Gandhi_142

આજે ગાંધી જયંતી છે. ગાંધીજીની ૧૪૨મી વર્ષગાંઠ. આ દિવસ આત્મમંથનનો છે. આ નિમિત્તે અહીં કવિ શ્રી કરસનદાસ માણેકનું એક કાવ્ય અહીં આપું છું.

આ કાવ્ય મેં શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’ ભાગ-૧માંથી લીધું છે (ફેબ્રુઆરી ૨૦૦૭ બીજું પુનર્મુદ્રણ પાનું ૧૮૮-૧૮૯). પ્રકાશકઃ ગોપાલ મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. ૨૩ (સરદારનગર), ભાવનગર, ૩૬૪૦૦૧.

આ સાથે સંપાદક શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને પ્રકાશક શ્રી ગોપાલભાઈ મેઘાણીનો આભાર માનું છું – એવી આશા સાથે કે એમની અનુમતી માની લેવાની મારી ધૄષ્ટતાને તેઓ સાંખી લેશે.

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કાવ્યની પશ્ચાદ્‍ભૂમિકા સમજાવી છે તે પ્રમાણે ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દીના વર્ષમાં કવિ અમદાવાદ ગયા હતા પરંતુ શહેરમાં રમખાણો ફાટી નીકળતાં એમને બે દિવસ સ્ટેશન પર જ રોકાઈ જવું પડ્યું. આ કાવ્ય અમદાવાદ સ્ટેશને જ લખાયેલું છે.

શતાબ્દીનો જલસો

શતાબ્દીનો જલસો જુવો ઝગઝગે છેઃ
ઉરે વૈરવૃત્તિ, કરોમાં છરા છે,
પૈશાચી પગની ગતિમાં ત્વરા છે
અહિંસાના યોગીનું આસન હતું જ્યાં
અરે તે જ આ રક્તછલતી ધરા છે.
રે સંતોની યે શ્રદ્ધા જ્યાં ડગડગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

સરે-આમ સળગે છે માનવ્ય-માળા,
ઊભાઊભા અનાથો જો ભરતા ઉચાળાઃ
પ્રભુસૂના આકાશે ફરિયાદ કરતા
ધસે સ્થળેસ્થળે ઓશિયાળા ધુમાડાઃ
ગુનેગારને બે-ગુનાહ રગરગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

હજુ કાલ જ્યાં ઊડતી પ્રીતિ-છોળો
ગવાતાં જ્યાં ભક્તિભર્યે કંઠ ધોળૉ,
તે ‘મારો!’ને ‘કાપો!’ના ગોઝારા નાદે
રહી ગાજી આજે બેબાકળી પોળોઃ
ચુંથાયે છે ચકલાં: ફણી ફગફગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

હરિ-ઉર ભોંકાય છે આજ ભાલાઃ
છે ગમગીન લાચાર અલ્લાહતાલા;
આ આદમની ઓલાદ? બ્રહ્માની સૄષ્ટિ?
કે શેતાને પકવ્યા કો’ નિષ્ટુર નિંભાડા? –
જેની તિરછી દૃગમાં ઝનૂન તગતગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

છે મહતાજ મસ્જિદ ને મંદિર રડે છેઃ
જગન્નાથ ના ક્યાંય ગોત્યા જડે છેઃ
રે આઝાન દઈ દઈને બે-જાન નાહક
થયેલો તે મુલ્લાં લૂલો લડથડે છે.
રે ઝાંખ છે આંખે, પસીનો પગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

પડ્યાં બંધને બાપુનાં પુણ્ય-ખ્વાબોઃ
થયાં મુક્ત શેતાનરંગી શરાબો.
ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની
મસ્તીમાં અવળા પડ્યા ઇન્કિલાબો!
ઇમારત જુઓ પાયાથી ડગડગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

નવાઈ નથી કંઈ સદા આવું ચાલે!
મવાલી જ મુફલિસી પે ફૂલેફાલેઃ
પરંતુ ઉઠાવી છે ગાંધીના નામે
આવી ઘોર આમ્ધી, તે આત્માને સાલે!
કવિ-ઉર રોષે, તેથી ધગધગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદઃ
નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિતઃ
બધે એક ઇન્સાનિયત રડતી, સૂરત
અરે, એક કિરતારની થાતી ખંડિત.
ધસે લાવા જલતો જેની રગરગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

4 thoughts on “Gandhi_142”

 1. thnx dipakbhai..
  aje aa kavyanao kharo arth samajayo…9th std.man rakt tapakti ane gandhi ganga na aa kavyani samixa hati,tyare ghanau agharu lagyu hatun..aje vadhu saral lage 6e,kadach deshni haalat saari pethe samajai rahi 6e..kavya lakhayu a divas kartan aje vadhu susangat nathi lagatun?

 2. વાહ !!!! વાહ !!!!!!

  શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કાવ્યની પશ્ચાદ્‍ભૂમિકા સમજાવી છે તે પ્રમાણે ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દીના વર્ષમાં કવિ કરસનદાસ માણેક અમદાવાદ ગયા હતા પરંતુ શહેરમાં રમખાણો ફાટી નીકળતાં એમને બે દિવસ સ્ટેશન પર જ રોકાઈ જવું પડ્યું. આ કાવ્ય અમદાવાદ સ્ટેશને જ લખાયેલું છે.

  આજે ગાંધી જયંતી છે. ૪૦-૪૨ વર્ષ અગાઉ અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર ગાંધી જયંતીના દીવસે કોઈ કાવ્ય લખે એનાથી અમદાવાદ સ્ટેશન પણ ધન્ય બની ગયું.

 3. સહુ કોઈ આત્મમંથન કરીએ.

  હું તો શરુ કરી દઉ છું.

  ઘણીએ વાર તેમ થાય છે કે બધું પડતું મુકીને ફરી પાછો સંપૂર્ણ ધ્યાન મારા સોફ્ટવેરના વ્યવસાય પર આપું. મારા પાર્ટનર પણ બુમો પાડે છે કે હવે તમે પહેલા જેટલું ધ્યાન કાર્યમાં નથી આપતા. છતાં અંતરથી તેમ થાય છે કે હજુ ઘણું કાર્ય બાકી છે અને એટલે કદાચ ન છૂટકે બ્લોગ પર પ્રવૃત્ત રહેવું પડે છે.

  જ્યાં સુધી સમાજની સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ સમજવા ન મળે ત્યાં સુધી તેનો ઉકેલ પણ વિચારી શકાતો નથી.

  આજ સુધી કેટ કેટલા સમાજ સુધારકો આવ્યા અને ગયા – સમાજ ત્યાં નો ત્યાં જ રહ્યો. સહુ કોઈ બીજાને સુધારવા ખડે પગે તૈયાર છે – પોતાની જાતને નહીં.

  મોટામાં મોટું આંદોલન ચલાવવું હોય તો લોકોને જાગૃત કરવા પડે કે સહુ કોઈ માત્ર ને માત્ર પોતાની જાતને સુધારવા તરફ લક્ષ્ય આપે તો તે મહદ સત્કાર્ય ગણાશે. વ્યક્તિ સુધરી એટલે સમાજ આખો સુધર્યો – કારણ કે સમાજ એટલે વ્યક્તિઓનો સમુહ.

  દંભ આપણી નસ નસમાં વ્યાપ્ત છે – જેવા છીએ તેવા કોઈને દેખાવું નથી. વૃદ્ધ થયા હોઈએ તો વૃદ્ધાવસ્થા આવી છે તેમ કહેવામાં શું નાનપ? થાક લાગતો હોય તો થાક લાગે છે તેમ કહેવામાં શરમ શેની? કંટાળો આવતો હોય તો કંટાળો આવે છે તેમ કહેવામાં લાજી મરવા જેવું શું છે? યુવાન રહેવા માટે મુછો મુંડાવવી જરુરી છે કે તરવરાટ?

 4. અમદાવાદમાં ૧૯૬૯નું બહુ મોટું હુલ્લડ સાવ નજીકથી જોયેલું !
  પછી તો પરંપરા જ બની ગઈ હતી જાણે. ૨૦૦૨ના હુલ્લડ પછી શાંતી છે. અમદાવાદ જાણે કે ગાંધીને સ્પર્શ્યું જ નથી એમ તોફાનોમાં રાચતું રહ્યું છે.

  નવનિર્માણનાં આંદોલનોનોય સાવ નજીકથી અનુભવ કર્યો છે. શ્રી માણેકને થયેલા અનુભવનું આ શબ્દસ્થ રૂપાંતર ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: