Gandhi_142

આજે ગાંધી જયંતી છે. ગાંધીજીની ૧૪૨મી વર્ષગાંઠ. આ દિવસ આત્મમંથનનો છે. આ નિમિત્તે અહીં કવિ શ્રી કરસનદાસ માણેકનું એક કાવ્ય અહીં આપું છું.

આ કાવ્ય મેં શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ‘ગાંધી-ગંગા’ ભાગ-૧માંથી લીધું છે (ફેબ્રુઆરી ૨૦૦૭ બીજું પુનર્મુદ્રણ પાનું ૧૮૮-૧૮૯). પ્રકાશકઃ ગોપાલ મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. ૨૩ (સરદારનગર), ભાવનગર, ૩૬૪૦૦૧.

આ સાથે સંપાદક શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને પ્રકાશક શ્રી ગોપાલભાઈ મેઘાણીનો આભાર માનું છું – એવી આશા સાથે કે એમની અનુમતી માની લેવાની મારી ધૄષ્ટતાને તેઓ સાંખી લેશે.

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કાવ્યની પશ્ચાદ્‍ભૂમિકા સમજાવી છે તે પ્રમાણે ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દીના વર્ષમાં કવિ અમદાવાદ ગયા હતા પરંતુ શહેરમાં રમખાણો ફાટી નીકળતાં એમને બે દિવસ સ્ટેશન પર જ રોકાઈ જવું પડ્યું. આ કાવ્ય અમદાવાદ સ્ટેશને જ લખાયેલું છે.

શતાબ્દીનો જલસો

શતાબ્દીનો જલસો જુવો ઝગઝગે છેઃ
ઉરે વૈરવૃત્તિ, કરોમાં છરા છે,
પૈશાચી પગની ગતિમાં ત્વરા છે
અહિંસાના યોગીનું આસન હતું જ્યાં
અરે તે જ આ રક્તછલતી ધરા છે.
રે સંતોની યે શ્રદ્ધા જ્યાં ડગડગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

સરે-આમ સળગે છે માનવ્ય-માળા,
ઊભાઊભા અનાથો જો ભરતા ઉચાળાઃ
પ્રભુસૂના આકાશે ફરિયાદ કરતા
ધસે સ્થળેસ્થળે ઓશિયાળા ધુમાડાઃ
ગુનેગારને બે-ગુનાહ રગરગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

હજુ કાલ જ્યાં ઊડતી પ્રીતિ-છોળો
ગવાતાં જ્યાં ભક્તિભર્યે કંઠ ધોળૉ,
તે ‘મારો!’ને ‘કાપો!’ના ગોઝારા નાદે
રહી ગાજી આજે બેબાકળી પોળોઃ
ચુંથાયે છે ચકલાં: ફણી ફગફગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

હરિ-ઉર ભોંકાય છે આજ ભાલાઃ
છે ગમગીન લાચાર અલ્લાહતાલા;
આ આદમની ઓલાદ? બ્રહ્માની સૄષ્ટિ?
કે શેતાને પકવ્યા કો’ નિષ્ટુર નિંભાડા? –
જેની તિરછી દૃગમાં ઝનૂન તગતગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

છે મહતાજ મસ્જિદ ને મંદિર રડે છેઃ
જગન્નાથ ના ક્યાંય ગોત્યા જડે છેઃ
રે આઝાન દઈ દઈને બે-જાન નાહક
થયેલો તે મુલ્લાં લૂલો લડથડે છે.
રે ઝાંખ છે આંખે, પસીનો પગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

પડ્યાં બંધને બાપુનાં પુણ્ય-ખ્વાબોઃ
થયાં મુક્ત શેતાનરંગી શરાબો.
ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની
મસ્તીમાં અવળા પડ્યા ઇન્કિલાબો!
ઇમારત જુઓ પાયાથી ડગડગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

નવાઈ નથી કંઈ સદા આવું ચાલે!
મવાલી જ મુફલિસી પે ફૂલેફાલેઃ
પરંતુ ઉઠાવી છે ગાંધીના નામે
આવી ઘોર આમ્ધી, તે આત્માને સાલે!
કવિ-ઉર રોષે, તેથી ધગધગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદઃ
નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિતઃ
બધે એક ઇન્સાનિયત રડતી, સૂરત
અરે, એક કિરતારની થાતી ખંડિત.
ધસે લાવા જલતો જેની રગરગે છે!
શતાબ્દીનો જલસો જૂવો ઝગઝગે છે!

%d bloggers like this: