આપણે સત્ય શું છે એની ચર્ચા કરીએ છીએ, પરંતુ આ ચર્ચા વાસ્તવમાં સત્ય શું નથી, એ તરફ લઈ જાય છે. પહેલા લેખનો પ્રતિભાવ આપતાં શ્રી બીરેનભાઇ કોઠારીએ ટૉની ડિમેલોની ટચૂકડી કથાઓનો ઉલ્લેખ કર્યો હતો. મેં જવાબમાં એમને આવી કોઈ વાર્તા અહીં જણાવવા આગ્રહ કર્યો. પણ, ખુદા દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. એમણે ઇંટરનેટ પરથી શોધીને આખું પુસ્તક The Prayer of Frog જ મને મોકલી આપ્યું! એમનો આભાર માનું છું અને તે સાથે લેખક ટૉની (ઍન્થની) ડિમેલો પ્રત્યે સાભાર આદર વ્યક્ત કરૂં છું. અહીં એમની કેટલીક વાર્તા રજુ કરૂં તે પહેલાં લેખકનો થોડો પરિચય આપી દઉં.
ટોની ડિમેલો ખ્રિસ્તી પાદરી તરીકે ભારતમાં રહ્યા અને ૧૯૮૭માં ન્યૂ યોર્ક ગયા કે બીજા જ દિવસે એમનું અવસાન થઈ ગયું. એ પહેલાં પરંપરાગત ધાર્મિક વ્યવહારો અને ઉપાસનાઓ પરથી એમનું મન હટી ગયું હતું. એમનું કહેવું હતું: ” આપણી હિંસક આધ્યાત્મિકતાએ આપણા માટે સમસ્યાઓ ખડી કરી છે” અને ‘જીસસ વિશે જે રીતે ચર્ચની વ્યાસપીઠ પરથી બોલાય છે એના કારણે એમનું નામ ખરાબ થયું છે”. આવા ધરમૂળથી અલગ પડતા વિચારકે વાર્તાઓનો રસ્તો લીધો. આ વાર્તાઓ ખરેખર તો રોજબરોજની ઘટનાઓ જેવી છે, અથવા પ્રતીકાત્મક છે. આ વાર્તાઓનો શુદ્ધ અનુવાદ આપવાને બદલે હું મારા શબ્દોમાં રજુ કરૂં છું:
૧. દેશમાં સત્તાધારીઓની ધર્મ પર તવાઇ ઊતરી. ધર્મનું નામ પડે અને દમનનો કોરડો વીંઝાતો. ધર્મના ત્રણ સ્તંભ એટલે શાસ્ત્રો, ઉપાસના પદ્ધતિ અને દાનધર્મ. એ ત્રણેય ભગવાન પાસે ગયા અને વિનંતિ કરી કે ધર્મનો નાશ થશે તો અમારો પણ નાશ થશે.”
ભગવાને કહ્યું કે “ચિંતા ન કરો, હું પૃથ્વી પર એક નવી જ શક્તિને મોકલીશ, જે તમારા ત્રણેય કરતાં વધારે પ્રબળ છે.”
એમણે આશ્ચર્યથી પૂછ્યું: “એવું તે વળી શું છે, જે અમારાથી પણ શક્તિશાળી હોય?”
ભગવાને ઠંડે કલેજે જવાબ આપ્યોઃ “આત્મજ્ઞાન”.
૨. એક દેશમાં ત્રણ શાણા માણસો રહેતા હતા. એવા નમ્ર કે નવું જાણવા હંમેશાં તૈયાર. નવા જ્ઞાનની શોધમાં એ પ્રવાસે નીકળ્યા. એ બીજા દેશમાં પહોંચ્યા, ત્યાં દૂરથી એમને એક ગગનચુંબી ઇમારત નજરે ચડી. એમણે આવું કઈં પોતાના દેશમાં તો જોયું નહોતું, એટલે દૂર જ ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે એ શું હશે? એમણે પોતાના પાછલા અનુભવો, સાંભળેલી વાતો યાદ કરી. “હા, આ તો એ જ; ના એ તો નથી લાગતું” વગેરે ચર્ચાઓ કરી. છેવટે પોતાના જ્ઞાનના આધારે એમણે નક્કી કર્યું કે આવી ઇમારત તો કોઇ આસુરી શક્તિ જ બાંધી શકે.
પરિણામે તેઓ એવા તારણ પર પહોંચ્યા કે આગળ ન જવું. પોતાના અનુભવના ભાથામાં એક નવા તીરનો ઉમેરો કરીને તેઓ દેશ પાછા આવ્યા.
xxx લેખક અહીં કહે છે કે જે વાસ્તવિકતા એમની સામે હતી, તેના માટે એમનું જૂનું જ્ઞાન નકામું હતું, જૂના અનુભવો અર્થહીન હતા. નવી સ્થિતિમાં એમણે ત્યાં જઈને ખાતરી કરવી જોઇતી હતી. પણ એવું કશું કર્યું નહીં; અમુક ધારણા બાંધી લીધી. આ ધારણાએ એમના અવલોકનને પ્રભાવિત કર્યું, કારણ કે પૂર્વધારણાની બહાર એ કઈં જોઈ ન શક્યા. આવા અવલોકન પરથી તેઓ એક દૃઢ અભિપ્રાય પર પહોંચ્યા. આ અભિપ્રાયે એમને એ જ પ્રકારનો અનુભવ આપ્યો. અનુભવને આધારે એમણે વર્તન કર્યું…અને આ વર્તને માત્ર એમની ધારણાને જ પુષ્ટ કરી, જેનો કોઈ વાસ્તવિક આધાર નહોતો.
સત્ય પ્રત્યક્ષ વાસ્તવિકતાથી દૂર, જૂના અનુભવો, જૂનાં શાસ્ત્રો કે જૂના ઉપદેશોમાં ન હોઈ શકે. એમાંથી તો માત્ર અમુક સત્યાભાસી ધારણાઓ મળે.
૩. શબ્દો અને અવધારણાઓ માત્ર Realityનો – યથાર્થનો – સંકેત આપી શકે, પરંતુ વાસ્તવિકતા શું છે તે પ્રતિબિંબિત ન કરી શકે. ગુરુ આંગળી ચીંધીને ચન્દ્ર દેખાડે તો મૂર્ખ શિષ્યનું ધ્યાન માત્ર ગુરુની આંગળી પર જ ચોંટી રહે! ગુરુની આંગળી આ શબ્દો જેવી છે. શબ્દો ઘણું છુપાવી દેતા હોય છેઃ
વિમાની સફર દરમિયાન ઓચિંતાં જ પાયલટે જાહેરાત કરી કે “વિમાનનું એન્જિન બગડ્યું છે અને સ્થિતિ એવી છે કે હવે માત્ર ભગવાન જ આપણને બચાવી શકશે.”
એક મુસાફર અર્ધુંપર્ધું સમજ્યો. એણે બાજુમાં બેઠેલા મુસાફરને પૂછ્યું: “પાયલટે શું કહ્યું?”
બીજાએ જવાબ આપ્યો:” એ કહે છે કે હવે આપણે બચવાના નથી!”
૪. બે મિત્રો હૉટેલમાં બેઠા ચા પીતા હતા. એક મિત્ર ચાના કપને તાકીને જોતો રહ્યો. બીજાએ પૂછ્યું: શું વિચારે છે?”
પેલાએ જવાબ આપ્યોઃ “આહ…! જિંદગી ચાના કપ જેવી છે!”
બીજો મિત્ર વિચારમાં પડી ગયો. એ પણ ચાના કપ સામે જોતો રહ્યો. થોડીવારે બોલ્યોઃ “કેમ જિંદગી ચાના કપ જેવી શી રીતે છે?”
પેલાએ જવાબ આપ્યુઃ “મને શું ખબર? હું કઈં ઇંટેલેક્ચ્યૂઅલ નથી!”
સત્ય ફૉર્મ્યૂલાઓમાં નથી હોતું.
૫. સત્ય સંખ્યામાં પણ નથી હોતું. એક જજે અપરાધીને સજા કરી. ૨૭૫ વર્ષનો કારાવાસ! અપરાધી બિચારો વૃદ્ધ હતો. એ રડી પડ્યો. જજને પણ દયા આવી. એણે કહ્યું: “સજા બહુ આકરી તો છે… પણ તારે આટલા લાંબા વખત સુધી જેલમાં રહેવું નહીં પડે.”
અપરાધીની આંખમાં આશા પ્રગટી. જજને પણ શાંતિ થઈ. એણે દિલાસાના સુરમાં કહ્યું: “હવે બરાબર…! તારાથી ભોગવાય એટલી ભોગવ ને!”
૬. એક વાર મુલ્લા નસિરુદ્દીનનો પાડોશી એમને મળવા આવ્યો અને બોલ્યોઃ “મારે આધ્યાત્મિક બનવું છે. મારે ઘરે આવીને મને ઉપદેશ આપો ને!”
મુલ્લા નસિરુદ્દીનને લાગ્યું કે માણસ છે તો બુદ્ધિશાળી, પણ આધ્યાત્મિકતા કેમ શીખવવી?
થોડા દિવસ પછી પેલો માણસ છાપરે ચડીને મુલ્લાને બોલાવવા લાગ્યો; “મુલ્લા, આવો ને, મારી ભઠ્ઠી ઠરવા લાગી છે, ફૂંકવામાં જરા મદદ કરો ને!”
મુલ્લા નસિરુદ્દીનને લાગ્યું કે આ તક છે. એમણે જવાબ આપ્યોઃ ” ભલે, આવો ને, મારા શ્વાસ તમારા જ છે, લઈ જાઓ, જેટલા જોઈએ તેટલા!”
આપણો ચૂલો કોઈ ફૂંકી આપે એ વાતમાં સત્ય નથી.
૭. અને સત્ય સ્થાયી નથી રહેતું. એ સતત બદલાતું રહે છે. ન બદલાય તે સત્ય નહીં:
ન્યાયાધીશઃ તને કેટલાં વર્ષ થયાં?
આરોપીઃ સાહેબ, બાવીસ.
ન્યાયાધીશઃ બાવીસ? છેલ્લાં દસ વર્ષમાં તું જ્યારે ઝડપાયો છે, ત્યારે આ જ ઉંમર કહેતો હોય છે! બાવીસથી વધતો નથી કે શું?
આરોપીઃ સાહેબ, આપણે એવા નથી કે આજે એક વાત અને કાલે બીજી. બંદા એવા નથી કે બોલે અને ફરી જાય!
૮. છેવટે, સત્ય તો તર્કમાં પણ નથી વસતું.
એક વૃદ્ધ સ્ત્રી ડૉક્ટર પાસે ગઈ. એને એક પગે વા હતો.
ડૉક્ટરે તપાસીને સ્ત્રીની ઉંમર પૂછી. “પાંસઠ વર્ષ” સ્ત્રીએ જવાબ આપ્યો.
ડૉક્ટરે કહ્યું: “ઉંમરને કારણે તકલીફ છે…”
સ્ત્રી ચોંકી. એણે કહ્યું: “શું વાત કરો છો, ડૉક્ટર! મારા બીજા પગની ઉંમર પણ એટલી જ છે!”
વાજબી તર્ક હંમેશાં સાચો પણ હોય જ, એવું નથી હોતું.
ટોની ડીમેલોની કથાઓ એના હાર્દ સાથે વાંચવાની મઝા આવી ગઈ. ધર્મગુરુ હોવા છતાં
એમણે હિંમતપૂર્વક આવું લખ્યું એ જોઈને બીજા ગુરુઓ શીખે તો?
ધર્મગુરુએ લખી છે એટલે આને હું વાર્તાઓ નહીં કહું, આ આઠ જીવનસુત્રો છે…કદાચ એને મંત્રો પણ કહું.
હવે લાગે છે કે આવી પચીસ વાર્તાઓ લખાએલી હોય તો પણ સત્ય તો એની બહાર જ રહી જવાનૂં !
મૂળ વાર્તાકાર, એને ચીંધનાર અને અનુવાદ કરીને આ બ્લોગની “દીવાલ પરના લખાણ” રૂપે મૂકનાર સૌનો આભાર.
બહુ જ ઉમદા વાર્તાઓ વહેચવા બદલ આભાર. દીમેલોનું નામ સાંભળ્યું હતું હવે તેમને વાચવાની ઈચ્છા થઇ છે.
સત્ય એટલે સત્ય… એમાં કોઈ તર્ક, વિચાર, ખલેલ, સાપેક્ષ્તા, નિરપેક્ષતા, કે અપેક્ષા ના હોવી જોઈએ.
ત્રણ પ્રકારના સત્ય હોય છે.
૧. વ્યવહારીક સત્ય – વ્યવહાર વેળાએ ઉપયોગી છે. જેમ કે એક શહેરથી બીજું શહેર આટલા કીલોમીટર દૂર છે. અત્યારે આટલો સમય થયો છે. કાલે મેં ચા પીધી નહોતી છતાં માથું દુખ્યું નહી. દુનીયાની કુલ માનવ વસ્તી હાલમાં ૬ અબજથી વધારે છે. વગેરે વગેરે.
૨. પ્રાતિભાસીક સત્ય – સત્ય જેવું લાગે છતાં સત્ય હોય નહીં. આકાશ કડાઈ જેવુ ગોળ છે. મૃગજળ જળ જેવું દેખાય છે. સ્વપ્નમાં જોયેલા પદાર્થો અને દૃશ્યો. પૃથ્વી નીચે છે અને ચંદ્ર ઉંચે છે. વગેરે વગેરે
૩. પારમાર્થીક સત્ય – બ્રહ્માંડનું મુળ કારણ કે જે ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. જગત હોય ત્યારે અને જગત જ્યારે અવ્યક્તમાં જંપી ગયું હોય ત્યારે પણ. જેને વેદાંતીઓ બ્રહ્મ કહે છે.
આ ત્રણે સત્યો સત્ય હોવા છતાં જુદા જુદા કાળે અસત્ય જેવા ભાસે છે.
સ્વપ્નમાં વ્યવહારીક અને પારમાર્થીક સત્યો અસત્ય જેવા ભાસે છે.
વ્યવહાર કાળે સ્વપ્ન નથી હોતું તેવી જ રીતે અજ્ઞાન દશામાં પારમાર્થીક સત્ય પણ અસત્ય જ ભાસે છે.
પરમ અવસ્થામાં જગત નો બાધ થાય છે અને માત્ર સ્વરુપનો અનુભવ થાય છે – જ્યાં રહે છે કેવળ અસ્તિત્વ.
“માત્ર સ્વરુપનો અનુભવ…”
શ્રી દીપકભાઈ, આ એક બહુ સશક્ત વાત આવી. અહીં પણ સત્ય અંગેની ફીલસુફી સમજવાની એક ચાવી રહેલી છે.
ખુબ સરસ વાત કહી.
“માત્ર સ્વરૂપનો અનુભવ…”.
મને લાગે છે કે આ વધારે ઍબ્સ્ટ્રૅક્ટ થઈ જાય છે. શબ્દોમાં અટવાઈ જઈશું. આપણે પારદર્શકતા, પારદર્શિતા અને સમસંવેદન સુધી પહોંચ્યા અને ફરી વ્યક્તિગત સ્તર પર પાછા જઈશું. વળી, પહેલાં તો સ્વરૂપ એટલે શું એની વ્યાખ્યા કરવી પડશે. Reality અથવા મૂર્ત જગતથી દૂર જઈને સત્ય શી રીતે શોધીશું? પ્રાતિભાસિક તો એક ભ્રાન્તિ છે, વ્યાવહારિકથી આગળ જતાં, ન ઉકલે એવી શબ્દાટવિમાં જતાં અચકાઉં છું.
પારમાર્થીક સત્ય માટે શબ્દો પાંગળા છે. બ્લોગ-જગત માત્ર અંગુલી નિર્દેશ કરી શકે – અનુભવ કરવા માટે પલોંઠી વાળીને બેસી જવું પડે. બ્લોગ અને સંસાર બધુ યે ભુલી જવું પડે. જે બુદ્ધ કરી શક્યા, મહાવીર કરી શકયા, સ્વામી વિવેકાનંદ કરી શક્યા અને કેટલાયે લોકો કરી શકયાં. મુઠ્ઠી ખોલી નાખવી પડે. ચૂકવ્યા વગર ક્યાં કશુયે મળે છે? સત્ય વિશે વાત કરવા જેટલું જો સત્યને પામવાનું સહેલું હોત તો સત્ય વિશે કોઈ લાંબી અને ગહન ચર્ચા કરવાનું આવશ્યક ન હોત.
ટુંકમાં બ્લોગ-જગત વ્યવહારીક સત્ય અને પ્રતિભાસીક સત્ય સુધી પહોંચી શકે. વ્યવહારીક કરતાયે પ્રાતિભાસીક સત્ય સમજાવવા માટે બ્લોગ-જગત ખૂબ અનુકુળ છે. ક્યારેક યોગ વશિષ્ઠની વાર્તાઓમાં લીલાની વાર્તા વીશે વાત કરશું. તે મને ક્યારેય નહોતી સમજાણી પણ બ્લોગ-જગતે ખુબ સહેલાઈથી સમજાવી દીધી.
એ જ વાત છે ને! સંસાર, એટલે કે મૂર્ત જગતને ભૂલી જવાની વાત આવી ગઈ. કોઈ માટે કશું કરવાનું નહીં. કોણ માતા, કોણ પિતા? આ સંસાર મિથ્યા છે…વગેરે તો આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ. શબ્દો જ છે ને!
આ ફોર્મ્યૂલા આદિ શંકરાચાર્યે આપી પરંતુ, વારાણસીમાં ચાંડાલ એમની નજીક આવ્યો ત્યારે એમણ એને દૂર હટવાનું કહ્યું. કદાચ વ્યાવહારિક સત્ય તો એ જ હતું કે બ્રાહ્મણ, બ્રાહ્મણ છે – અને ચાંડાલ, ચાંડાલ છે!
વ્યાવહારિક સત્ય વ્યવહાર પૂરતું સાચું હોય અને બ્રાહ્મણ-ચાંડાલ ભેદ રહેવાનો જ હોય તો એનો અર્થ એ જ કે એનાથી ઉપરનું સત્ય આ સંસારમાં નથી. કેમ ચાલે? વાતો આત્મા અને બ્રહ્મના ઐક્યની કરીએ અને બ્રાહ્મણ અને ચાંડાલની અસમાનતાને વાજબી ઠરાવીએ. બન્ને કામ આ ફૉર્મ્યૂલામાં થઈ શકે છે.
જ્યાં સુધી શરીર અને મન છે ત્યાં સુધી અપૂર્ણતા તો રહેવાની છે. શંકરાચાર્યજીને જ્ઞાન આપવા માટે શિવજીએ આવવું પડ્યું કારણ કે તેમને વિદ્યાનો અહંકાર ચડ્યો હતો. ચંડાળ ચંડાળ છે પણ કાયમ માટે નહીં ચંડાળને પણ ક્રમે ક્રમે બ્રાહ્મણ સુધી પહોચાડી શકાય છે અને બ્રાહ્મણ પણ ધ્યાન ન રાખે તો ચંડાળ બની શકે છે. એટલે ફરી ફરીને કહેવું પડ્યું કે વર્ણ જન્મના આધારે નહીં કર્મના આધારે નક્કી થાય.
વ્યવહારમાં ભેદ રહેવાના જ છે. બાપ બાપ છે અને દિકરો દિકરો છે. પરમાર્થમાં બંને વચ્ચે કોઈ અંતર નથી. કોઈ દિકરો જ્ઞાની હોય તો યે તે પોતાના અજ્ઞાની બાપને પગે લાગશે કારણ કે તે વ્યવહાર જાણે છે. અજ્ઞાની બાપ દિકરો જ્ઞાની હશે તો યે તેના જ્ઞાનને સમજી નહીં શકે અને વારે તહેવારે હડધૂત કરશે કારણકે તેને માટે તે એક નકામો અને આળસુ પુત્ર છે. બંન્ને વ્યવહારીક રીતે સાચા છે. જ્ઞાની દિકરાના હૈયામાં ગજબની શાંતી હશે. અજ્ઞાની બાપમાં નકરી હૈયા વરાળ.
દરેક સત્યને માત્ર પોતાની દૃષ્ટિએ નહીં પણ સામાની દૃષ્ટિએ પણ જોવું જોઈએ. થોડોક વયમાં મોટો થયેલો પણ પ્રેમાળ દિકરો માને પ્રેમથી વળગી પડશે અને માતા તેને વાત્સલ્યથી નવરાવી દેશે તો જગત તેને વેવલા વેડા જ કહેવાનું છે.
તમારૂં કથનઃ “દરેક સત્યને માત્ર પોતાની દૃષ્ટિએ નહીં પણ સામાની દૃષ્ટિએ પણ જોવું જોઈએ.”
સંમત. ‘સામો’ છે એ પોતે જ મોટું સત્ય છે.
વ્યવહારમાં હંમેશા દ્વૈત રહેવાનું છે. સામા સામે શીગડા ભરાવવા કે હાથ મીલાવવા તે માટે સહુ કોઈ સ્વતંત્ર હોય છે. હાથ મીલાવનારાની સાથેય જો સામો શીગડા ભરાવે તો કાં તો ખસી જવું પડે અને કાં તો દંડો લેવો પડે.
તેનો અર્થ તેમ નથી કે પરમાર્થ નથી.
“માત્ર સ્વરુપનો અનુભવ…” બધાં અપારદર્શી તત્ત્વોના વિલય પછી જ આ ‘અનુભવ’ થતો હોઈ સ્વરૂપના અનુભવને સત્યની સૌથી નજીકની સ્થિતિ ગણાવી શકાય…એ અર્થમાં મને આ વાક્ય મહત્ત્વનું લાગ્યું છે.
“સ્વરૂપનો અનુભવ…”
અહીં તમે જે અર્થ આપ્યો છે તે સાથે આપણે અગમનિગમની દુનિયામાંથી વાસ્તવિક જગતની દુનિયામાં પાછા આવીએ છીએ.કારણ કે પારદર્શિતાનો માપદંડ યથાવત્ રહે છે. આભાર.
“ક્યારેક યોગ વશિષ્ઠની વાર્તાઓ…” હું આ વાર્તાઓની આતુરતાપુર્વક રાહ જોઈશ. પ્લીઝ, વહેલી તકે !
સાભાર, – જુ.
અનુકુળતાએ જરૂર આ વાર્તાઓ રજૂ કરવી છે 🙂
યાજ્ઞિક સાહેબ, વ્યાસસાહેબ, દીપકભાઈ
ચર્ચા જરા ગંભીર થઇ રહી છે. ભલે થતી.
સત્ય ‘પામી’ કે ‘શોધી’ શકાય? અને એ પણ ધ્યાન થકી? એ રીતે સત્ય મળતું હોય તો કોઈ પણ માણસ મેળવી ન લે?
સત્ય માટે ધ્યાન કરતાં વધુ જરૂરી મનોમંથન નથી? એ આધ્યાત્મિક ચીજ ન હોય, એ વૈચારિક ચીજ છે- હોવી જોઈએ.
સત્ય કાજે ધ્યાન એક જાતનો પલાયન ન કહેવાય?
મારા મનમાં થતા પ્રશ્નો અહી મૂક્યા છે.
ધ્યાન માત્ર પારમાર્થિક સત્ય માટે કહ્યું છે. યોગ માટે ધ્યાન શબ્દનો ઉપયોગ થાય છે જ્યારે જ્ઞાન માર્ગમાં નીદીધ્યાસન કહેવાય છે.
ધ્યાનમાં આંખો બંધ રાખીને વૃત્તિઓનો નીરોધ કરતાં કરતાં છેવટે જ્યારે ધ્યાન – ધ્યાતા અને ધ્યેય એકરુપ થઈ જાય ત્યારે સમાધીનો અનુભવ થાય છે.
નીદીધ્યાસનમાં તો ધ્યાન કરવાનું નથી ધ્યાન રાખવાનું છે. હું આત્મા છું (કૂટસ્થ) અને પરમાત્મા (બ્રહ્મ) સાથે મારી એકતા છે.
વ્યવહારીક અને પ્રાતિભાસીક સત્ય માટે કર્મેન્દ્રીય, જ્ઞાનેન્દ્રીય, મન , બુદ્ધિ, ચિત્ત, અહંકાર , શરીર બધાની જરૂર પડે.
યાજ્ઞિક સાહેબ આપે કોને સંબોધન કર્યું તે સમજાયું નહીં. અલબત્ત જાની અટક યાજ્ઞીકનું અપભ્રંશ થઈને આવી છે. મારા પીતાજીનું નામ નટવરલાલ જાની હતું પણ તેઓ પોતાને નટરાજ યાજ્ઞિક તરીકે ઓળખાવતા.
આપણા ઋષીઓએ તે તો ભૂલ કરી કે માત્ર તેઓ અંતર્મુખી બની ગયા. પરીણામે ક્ષમતા હોવા છતાં બાહ્ય જગતમાં વિશેષ પ્રદાન ન કરી શક્યાં. તેનાથી વિપરીત બાહ્ય જગતને જ માત્ર સાધ્ય ગણવામાં આવે તો ભૌતિકવાદનો રાક્ષસ અનેક પ્રકારની વિટંબણાઓ ઉભી કરવા તૈયાર બેઠો છે. જરૂર છે આંતર તેમ જ બાહ્ય જગત બંનેમાં સંતુલન જાળવવાની.
જાનીસાહેબ, દિલગીર છું નામની સરતચૂક બદલ.
મારી વાત જરા જુદી રીતે દોહરાવું.
સત્ય મારી દ્રષ્ટીએ ‘સમજવાનું’ હોય છે, નહી કે ‘પામવાનું’. ‘પામવું’ શબ્દને બહોળા અર્થમાં લઈએ તો કદાચ બરાબર હોઈ શકે. (જેમ કે- ફલાણા શબ્દનો અર્થ હવે હું પામી ગયો.)
ખરેખરો પડકાર જ સત્યને વ્યવહારિક જગતમાં લાગુ પાડવાનો કે જાળવવાનો છે. બાકી એકાંતમાં બેસીને ધ્યાન દ્વારા સત્યની આરાધના કરવાથી સત્ય પામ્યા હોવાની ભ્રમણા લાધી શકે.
બ્રહ્મ અને આત્મા વગેરે સનાતન નહી, સાપેક્ષ સત્ય ન ગણાય? કે ભ્રમણાનું સત્ય કહેવાય?
કેમ કે, ઘણા એમાં નથી માનતા. અને જે માને છે એ પ્રચલિત માન્યતાને આધારે.
દીપકભાઈ, તમારા આંગણે આ ચર્ચા છેડી છે ફક્ત જીજ્ઞાસા માટે.
બીરેનભાઈ અને અતુલભાઈ,
અતુલભાઈ જે કહે છે તે બધી વ્યાખ્યાઓ અને ફૉર્મ્યૂલાઓ છે. આધુનિક શબ્દ વાપરીએ તો એ ટેકનિક છે. આ ટેકનિક દ્વારા સત્ય સુધી પહોંચાતું હોત તો બધા પહોંચી શક્યા. હોત. પરંતુ, આ ટેકનિક પણ કઈંક ખાસ છે એવો પ્રચાર પણ સાથોસાથ થતો હોય છે.
સત્ય શું છે એ સમજીએ નહીં ત્યાં સુધી પામવાના શી રીતે? અને સત્ય પામવાની વસ્તુ હોય તો અમુક ટેકનિક પછી આપણે માની લઈશું કે આપણે સત્યને પામી ગયા! આપણે એક ભ્રાન્તિના જગતમાં પહોંચી જશું અને ચાલાક હશું તો પોતાનો સંપ્રદાય શરૂ કરીશું. અથવા જાગૃત હશું તો ‘આ સત્ય નથી’ એમ કહીને પાછા વળશું.
ગાંધીજી આ રસ્તે કદાચ સત્યને પામી ગયા હોત, પરંતુ એમણે એ રસ્તો ન લીધો અને પોતાની રીતે ‘સત્યના પ્રયોગો’ કર્યા.
ટેકનિક્થી જાણવાથી સત્ય સુધી પહોંચી ન શકાય. ટેકનીકને અમલમાં મુકવાથી સત્ય સુધી પહોંચી શકાય.
એરોપ્લેન બનાવવાનું પુસ્તક વાંચીને એરોપ્લેન બની ન શકે – તેને માટે તેના પાર્ટસ બનાવવા પડે, જોડવા પડે, ચકાસવા પડે, પ્લેન ઉડાડવા માટે પાઈલોટ જોઈએ અને ત્યાર પછી તે ઉડે.
તેથી આ ટેકનીક પુસ્તકમાં વાંચીને બધા ધ્યેય સુધી પહોંચી નથી શકયા તેનું કારણ કે ટેકનીકને અમલમાં મુકવાનો કોઈએ પરીશ્રમ ઉઠાવ્યો નથી. એક વખત પ્રયત્ન કરો અને પછી કહો કે આ ટેકનીક સાચી છે કે ખોટી. હું એરોપ્લેન બનાવવાનું પુસ્તક વાંચીને કહું કે આ પુસ્તક ખોટું છે કારણકે જો તે સાચું હોત તો હું એરોપ્લેન બનાવી શકત. તો જરૂર તમે મારી વાત પર હસવાના અને કહેવાના કે ગાંડાભાઈ તે માટે કરવા પડતા પ્રયત્નો કર. આ ટેકનીક ના જાણકારો બુદ્ધ, મહાવીર અને બીજા કેટલાયે આપણી પર હસે છે – કે મુર્ખાઓને અમે ટેકનીક તો આપી પણ તેમણે અમલમાં મુકવાને બદલે વાદ-વિવાદમાં સમય ગુમાવી દીધો.
મારી દૃષ્ટિએ ૩ પ્રકારના સત્યો છે અને તે ત્રણેને સમજવા અને પામવા માટેની જુદી જુદી પધ્ધતીઓ છે.
ખરેખરો પડકાર સત્યને વ્યવહારિક જગતમાં લાગુ પાડવાનો છે તે વાત સાથે સંપૂર્ણ સહમત પણ તે માટે પહેલા સત્યને સમજવું તો પડે ને?
બુદ્ધ, મહાવીર કે સ્વામી વિવેકાનંદ સત્ય કે સત્યની ભ્રમણા પામ્યાં પછી બેસી નહોતા રહ્યાં. તેમણે જગતમાં જબરજસ્ત આંદોલનો ફેલાવ્યાં. જ્યારે સતત વ્યવહારમાં રચ્યા પચ્યા રહેનાર માનવીઓના મુર્ખતાભર્યા કૃત્યો અને તેના દુ:ખદ પરીણામોથી આપણે સહુ માહિતગાર છીએ.
સત્ય માન્યતા પર આધારિત નથી હોતું તે સ્વયં પોતાના પગ પર ખડું રહે છે.
એ બરાબર કે બુદ્ધ, મહાવીર જેવાઓએ આંદોલનો ફેલાવ્યાં. પણ ‘વ્યવહારમાં રચ્યાપચ્યા રહેવું’ એ મારી દ્રષ્ટિએ નકારાત્મક ગુણ નથી. બધા સંસાર ત્યાગી ન શકે. (એ કેટલું જરૂરી એ અલગ વાત છે.) વ્યવહાર એ તો આપણા જીવનનો જ ભાગ છે, જીવન એનાથી અલગ નથી. વ્યવહારમાં મૂર્ખામી થવાનો પૂરો અવકાશ છે. કેમ કે અહી સતત અન્યો સાથે, અલગ અલગ સંજોગોમાં કામ પાડવું પડે છે. અને દરેક વખતે આપણને અનૂકુળ સ્થિતિ ન પણ હોય.
બીજું કે સત્ય ત્રણ પ્રકારના છે, પણ એને પામવાની ટેકનિક સર્વસામાન્ય હોઈ શકે? ઘણી વાર તો એકની એક ટેકનિક પણ એના એ સંજોગોમાં ફરી વખત અકસીર પુરવાર થાય કે કેમ એ સવાલ ખરો, કેમ કે સત્ય એ વિજ્ઞાનના નિયમની જેમ ભૌતિક બાબત નથી, જે હરેક સંજોગોમાં અચળ રહે.
કહેવાનું તાત્પર્ય છે કે આંતર જગત તેમ જ બાહ્ય જગત બંનેમાં સંતુલન રાખવું જોઈએ.
પારમાર્થિક સત્ય અચળ રહે છે. જેમણે પણ પરમ સત્તાનો અનુભવ કર્યો તેમના અનુભવોમાં કોઈ ભેદ નથી તેમને વર્ણવવાની પદ્ધતિમાં ભેદ છે. વળી જુદા જુદા માર્ગોએ થઈને પણ એક સત્ય સુધી લોકો પહોંચ્યાં.
એક શહેરમાં જવાના અનેક માર્ગ હોય અને બધા તે શહેરમાં પહોંચાડવાના – તેથી માર્ગ બાબતે લડાઈ આવશ્યક નથી. તે ચકાસવું ખુબ અગત્યનું છે કે જે તે માર્ગ શહેર સુધી પહોંચાડે છે ખરા? એટલે ટેકનીકના વિશેષાધિકારનો દાવો સ્વીકારી ન શકાય. હું પણ સાચો અને તમે પણ સાચા. મારું આઈ.પી.એડ્રેસ જુદુ, તમારું આઈ.પી.એડ્રેસ જુદુ પણ બંને દિપકભાઈના બ્લોગ સુધી પહોંચી શક્યા તો મારા ઈન્ટરનેટ પ્રોવાઈડર પણ સાચા અને તમારા ઈન્ટરનેટ પ્રોવાઈડર પણ સાચા.
વ્યવહાર તો દ્વૈત પર આધારીત છે. તેથી પ્રાણીઓ અને પદાર્થોના ગુણધર્મો પ્રમાણે વ્યવહારીક સત્યો તો પ્રત્યેક વ્યવહારે જુદા જુદા હોવાના.
આભાર, જાનીસાહેબ! બહુ સરસ સમજૂતી આપી. ખરી વાત કે ટેકનિકના વિશેષાધિકારનો દાવો ન કરી શકાય.
વ્યાવહારીક સત્ય હમ્મેશા સાપેક્ષ જ હોય છે. બીજી રીતે કહીએ તો, સાપેક્ષના પરીપ્રેક્ષ્યમાં અનુભવાતું કે અવલોકાતું સત્ય હમ્મેશા સાપેક્ષ હોય છે, નીરપેક્ષ નહી. નીરપેક્ષ સત્ય એ જ પરમ સત્ય કે અનુભવાતીત સત્ય એવું હું માનું છું (એ પણ પાછું મારા સાપેક્ષ સત્યની જ વાત થઈ 🙂 )
ચિરાગ,
સાચી વાત છે, નિરપેક્ષની શોધમાં આપણે એ ભૂલી જઇએ છીએ કે એ પણ આપણા અનુભવ જગતનું જ સાપેક્ષ સત્ય હશે.
આ મને વિચાર નહોતો આવ્યો. તમે નવી દિશા દેખાડી. ખરેખર અહીં સૌ મિત્રોની ચર્ચા મારા માટે દરેક નવા પગલા જેવી બની છે. .