Paresh Vaidya on Biotechnology (3)

આરોગ્ય ક્ષેત્રે બાયોટેક
અન્ન અને કૃષિમાં બાયો-ટેક્નોલૉજીનો જેટલો ઉપયોગ થાય છે તેટલો કે તેથી વધુ આરોગ્ય અને ઔષધ ક્ષેત્રે પણ થઈ રહ્યો છે. પ્રજનનને પણ આરોગ્યનું જ એક પાસું ગણીએ તો આ વ્યાપ વધુ બહોળો જણાય છે. ગાય અને ઘેટાંની જાતો સુધારવા માટે કૃત્રિમ ગર્ભાધાનની રીતો બહુ વરસો પહેલાં અજમાવાઈ. એક અર્થમાં એ બાયો-ટેક્નોલૉજી જ હતી. પછી મનુષ્યોમાં પણ કૃત્રિમ ગર્ભાધાન કરાયું. પ્રયોગશાળાની કસનળીમાં ફલીકરણ કરવાના – ટેસ્ટ ટ્યૂબ બેબીના રોમાંચક પ્રયોગો થયા. યુરોપમાં લ્યુસી આવી પહેલી બાળા હતી તો 16 વર્ષ અગાઉ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલી હર્ષા ચાવડા ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બાળા હતી.
ટેસ્ટ ટ્યૂબ ફલીકરણમાં બે કોષ (અંડકોષ અને શુક્રકોષ) ને જોડવાના હોય છે. તેથી આગળ, એક કોષ લઈ તેમાં બાહ્ય જનીન દાખલ કરવાની રીતો પણ શોધાઈ. આ બંને માટે વીજળીનો નાનોશો આંચકો (શૉક) આપવાની રીત પ્રચલિત છે. શૉકથી કોષદીવાલમાં સૂક્ષ્મ કાણું પડી DNAની અવરજવર સહેલી થાય છે.
ઈન્સ્યુલિનની જૈવિક બનાવટ
આપણા શરીરમાં પેદા થતાં જૈવ રસાયણો – હૉર્મોન, એન્ઝાઈમ, વગેરે વિજ્ઞાનીઓએ સૂક્ષ્મ જીવાણુના શરીરમાં અમુક જીન ઘુસાડીને તેના દ્વારા પેદા કરાવરાવ્યાં છે. આમાં સૌથી જાણીતું તે ઈન્સ્યુલિન છે. સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) ના ખાસ કોષોમાંથી ઝરતો આ સ્રાવ લોહીમાં ભળીને ખાંડનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે છે, જેના વડે શરીરને શક્તિ મળે. મધુપ્રમેહના દરદીનું સ્વાદુપિંડ ઈન્સ્યુલિનનું પૂરતું ઉત્પાદન નથી કરતું તેથી તેના લોહીમાં સાકરનું પ્રમાણ વધારે દેખાય છે. બહારથી જે ઈન્સ્યુલિન ઈંજેક્શન દ્વારા દેવાતું રહ્યું છે તે ગાય અને કુક્કરના સ્વાદુપિંડમાંથી કાઢવામાં આવતું. પરંતુ કતલખાનામાંથી મેળવાયેલ આ અંગમાંથી મળેલ ઈન્સ્યુલિનથી વધતી માંગને પહોંચી નથી વળાતું. ભારતનો જ દાખલો લોઃ સન 1995-96માં 700 કરોડ યુનિટ ઈન્સ્યુલિનની માંગ સામે આ હૉર્મોનના માત્ર 450 કરોડ યુનિટ બનેલા. આ સિવાય એ પણ હકીકત છે કે માણસને માણસનું જ ઈન્સ્યુલિન મળે તે ઉત્તમ ગણાય. 1971 પછી આ શક્ય બન્યું છે.
તે માટે આ હૉર્મોન બનાવતાં જીનની ઓળખ કરી, તેને છુટું પાડી ઈ-કોલી નામે ઓળખાતા જીવાણુના કોષમાં હળવેકથી ઘુસાડી દેવાય છે. આ પ્રકારના જીવાણુ પછી જાણે ઈન્સ્યુલિનની ધમધમતી ફેક્ટરી બની જાય છે. તેઓની સંખ્યામાં ગુણાકાર કરી જોઈતું પોષણ આપ્યા કરો તો એ તમને તદ્દન માણસ જેવું જ ઈન્સ્યુલિન બનાવીને દેતાં રહેશે! બીજો એક અંતઃસ્રાવ, જેને ‘હ્યુમન ગ્રૉથ હૉર્મોન’ કહે છે તે પિચ્યૂઈટરી ગ્રંથિમાંથી ઝરે છે. માનવશબોમાંથી આ ગ્રંથિ કાઢવાની હવે જરૂર નથી રહી, કારણ કે એ પણ જિનેટિક એન્જિનિયરિંગથી બનાવેલાં જીવાણુઓ બનાવી આપે છે.
બે અગત્યના એન્ઝાઈમ પણ બાયોટેકથી બની રહ્યા છે. એક છે હૃદયની ધમનીમાં કે મગજમાં થતા લોહીના ગઠ્ઠા (ક્લૉટ) ને ઓગાળવામાં વપરાતો TPA ટિસ્યૂ પ્લાસ્મીનોજન એક્ટિવેટર અને બીજો ફેફસાંના રોગમાં વપરાતો એન્ટિટ્રિપ્સિન. લિમ્ફોડીન વર્ગનાં રસાયણો ઈન્ટરફેગેન અને ઈન્ટરલ્યુકીન પણ કૃત્રિમ રીતે બની શકે છે એનો ઉપયોગ કેન્સરના ઉપચારમાં થાય છે. કેટલાક સ્ટેરોઈડ અને પેનિસિલીનનું ઉત્પાદન પણ બાયોટેક મારફત થવા લાગ્યું છે. આવી 133 દવાઓ અમેરિકાની બજારમાં મળી રહી છે અને 250 પરીક્ષણના વિવિધ તબક્કે છે.
રોગપ્રતિકારક રસીઓ
ગઈ સદીનો મોટો ચમત્કાર તે પૃથ્વીના ગોળા પરથી શીતળાના વિષાણુની રસીકરણના કારણે તદ્દન નાબૂદી. અગાઉ દર વર્ષે હજારો લોકો શીતળાથી અંધ બની જતા અને કેટલાય મરી પણ જતા. બાળકોમાં આ રોગ વધારે વ્યાપક હતો. રસી મૂકવાથી માણસના શરીરમાં શીતળાના વાઈરસ સામે લડનારાં ‘એન્ટિબૉડી’ પેદા થાય. શરીરમાં એવી રચના છે કે એક વાર એન્ટિબૉડી પેદા થયા બાદ જીવનકાળ દરમ્યાન ક્યારેય જો એ રોગનો ચેપ લાગે તો રોગપ્રતિકારક તંત્ર એને પહોંચી વળે છે.
આજ લગી રસી ઉત્પન્ન કરવાના બે રસ્તા હતાઃ એક તો એ કે જે રોગની રસી આપવી હોય તેનાં જીવાણુ કે વાઈરસને અતિશય સૂક્ષ્મ માત્રામાં રસીમાં આપવાં. એટલી માત્રા રોગ પેદા કરવા માટે પૂરતી નથી પરંતુ પ્રતિકાર (ઈમ્યુનિટી) માટેની શરીરની પ્રણાલીને જાગ્રત કરવા માટે પૂરતી છે. શીતળાની રસીમાં ગાયને થતા શીતળાના રોગના વાઈરસને મંદ કરીને અગાઉ આપવામાં આવતા. કેટલીક વાર પ્રતિકાર તંત્ર જીવાણુ કે વિષાણુને બદલે તેના શરીર પરના અમુક અણુને ઓળખે છે. એન્ટિબૉડી ઉત્પન્ન કરવાની પ્રેરણા આપનાર આવા અણુને ‘એન્ટિજન’ કહે છે. રસીમાં આં એન્ટિજન હાજર હોય તે પણ પૂરતું છે. આથી રસીની બીજી રીતમાં મૂળ જીવાણુ કે વિષાણુને મારી નાખવામાં આવે છે પણ એના શરીર પરના ‘એન્ટિજન’ને શરીર ઓળખી લઈ પ્રતિકારતંત્રને સાબદું કરે છે.
સલામત રસી
આ બંને પ્રકારની રસી બાબત મુશ્કેલી એ છે કે જૂજ કિસ્સાઓમાં એ જીવાણુ મર્યાં ન હોય અથવા પૂરતાં મંદ ન પડ્યાં હોય તો જે રોગને ટાળવાનો પ્રયત્ન કરો તે રોગ જ થઈ આવે. બાયો-ટેક્નોલૉજીએ આનો ઉપાય કર્યો છે. એની રણનીતિ એવી છે કે રોગના વાઈરસની જરૂર જ નથી. તેને બદલે તેની સપાટી પરના પેલા એન્ટિજન અણુની સંરચનાનો જ ઉપયોગ કરવો. જે જીનથી આવો એન્ટિજન અણુ પેદા થાય છે તેને જુદો પાડવામાં આવે છે. પછી અગાઉ જેમ ઈ. કૉલીનો ઉપયોગ કરેલો તેમ અત્રે એક જાતની ફૂગ-યીસ્ટ-ના કોષોમાં આ જીનને પેસાડવામાં આવે છે. આ નવું યીસ્ટ પેલા એન્ટિજનનું ઉત્પાદન કરવા લાગશે. તેનાથી બનાવેલ રસી શરીરને અપાતાં, એવાં જ એન્ટિબૉડી બનશે જે મૂળ વિષાણુને જોઈને બન્યા હોત. ભવિષ્યમાં જ્યારે પણ રોગનો હુમલો થાય તો પ્રતિકારતંત્ર એ વિષાણુનો સામનો કરશે.
આવી રસીમાં ચેપ આપનાર વાઈરસ પોતે ન હોવાથી ભૂલથી પણ રસીના કારણે રોગ લાગુ પડી જવાનો ભય નથી. વળી રસીનું ઉત્પાદન કોઈ પ્રાણીના શરીરમાં નહીં, કારખાનામાં કરવાનું છેઃ આથી અઢળક માત્રામાં રસી બની શકે છે. આવી બાયોટેક રસી 1971માં ઢોરોના રોગ ‘ફુટ એન્ડ માઉથ ડિસીઝ’ માટે બની. માણસ માટે પહેલી વાર એ કમળાના એક પ્રકાર ‘હેપેટાઈટિસ-બી’ માટે 1976માં અમેરિકામાં બની. હર્ષની વાત એ છે કે આ ક્ષેત્રે ભારત પણ પાછળ નથી. હૈદરાબાદની અમુક કંપનીઓએ આ દિશામાં સારું કાર્ય કર્યું છે.
બાયોટેક રસીઓમાં એક બીજા ફેરફારના પ્રયોગ ચાલે છે. સામાન્ય રીતે રસીઓ ઈંજેક્શન મારફત અપાય છે કારણ કે જો મોઢેથી અપાય તો તેમાંનાં પ્રોટીનને જઠરના પાયક રસો પચાવી નાખે. રસીનું એવું સ્વરૂપ બનાવવાનો પ્રયત્ન છે કે જે મોઢેથી આપી શકાય. તે માટે એવા જીવાણુઓને વાહક તરીકે લેવાયા છે જે આમેય આપણા આંતરડામાં નિવાસ કરતા હોય. ખાસ રસીયુક્ત કેળાં અને બટાટા ખાવાથી રસી ‘લેવાઈ’ જાય તે રીતના પ્રયોગ પણ થયા છે. બાળકો માટે આવી રસી ખાસ ઉપકારક થશે. ખાદ્ય રસીનો આ વિચાર હડકવાની રસી પર લાગુ કરવાનું વિચારાય છે. શેરીના દરેક કૂતરાને પકડીને રસીનું ઈંજેક્શન આપવું શક્ય નથી. પરંતુ રસીવાળી રોટલીની એક નાની થપ્પીથી આખી ગલીને હડકવાના વિષાણુથી મુક્ત કરી શકાશે. છેલ્લે, એવી પણ કલ્પના છે કે માત્ર એક રસી લેવાથી જુદા-જુદા બાર રોગો સામે રક્ષણ આપે તેવી રસી બનાવવી.
રસીઓની વાત આટોપતાં પહેલાં બહુ જરૂરી એવી બે રસીની વાત કરી લઈએ. એ છે મલેરિયા અને એઈડ્સની રસી. ઘણા પ્રયત્નો છતાં આજ સુધી આ બેની સફળ રસી નથી બની. મલેરિયાનો ચેપ લગાડનાર પરજીવી જંતુ શરીરમાં સ્વરૂપ બદલે છે અને રહેઠાણ પણ. થોડો વખત એ યકૃતમાં હોય છે તો ક્યારેક રક્તકણ ઉપર. જેનું સ્વરૂપ બદલાય તેને માટે એન્ટિબૉડી બનાવવાં મુશ્કેલ છે. એઈડ્સ વાઈરસનું પણ એવું જ છે. એ તો વળી યજમાનના કોષની અંદર જઈ બેસી જાય છે, જ્યાં કોઈને પણ સામાન્ય રીતે ઘુસવાની મનાઈ હોય છે. આમ છતાં એક એવી રસી શોધાઈ છે જેનો ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ થોડો સફળ થયો છે. કમનસીબે એ રોગ એવો છે જેની રસીના પ્રયોગ માણસ પર કરવામાં નૈતિક પ્રશ્નો છે. પરંતુ બાયોટેકના વિકાસથી આ બંને રોગોની રસી મળી આવશે તેવી આશા રખાય છે.
પ્રત્યારોપણ માટે અંગોની ખેતી
આપણા શરીરની અજાયબ રચના આપણું રોગો સામે રક્ષણ કરે છે. પરંતુ લાખે એકાદ કિસ્સામાં એ આડુંય કાટે છે. જે લોકોને બહારથી લોહી લેવાનું હોય કે દાઝ્યા ઉપર કૃત્રિમ ચામડી ચડાવવી હોય તેઓને શરીર પોતે તેમ કરતાં અટકાવવાનો પ્રયત્ન કરે છે. જૂજ કિસ્સાઓમાં દરદીને હૃદય, કિડની કે લિવર પણ બહારથી લાવી રોપવાં પડે છે. તેવે વખતે પ્રતિકારતંત્ર પોતે ન ઓળખતું હોય તેવા કોષોને ઘરમાં ન રહેવા દેવા માટે જાણે હઠે ચડે છે. તેને દબાવનારી દવાઓ (ઈમ્યુનોસપ્રેસિવ) લઈને માણસે કિડની ટ્રાન્સપ્લાન્ટની કળા તો હસ્તગત કરી લીધી છે, પણ હૃદય, અસ્થિમજ્જા, વગેરેમાં પૂરી સફળતા મળી નથી. બકરી, ડુક્કર અને વાંદરાનાં અંગો લેવાના પ્રયત્નો પણ થયા છે, પરંતુ તેવા દરદી અમુક દિવસો જ જીવી શક્યા છે.
બાયોટેક નિષ્ણાતો આ માટે એક અજાયબ તરકીબ વિચારે છે. અમેરિકામાં થતો બબૂન નામનો વાનર અને ડુક્કર – એનાં અંગો (ખાસ કરીને હૃદય) માણસના શરીર માટે યોગ્ય કદનાં છે. જો આ જાનવરોને માણસનાં જીન આપવામાં આવે તો તેનાં અંગોને આપણું પ્રતિકારતંત્ર નકારે નહીં. તે માટે પ્રાણીના જન્મથી જ તેના શરીરમાં માનવ-જીન હોવાં જરૂરી છે. આથી એના ફલીકરણ પછી તરત જ તેનાં ભ્રૂણકોષોમાં ઝીણી સોયથી માણસના એવા જનીન ઘુસાડવામાં આવે કે જે પ્રતિકારતંત્રના કોષો બનાવવા માટે જવાબદાર હોય. એમાંથી જે પ્રાણી જન્મશે તેના પ્રત્યેક કોષમાં માણસના શરીર જેવા જ અમુક જીન હશે, જે પ્રતિકારતંત્રને માણસના જેવું બનાવશે. એનું હૃદય કાઢીને કોઈ માનવદરદીમાં રોપવામાં આવે અથવા એની અસ્થિમજ્જા કોઈ બાળકને આપવામાં આવે તો તે સરળતાથી ટકી જશે. આ પ્રકારના પ્રત્યારોપણને ઝેનો ટ્રાન્સપ્લાન્ટ કહે છે. આ દિશામાં સૌથી પહેલાં પેન્ક્રિયાસના ઈન્સ્યુલિન બનાવતા કોષોનો વારો આવે તેવી સંભાવના છે.
સ્તંભકોષો પર સંશોધન
બાયોટેકના ક્ષેત્રે તદ્દન નવું પ્રકરણ છે સ્તંભકોષો પર સંશોધનનું. વૈજ્ઞાનિકો કહે છે કે એ જો સફળ થાય તો કોષોનાં અને અંગોનાં પ્રત્યારોપણ સરળ બનશે. વાંદરાં કે ડુક્કરો તરફ નજર નાખવાને બદલે ત્યારે મનુષ્યજાતિના શરીરમાંથી જ એ મળશે. આ સ્તંભકોષો શું છે? આપણા શરીરમાં પ્રત્યેક અંગ જુદા પ્રકારના કોષોથી બનેલ છે. લોહી અને મગજની પેશી વચ્ચે કશું દેખીતું સામ્ય નથી. હૃદયના સ્નાયુ અને હાડકાં સાવ જુદાં લાગે છે. કહે છે કે, કુલ 160 પ્રકારના કોષો આપણા શરીરમાં છે. પણ એ બધા આવ્યા તો એક ભ્રણમાંથી જ છે. શરૂમાં થોડા દિવસના ગર્ભમાં બધા કોષો સરખા જ હોય. ધીરે-ધીરે તેમાંથી વિવિધ અંગો માટેના ખાસ કોષો તૈયાર થતા જાય. શરૂના આ હરફન-મૌલા કોષોને સ્તંભકોષો કહે છે. વૈજ્ઞાનિકો માને છે કે કુદરતની માફક એ લોકો પણ હવે યાહે તે અંગના કોષો સ્તંભકોષોમાંથી બનાવી શકશે. ઘણી સંશોધન સંસ્થાઓએ રક્તપેશી, મગજના ન્યૂરોન, વગેરે બનાવ્યાં જ છે. મગજના કોષો પર ખાસ ધ્યાન એટલે અપાય છે કે શરીરમાં માત્ર એ કોષો છે જેમાં જૂના કોષ મરી નવા કોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયા નથી થતી. આથી મગજના રોગોનો ઉપચાર મુશ્કેલ થાય છે.
સ્તંભકોષોથી બનેલા નવાનક્કોર ન્યૂરોનોથી આલ્ઝેમરના દર્દ તરીકે ઓળખાતા સ્મૃતિભ્રંશનાં દર્દ અને વૃદ્ધાવસ્થામાં હાથપગ કાંપવા માટે જવાબદાર પાર્કિન્સનના રોગનો ઉપચાર શક્ય બનશે. સ્તંભકોષોથી મધુપ્રમેહ, સ્નાયુ અને કિડનીનાં દર્દો અને સિસ્ટિક ફાઈબ્રોસિસ નામના બાળકોના રોગના ઉપચારમાં પણ નવી આશા જન્મશે. પરંતુ આ સંશોધનમાં તાજા ભ્રૂણની જરૂર પડતી હોવાથી નૈતિક દૃષ્ટિએ તેનો વિરોધ થયો છે. ગર્ભપાતના વિરોધીઓ પણ સ્વાભાવિક રીતે વિરોધ કરે છે. અમેરિકા કરતાં યુરોપમાં આવો વિરોધ ઓછો હોવાથી ત્યાં એ નવા વિષયમાં વધુ કાર્ય ચાલી રહ્યું છે. જો કે છેલ્લાં સંશોધનો મુજબ સ્તંભકોષો ભ્રૂણ ઉપરાંત અસ્થિમજ્જા અને ચામડી પરથી પણ મળી શકે છે. જો કે એમાંથી પેશીઓ બનવી હજુ બાકી છે. પરંતુ તેમ બને તો પ્રતિબંધો હળવા થાય અને ગંભીર રોગો સામે લડવાનું શક્ય બને.
જીન થેરાપી
માણસનાં 46 ગુણસૂત્રો પરના પ્રત્યેક જીન વિશે વિગતે માહિતી એકઠી કરવા 1990માં વિશ્વકક્ષાએ એક પ્રકલ્પ હાથ ઘરાયો જેને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહે છે. આ મુજબ દરેક જીનનાં કામ અને સરનામાં મળી જવાની ખાતરી થવાથી વૈજ્ઞાનિકો હવે વધુ ક્રાન્તિકારી સ્વપ્નો સેવવા લાગ્યા છે. તેમાં જીન થેરાપી અને ખાસ બનાવેલી દવાઓ મુખ્ય છે. મધુપ્રમેહ, થેલેસીમીઆ, વગેરે વારસાગત રોગો માટે દવાઓ તો શોધાઈ છે, પરંતુ હવે એવો વિચાર ચાલે છે કે જે જીનની ખોડથી આ લક્ષણો દેખાતાં હોય તેને જ કેમ ન બદલી નાખવો? જે તે અંગોમાં તંદુરસ્ત જીનવાળા કોષો રોપવાથી ક્રમશઃ તેની વૃદ્ધિ થઈ ખરાબ જીનની અસર નાબૂદ થઈ જાય. આને ‘જીન રિપ્લેસમેન્ટ ઉપચાર’ કહે છે. દાખલા તરીકે, ફેફસાંમાં એવા કોષો રોપાય કે જે પાતળો કફ ઉત્પન્ન કરે તો સિસ્ટિક ફાઈબ્રોસિસ નામના રોગમાં બાળકોને ન્યુમોનિયા થતો અટકાવે.
આ ઉપચાર શરીરના સામાન્ય કોષો તેમ જ પ્રજનન કોષો (અંડકોષ, શુક્રાણુ કે ફલિત ગર્ભ) પર કરી શકાય. પરંતુ જનન કોષોમાં જીન બદલવાની પ્રક્રિયા ખૂબ જોખમી છે અને બકરું કાઢતાં ઊંટ પેસે તેવું બની શકે. એ નુકસાન ભવિષ્યની પેઢીઓનું થાય. આથી વિશ્વના દરેક દેશમાં જનન કોષોની ‘જીન થેરાપી’ ગેરકાયદે ઠરાવવામાં આવી છે, કારણ કે, માણસના બેજવાબદાર કુતૂહલ ઉપર કાબૂ રાખવો અનિવાર્ય છે.
એલૉપથીની ઘણી દવાઓ કુદરતમાં મળતા પદાર્થોના ઉપયોગથી બને છે. અન્ય ઉપચાર પદ્ધતિઓમાં કે લોકોના અનુભવ મુજબ જે સફળ ઔષધો હોય તેનાં દ્રવ્યો આધુનિક પદ્ધતિથી કાઢીને પણ દવાઓ બની છે. પરંતુ હવે બાયોટે્કની સફળતા બાદ વિચારણા બદલાતી જાય છે. અમુક રોગ ક્યા પ્રોટીન કે ક્યા એન્જાઈમની ખોટથી થયો છે તે ખબર પડવાથી દવાઓ તેના જવાબ રૂપે બનાવવામાં આવશે. પ્રોટીનના આકાર વિશે પૂરી માહિતી હોવાથી અને જીન જોડે તેની રચનાનો સંબંધ ખબર હોવાથી હવે વિચારણા એવી થશે કે દવાના અણુની રચના કેવી કરીએ તો રોગ મટે? તે મુજબની ‘ડિઝાઈન‘ કે રચના કમ્પ્યુટરની મદદથી થઈ શકે.
ક્લૉનિંગ વિશે થોડું
પાંચમી જુલાઈ 1996ના રોજ સ્કૉટલેન્ડમાં એક ઘેટાનો જન્મ થયો. તેનું નામ ડૉલી. ખાસ બાબત એ હતી કે કૉલીને મા તો હતી, પણ બાપ નહોતો! વનસ્પતિજગતમાં બીજ વિના ઝાડ ઉગાડી શકાય છે, પણ પ્રાણીજગતમાં શુક્રાણુની મદદ વિના પહેલી વાર એક જીવ પેદા થયો હતો. જીન કે DNAની નકલો કાઢવાની પ્રક્રિયાને ક્લૉનિંગ કહેવાય તે પરથી ડૉલીના જન્મની પ્રક્રિયાને પણ ક્લૉનિંગ કહેવાઈ. એના સમાચારથી વિજ્ઞાનેતર ક્ષેત્રે પણ ખૂબ ચર્ચા થઈ. ડૉલીથી અગાઉ પણ ક્લૉનિંગના પ્રયત્ન થયા હતા, પરંતુ તેમાં ફલિત ગર્ભની નકલો બનાવાઈ હતી. જ્યારે ડૉલી ઘેટું ફલિત ગર્ભ નહીં પરંતુ શરીરના એક સામાન્ય કોષ (આંચળના કોષ) માંથી પેદા થયું હતું.
આ પછી ઉંદર, ગાય, ઘોડા, વગેરે પ્રાણીઓની ઉત્પત્તિ આ પદ્ધતિથી કરી શકાઈ છે. રિચર્ડ સીડ નામના વૈજ્ઞાનિકે તો એવી જાહેરાત પણ કરી દીઘી કે એ માણસનું ક્લૉનિંગ કરશે. માણસના ક્લૉનિંગ સામે નૈતિક સ્તર પર ઘણો વિરોધ છે. એક સાદી દલીલ એ છે કે નિષ્ફળ પ્રયોગ દરમ્યાન પેદા થયેલ ગર્ભનું શું? તેને મરવા દેવાશે? અને જો ખોડખાંપણવાળો એકાદ ગર્ભ જીવી ગયો તો? તેનાં જીવન અને જરૂરિયાતોની જવાબદારી કોની? છેવટે માણસનું ક્લૉનિંગ કરવાની જરૂર શી છે ? સદ્ભાગ્યે મોટા ભાગના વૈજ્ઞાનિકો, મેડિકલ કાઉન્સિલો અને સરકારોએ માનવ ક્લૉનિંગને ગેરકાયદે અને બિનજરૂરી જાહેર કર્યું છે. જોવાનું છે કે જિજ્ઞાસાવૃત્તિ કેટલો વખત દબાઈને રહે છે.
ઉદ્યોગોમાં બાયોટેક
બાયોટેકમાં થઈ રહેલ વિકાસનો ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારો ફાયદો ઉઠાવ્યો છે. કેટલીય રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચકોનો ઉપયોગ થાય છે અને ઉત્સેયકો બાયોટેકથી બને છે. ઉત્સેચકોનો એક પ્રચલિત ઉપયોગ કપડાં ધોવાના પાઉડરોમાં છે. કપડાંમાં ઈંડાં, તેલ, ચા, મેલ, વગેરેના ડાઘ પડે તો તેમાં કોઈક પ્રોટીન હોવાનું. અમુક ઉત્સેચકો પ્રોટીનના અણુને તોડવાનું કાર્ય કરે છે. એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી ભરાઈ ગયેલ મોરી (ડ્રેનેજ)ને સાફ કરવા માટે પણ ઉત્સેચક આધારિત પાઉડરો મળે છે. ચામડાંનો ઉદ્યોગ ચામડાં પરથી રુવાંટી ઉતારવામાં ઉત્સેચક વાપરે છે, તો સ્ટાર્ચને પચાવનાર એમિબેઝ વર્ગના એન્ઝાઈમ કાપડ અને કાગળ ઉદ્યોગમાં વપરાય છે. ફળોના રસને પારદર્શક કરવા, માંસને નરમ કરવા અને ફોટો ફિલ્મમાંથી જિલેટિન કાઢવા પણ અનેક ઉત્સેચકો વપરાય છે.
માનવામાં ન આવે તેવું છે કે ખાણ અને ખનિજ ઉદ્યોગ પણ જીવાણુઓની બાયો-ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવે છે. ખડકોમાંથી કાચી ધાતુ મેળવ્યા બાદના ભૂકા (ટેઈલિંગ) ઉપર હળવો એસિડ અને અમુક જીવાણુઓ ભેળવવામાં આવે તો તેમાં બચી ગયેલ ધાતુનું ખનિજ અદ્રાવ્યમાંથી પાણીમાં દ્રાવ્ય સ્વરૂપ પામે છે. એ દ્રાવણને એકઠું કરી ધાતુ મેળવાય છે. તાંબું, યુરેનિયમ અને સોનાનાં ખનિજોમાં આ રીત લાગુ પડે છે. ક્યારેક ખાણની દીવાલ પર જ જીવાણુ અને તેજાબનો છંટકાવ કરાય છે જેથી ખનિજનું દ્રાવણ વહેવા લાગે છે. ભૂગર્ભમાંથી પેટ્રોલિયમ તેલ કાઢવા માટે પણ અમુક બેક્ટેરિયા મદદરૂપ થાય છે.
ઔદ્યોગિક પ્રદૂષણના નિકાલ માટે પણ જીવાણુઓની મદદ લેવાય છે. મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીએ પ્રદૂષિત પાણીમાંથી નાઈટ્રોજન શોષી લેવા જીવાણુઓને કામે લગાડ્યાં છે. સમુદ્રમાં પાઈપલાઈન તૂટવાથી કે ટેન્કર ડૂબવાથી ક્રૂડ તેલ પાણી પર ફેલાવાના ઘણા બનાવો બને છે. તેનાથી જળજીવોને પણ નુકસાન થાય છે. અમેરિકામાં કાર્ય કરતા ભારતીય વૈજ્ઞાનિક ડૉ. આનંદ ચક્રવર્તીએ આ તેલનું સ્તર ‘ખાઈ‘ જતાં જીવાણુઓની જાત વિકસાવી છે. એ જીવાણુની પેટન્ટ લેવાનો ડૉ. ચક્રવર્તીએ પ્રયત્ન કર્યો તો તે સજીવોની પેટન્ટ બાબતનો એક પ્રખ્યાત મુકદમો બની ગયો.
જૈવ-રાસાયણિક અણુઓનો કમ્પ્યુટરની સર્કિટ જેમ ઉપયોગ કરવાની પણ ચર્ચા ચાલે છે. ઔદ્યોગિક ઉપયોગની એ ચરમ સીમા હશે.
ડી.એન.એ. ફિંગરપ્રિન્ટ
જેમ બે વ્યક્તિનાં આંગળાંની છાપ એકસરખી નથી હોતી તેમ કોઈ બે વ્યક્તિના શરીરનું સંપૂર્ણ DNA બંધારણ પણ મળતું આવતું નથી. આમ વ્યક્તિની એ આગવી ઓળખ છે. પણ આંગળાંની છાપ કરતાં DNAમાં એક વિશેષતા છે. આંગળાંની છાપ વારસામાં ઊતરતી નથી જ્યારે DNAના અમુક હિસ્સામાં વારસાની છાપ દેખાઈ આવે છે. આ બંને ગુણોને કારણે ગુનાશોધન વિજ્ઞાન (ફૉરેન્સિક સાયન્સ) માં વિવિધ રીતે તેનો ઉપયોગ કરાય છે. ગુનાના સ્થળેથી જેમ આંગળાંની છાપ એકઠી કરાય છે તે રીતે નખ, વાળ, વીર્ય કે લોહીના ડાઘ મળી આવે તો તેના DNA બંધારણને શંકાસ્પદ વ્યક્તિના DNA બંધારણ જોડે સરખાવી શકાય છે. એ માટે DNAને કિરણોત્સર્ગી આઈસોટોપ સાથે જોડવામાં આવે છે. પછી ખાસ પ્રક્રિયાથી તે દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પટ્ટા જેવી રચના ઊભી કરાય છે. આ પટ્ટાઓની ભાતને DNA ફિંગરપ્રિન્ટ કહે છે.

ચિત્ર નં. પાંચમાં પહેલી પ્રિન્ટ ગુનાની શિકાર બનેલ વ્યક્તિના DNAની છે. ગુનાના સ્થળેથી મળેલ DNA ઉપરથી બીજી પ્રિન્ટમાં છે. પછીની ત્રણ પ્રિન્ટો ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની છે. સરખામણી કરતાં ખ્યાલ આવશે કે ત્રણમાંથી પહેલા શખ્સનું DNA ગુનાના સ્થળેથી મળેલ DNAને મળતું આવે છે. આવી જ રીત બાળકના પિતાની ઓળખ સ્થાપિત કરવા કે સાબિત કરવા માટે વપરાય છે.
ઉપસંહાર
‘બાયો-ટેક્નોલૉજી એટલે શું?’ એ પ્રશ્નનો ઉત્તર આ પુસ્તિકાની શરૂઆતમાં આપવો મુશ્કેલ હતો. હવે, એ ટેક્નોલૉજી જોડે વિવિધ ક્ષેત્રોની યાત્રા કર્યા બાદ, “બાયોટેક એટલે શું નહીં?” એવા પ્રશ્ન ઊઠે છે! આપણે એની જોડે વિનમ્ર એવા કોષથી માંડી હૃદય જેવાં સંકુલ અંગો સુધી, વાઈરસ અને બેક્ટેરિયાથી મહાકાય ડાયનોસોર સુધી, ઝાડનાં મૂળથી ફળ સુધી, ખેતરોમાં, સુપર માર્કેટમાં, હૉસ્પિટલોમાં, કારખાનાંમાં અને છેવટ પોલીસ સ્ટેશને જઈ આવ્યા અને હજુ તો આ ટેકનિક વિકસી રહી છે. આજથી 50 વર્ષ પછી આ ટેક્નોલૉજી આપણને ક્યાં લઈ જશે તે કલ્પવું મુશ્કેલ છે. તેમાં કેટલાય વિવાદાસ્પદ મુદ્દાઓ સંકળાયેલા છે છતાં ખાતરીથી ન કહી શકાય કે વૈજ્ઞાનિકો એને ચાતરીને અળગા ચાલશે. જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ વિજ્ઞાનનાં મૂળ લક્ષણ છે. આ લક્ષણને ભોગે તે સામાજિક સંદર્ભની ચિંતા કરશે તેવી આગાહી કરવાની ઈતિહાસ ના પાડે છે. આથી સરકારી અને સામાજિક નિયંત્રણો તેટલા પ્રમાણમાં મજબૂત કરવાં પડશે. પરંતુ, આ ભયસ્થાનો પછી પણ, બાયોટેક પાસે આપવા માટે ઘણું છે. માનવજાત જો પોતાનું શાણપણ અકબંધ રાખે તો બાયો-ટેકનાં ‘વિધાયક પાસાં‘ સમગ્ર માનવજાતને અત્યંત ઉપકારક સાબિત થશે. XXX

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: