Paresh Vaidya on Biotechnology (2)

બાયો-ટેક્નોલૉજી શું છે ?(ર)
પરેશ વૈદ્ય

શરૂઆત વનસ્પતિથી
બાયોટેક સંબંધી પાયાની માહિતી મેળવ્યા પછી હવે આપણે તેના ઉપયોગો વિશે વાત કરવા સજ્જ છીએ. એ ઉપયોગો અન્ન, સ્વાસ્થ્ય, ઔષધો અને રસાયણ ઉદ્યોગ ઉપરાંત ખાણ-ખનિજ, પ્રદૂષણ નિયંત્રણ અને ગુનાશોધન તેમ જ છેક ઈલેક્ટ્રોનિક્સ સુધી ફેલાયેલા છે. બાયોટેકનો આ વ્યાપ માત્ર છેલ્લા ત્રણ દાયકામાં જ થયો છે તે આશ્ચર્યની વાત ગણાય. એની અગાઉ ‘બાયો-ટેક્નોલૉજી’ શબ્દ પણ બન્યો ન હતો. 1872માં એવાં રસાયણ શોધાયાં જે DNAને ઈચ્છિત જગ્યાએ કાપી શકે અને કાપેલા ટુકડાને બીજા કોઈ ગુણસૂત્રના DNAમાં વચ્ચે જોડી શકે. જીન અને DNAની આવી જોડતોડને ‘રિકોમ્બિનન્ટ ડી.એન.એ. ટેક્નોલૉજી’ અથવા જિનેટિક એન્જિનિયરિંગ કહેવાયું. જોકે જિનેટિક જોડતોડ એ બાયોટેકના સમગ્ર વિષયનો એક ભાગ માત્ર છે, અને સૌથી વધુ રોમાંચક ભાગ છે.
બાયોટેકનો સૌથી બહોળો ઉપયોગ ખેતીવાડીમાં થયો છે. તેનું કારણ એ છે કે પ્રજનનશાસ્ત્ર અને આનુવંશિકતાનું પાયાનું જ્ઞાન મનુષ્યને વનસ્પતિજગતમાંથી જ મળેલું. જીન્સ વિશે પાકી સમજ વિના પણ ખેડૂતોએ પાકની જાતો સુધારવાના પ્રયત્નો તો કર્યા જ છે. ઘણા પ્રકારના પાકોમાં સંકર (હાઈબ્રિડ) જાતો આવી છે તે આપણે જાણીએ છીએ. વૈજ્ઞાનિકોએ વિકિરણથી જીનમાં ફેરફાર કરી ડાંગર, રાઈ, સીંગદાણા, વગેરેની સુધારેલી જાતો પણ વિકસાવી છે. પરંતુ આ પ્રાયોગિક પ્રક્રિયાઓ હતી. પરિણામ શું આવશે તે અગાઉથી કહી ન શકાતું. ફેરફાર થાય તે ફાયદાકારક હોઈ શકે ને નુકસાનકારક પણ. જો ઈચ્છિત ફેરફાર ન થયો હોય તો તેવાં બીજને પડતું મૂકવામાં આવતું. આમ, ઘણી પેઢીઓ સુધી નજર રાખીને જ ઉત્તમ બીજ મળી શકતું. તેને બદલે જિનેટિક ઈજનેરીમાં વૈજ્ઞાનિકને ખબર હોય છે કે ક્યા ગુણ માટેનું જનીન બદલવાનું છે અને એ જ બદલવામાં આવે છે. આથી વર્ષોની મહેનત બચે છે. વનસ્પતિ ક્ષેત્રે બાયોટેકનો અમલ કરવામાં બે શોધો અગત્યની રહી. એક તો એ બાબત પર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું કે ઝાડ માત્ર બીજથી જ ઊગે તેવું નથી. છોડના પ્રત્યેક અંગમાં એવી સગવડ છે, કહો કે એવી માહિતી ભરી છે કે તેમાંથી પૂરો છોડ બની શકે. ‘ટોટીપોટેન્સી’ નામે ઓળખાતા આ ગુણના કારણે કેળનાં પાંદડાંના નાના ટુક્ડા કરી, પ્રત્યેકમાંથી કેળનો એક-એક છોડ ઉગાડી શકાય છે. એને પેશી સંવર્ધન (ટિસ્યૂ કલ્ચર) કહે છે. કેટલાય પ્રકારના પાકોનું હવે આ કારણે ઉત્પાદન ઝડપી બની ગયું છે. કેળાંના અને રેશમ માટે શેતૂરના પાકનો મોટો ભાગ ભારતમાં આ માર્ગે જ આવે છે.
કોષમાં જીન દાખલ કરવાની રીતો
વનસ્પતિ સાથે કામ કરતા માણસને બીજી અગત્યની વાત એ માલૂમ પડી કે અમુક જીવાણુઓ પોતાનાં જીન વનસ્પતિના કોષમાં સહેલાઈથી ઘુસાડી શકે છે. પ્રાણીજગત અને વનસ્પતિ વચ્ચે છેક જીન સ્તરે આપ-લે શક્ય થઈ તે આચાર્ય જગદીશચંદ્ર બોઝની ‘વનસ્પતિમાં પણ જીવન હોવાની’ વાતની મજબૂત સાબિતી છે. કઠોળ વર્ગની વનસ્પતિનાં મૂળ ઉપર ગાંઠો હોય છે તેવી ગાંઠો જીવાણુથી થઈ હોય છે. આવું જ એક જીવાણુ ‘એગ્રોબેક્ટેરિયમ ટ્યૂમીફેસિઅન્સ’ છે. પહેલાં એ સૂર્યમુખીના મૂળમાં દેખાયું. જો ઝાડના મૂળ પર કાપો પડ્યો હોય તો તે દ્વારા આ જીવાણુ ઝાડમાં ઘૂસી જાય છે. જીવાણુમાં અમુક પ્રકારનાં DNAને ‘પ્લાસ્મિડ’ કહે છે. આ પ્લાસ્મિડમાં ક્ષમતા છે કે તે વનસ્પતિનાં DNAમાં જોડાઈ શકે. આથી વનસ્પતિમાં કોઈ જીન મોકલવા માટે એનો વાહક તરીકે ઉપયોગ થઈ શકે છે. જે ગુણ તમારે છોડમાં રોપવો હોય તેને લગતાં જીન એગ્રોબેક્ટેરિયમ જીવાણુના પ્લાસ્મિડમાં જોડી દો અને જીવાણુની એ નવી જાતને છોડનાં મૂળિયાં પાસે મૂકી દો. થોડા વખતમાં એ જીન વનસ્પતિનો ભાગ બની જશે. જીનની હેરફેરની આ રીતને ‘ટી-પ્લાસ્મિડ’ની રીત કહે છે.
કોષના કેન્દ્રમાં બાહ્ય જીન પેસાડવાની એક બીજી રીતમાં સોના કે ટંગસ્ટન ધાતુના અતિ સૂક્ષ્મ કણોની ઉપર જોઈતું DNA લેપવામાં આવે છે. તે પછી આ કણોને બંદૂકની ગોળીની માફક અતિશય વેગથી કોષ પર મારવામાં આવે છે. થોડા સમયમાં કોષમાં થતી પ્રક્રિયાઓ પર આ નવું જીન પોતાના ગુણ લાદશે. એ કોષના વિભાજનથી બનેલ નવા કોષો એ મુજબની નવી તાસીરના હશે. જો પાંદડાંનો રંગ લીલાને બદલે પોપટી હોવાનું એ જીન હશે તો એ કોષથી ઉગાડેલ છોડનાં પાન પોપટી રંગનાં થશે.
કૃષિ ક્ષેત્રે બાયોટેક
જિનેટિક ઈજનેરી શોધાયા પહેલાં પણ ખેતીવાડીને ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓ અને વાઈરસના ઉપયોગ રૂપે બાયો-ટેક્નોલૉજી હતી જ. રાસાયણિક જંતુનાશકોના પર્યાવરણ પરના દુષ્પ્રભાવ અને કીડાઓમાં પેદા થયેલ પ્રતિરોધક ક્ષમતાને કારણે કૃષિવિજ્ઞાનીઓ જૈવિક જંતુનાશકો તરફ વળ્યા છે. એમાં પાકને ખાનાર ઈયળો અને કીટકોને મારવા માટે જીવાણુઓ અને વાઈરસનો ઉપયોગ કરાય છે. બેક્યુલો વાઈરસ નામે વિષાણુઓનો એક વર્ગ છે જેની અસર કરોડરજ્જુ વિનાના જીવોને જ થાય છે. એટલે ખેતરની આસપાસનાં મરધાં-બતકાં કે માછલીઓને એ લાગુ નથી પડતું. 1875માં સેન્ડોઝ કંપનીએ આ વિષાણુ પર આધારિત કીટનાશક ‘એલ્કાર’ બજારમાં મૂક્યું. તે પછી તેની વિવિધ જાતો પર સંશોધન થયાં છે.
અમુક જીવાણુ પણ કીટકો માટે ઝેર જેવાં થઈ પડે છે. તેમાંથી ખૂબ પ્રચલિત છે ‘બેસીલસ થુરિન્જિએન્સીસ’. આ લાંબા નામથી કંટાળે તેઓ તેને પ્રથમાક્ષરોથી ‘બી.ટી.’ કહી શકે. આ બી.ટી. (Bt)ને ખાવાથી ઈયળના અન્નમાર્ગમાં સોજો આવે છે. પરુ થાય છે અને છેવટે ફાટી જાય છે. જેના પાન પર કીડા નભતા હોય એવા કપાસ જેવા પાક પર Btનો છંટકાવ કરવામાં આવે છે. શેરડી અને બટાટા માટે જુદા વર્ગના જીવાણુઓનો ઉપયોગ થાય છે. વિદેશમાં તો ભમરી અને કરોળિયાં ઉછેરીને અમુક જીવાતોના નિયંત્રણમાં વપરાયાં છે. અમુક કંપનીઓ આ હેતુસર ભમરીઓ ઉછેરીને વેચતી પણ હતી!
ખેતીવાડીમાં જિનેટિક ઈજનેરીનો ઉપયોગ પહેલાં થયો હર્બીસાઈડ નામના ઝેરને સહન કરવાની ક્ષમતા પેદા કરવામાં. જેમ કીટકો મારવા પેસ્ટિસાઈડ વપરાય છે તેમ ખેતરમાં ઊગી નીકળતાં નકામા નીંદામણને મારવા માટે ખાસ બનેલ રસાયણને હર્બીસાઈડ કહે છે. પરંતુ તેનાથી પાકને તદ્દન વિપરીત અસર ન જ થાય તેમ કરવું મુશ્કેલ છે. આથી જ્યારે જિનેટિક ઈજનેરી આવી ત્યારે પાકના બીજમાં એવા ફેરફાર કરવામાં આવ્યા કે અમુક હર્બીસાઈડની એના પર અસર ન થાય. ત્યાર બાદ નીંદામણને મારવા માટે એ જ દવા ખેતરમાં છાંટવામાં આવે. હવે પાક તેનાથી રક્ષિત છે અને માત્ર નીંદામણ તેનાથી મરશે. તેથી જમીનનો કસ અને પાણી માત્ર પાકને મળશે.
બી.ટી. કપાસ
બી.ટી. જીવાણુના છંટકાવથી કપાસ પર થતી ઈયળોને મારવાની વાત આપણે જોઈ. તે પરથી જિનેટિક ઈજનેરોને વિચાર આવ્યો કે જીવાણુના શરીરમાંનું અમુક ઝેર કીડાને મારે છે, તો એ ઝેરને ઝાડનો જ એક ભાગ બનાવી નાખીએ તો? તો ઉપરથી જીવાણુનો છંટકાવ કરવાની જરૂર નહીં, ઝાડને ખાનાર કીડા આપોઆપ મરી જાય. અમેરિકી કંપની ‘મોન્સાન્ટો’ એ બી.ટી. જીવાણુના DNAમાં એ જનીન શોધી કાઢ્યું જે ઈયળને માટે ઝેરી હતું. આગળ જોઈ તે ટી-પ્લાસ્મિડની રીતથી આ જીનને કપાસના છોડમાં દાખલ કરી દીધું. નવા પ્રકારના છોડનાં પાનેપાનમાં Bt ઝેર હતું. આવા કપાસને ‘બી.ટી. કપાસ’ કહેવાયો. મકાઈ અને તમાકુનાં પાનને પણ કીડા ખાઈ નુકસાન કરે છે. આથી બી.ટી. મકાઈ અને બી.ટી. તમાકુ પણ મોન્સાન્ટોએ શોધ્યાં છે.
અવનવા પાકો
પાકની જાતોમાં વિશેષ સંશોધન કરી જુદા-જુદા ગુણ કયાં જીનથી આવે છે તેની માહિતી એકઠી થતી રહી છે. એ માહિતીની મદદથી ભવિષ્યમાં વિશેષ ગુણોવાળા પાક લેવાશે, જેમ કે, જેને જંતુનાશકની જરૂર ઓછી પડે તેવા, નાઈટ્રોજન સરળતાથી ગ્રહણ કરે તેવા, ઓછા પાણીથી ઊગે તેવા દુકાળ-પ્રદેશને લાયક અથવા તો ઓછા ખાતરથી વધતા પાકો. બિનઉપજાઉ જમીન માટે પણ ખાસ જાતો વિકસાવી શકાશે. ઊપજના ગુણધર્મો બદલવાના પ્રયત્નો પણ થયા છે. લોહતત્વ વધારે હોય તેવી ડાંગર બની છે તેમ, સ્વિટ્ઝર્લેન્ડમાં વિટામિન ‘એ’ની પ્રચુરતાવાળા ચોખાની ખેતી પણ થાય છે. એનો રંગ પણ સોનેરી બનાવાયો છે. જિનેટિક ફેરબદલથી કપાસમાં પણ કેટલી વિવિધતા લાવી શકાય તે જુઓઃ રંગીન રૂ, ઊન જેવું લાગે તેવું રૂ, અગ્નિરોધક કપાસ જે સળગે નહીં, કપડાંમાં કરયલી ન પડે તેવા તાંતણાવાળો કપાસ, પાટાપિંડીના ગૉઝમાં વાપરવા એન્ટિબાયોટિક ક્ષમતાવાળો કપાસ વગેરે. આ ક્ષેત્ર એવું છે કે જેની શક્યતાઓ અપરંપાર છે.
સ્ટ્રૉબેરીના પાન પર એક જીવાણુ (સ્યુડોમોનસ સિરીન્જ) રહે છે. તે એવું પ્રોટીન બનાવે છે કે હિમપાત વખતે તેની આસપાસ બરફના સ્ફટિક બંધાય છે, અને બરફ જમા થાય છે. વૈજ્ઞાનિકોએ એ પ્રોટીન કાઢીને જીવાણુની નવી પ્રજાતિ બનાવી જેના પર બરફ જામતો નથી અને સ્ટ્રૉબેરીના છોડને નુકસાન નથી થતું. બરફની બાદબાકી કરતા હોવાથી આ નવા જીવાણુને ‘આઈસ-માઈનસ’ બેક્ટેરિયા કહે છે.
ખાદ્ય પદાર્થોમાં બાયોટેક્
એક ભાગ અડદની દાળ અને ત્રણ ભાગ ચોખાને પીસીને એકઠાં કરી રાખી દો તો બીજે દિવસે સવારે તેમાં ઢગલાબંધ ‘સ્યુકાનોસ્ટોક મેસેન્ટરોઈડ’ અને ‘સ્ટ્રેપ્ટોકોકસ ફીકાલિસ’ નામના સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે. આમ છતાં ગૃહિણી તેને ફેંકી નથી દેતી. તેને બદલે એમાંથી ઈડલી બનાવે છે જે નરમ અને પોચી હોય છે. દૂધમાં જીવાણુ ‘લેક્ટોબેસીલસ બિલ્ગારીકસ’ નો ગુણાકાર થતાં મજાનો ચક્કો બને છે! તે રીતે જાપાનમાં સોયાબીન અને ઘઉંને કોઈ ત્રીજા જ જીવાણુનો સ્પર્શ કરાવી ‘સોયા સૉસ’ બનાવે છે. આ બધી પ્રક્રિયા આથો લાવવાની છે. જુદા જુદા પદાર્થોમાં આથો આવવાથી જુદાં જુદાં જીવાણુ પેદા થાય છે. આ જીવાણુઓ ખાઈપીને જે પદાર્થો છોડે તે વાયુરૂપ હોવાથી બીજે દિવસે ઈડલી કે ઢોકળાંનો આથો વધી ગયેલો જણાય છે.
આધુનિક બાયો-ટેક્નોલૉજીનું કામ એ છે કે કયા જીવાણુ કઈ સેવા ક્યા વાતાવરણમાં આપી શકે તેનો અભ્યાસ કરવો. એવી પરિસ્થિતિ તેને પૂરી પાડી જીવાણુઓનો ઉપયોગ ખોરાક અને ઉત્સેચકો બનાવવામાં કરવો. ફૂડ ટેક્નોલૉજીનો એક મોટો હિસ્સો હવે બાયોટેક તરફ વળ્યો છે. અમેરિકાની સુપર માર્કેટોમાં મળતાં ચીઝ, કે દહીં હવે જૂની પદ્ધતિથી બનેલાં નથી હોતાં. વપરાશ વધતાં ઉત્પાદન વધારવાની જરૂર પડી છે. આઠ ક્લાકે દહીં જામે કે ત્રણ દિવસે ચીઝ તૈયાર થાય તો માંગ પૂરી કેમ થાય? તેથી ઘણો માલ હવે બાયોટેકથી પેદા થવા લાગ્યો છે. વર્ષો પૂર્વે બટાટા-ટમેટાં વચ્ચેનું સંકર ફળ ‘પૉમેટો’ બનેલું. હવે કંપનીઓએ ઓછાં પાણીવાળાં ટમેટાં વિકસાવ્યાં છે જેમાંથી જાડો ‘ટૉમેટો કેચપ’ બનાવી શકાય. જિનેટિક ઈજનેરીથી ફેળાંની પણ એવી જાત વિકસાવાઈ છે જેને ફાળી ફૂગ ન લાગે.
સંભાવનાઓ વધતી જાય છે તેમ આકાંક્ષાઓ પણ વધે છે. હૃદયરોગનું જોખમ ઘટાડવા માટે એવાં તેલીબિયાં વિકસાવાઈ રહ્યાં છે જેમાં સંતૃપ્ત (સેચ્યુરેટેડ) ચરબી ઓછી હોય. કોઈ વળી પ્રયત્ન કરી રહ્યું છે, આવું ઓછી ચરબીવાળું દૂધ આપતી ગાય ‘બનાવવાનો’! એક વિચાર એવો પણ છે કે બકરીના દૂધમાં માણસના દૂધ જેવું પ્રોટીન જિનેટિક રીતે લાવવું જેથી બાળકને એ દૂધ આપી શકાય. ફેરળ રાજ્યમાં એલચી વગેરે તેજાનાઓની જાતો પર પણ બાયોટેકથી ફેરફાર કરવાનું કાર્ય પ્રાયોગિક ધોરણે ચાલે છે.
સામુદ્રિક ખોરાક તરફ પણ માણસનું ધ્યાન ગયું છે. કોઈએ જોયું કે કાલુ (ઑયસ્ટર)માં જો બેને બદલે ત્રણ ગુણસૂત્રોની જોડી હોય તો તે જલદી મોટા થાય છે અને મોટા કદના પણ થાય છે. વળી બાયોટેકથી બનેલ આવા કાલુ વંધ્ય હોય છે તેથી ઋતુ પ્રમાણે તેના રંગ, સ્વાદ ઈત્યાદિમાં ફેરફાર નથી થતો. માણસને ખાવા માટે એવાં ઑયસ્ટર વેચવાં કંપનીને સરળ પડે છે! વજન ઘટાડવાની ફેશનના આ યુગમાં લોકો એવી ખાંડ શોધે છે જેમાં કેલરી ન હોય. અગાઉ આવા વિકલ્પ રૂપે સેકેરીન વપરાતું. હવે નવા પ્રકારનાં ‘સ્વીટનર’ આવ્યાં છે. તેમાં એસ્પાર્ટેઈમ અને HSFC નામના પદાર્થ મુખ્ય છે. વિવિધ કોલા કંપનીઓ કેલરી વિનાનાં પીણાં આપવાની જાહેરાત કરે છે તે આને કારણે. એસ્પાર્ટેઈમ ખાંડ (સુક્રોઝ) કરતાં 200 ગણું મીઠું છે. પણ એ ગ્લુકોઝ ન હોવાથી તેને બાળીને શરીર ઊર્જા નથી મેળવી શકતું. આથી તે ‘કેલેરીમુક્ત’ ગણાય છે. દક્ષિણ આફ્રિકામાં અમુક ફળમાંથી થોમાટીન નામે એવું પ્રોટીન મળ્યું છે જે ખાંડ કરતાં બે હજારગણું મીઠું છે! એ પણ બજારમાં આવશે જ.
કૃત્રિમ અન્નનો વિરોધ
બાયો-ટેક્નોલૉજીના આવા લગભગ ચમત્કારિક લાગે તેવા ઉપયોગોથી જગત પ્રભાવિત છે. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો અને વિચારકો તેનાથી સાવધાન રહેવાની સલાહ આપે છે. આદમ અને ઈવના સફરજનની માફક કોઈ ચીજ અતિશય લોભામણી હોય તો તેની પછવાડે અમુક અનિષ્ટ કે જોખમ જરૂર હોવાનાં, પર્યાવરણ અને માણસનું શરીર એવું તો સંકુલ અને નાજુક છે કે લાંબે ગાળે કઈ ચીજથી નુકસાન થઈ શકે તેનો અંદાજ ગણિતના કોઈ સરવાળા જેટલી ચોકસાઈથી નથી કાઢી શકાતો. હર્બીસાઈડનો જ દાખલો લો. એની અસર માત્ર નીંદામણને જ થાય છે અને આપણા માનીતા છોડને નથી થતી. પરંતુ આપણા છોડ અને નીંદામણ વચ્ચે સંકરણ થઈ નવું નીંદામણ પેદા થઈ શકે જેને પેલી દવાની અસર ન થાય. તો વધુ તેજ નવી દવા બનાવવી પડે. તે રીતે બી.ટી. ઝેરની વાત લો. આ ઝેર ખાધું હોય એ ઈયળને પક્ષી ખાય તો તેના પર શી અસર થાય તે જાણ્યા વિના તેનો ઉપયોગ ખેતરમાં ન કરવો જોઈએ. કપાસ માટે બનાવેલ બીટી જીવાણુ અથવા તેનું જનીન જો શેતૂરનાં ઝાડને લાગે તો? શેતૂરની ઈયળથી રેશમ બને છે અને લાખો લોકોનો રોજગાર તેના ઉપર નભે છે. એ ઈયળ બી.ટી. થી મરવા લાગે તો રેશમ ઉદ્યોગ જોખમમાં આવી જાય.
આથી ઘણા અભ્યાસીઓએ ભલામણ કરી છે કે જિનેટિક ઈજનેરી કરેલ પાકનાં ખેતરોને બીજાં ખેતરોથી અલગ રાખવાં. આવા બિયારણને પણ કાળજીપૂર્વક અલગ રાખવું. પરંતુ એ સચોટ ઉપાય નથી. હવાથી પરાગરજ ખૂબ દૂર જઈ શકે છે. ગાડાં, ટ્રેક્ટર અને ટ્રકોમાંથી પાકના વિવિધ હિસ્સા અને બીજ પણ જમીન પર વેરાતાં જ હોય છે. એ કુદરતમાં ક્યાં પ્રવાસ કરશે અને કોની જોડે તેનો સંગમ થશે અને શું પરિણામ આવશે તેની આગાહી ન થઈ શકે. અગાઉ વર્ણવેલ ‘આઈસ-માઈનસ’ જીવાણુ વિરુદ્ધ અમેરિકામાં દેખાવો થયેલા. વિરોધ કરનારાઓનું કહેવું હતું કે જો એ બેક્ટેરિયા વાતાવરણ મારફત વાદળાં સુધી પહોંચી જાય તો વરસાદ પડવા માટે બરફની કણી થીજવી જોઈએ તે બનવા જ નહીં દે. તેમ થાય તો એ વિસ્તારનું હવામાન જ બદલાઈ જાય!
જીન-પરિવર્તિત અન્નની ખાનાર પર અસર ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. બ્રાઝિલ નટ નામનાં તેલીબિયાંમાંથી એક ઉપયોગી પ્રોટીન બનાવનાર જીનને સોયાબીનમાં રોપવામાં આવ્યું. પૂર્વ આફ્રિકાની ગરીબ પ્રજાને એ દ્વારા પોષણ આપવાનો વિચાર હતો, પરંતુ ઊલટું એ લોકોને તેનાથી એલર્જી-પ્રતિક્રિયા થઈ. મકાઈની અમુક ફૂગ માટે જવાબદાર જીન પ્રાણીઓમાં નપુંસકતા લાવે છે. આમ કોની અસર ક્યાં થાય તે કળવું મુશ્કેલ છે. જિનેટિક એન્જિનિયરિંગ કરતી કંપનીઓ પોતે કરેલ પ્રયોગોનાં પરિણામો પ્રામાણિકતાથી સ્વીકારે કે કેમ તેનીય આ જમાનામાં શંકા રહે છે.
આ વૈજ્ઞાનિક દલીલો ઉપરાંત આર્થિક અને સામાજિક વાંધા પણ છે. આ નવાં બિયારણ સમૃદ્ધ દેશોની મોટી કંપનીઓ જ બનાવી શકે. તેથી ધીરે-ધીરે ત્રીજા વિશ્વનો ખેડૂત આ બહુરાષ્ટ્રીય કંપનીઓનો ગુલામ બની જશે. બિયારણ ઉપરાંત, તેને લગતાં જંતુનાશકો કે ખાતર પણ એ જ કંપની પાસેથી જ તેણે ખરીદવાં પડે તેવી લાચારી પણ ઊભી થશે.
એક બીજો પ્રશ્ન છે નૈસર્ગિક ખેતી કરનારા ખેડૂતોનો. નવા વાતાવરણમાં ટકવું તેમને માટે મુશ્કેલ થશે. બાજુના ખેતરમાંથી આવી પડતી વિપરીત અસરોથી એ પોતાના પાકને કેટલો વખત બચાવી શકશે? જીન-પરિવર્તિત ખોરાકનો વિરોધ અમેરિકામાં થોડો ઓછો અને યુરોપમાં વધારે છે. સ્વિટ્ઝર્લેન્ડે તો આ વિવાદથી કંટાળી એક જનમત (રેફરન્ડમ) યોજ્યો કે દેશે આ ખોરાકને મંજૂરી દેવી કે નહીં? 60 ટકા નાગરિકોએ તેની તરફેણ કરી પણ 40 ટકાએ વિરુદ્ધમાં મત આપ્યો. આપણે ત્યાં હજુ આવો ખોરાક આવ્યો નથી. પરંતુ આવશે ત્યારે આપણો લોકમત પણ વિભાજિત જ હશે.

2 thoughts on “Paresh Vaidya on Biotechnology (2)”

  1. બહુજ જાણકારી આપતો લેખ, માન.લેખકશ્રીનો આભાર.
    બંન્ને લેખ સંપૂર્ણ વાંચ્યા તેથી ઘણું જાણવા મળ્યું, ભારતમાં પણ સ્વિટ્ઝર્લેન્ડ માફક જનમત લેવાનો થાય તો પ્રથમ તો સામાન્ય લોકોને આ પ્રમાણે સરળ ભાષામાં જાણકારી મળે, લાભાલાભથી પરીચિત થાય, તેટલી સગવડ લાગતા વળગતા વિભાગોએ પણ કરવી જોઈએ. લેખકશ્રીએ આ ઉમદા કાર્ય હાથ ધર્યું અને આપે અમ સુધી પહોંચાડ્યું એ ધન્યવાદને પાત્ર છે. આભાર.

    1. અશોકભાઇ, આભાર, પ્રોત્સાહન બદલ. આ લેખનો હજી ત્રીજો હપ્તો આવશે અને મેં એમને નિયમિત રીતે લેખો આપવા વિનંતિ કરી છે. એમને કેટલો સમય મળે એના પર આધાર છે, કારણ કે તેઓ મુંબઇથી પ્રસિદ્ધ થતા મિડડે ગુજરાતી માટે પણ અઠવાડિક કૉલમ લખે છે. વેબસાઇટ પર એ જોઈ શકાશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: