથી ‘હમ’નો ઉપયોગ કરે છે તેવો ઉપયોગ કરવાનું હું સુચવતો નથી.

  1. ધવલભાઈ,
   ‘તર્કવૃત્ત’ શબ્દ યાદ છે ને? આપણે ફરી એક વાર એક જ તર્કવૃત્ત પર છીએ!
   ‘હું’નો અંત આવે જ નહીં. બહેન મીતાબહેન ભોજકે એમના બ્લૉગ પર અહંને સંપૂર્ણ દફન કરી શકાય કે નહીં, એવો લેખ મૂક્યો હતો. એના જવાબમાં મેં પણ એ જ લખ્યું હતું કે અહંને માત્ર વિસ્તારી શકાય. એમાં સર્વનામ ‘હું’ને બદલે ‘અમે’ તો ન જ વપરાય, એ તમારી વાત બરાબર છે.
   માત્ર આપણે ‘અન્ય’ સાથે જોડાઇએ એ જ વિસ્તાર ની રીત છે. આપણા આધુનિક ‘અખા’ ભૂપેન્દ્રસિંહભાઈના લેખો પણ દેખાડે ચે કે સહકાર સ્તનપાયી પ્રાણીઓમાં (અને મનુષ્યોમાં) જીવન અને વૃદ્ધિની આવશ્યક શરત છે.
   ખરેખર તો મીતાબહેને આવો લેખ ન મૂક્યો હોત તો અહીં મેં અહીં મારા વિચારોને વિસ્તારપૂર્વક મૂક્યા નહોત. એટલે આભાર મીતાબહેનનો!

 2. શ્રી દિપકભાઈ,
  આપે જે વાત કરી તેવા પ્રકારની વાત બૌદ્ધોના ક્ષણિક વિજ્ઞાનવાદમાં આવે છે. જેમાં તેઓ કહે છે કે ’હું’ પળે પળે બદલાય છે એટલે કે એક ક્ષણે જન્મે છે અને બીજી ક્ષણે મૃત્યું પામે છે. ક્યારેય તેનો તે ’હું’ બીજી ક્ષણે હોતો નથી – તેમ છતાં આ હું મા એકધારાપણું કલ્પીને જીવ પોતાનો વ્યવહાર ચલાવે છે.

  આપે ખેડુત અને દાતરડાનું ઉદાહરણ આપ્યું તેવું એક ઉદાહરણ આપણે કોમ્પ્ય઼ુટર અને પાવરનું આપીને સમજી શકીએ.

  કોમ્પ્ય઼ુટરની અંદર હાર્ડડીસ્કમાં બધો ડેટા સંગ્રહિત રહે છે. જ્યારે પાવર મળે ત્યારે RAM ની મદદથી CPU દ્વારા આ Data ને ફરી પાછો બોલાવવામાં આવે છે.
  RAM ને બુદ્ધિ કહી શકીએ, Hard Disk ને ચિત્ત કહી શકીએ. CPU ને મન કહી શકીએ. SMPS અને તેના વાયરોને પ્રાણ કહી શકીએ. RAM – પાવર સપ્લાય વગર કશું કાર્ય નથી કરી શકતી. નિરંતર મળતા પાવર સપ્લાયને કારણે RAM સમગ્ર કોમ્પ્ય઼ુટરનું અભીમાન કરીને તેમાં થતા કાર્યોને પોતાના સમજીને ’હું ’હું’ કરે છે. એક રીતે જોઈએ તો RAM વગર કોમ્પ્ય઼ુટરમા કશું થઈ પણ ન શકે તેથી તેના હું હું પણા ને છંછેડવાની જરૂર નથી. છતાં તે વાત મહત્વની છે કે પાવર સપ્લાય અને RAM બંને જુદી જુદી બાબત છે અને તે બંનેના જોડાણથી આ ખેલ ચાલે છે.

  પાવર સપ્લાયનો ઉપયોગ અનેક પ્રકારે અનેક પ્રકારના પરીણામો મેળવવામાં થઈ શકે. કેવું ઉપકરણ છે તે પ્રમાણે પાવર અભીવ્યક્ત થશે. પંખો હશે તો હવા ફેંકશે, ટ્યુબલાઈટ હશે તો પ્રકાશ રેલાવશે, ફ્રીઝ હશે તો ઠંડક આપશે, હીટર હશે તો ગરમી આપશે. તેવી રીતે જેવું અંત:કરણ હશે તે પ્રમાણે ચૈતન્યનો સહવાસ પરીણામ આપશે. પ્રાણીઓના અંત:કરણ મનુષ્યોની અપેક્ષાએ અલ્પવિકસીત હોય છે. મનુષ્યોના અંત:કરણના વિકાસમાં યે ઘણાં ભેદ હોય છે. ચૈતન્ય તો સર્વ સ્થળે અને સર્વ કાળે છે પરંતુ અંત:કરણ જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત થશે. જેવું અંત:કરણ હશે તેવી અભિવ્યક્તિ રહેશે.

  મૃત્યું સમયે કામ ચલાઉ ધોરણે અંત:કરણ ઉપર પડદો પાડી દેવામાં આવે છે. ત્યાર બાદ શરીરમાંથી સુક્ષ્મ શરીર અને કારણ શરીર અંતીમ સમયે જેવી ધારણા હશે તે પ્રમાણે નવા ખોળીયામાં જશે. અને ખોળીયું વિકસીત થતાં જુનો Data – Backup તરીકે સ્ટોર કરીને ચિત્તને Format કરીને નવા ખોળીયામાં મુકવામાં આવશે જેથી તે નવો Data મેળવીને તાજગી અનુભવે.

  છેવટે જ્યારે જીવને તેમ થશે કે આ રમત હવે બહુ થઈ ત્યારે તે સતત પોતાના વિશે ચિંતન કરીને પોતાને ચૈતન્ય તરીકે ઓળખશે અને અંત:કરણ સાથેનું તાદાત્મ્ય છોડી દેશે – તેવે વખતે તેને કશા બંધન નહીં લાગે અને નિરતિશય આનંદ અનુભવશે. પરંતુ જેવો ધ્યાન છોડીને ફરી પાછો અંત:કરણની ઉપાધી સાથે એકરુપ થશે તેવો તરત પોતાને ઉપાધીને અનુરુપ અનુભવશે.

  અધ્યાત્મનું ધ્યેય નિરંતર ચૈતન્યનો અનુભવ કરીને અંત:કરણ સાથેનું તાદાત્મ્ય સર્વથા છોડીને બ્રહ્મ સાથે એકતા સાધવાનું છે.

  અંત:કરણ સાથે જોડાયેલ ચૈતન્ય સુખ દુ:ખ અનુભવે છે. અંત:કરણ પોતે જડ હોવાથી તેમાં સુખ કે દુ:ખ કશું હોતું નથી.

  1. અતુલભાઈ, માફ કરજો, કમ્પ્યૂટર જગતમાં મારી ચાંચ બહુ ઓછી ડૂબે છે, એટલે આ તુલનાને હું બરાબર ન સમજી શકું એ શક્ય છે.
   આપણા વિદ્વાનોએ આ પ્રકારનાં ઘણાં ઉદાહરણો આપ્યાં છે પરંતુ કમ્પ્યૂટરનું ઉદાહરણ આપવાનું એમને સૂઝ્યું નહીં. કહે છે કે ઘણા તો ત્રિકાળદર્શી હતા. કમ્પ્યૂટર વિશે એમને જ્ઞાન નહોતું. જ્ઞાન સતત વિકસે છે અને પાછળ અટકી જઈએ તે ન ચાલે.

   હું સમજી શક્યો છું ત્યાં સુધી, તમે કહો છો કે ” RAM – પાવર સપ્લાય વગર કશું કાર્ય નથી કરી શકતી.” કબૂલ. પરંતુ તમે આ પાવર સપ્લાય વિશે તો કઈં ન સમજાવ્યું! કદાચ તમે કહેવા માગો છો કે આપણા શરીરને ‘પાવર સપ્લાય’ બહારથી મળે છે.

   સવાલ જ એ છે કે પાવર સપ્લાય ખરેખર બહારથી મળે છે કે એ માત્ર આભાસ છે? તમે આપેલા ઉદાહરણનો ઉપયોગ કરૂં તો, શરીર એક્ઝેક્ટલી કમ્પ્યૂટરની જેમ જ કામ કરે છે કે એનાથી મૂ્ળભૂત રીતે (કહેવાતા પાવર સપ્લાયની બાબતમાં) અલગ રીતે વર્તે છે? આ મૂળ સવાલ એવી ધારણા સામે છે કે પાવર સપ્લાય બહારથી મળે છે. તમે એ કહો કે મારી શંકા ખોટી છે, અને સાચી સ્થિતિ આ પ્રમાણે છે આ સવાલનો જવાબ તમારા ધારવા પ્રમાણે તમે આપી દીધો હોય – તો હજી કઈંક અધૂરૂં લાગે છે.
   ( અને જવાબ લખો ત્યારે એ લખવાનું ભૂલશો નહીં કે બહેનને ત્યાં શું જમ્યા?!)

   1. સવાલ જ એ છે કે પાવર સપ્લાય ખરેખર બહારથી મળે છે કે એ માત્ર આભાસ છે?

    જો કોમ્પ્ય઼ુટરની વાત કરીએ તો પાવર સપ્લાય બહારથી મળે છે. જો અંત:કરણ અને ચૈતન્યની વાત કરતા હો તો. ચૈતન્ય સર્વ સ્થળે અને સર્વ કાળે – એટલે કે દેશ , કાળ અને પદાર્થને સત્તા અથવા તો આધાર આપનારું તત્વ છે. જેમાં કશું પરિવર્તન નથી, દ્વૈત નથી.

    આભાસ તો આ આખુંયે જગત છે. જેટલું અંત:કરણ વધારે વિકસીત તેટલો આભાસ વધારે. પદાર્થોને કશો આભાસ નથી, વનસ્પતિને થોડો આભાસ છે, પ્રાણીઓ વળી વધારે આભાસ ધરાવે છે જ્યારે મનુષ્યના જીવનમાં તો આભાસ જ આભાસ છે. અહીં વાસ્તવિક કશું નથી સીવાય કે આપણું અસ્તિત્વ.

    શું આપણે તેમ કહી શકીએ કે જન્મ થયો ત્યારથી જ આપણું અસ્તિત્વ છે? ના જેમ જેમ કહેવાતા મોટા થતા ગયા તેમ તેમ અંત:કરણ વિકસીત થતું ગયું અને આભાસ વધતો ગયો.

    મેં તમને કે મોટા ભાગના બ્લોગરોને જોયા નથી – પ્રત્યક્ષ કદી મળ્યો નથી અને તેમ છતાં આપણાં મનની કલ્પના અને ભાવોને આધારે આપણે એક આખું આભાસી બ્લોગ-જગત ઉભું નથી કરી દીધુ? બ્લોગ વાંચીને હું જેટલા ભાવ અનુભવું છું તેમાંથી એક ટકો યે ભાવ મારી બાજુમાં બેઠેલા બ્લોગ-જગત સાથે ન સંકળાયેલ મિત્ર નહીં અનુભવે. હવે અહીં મિત્ર લખીશ તો કેટલાયના મનમાં જાત જાતની શંકા કુશંકા થશે – કારણ? તેમણે પોતાનો આભાસ વિસ્તાર્યો છે અને હજુયે વિસ્તારતા જાય છે.

    આ આભાસ દૂર કેવી રીતે થાય? બ્લોગ જગતમાં રહેવા છતાં તેની સાથે તાદાત્મ્ય ન સાધવાથી. બ્લોગ વાંચું અને માત્ર મારી નજર તેમાં રહેલા લખાણ તરફ રહે અને તેની પાછળ રહેલા સંદેશા અને સંકેતો ઝીલવામાં ન રહે તો બ્લોગ જગત મારા માનસમાં કશોયે આભાસ કે વિરોધાભાસ ઉત્પન્ન નહીં કરે. જળમાં રહેનાર ભીનો થયા વગર ન રહે તેમ બ્લોગ જગતમાં પડનારો આભાસ થી દૂર ન રહી શકે.

    એક બીજી વાત કહું? ધારો કે મારે કોઈ એક નદીમાં ડુબકી મારવી છે તો તેમાં બીજા કેટલા ડુબકી લગાવીને બેઠા છે તે જાણવાની શું જરૂર? કુદી પડવાનું ડુબકી મારીને બહાર નીકળવાનું. પાવર સપ્લાય બહારથી મળતો હોય કે આભાસ હોય જેને જેને પાવર સપ્લાયની જરૂર હોય તેણે મેળવી લેવાનો. તેને માટે કાઈ બીજાની અનુમતિની જરૂર નહીં – પાવર કંપનીને અરજી કરો અને પાવર મેળવી લ્યો.

    બહેનના ઘરે છોલે – ભટુરા , કઢી, પાપડ, કચુંબર વગેરે જમ્યો. ભાત અને મીઠાઈ હતા પણ સ્યુગર વધી ન જાય તે માટે ન ખાધા. ભોજનના પદાર્થોનું મહત્વ ન હતું તેમના ભાવ અને વાત્સલ્યથી હું અભીભૂત થઈ ગયો.

    1. પહેલાં તો શ્રી જુગલભાઇએ એમના બ્લૉગ પર આ લેખના અનુસંધાનમાં અલગ લેખ મૂક્યો તે બદલ આભાર. એ લેખ પર શ્રી ‘અક્ષયપાત્ર’જીનો પ્રતિભાવ પણ ઉલ્લેખનીય છે. શ્રી અતુલભાઈ પણ એમના માનસિક વલણ પ્રમાણે અહીંની ચર્ચાઓમાં હંમેશાં સક્રિય રહે છે તે બદલ એમનો પણ આભાર.
     શ્રી બીરેનભાઈ અને શ્રી ધવલભાઇએ ‘હું’નું વ્યવહારની દૃષ્ટિએ પૃથક્કરણ કરીને ચર્ચામાં નવો આયામ ઉમેર્યો છે. એમનો પણ આભાર.

     મને લાગે છે કે જ્યાં સુધી ” ‘હું’ કોણ છે” અથવા ” ‘હું’ શું છે”નો જવાબ ન મળે ત્યાં સુધી “હું કોણ છું”નો પણ જવાબ ન મળે. આ સંદર્ભમાં આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ એમના ‘કુરુક્ષેત્ર’ બ્લૉગ પર “રાસાયણિક તત્વજ્ઞાન” શીર્ષક હેઠળ ત્રણ લેખ મૂક્યા છે એના પર નજર નાખી લેવી જરૂરી જણાય છે (http://raolji.com/2011/10/11/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE….)

     ” ‘હું’ કોણ અથવા શું છે?” એ સવાલ ખરેખર બીજી રીતે પણ મૂકી શકાયઃ ‘જડ’ અને ‘ચેતન’ શું છે? બન્ને સદાસર્વદા અલગ હોય તો અદ્વૈતનો પ્રશ્ન નથી રહેતો; દ્વૈત સિદ્ધ થાય છે. બન્નેનું અદ્વૈત હોય તો જડમાંથી ચેતનનો વિકાસ થયો કે ચેતનમાંથી જડનો – એ સવાલ આવે છે. બન્નેમાંથી જે કોઈ પ્રથમ હોય, असत्માંથી सत् પ્રગટતું નથી એ શરતને વાંધો નથી આવતો! જે પ્રથમ હશે તે सत्.

     સવાલ એ છે કે આપણે જે કઈં કહીએ છીએ તેનો કોઈ જૈવિક, સામાજિક, કે તાર્કિક આધાર છે કે નહીં? કોઈ વસ્તુને તર્કાતીત તરીકે ઓળખાવતાં પહેલાં તર્ક દ્વારા ઊભા થતા બધા પ્રશ્નોના જવાબ શોધવા પડશે, તર્કથી કશું પણ સિદ્ધ કરી શકાય પરંતુ એના સમર્થનમાં નક્કર આધાર ન હોય તો એ માત્ર અટકળ બની રહે. આઇન્સ્ટાઇને પણ માત્ર અંતર્યાત્રા કરીને કેટલાયે નિષ્કર્ષો આપ્યા હતા. વૈજ્ઞાનિકો એના આધાર શોધતા રહ્યા અને આધાર મળ્યા ત્યારે જ આઇન્સ્ટાઇનને પ્રતિષ્ઠા મળી. આધાર વિના તર્કાતીત કહેવાતી ચીજ પોતે જ તર્કથી નકારવા લાયક બની રહેશે. વળી વિજ્ઞાનની મર્યાદા આવી ગઈ હોય તો તે પણ દેખાડવું પડશે.

     આ દૃષ્ટિએ ચેતનની પ્રાથમિકતાના સમર્થનમાં તર્ક તો આપી શકાશે પણ નક્કર સાબીતી મુશ્કેલ બનશે. બીજી બાજુ પ્રકૃતિની ઉપસ્થિતિ અને વિકાસ નિર્વિવાદ રહ્યાં છે.
     વ્યાવહારિક રીતે ‘અહં’નો અંત લાવવાના પ્રયાસોએ આપણને માત્ર ગૂંચવાડામાં નાખ્યા છે. શ્રી જુગલભાઈના બ્લૉગ પર શ્રી અક્ષયપાત્રજીએ આ મુદ્દો બહુ સારી રીતે સ્પષ્ટ કર્યો છે. ત્યાં જઈને વાંચવા વિનંતિ છે. અહીં શ્રી બીરેનભાઈ અને શ્રી ધવલભાઈનાં મંતવ્યો આ દુનિયામાં સાચી દિશામાં લઈ જતાં હોય એમ મને લાગે છે.

     બાકી તો અતુલભાઈ બહેનને ઘરે જમી આવ્યા અને અભિભૂત થયા એ જ સાચું છે. સત્યો આ દુનિયામાં છે. બહેને એમને જમાડ્યા એ આભાસી છોલે ભટૂરે નહોતા! તો શા માટે આપણે સત્યને આ દુનિયાની બહાર, કલ્પનાઓમાં શોધવા જઈએ? લહેર કરો ને!

 3. ‘હું’ અથવા તો ‘હુંપણું’ કે ‘અહં’ હોય એમાં કંઈ ખોટું નથી. કર્તૃત્વની જવાબદારી માટે પણ એનું હોવું જરૂરી ગણાય. બલકે એ જીવવા માટેનું ચાલકબળ છે, એમ કહેવામાં ય અતિશયોક્તિ નથી. ‘મને કશાનો અહં નથી’ એ પણ એક જાતનો અહં જ કહેવાય. સવાલ એ છે કે એની માત્રા કેટલી હોવી જોઈએ? એવું કોઈ નિર્ધારિત માપ કે પ્રમાણ છે નહિ, કે હોઈ ન શકે. વિવેક થકી એ આવી શકે. એ પોતાને નુકસાન કરે ત્યાં સુધી ઠીક છે, (કેમ કે એનો ખ્યાલ પોતાને ઝટ આવે નહી) પણ બીજાને નડે યા નુકસાન કરે એ કક્ષાનો ન વિકસવો જોઈએ.
  કદાચ એમ પણ બને કે જે તે ક્ષેત્ર કે કાર્યવિસ્તાર કે સમયસંજોગ મુજબ એની માત્રા વધઘટ થાય. જેમ કે- આ બ્લોગ દીપકભાઈ (કે કોઈ પણ) ચલાવે છે, તો એની સાથે એમની ઓળખ જોડાયેલી છે. એ ઓળખ એટલે ‘હું’. એને નામ ગમે તે આપો. (બહુવચને, ત્રીજા પુરુષ તરીકે યા અન્ય રીતે સંબોધો તોય એ છેવટે તો ‘હું’નું જ સ્વરૂપ છે- શબ્દફેરે.) વિવેક જાળવીને ‘હું’ પ્રયોજાય તો એ ઉલટાનું લાભકર્તા નીવડે છે.

 4. ક્યારેક કોઈ નિમિત્ત મળતાં કેવું સર્જાઈ જાય છે તેનું ઉદાહરણ મારો લેખ “આ ‘હું’–‘હું’ કરતો ‘હું’ ખરેખર કોણ છે ?!”ને ગણી શકાય >>> http://jjkishor.wordpress.com/

  મારે દીપકભાઈના આ લેખ પર કોમેન્ટ મૂકવી હતી. તૈયારી કરીને લખવા જાઉં છું તો વાતનું વતેસર થઈ ગયું ! આખું લખાણ કોમેન્ટને બદલે મારા બ્લોગ પર ચડાવી દીધું. આપ સૌને વાંચવા આશા–અપેક્ષા–ભલામણ–વિનંતી છે.

 5. ==

  જોયું ! મથાડું છે હું કોણ છું અને ચર્ચામાં પણ બધાએ એજ બાબત ચર્ચા કરી છે. સાચું પુછો તો પહેલી કોમેન્ટમાં લખેલ છે કે બહેનના ઘરે જવું છે પછી કંઈક સુઝસે તો કહીશ.

  બધાની આ જ હાલત છે. હું બહેનના ઘરે જાઉં અને બહેન કહે ચા મુંકૂ અને ચર્ચામાં હું કહું દુધ અભક્ષ છે દુધ અને દુધની બધી બનાવટો મને ન ચાલે. એટલે બહેન કહે બનાવટ કરવી નહીં અને જમવામાં આવે શ્રીખંડ.

  મારી પ્રોફાઈલના ફોટામાં ચાર મુખ છે. દસેક વર્ષ અગાઉ મેં પહેલાં ત્રણ ફોટાને સ્કેન કરી સંભાળી રાખેલ અને ચોથા ફોટો આવતાં કટીંગ પેસ્ટીંગ કરી પ્રોફાઈલ માટે ગોઠવી દીધું. ઉપનીષદમાં હું ની વીગતો વાંચીએ તો મજા આવે. ઋષી મુનીઓ અને હાલના ગુરુઓએ પણ હું ની ઘણી વીગતો આપેલ છે. આ બધામાં “…આપણા આધુનિક ‘અખા’ ભૂપેન્દ્રસિંહભાઈ…” ની વ્યાખ્યા પ્રમાણે આ નેટ જગતે આખી દુનીયાને સહકારથી નજીક લાવી આપ્યા છે. એટલે આપણે બધા ચતુરમુખી બની ગયા છીએ.

  ઉપરની કોમેન્ટસમાં એના દર્શન થાય છે.

  1. ધરખમ Blast!! કચ્છી માડુ!?
   શ્રેણીઃ પિપર સે પ્યો ને સા ઉડી વ્યો! (પીપળેથી પડ્યો ને શ્વાસ ઊડી ગયો)

   ભૂપેન્દ્રસિંહભાઈ આધુનિક અખા છે.

 6. વિષય-મુદા મારા રસ- ઇન્ટરેસ્ટ-રુચિ-મતલબના ગમતા છે..અભ્યાસ કરી. નિરાંતે વધુ લખીશ! ‘ ઇન ધ મિનટાઈમ’ , …,કંઈક >નું “કંઇક” …..પેશ છે:
  (10) મારી ઓળખ…
  રસજ્ઞ ભાવકો….,
  જય હો!
  હું
  હું મારી મૂળ ઓળખને શોધતો,મારા હોવાને ફંફોસતો,
  ને,અટકળઅટકળરમતો,ને,ભાસને,આભાસને છંછેડતો,
  હકીકતના પડછાયે પસ્તાતો,પ્રકાશના પ્રદેશે પકડાતો,
  ભીતરની ભોંયમાંથી લીલી કોમલ કૂંપળ જેમ ફૂટતો,
  ચિંતો ખુદને આચાનક જડતો! દિલથી મળતો!
  ***
  નીરવ શાંતિ છે! , હું ઊભો વચ્ચે અડગ,સૂરજ દેખાતો ડાબે, ને, ચાંદો જમણેસરસ!આકાશને શું?એને જોવાનું,હોવાનું સુખસમરસ।

  (11) આનંદ, પરમ આનંદ…
  હું તો આંખો મીંચું ને ઘૂઘવતો દરિયો ભીતરમાં,આનંદ!
  ક્યારેક હું મ્હલતો,હિલ્લોળતોઆનંદ-સરવરમાં,આનંદ!
  મળે તેને જ માણી લેવું,એમાંજ મોજ ને મઝાછે,આનંદ!
  કરમના ક્રમનેજ અનુસરવાની નિયતિ છે,પરમ આનંદ!
  જેવો જેનો હો છંદ, તેવો પ્રાપ્ત એને નિજ ગુણ-આનંદ!
  કોઇની વાત હો કેવી!એને શું ફરીફરીને કે’વી,શું આનંદ?
  મળ્યાની મ્હાણ મધ જેવી,એને શું વેડફી દેવી?આનંદ?
  મૂળ શરત નિજ સંગ મુલાકાત,સ્વ સાથે વાતની આનંદ!
  (12) ટીપું……ટીપાં

  ટપકે એ તો ટીપું……ટીપાંમાં શુંએ વિચાર!
  અહીં તો મહાશૂન્યતાના વ્યાપ ને વિસ્તાર,
  એમાં સર્જન શું ? વિસર્જન શું? વિચાર!
  ટપકે એ તો ટીપું, ટીપાંના ભાગ વિચાર!
  આઈં જો! હેડકી ને, હડદોલા થાય હજાર,
  યાદ? શું કહું? લાગી સ્મરણોની વણજાર,
  ટપકે એ તો ટીપું,ટીપાંમાં શક્યતા વિચાર!
  ટીપું ક્ષણનું સાથી,એવાં હોય અનેક હજાર!
  ગણવું ક્યાં?એનાં હોય અનંત વિસ્તાર,
  ટપકે એ તો ટીપું,ટીપાંમાં બધ્ધુંય યાર ,
  છે એ દેખાય થાતું,એમજ અંદર બહાર!
  એમાં અરમાન છે, જીવન છે,અપરંપાર!
  એમાં સુગંધ,તેજ ને વાસ,પણ નહીં આકાર,
  ટપકે એ તો ટીપું,ટીપાંમાં વસે નિરાકાર!
  એમાં ઝળકે-ચળકે પ્રકાશ ને તેજ અપાર!,
  ટપકે એ તો ટીપું,…એમાં શક્તિ બેસુમાર,
  એમાં એક ચિનગારી,તણખા આગ પારાવાર,
  એણે ચેતવી દીવા-વાતી,ઈંધણ અખૂટ તૈયાર,
  ટપકે એ તો ટીપું, ટીપાંમાં સઘળું છે યાર!
  ભોંય-ભૂમિની માટી…ઝીલે અવિરત ધાર,
  એક્માંથી અનેક કરવાની શક્યતાઓ અપાર,
  વિચાર,વિચાર,વિચાર! તું સમર્થ છો યાર!

  (15) મોત પાધરું થયું।
  અચાનક સમજણ એમ સપાટીએ આવી,સળવળી ,પોત પાધરું થયું,
  યકાયક અટકળ અટકળ ગઈ હકીકતમાં પલટાઈ,સ્રોતપાધરું થયું,
  એકદમ રમઝટ ભીતરમાં મચી,ને ,પછી વટલાઈ મોત પાધરું થયું।
  (16) માત્ર !!!
  આ લ્યો,અટક્યું અચાનક
  શ્વાસોનું સંગીત,શાંત થઈ સદાની
  સખળ ડખળ, સળવળ.
  ‘હતો’ની પ્રતીક-હલબલતી જ્યોત માત્ર!
  હું થઈ ગયો,સુવાસિત ધૂમ્રસેર!એક આકાર માત્ર,
  કો’કની આંખો,મનનો‘કરાર’ ગયાનો એહસાસ માત્ર!
  છે જીવન મંથર,સતત હળવી ગતિ માત્ર!
  શક્તિ બધી સંચિત ભરી પડી છે,ભીતરની વાતમાં,
  હળુહળુ સ્વયં સળગયા કરે છે…દીવાની જ્યોતિ,વાટમાં…
  ***
  વધુ પછીથી

 7. રસજ્ઞ ભાવકો જેમના રસ-રુચિ સાથે મેળ પડે તો આવા વસ્તુના એક્સચેન્જ માટે
  પર ઈ-મેલ થી સંપર્ક કરી શકે છે!-લા ‘ કાન્ત/૩૧-૧૦-૧૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: