Satyavachan (2)

સત્ય અઘરૂં છે અને એને વ્યક્ત કરવા માટે ભાષા પૂરતી નથી. આપણે ગયા અઠવાડિયે આ દૃષ્ટિએ ચર્ચા કરી હતી. સત્યનો આધાર બાહ્ય જગતમાં હોય છે. સત્ય પોતે વાક્યનો ગુણ નથી. શ્રી જુગલકિશોરભાઇએ એના પર પોતાનો પ્રતિભાવ આપતાં એ વાતને સમર્થન આપ્યું કે વાક્ય વ્યાકરણના નિયમ પ્રમાણે બને છે અને અસત્ય પણ વ્યક્ત થઈ શકે. એમાં આગળ જતાં ફરી એ વાત પર ભાર મૂકીએ કે જે અશક્ય હોય તે પણ વાક્યમાં શક્ય જણાય. “પાંચ પગવાળી કાળી ગાય” અને “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે” એ વાક્યો વ્યાકરણ પ્રમાણે સાચાં છે પરંતુ બાહ્ય જગતમાં આ બન્નેના પુરાવા નથી અને આપણા પૂર્વજો પણ એના પુરાવા નથી આપતા.

ઈશ્વરને બાહ્ય જગતમાંથી આધાર નથી મળતો અને આપણા પૂર્વજો ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ઈશ્વરના પુરાવા નહીં મળે. પરંતુ, ગાંધીજી જેવા પણ ઈશ્વરમાં માનતા હતા! ગાંધીજી તો સત્યના પુજારી હતા, તેમ છતાં એક આધાર વિનાની વાતને સત્ય તરીકે રજુ કરતા હતા. બીજી બાજુ વ્યાકરણની નજરે “ગાંધીજી કહેતા કે, ઈશ્વર સૌના હૃદયમાં વાસ કરે છે” એ વાક્ય સાચું ઠરશે, કારણ કે આપણે અહીં ઈશ્વરની વાત નથી કરતા – ગાંધીજી શું કહેતા, એ કહીએ છીએ. આપણું વાક્ય સાચું હોવા છતાં પણ એ માત્ર ગાંધીજીના અભિપ્રાય પૂરતું સાચું રહે છે. ઈશ્વર માટે નહીં.

આ વાક્ય ઉચ્ચારીને આપણે શું કહેવા માગીએ છીએ? ગાંધીજી કહે છે, એટલે આપણે ઈશ્વરનું અસ્તિત્વ માની લેવું જોઈએ – એમ? આપણે ગાંધીજીના કથનને ઈશ્વરના અસ્તિત્વના પુરાવા તરીકે રજૂ કરીએ છીએ? અથવા આપણે શું એમ કહેવા માગીએ છીએ કે ગાંધીજી પણ અસત્ય બોલતા હતા?

સત્યની વ્યાખ્યા તો આપણે, બાહ્ય જગત અને ભાષાના સંદર્ભમાં આપી દીધી, પણ હવે આવી ભરાયા છીએ એમ લાગે છે. બીજા પણ પ્રશ્નો ઊભા થાય છે. દા. ત. “હું આવતીકાલે અગિયાર વાગ્યે આવીશ”. આ વાક્યને કઈ શ્રેણીમાં મૂકવું? એ સત્ય છે કે અસત્ય ? ખરેખર તો એ માત્ર ઇચ્છાની કે ઇરાદાની જાહેરાત લાગે છે. આમાં સત્ય શું અને અસત્ય શું? જ્યાં સુધી ‘આવતીકાલ’ ન આવે ત્યાં સુધી એનું ‘આજે’ તો મૂલ્યાંકન પણ ન કરી શકાય. ભાષા ભલે ને, સત્ય માટે અપૂરતી હોય પણ એ આવાં કામો પણ કરે છે ને? એટલે ભાષાને પણ એમ નકારી કાઢીએ એ પણ ન ચાલે.

બીજાં પણ એવાં વાક્યો કે વિધાનો હોય છે, જેનો બાહ્ય જગતમાં આધાર નથી, તેમ છતાં આપણે એનો સત્યવચન તરીકે સ્વીકાર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, એક વાક્ય લઇએઃ ‘ચોરી કરવી એ પાપ છે”. આમાં કઈં અસત્ય નથી. આ સનાતન સત્ય છે. અહીં ‘સનાતન’ શબ્દ ધાર્મિક કે આધ્યાત્મિક અર્થમાં નથી વાપર્યો. કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં, કોઇ પણ રાજકીય વ્યવસ્થામાં ચોરીને અપરાધ જ માનવામાં આવી છે – પછી એ અમેરિકા જેવો મૂડીવાદી દેશ હોય કે ભૂતપૂર્વ સોવિયેત સંઘ જેવો સામ્યવાદી દેશ. આમ દુન્યવી અર્થમાં પણ ચોરીની પ્રવૃત્તિને વખોડવામાં આવી છે. પરંતુ બાહ્ય જગતમાં કઈ વસ્તુ પુરાવા તરીકે રજુ કરી શકાશે કે ચોરી કરવી એ પાપ છે?

આ બધાનો વિચાર કરતાં એમ લાગે છે કે સત્ય ખરેખર અઘરૂં છે. જેમ એ બોલવાનું અઘરૂં છે, તેમ એ સમજવાનું પણ અઘરૂં છે. એટલે આપણે માત્ર અખતરા કરીને જ સત્યને સમજવાનો પ્રયત્ન માત્ર કરી શકીએ. ‘અખતરા’ શબ્દ વાપરતાં એનો પર્યાય યાદ આવ્યો – ‘પ્રયોગો’. એના પરથી ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અનાયાસે યાદ આવે. સત્ય શું તે કદાચ ન સમજીએ, પણ એક વાત સમજાય છે કે ગાંધીજીએ કદી પણ સત્ય જાણવાનો દાવો નથી કર્યો, એને જાણવાના પ્રયત્ન કર્યા છે. આવા પ્રયત્નો પોતાની અવધારણાઓને, વિભાવનાઓને વ્યવહારમાં મૂકીને જ થાય.

સત્યની શોધ કરવા પાછળ લાગ્યા હોઇએ અને ‘સત્યના પ્રયોગો’ વાંચીએ તો એમ જ થાય કે આને એમણે સત્યના પ્રયોગો ભલે નામ આપ્યું પણ એમાં તો એમના જીવનની કથા છે. કિશોરાવસ્થા, યુવાની, દક્ષિણ આફ્રિકા, ભારતની આઝાદીની લડત. આમાં સત્ય ક્યાં? એ બધા વળી સત્યના પ્રયોગો કેવી રીતે થયા? સમજાશે નહીં કે આવું શીર્ષક શા માટે?

કદાચ ‘સત્ય એટલે પારદર્શકતા’ એવી ગાંધીજીની વ્યાખ્યા હશે એમ લાગે છે, જો કે, પાકી ખબર નથી. પરંતુ એમનું આખું જીવન પારદર્શક હતું. એમણે જે કઈં કર્યું તેમાં કશું છુપાવ્યું નહીં. નક્કર તથ્યોને આધારે ઊભું રહેલું મંતવ્ય એટલે સત્ય, એ તો સાચું જ છે. પરંતુ સામાજિક વ્યવહારમાં તો સત્ય એટલે પારદર્શકતા. બીજા સાથેના વ્યવહારમાં આપણે જેટલા પારદર્શક હોઇએ એટલા સત્યની નજીક હોઇએ એમ લાગે છે. કથની અને કરણીમાં ફેર હોય તે પારદર્શકતા નથી.

આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.

21 thoughts on “Satyavachan (2)”

 1. नासतो विद्यते भावो, नाभावो विद्यते सतः આ જાણીતું સુત્ર ગીતાજીનું છે. એમાં સ્પષ્ટ કર્યું છે કે, સત્ નો અભાવ –અનસ્તિત્ત્વ – નથી ને અસત્ નો ભાવ – અસ્તિત્વ નથી (એનો ક્યારેક તો નાશ હોય છે તેથી).

  આપણે અહીં એટલું વિચારીએ કે જગતનું બધું જ જ્યારે ન હોય ત્યારે પણ કશુંક હોઈ શકે. સત્ય માટે કહી શકાય કે કશુંક એવું છે જે સદાય અને સતત ‘હોય’ છે. બીજી રીતે કહીએ તો જેનો નાશ છે, જે જે ‘ચીજો’ નાશવંત છે, જે જે ‘બાબતો’, જે જે વિચારો કે માન્યતાઓ વગેરે સ્થૂળ કે સૂક્ષ્મ વસ્તુઓ સદાય અને સતત રહેનારી નથી. પણ “ચોરી કરવાથી (પાપ નહીં પણ) કોઈને ને કોઈને તો નુકસાન થાય જ છે ને એટલે ચોરી ન કરાય” આ ‘સમજ’ કે આ ‘વિચાર’ની શાશ્વતતાને સત્ય કહી શકાય. પણ તોય તે વાક્યની રચના કે વાક્યની રજૂઆત તે સત્ય નથી. સત્ય તો જે શાશ્વત વાત છે જે કોઈ પણ કાળમાં સાચી ઠરનારી છે તે સત્યનું ‘પ્રતીક’ કે સત્યનું ‘પ્રતિનિધી’ માત્ર છે.

  ગાંધીજીએ સત્યને એટલે કે સાચી કે શાશ્વત વાતને ઈશ્વર કહી ન હોય. સત્ય એ જ પરમેશ્વર અર્થાત્ જે શાશ્વત તે જ પરમેશ્વર.

  શાશ્વતીને બીજી રીતે પણ સમજાવી શકાય. જે સર્વ–સામાજિક બાબત છે જે ‘સૌને’ લાગુ પડે છે ને જેમાં કોઈ પણ બાકાત ન હોઈ શકે તેવી બાબતો એ શાશ્વત. ‘સર્વોદય’ તે આ અર્થમાં સત્યની ‘ઉપાસના’ ગણાય.

  વાક્યરચનામાંથી ફલિત થતી વાત ભલે તે નકારાત્મક હોય છતાં વાક્યનો અર્થ આપવા પુરતી જ સત્ય છે. સત્ય એ જ પરમેશ્વર એ વાક્ય વાક્યની રીતે સત્ય છે પણ ‘સત્ય’ અને ‘પરમેશ્વર’ એ બન્નેની વ્યાખ્યાઓ સરખી છે; એ બન્નેને સમજવા માટેના તર્ક પણ સમાન છે. નથી નથીનું ગાણું પૂરું થઈ જાય પછી પણ જે ”રહે છે” તે સત્ય અને એવી જ રીતે એ જ પરમેશ્વર. “તત્સત્” (”તે જ સત્ય”)માં જે “તે” છે તે સત્ય હોઈ પરમેશ્વર.

  સત્ય અઘરું નથી પણ તેને સમજાવવું અઘરું છે !! અને એટલે જ પરમેશ્વરની બાબતમાં ઝઘડાઓ થયા ને રહ્યા. મારી દૃષ્ટિનું સત્ય તે જ સાચું ને તારી દૃષ્ટિવાળું ખોટું એમ કહીને ધર્મો ને ઈશ્વરો બદલાતા/વધતા ગયા. પણ જેણે પણ કહ્યું કે “અલ્યા, તારો ભગવાન છે કે તારું સત્ય છે તે બન્ને મારાં પણ છે !” મારો જ એક શેર કહું તો –

  “કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
  એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું !”

  અહીં પણ શક્યતાને વચ્ચે લાવવી જ પડી ! આમ સત્ય કદાચ સમજાતું હોવા છતાં સમજાવી ન શકાતું હોવાના જ કારણે તે અંગે વિતંડાવાદ ચાલતો આવ્યો છે.

  વિજ્ઞાનવાદીઓ કે બુદ્ધિવાદીઓ ભલે ઈશ્વરને નકારે. પણ ખુદ ઈશ્વરવાદીઓ પણ એને અંગે નક્કર નથી ! પણ જ્યારે દિવાલની પેલી બાજુએ શું પડ્યું છે તે ન દેખાય તેથી તે નથી એમ માનવું ને મનાવવું તે ખોટું છે. ગાંધીજી કહે તેથી માની લેવું તેય ખોટું જ છે પણ હજારો વર્ષોથી જે કહેવાતું આવ્યું છે ને હજી આપણને તો મળ્યું નથી તો એ લોકોની વાત માનવામાં ખોટું નથી…વિજ્ઞાન પણ બીજાં સાધનોની જેમ અનુમાનનો આધાર લે જ છે.

  ખૂબ આભાર સાથે, – જુ.

  1. શ્રી જુગલભાઈ,
   તમારી સમીક્ષા ચર્ચાનું ઘરેણું છે એને હું માત્ર ‘પ્રતિભાવ’ નહીં કહું. શ્રી રાજેશભાઈને આપેલા જવાબમાં મેં કહ્યું છે તેમ ગાંધીજીની સત્યની સમજ અને પાશ્ચાત્ય વિદ્વાનોની સમજ બન્ને મને આકર્ષતાં રહ્યાં. બહુ ઘણાં વર્ષો સુધી હું ગાંધીજી, જીસસ વગેરેના સત્યને રસેલથી અલગ નૈતિક સત્ય માનતો રહ્યો. જો કે અસંતોષ તો રહ્યો જ, કારણ કે નૈતિકતા શાશ્વત નથી અને એના માપદંડ સામાજિક છે.

   હજી તો થોડા જ દિવસ પહેલાં ગાંધીજીનું પારદર્શક જીવન મારા ધ્યાનમાં આવ્યું! એમની પારદર્શકતા જ સત્ય! એ જ એમના સત્યના પ્રયોગો. પારદર્શકતા નૈતિકતાથી આગળ છે એમ મને લાગે છે. જેમ બને તેમ એ પોતાનાથી જ નિરપેક્ષ થતા ગયા. જિબ્રાને કહ્યું છે ને, કે “સત્ય બોલવું એટલે તડકામાં નગ્ન ઊભા રહેવું અને બરફની માફક પીગળી જવું.” એ પણ જબ્બરદસ્ત અર્થઘટન છે.

   આપણે સત્યને સમજવાની આપણી મર્યાદાઓને ‘અંડરલાઇન’ કરી શકીએ તો પણ ઘણું.

 2. સત – સંસ્કૃત શબ્દ છે. ગીતાજીમાં ઈશ્વરના ૩ નામ કહ્યાં છે.
  ૧. ૐ
  ૨. તત
  ૩. સત

  જે સદાયે અસ્તિત્વમાં રહે છે તે સત. સત પરથી સત્ય શબ્દ બન્યો હોવો જોઈએ. તેથી જે વાક્યનો અર્થ હંમેશા તેવો ને તેવો જ રહે તે વાક્યને સત્ય વચન કહી શકાય.

  1. તમારો વિચાર સાચો છે. નિર્વિવાદ, નિર્વિકલ્પ વાક્ય સત્યની શ્રેણીમાં આવી શકે. આના માટે પારદર્શકતા અને તટસ્થતા જરૂરી છે. સત્ય એટલે જે હંમેશાં હોય તે.

 3. ઓહો, તો આ ઉછીના વિચારો તો “બર્ટ્રાન્ડ રસેલ, વિત્જેન્સ્તીન અને અન્ય વિદ્વાનોએ કરેલાં વિવેચનોના પુજારીઓના છે, આવ વા દો…………….. ક્યા સુધી, આ સત્ય પ્રત્યે આંખ આડા કાન કરવાથી સત્ય અસત્ય નથી બની જતુ કે આપણા બાપ-દાદો અને માતા-પિતાએ આપણા જન્મ માટે આ લોકોની નહિ પણ જે “સુષ્ટીના સર્જનહાર છે” એમની બાધા આખડી રાખી હતી એ આપણે કેમ ભુલી જઈએ છીએ? તમારુ સંતાન તમે નહિ રહેશો પછી કોના આશરે જીવશે ? “બર્ટ્રાન્ડ રસેલ, વિત્જેન્સ્તીન અને અન્ય વિદ્વાનોએ કરેલાં વિવેચનોના આધારે…..!!” (સોરી હો)
  સત્ય હંમેશા દિલમાં જ રહે છે દિમાગમાં નહિ અને મુસિબતને સમય દિમાગ કામ નથી કરતુ ત્યારે સર્જનહાર જ કામ લાગે છે. ભારતની ૯૯.૯૯ ટકા પ્રજા તો એવુ જ માને છે, તમે ન માનો તો એમા તમારો કોઈ વિજય ન માનવો જોઈએ.

  ગણેશ પ્લાસ્ટર ઓફ પેરિસના બનાવીને દર વરસે પાનીમાં ડુબાડવામાં આવે છે છતા પણ લોકોથી એ દુર નથી થઈ શક્તા, ત્યારે ભલભલા કહેવાતા નાસ્તિકોની પત્નીઓ અને પુત્રો-પુત્રીઓ એની પુજા કરતા હોય છે, આને શું કહેવુ ? ત્યાથી નાસ્તિકતા કેમ દુર નથી થતી ? નાસ્તિકતાના દુષણે આજે સમલૈંગિકતા લગ્નને “લીગલ” માં ખપાવી દિધુ એના સંતાનો ને કોણ પાળશે, એ પ્રજાના પાપો કોણ ભોગવશે ? ભારતદેશને પાપના ખાડામાં ન નાખો, ઓ મારા વહાલા ભાઈ બહેનો, તમે સર્જનહાર ને તદ્દન હરાવી નહિ શકો. ૧૦૦-૨૦૦ વરસ મા જંગલ બની જનારા પાપના બીજ તમે અત્યારે ના રોપો, સર્જનહાર જે પ્રેમાળ, દયાળુ છે એને લોકોના દિલમાં સ્થાન આપો.

  ગાંધીજી ના સત્ય પર ચાલવાના, “જે ખાંડાની ધાર પર ચાલવા જેવુ છે” પ્રયોગોએ જ બ્રિટીશ હકુમતના થાંભલા/કાંગરાઓ ખરી પાડવા મદદ રુપ થયા હતા, એ ખરુ કે , એ યે ખોટું ??????????????????

  1. શ્રી રાજેશભાઈ,
   મેં પહેલા લેખમાં જ નીચે લખ્યું છે કે આ રસેલ વગેરેના વિચારો પર આધારિત છે. એમાં મારૂં કઈં નથી.એટલે એને ‘ઊછીના’ જેવો શબ્દ લાગુ ન પડે. હું એનો તર્કની દૃષ્ટિએ સ્વીકાર કરૂં છું, એ જુદી વાત છે. તમે ન સ્વીકારતા હો અને વધારે સશક્ત તર્ક હશે તો એ સ્વીકારવામાં મને કષ્ટ નહીં થાય.

   બીજા લેખમા મેં બાહ્ય જગતના પુરાવા વિના પણ કેટલાક વિચારો ભાષા દ્વારા રજૂ થઈ શકે છે અને એમાં સત્ય કે અસત્ય નથી હોતું એ સ્વીકાર્યું છે, તેમ જ ચોરીનું ઉદાહરણ આપીને કહ્યું છે કે બાહ્ય ઘટનાના પુરાવા વિના જ એનો સનાતન સત્ય તરીકે સ્વીકાર કર્યો છે. તમે જોઈ શકશો કે આ વિચાર રસેલ કે વિત્જેન્સ્તિનનો નથી!

   એમના તથ્ય આધારિત સત્યના વિચારને યથાવત્ સ્વીકારી લઈએ તો પણ ઘણા પ્રશ્નો રહી જાય છે. એનો આંધળો સ્વીકાર કરીએ તો ગાંધીજી અસત્ય બોલતા હતા એમ નક્કી થાય! આ વાત સિદ્ધ કરે છે કે સત્યની વ્યાખ્યા ક્યાંક બીજે છે.ગાંધીજીનું જીવન મને પારદર્શક જણાયું એટલે લેખના અંતે સત્ય એટલે પારદર્શકતા એવો સામાજિક વ્યવહાર માટે અર્થ આપ્યો છે હું સ્વીકારૂં છું કે કદાચ આ અર્થ પણ અધૂરો હોય. ગાંધીજી અને રસેલની વ્યાખ્યાઓને એકસૂત્રે બાંધવાનો વિચાર ત્રણેક દાયકાઓથી મગજમાં ઘુમરાયા કરે છે. શક્ય છે કે એમાં સફળ ન પણ થયો હોઉં.પરંતુ,ગાંધીજીનું સંપૂર્ણ જીવન જોતાં મને આ રસ્તો દેખાયો કારણ કે પારદર્શકતામાં જીવનનાં તથ્યોનો જ આધાર લેવો પડે છે. આમ બન્નેને મારી દૃષ્ટિએ જોડી શક્યો છું. આ પ્રક્રિયામાં મારો અંતિમ શબ્દ નથી.

   તમે મારાં સંતાનો મારા પછી શું કરશે તે પૂછ્યું છે. એનો મારી પાસે જવાબ નથી. મારો ખ્યાલ છે કે કોઈ માતાપિતા ખાતરીપૂર્વક આનો જવાબ ન આપી શકે.

   ‘ઊછીના’ શબ્દ પર પાછો આવું તો ક્ષમા કરશો. સર્જનહાર વિશેના તમારા વિચારો તો ‘ઊછીના’ નહીં જ હોય. આમ તો આપણે કદીયે સંપૂર્ણ મૌલિક નથી હોતા.

 4. સત્ય અને અસત્ય માં બીજો કોઈ ભેદ ખરો ? સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર વિષે સાંભળ્યું છે. બાકી બધો વિતંડાવાદ. હા, ખોટો પણ સહારો તો સત્ય નો જ લે છે, અને એટલે એને સ્થાપિત મૂલ્ય કહેવાય. અવતારો ઘણા થયા પણ બધા ની વાર્તાઓમાં જુઠા જ હોય, કપટ હોય, અન્યાય હોય, એટલે એ મહામાનવ કહીએ તો ચાલે .
  ચર્ચા વાંચી એટલે લાગ્યું કે વાત માત્ર ચર્ચા કરવા માટે જ છે, સત્યવાદી થવા માટે નથી એટલે ચર્ચા જ કરાવી હોય તો વાંધો નહિ. બાકી ચર્ચા કરનાર માં કોઈ એમ નથી કહેતું કે હવે આજથી હું સત્યવાદી.
  કોલેજ માં હતો ત્યારે મોરારજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠ માં ગીતા પ્રવચન માટે આવતા એટલે સંaભળવા ગયો, બધાની જોડે ઓટોગ્રાફ માટે લાઇનમાં ઉભો રહ્યો . એમણે કહ્યું ખાદી પહેરે તો આપું. આપણે ખસી ગયા. ઘણા હા હા કરી ને લઇ ગયા. આજે એમaના ઘણા મળે છે રંગીન મિજાજ માં .
  એટલે વાતો થી વિશેષ કઈ ખરું?
  જમાનો આખો જુઠા નો ત્યાં સત્યનારાયણ ની કથા જ વંચાય.
  ફરી એક વાર …… ખોટો પણ સહારો તો સત્ય નો જ લે છે,
  બીજી વાત , રસેલ, વિજેત્સીન, ગાંધી કે ઘણા બધા એમના પૂરોગામી પાસેથી જ સીખે છે અને નવા નામે જોડે છે. ક્યાંક વિચારોની ઉઠાંતરી, અનુવાદ, કે આસ્વાદ માં ભાષા બદલાય…ગીતાંજલિ ની જેમ. અભણ અને અનપઢ તો સાર્વત્રિક હોય જ.
  અને હા, વાત જ કરવી હતી તો વિક્રમ વેતાળ ને શામાટે લાવ્યા ….ભુજના પાક્કા મહારાજ અને પૂનમ મહારાણી ની જ વાત કરી હોત તો શું વાંધો?

  1. ખરૂં છે. અસત્ય પણ સત્યનો જ આશરો લે છે. એ પણ સાચું કે બ્લૉગ ચર્ચાનો મંચ છે.કોઈને સત્યવાદી
   બનાવવાની મારામાં લાયકાત નથી!
   મોરારજીભાઈનું ઉદાહરણ સારૂં છે. ગુરુઓ એમની વાત માનો તો જ કંઠી બાંધે! આપણે કોઈની વાતને અંતિમ સત્ય ન માનીએ અને જે સારૂં લાગે તે કરીએ એ સારો રસ્તો નથી?
   આમ છતાં આપણે ઘણીબધી અસરોની પેદાશ છીએ એટલે સંપૂર્ણતાનો કે મૌલિકતાનો મારો તો દાવો નથી જ. બીજું શું કહું?

 5. અરે ભાઈ દરેકના સત્યો અલગ અલગ છે.મને લોહી વહેતું જોઈને ડર નથી લાગતો તે મારું સત્ય છે અને તમને લાગતો હોય તો તમારું સત્ય છે.હું સ્નો પડતો હોય છતાં એક જ ટીશર્ટ પહેરીને જોબ પર જાઉં છું તે મારું સત્ય છે અને અમારા જ્યોતીન્દ્રભાઈ નીચે પાંચ અને ઉપર પાંચ કપડા પહેરીને જોબ ઉપર આવે છે તેમનું સત્ય છે.શાર્ક મેગ્નેટિક વેવ્સ જોઈ શકે છે,આપણે નહિ.

  1. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ, સત્ય એ જ કારણે કોઈ એક ફોર્મ્યુલામાં કેદ નથી થતું. સત્ય જાણવાનો દાવો કરનારા ગુરુઓ ગમે તે કહે, સત્ય પર કોઈનો ઈજારો નથી.

 6. ‘સત્ય એટલે પારદર્શકતા’ — દી.
  ’સત્ય અઘરું નથી પણ તેને સમજાવવું અઘરું છે !!’ — જુ.
  ’જે વાક્યનો અર્થ હંમેશા તેવો ને તેવો જ રહે તે વાક્યને સત્ય વચન કહી શકાય.’ — અ.
  અને અંતે આપનું ’આપણે કદીયે સંપૂર્ણ મૌલિક નથી હોતા.’

  આ વલોણાની છાસ પર તરી આવેલું માખણ છે. ખાસ તો આપના વિચારપ્રેરક લેખ (૧-૨) અને ઉમદા પ્રતિભાવો હજુ ઘૂંટું છું. રાજેશભાઈ માટે ’સત્ય’ એટલે ’માત્ર તેનો ધર્મ જ’ એવી કોઈક વ્યાખ્યા લાગે છે. એ માનવા માટે તેઓ સ્વતંત્ર છે ! અન્ય લોકો માટે પણ એમ હોઈ શકે છે. એક મિત્રએ આ ચર્ચાને જ નકામી ઠેરવી અને ’ચર્ચા કરનાર માં કોઈ એમ નથી કહેતું કે હવે આજથી હું સત્યવાદી’ એવું કહી ઘણોજ ઉમદા વિચાર રજુ કર્યો પરંતુ વ્યવહારીક રીતે જોઈએ તો આ સ્થળ જ ચર્ચા અને વિચારનું હોય, ધારોકે હું જ એમ કહી દઉં કે : ચાલો આજથી હું “સત્યવાદી” !! તો તેનું મહત્વ શું ? અને મારી વાતને માનવાનું કોઈ કારણ ખરૂં ? (એમ તો અસત્ય આચરનાર પણ પોતાનું આચરણ તે જ સત્ય એવો આગ્રહ ક્યાં નથી રાખતા !) તો ભુપેન્દ્રસિંહજીએ ઉલ્લેખ કર્યો તેમ, અને મેં મારા બ્લોગની પ્રસ્તાવનામાં પણ લખેલું તેમ ’સત્ય સાપેક્ષ હોય છે’ તે વાત વધુ વ્યવહારૂ લાગે છે. મારા દ્વારા મનાતું એ જ સત્ય એવું ના હોઈ શકે. હું આજથી સત્યનું આચરણ જ કરીશ એમ કહી દેવું પુરતું બનશે ? હું મને જે સત્ય લાગે છે તેનું આચરણ કરતો હોઉં પણ હું જેને સત્ય માનું છું તે જ અન્યનાં દૃષ્ટિકોણથી કદાચ અસત્ય પણ હોઈ શકે. મારી તો ક્ષમતા નથી તેથી હું પણ આ વિષયે ગાંધીજીએ આપેલું એક પ્રવચન, ૩૧-૧૨-૧૯૩૧નાં યંગ ઇન્ડિયામાં આવેલું, જે ’સત્ય એ જ ઈશ્વર છે’ (નવજીવન પ્રકાશન – નવે.૧૯૭૭)માં પ્રકાશિત થયેલું છે તેના, આપણા વિષયને લાગુ પડતા, થોડા અંશ જોઇએ (વધુ એ પુસ્તકમાં વાંચવા વિનંતી). જે કદાચ આ વિચારવલોણાને ઊર્જા આપશે.

  ” સત્ય પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમ માટે કાંઈ નહીં તો અંગ્રેજીમાં વપરાતા ’લવ’ શબ્દના અનેક અર્થો થાય છે…..પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં આવ્યો નથી. અને ઈશ્વરનો ઇન્કાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની જરૂર અથવા તેનું સામર્થ્ય સ્વીકારવામાં સંકોચ બતાવ્યો નથી. પણ સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઈશ્વરનો ઇન્કાર કરતાં પણ અચકાયા નથી. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીયે નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઈ શક્યો કે ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે મારે સત્ય એ જ ઈશ્વર છે એમ કહેવું જોઈએ…..આ ઉપરાંત લાખો લોકોએ ઈશ્વરનું નામ લઈ તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી…..આમ ઈશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી. પણ માણસનું મન એક અધૂરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા પરમ તત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડ્યા વગર રહેતી નથી…..

  ત્યારે હવે સત્ય શું છે ? એ સવાલ થયો. સવાલ સાચે જ અઘરો છે પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય એવો જવાબ આપી એ સવાલનો મેં ઉકેલ કાઢ્યો છે. તો પછી તમે પૂછશો કે જુદા જુદા લોકો જુદાં જુદાં અને એકબીજાથી વિરોધી સત્યો કેમ વિચારાતા હશે ? પણ વધારે વિચાર કરતાં સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક જ પ્રકારનો થયો નથી; તેથી આપોઆપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય;….વિજ્ઞાનના પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલીમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે તે્વી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને માટે યમનિયમોનું કડક પાલન આવશ્યક છે. એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ…..આ પ્રયોગો કરનાર લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે છે એ વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે…..જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઈથી સત્યની શોધ થઈ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળપણે તરવું હોય તો તમારે શૂન્ય બની જવું જોઈએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું એમ નથી.”

  ‘સત્ય એટલે પારદર્શકતા’ એ વિચાર ગમ્યો, પરંતુ આપ એ વિચાર પર હજુ વધુ પ્રકાશ પાડશો તેવી આશા રાખું છું. (એટલે કે ભાગ-૩ ની રાહમાં) આભાર.

  1. અશોકભાઈ,
   તમે ગાંધીજીનું અવતરણ આપ્યું તે પછી કઈં પણ કહેવું મારા માતે અઘરૂં બની ગયું છે. કારણ કે ગાંધીજીની ભાષાની સાદાઈ ક્યામ્થી લાવવી? બીજી વાત. એ માનસ તો સત્ય જીવ્યો, હું તો કદાચ બૌદ્ધિક ખેલ કરૂં છું. તમે પારદર્શકતા એટલે સત્ય એ્નાવા મારા તારણ વિશે પ્રકાશ પાડવા કહ્યું છે, પણ મેં લેખના અંતે કહ્યું છે કે “આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.”
   મને ખબર હોત તો હું ગુરુ બની ન ગયો હોત કે આવો, સત્ય મારી પાસે છે. હું તમેન સત્યવદી બનાવીશ, જેમ ભાઈ હરેશ આશા રાખે છે. મને પોતાને એમ લાગે છે કે સત્ય અને સત્યવાદી હોવું એટલે શું, એ જ નક્કી ન કરી શકતા હોઇએ તો શી રીતે સત્યવાદી બની શકીએ? ભાષા તો સત્યને વ્યક્ત કરી શકતી નથી અને આપને હજી ભાષા મારફતે સત્યના અર્થો શોધવા મથીએ છીએ. મને ગાંધીજીના જીવનમાં પારદર્શકતા જણાઈ એટલે આપણા સહવિચાર માટે મેં “એ જ તો સત્ય નથી ને?” એ ફૉર્મમાં માત્ર રજૂઆત કરી છે.. પ્રોસેસ આગળ વધે તો કઈંક ખબર પડે.

 7. પારદર્શીતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સંત. યોગમાર્ગના જાણકારો કહે છે કે, યોગી શરીરનાં છ ચક્રોનું ભેદન કરવા સુધી પહોંચે ત્યારે સંતત્વનું પહેલું પગથીયું આવે ! સંતનું વ્યક્તીત્વ પારદર્શી હોય છે. એની પારદર્શીતાની ખુબી એ છે કે, આપણે જેમ એમને આરપાર જોઈ શકીએ તે જ રીતે તેઓ પણ આપણી ભીતરમાં જઈ શકે. પરકાયા પ્રવેશ તેઓ કરી શકે. એક સંતનો દાખલો આ માટે અપાય છે જેમાં સીમમાં કોઈ પશુને ભાલો માર્યો તો લોહી સંતના શરીરમાંથી બહાર નીકળ્યું ! સ્થુળ દૃષ્ટીએ આ સાચું ન હોય પણ સમસંવેદનનો આ ઉત્તમ દાખલો છે. આપણી સુક્ષ્માતીસુક્ષ્મ લાગણીઓને પણ તેઓ “અનુભવી” શકે એટલી સંવેદનશીલતા એમનામાં હોય છે. તાટસ્થ્યની ઉચ્ચ કક્ષા એમણે મેળવી હોવાથી સંતો સૌનાં દુઃખનાં રોદણાં રોતા નથી એટલું જ બાકી સમાજના દુઃખે તેઓ ખરેખર દુઃખી હોય છે. રવિશંકર મહારાજ પણ આવા જ એક સંત હતા.

  ગાંધીજીના ઉપવાસોની શુદ્ધીમાં મને આ સમસંવેદન સમજાયું છે. ગાંધીજીની વાણીમાં તમને જે સાદગી દેખાઈ છે તે આને કારણે છે. સંતની ભાષામાં પણ એમના વ્યવહારોનાં લક્ષણો જોવા મળે જ.

  ને એક બીજી વાત. પેલા ચીની ફીલસુફે સમજાવ્યું હતું તેમ પહેલાં તો ચાનો કપ ખાલી કરવો પડે. ભરેલા કપમાં બીજું કશું શી રીતે ભરી શકાય ? સત્યનો પ્રવેશ પારદર્શીતા વગર થાય જ નહીં. ગાંધીજીને પણ સત્યની ફક્ત ઝાંખી જ થઈ હોવાનું તેઓ કહેતા ! હું ખાત્રીપુર્વક કહી શકું કે તેઓએ સમાજ માટે થઈને રાજકારણક્ષેત્રને ન અપનાવ્યું હોત તો તેઓને આ જ જન્મમાં સત્યનો “સાક્ષાતકાર” થયો જ હોત. રાજકારણ એટલે ખરાબ અર્થમાં નહીં, પરંતુ જેમાં અનેક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં ચિત્તને રોકવું પડે. આ કર્મયોગ પણ બંધન કરાવે છે. જૈનોમાં કર્મને ખપાવવાંની વાત છે તે મુજબ જાહેરમાં આવવાથી કર્મો બંધાતાં જ જાય છે. અને આના જ ઉપાયરુપે ગાંધીજીએ સમગ્ર ગીતાજીને એક જ શબ્દમાં સમજાવી છે – “અનાસક્તિયોગ” ! ગીતાનો આટલો સંક્ષેપ હજી સુધી કોઈએ આપ્યો નથી !! આ અનાસક્તીયોગ માટેની સતત જાગૃતિએ કરીને જ ગાંધીજી આટલા પારદર્શી રહી શક્યા હતા, અન્યથા શક્ય જ નહોતું.

  સત્યની ઝાંખી પારદર્શીતા વગર ન થાય.

  1. શ્રી જુગલભાઈ,
   આ ખરેખર જ સહવિચારની પ્રક્રિયા બની રહી છે. અશોકભાઇએ પારદર્શકતા વિશે વધુ લખવા કહ્યું અને મેં એમને જવાબ આપ્યો ત્યાં સુધી હું જે વાત નહોતો જાણતો તે અશોકભાઇએ ગાંધીજીનું કથન આપીને સ્પષ્ટ કરી હતી. અને હવે તમે સમસંવેદનની વાત કરીને ચર્ચાને આગળ વધારી છે.
   હવે હું અશોકભાઈને કહી શકું એમ છું કે હું એક ડગલું આગળ વધ્યો છું. જ્યાં સુધી આપણે સામી વ્યક્તિ જેવું અનુભવી ન શકીએ, એની નજરે જોઈ ન શકીએ ત્યાં સુધી તટસ્થ ન બની શકીએ. જ્યારે બીજી વ્યક્તિના દૃષ્ટિકોણને પણ આપણા દૃષ્ટિકોણ સાથે મૂકીએ ત્યારે આપણે ખરેખર તો વિચાર અને વ્યવહારનું ફલક વિસ્તારીએ છીએ. બીજી વ્યક્તિની અનુભૂતિઓને આપણી બનાવીએ તો જ એ શક્ય બને. આમ સમસંવેદન મહત્વની વસ્તુ બની રહે છે. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ કહ્યું છે તેમ સત્ય સૌનું જુદું જુદું હોય છે. આ સત્યોનો સરવાળો સંવેદનશીલતા વિના ન થઈ શકે.
   પરંતુ, એ પારદર્શિતા થઈ. બીજાની અંદર જોવાની શક્તિ. પારદર્શી માણસ પોતે પારદર્શક પણ હોય એવું કદાચ જરૂરી નથી. માણસે પારદર્શક પણ બનવું પડે, જેથી બીજી વ્યક્તિ આપણી આરપાર અનાયાસ જોઈ શકે. આ પણ બીજાને પોતાના જેવા માન્યા વગર સિદ્ધ ન થઈ શકે અને કદાચ ત્યાં સુધી સમસંવેદન અધૂરૂં રહી જાય.
   મને લાગે છે કે ગાંધીજી રાજકારણમાં પડ્યા વિના રહી જ ન શક્યા હોત. જે વ્યક્તિના ધર્મ કે ક્રિયાકલાપમાં ’અન્ય’નું અસ્તિત્વ ન હોય એનું સત્ય પણ વ્યક્તિગત જ રહે. એને ’સત્યના પ્રયોગો’ કરવાની જરૂર ન રહે. એને સમસંવેદનની ક્યાં જરૂર રહે, જો બીજો કોઈ અસ્તિત્વમાં જ ન હોય તો?
   ગાંધીજી યોગી બની શક્યા હોત પરંતુ એ પોતે જે હતા અને છે, તે ન બની શક્યા હોત. ભારત એમના વિના પણ સ્વતંત્રતા મેળવી લેત, પરંતુ ભારતને અને આ દુનિયાને ગાંધી ન મળ્યો હોત, આભાર.

 8. સરસ લેખ …. સત્ય અંગે ખુબ સુંદર છણાવટ .
  સત્ય પણ અલગ અલગ … પરમ સત્ય , પ્રિય સત્ય , કડવું સત્ય , અર્ધ સત્ય , રૂપાળું સત્ય, વરવું સત્ય …… અઘરું છે ભાઈ… પાછું તમે કહ્યું તેમ એકનું સત્ય બીજા માટે અસત્ય પણ હોય શકે ! સ્ટીફન કવેની “seven habits ” ની ૭ દિવસની વર્કશોપમાં આ અંગે ખુબજ discussion થયેલું તે યાદ આવી ગયું.

 9. સત્ય વિશે અહીં પણ ઘણી ચર્ચા થયેલી છે. આથી પુનરાવર્તન નથી કરતો.
  પણ ટૂંકમાં એટલું જ કે, ‘સત્ય સાપેક્ષ જ હોઈ શકે.’
  આપણે સત્યની ચર્ચા માણસની નજરથી જ કરી શકીએ. વાઘ , સસલા, કે કીડીની નજરે કદી ન કરી શકીએ. એ સાવ ભિન્ન હોવાનાં જ.
  જો સત્ય વિશે એક પરિકલ્પના વાંચશો – તો આની રસાળ અનુભૂતિ કરી શકશો..
  ——————————–

  સામે દુર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દ્રશ્ય છે. તમે કલ્પનાની પાંખે ઉડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતીક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષીતીજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.

  જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરીયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખયાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરીયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સીવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વીશાળ નારીયેળીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલું છમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વીશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હીલ્લોળે તમારા દીલમાંય અપરંપાર આનંદનો મહાસાગર ઘુ ઘુ કરતો ઘુઘવી રહ્યો છે. તમે આ આનંદના સાગરમાં ડુબી જવા, તેની સાથે એકાકાર બની જવા લાલાયીત બની ગયા છો. તમારા ઉત્સાહને પ્રતીધ્વનીત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હીંચોળી રહ્યો છે.

  અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કુદકો મારો છો. બાજુમાંથી એક વીશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સીંચતા પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સુર્યના કીરણોથી તપ્ત બની ફુલી ને સંકોચાઈ રહ્યાં છે- શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મીશ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે. તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એક્તાલ બનવા માંડે છે.

  અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

  અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શીતળતા વીદાય લઈ ચુકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાને ગ્રસીને ઓહીયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાની ચીરંતન ભુખ તમારો કોળીયો કરવા આતુરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તીત્વ સીવાયના બીજા કોઈ ખયાલ સીવાય, તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

  તમે એક્દમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રીયા અપરીવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રુપમાં નથી આવી શકતા. તમે આ કેદમાંથી ભાગવાનો મરણીયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કુમળી અને હરીત લાગતી એ કણની ક્રુર દીવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દુર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો અને એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફીલ બની જવાના છો.

  —————-

  અને તમે પસીને રેબઝેબ, આ દીવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો. સામે દુર એ જ હરીયાળી ફરી પાછી વીલસી રહી છે.

  જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રુરતા શું , એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પુર્ણ વીરામ મુકવું કે કેમ તેવું તમે વીચારતા થઈ જાઓ છો.

  અને …. આ મામલામાં વધુ ઉંડા ઉતરવા કરતાં ‘ આજની ઘડી રળીયામણી’ ના તમને મળેલાં મહામુલ્ય રત્ન જેવાં જીવનસુત્ર અને જીવનશૈલીમાં તમારો વીશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.
  —————-
  આ વાર્તા પણ ઘણી ચર્ચાઈ હતી…
  http://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/

  1. યોગવાસિષ્ઠમાં આવી ગુઢ વાતો વાંચ્યાંનું યાદ છે. આ અ–લૌકીકતા પણ એક નવી જ દુનીયાની વાસ્તવીકતા હોઈ શકે છે.

   મજાનું.

 10. આદરણીય શ્રી અશોકભાઈ,
  સત્યના ઘણાય રૂપ છે સાચું સત્ય, કડવું સત્ય
  પણ અમને તો સત્ય વિષે લ્ખ્યેલું એક વાક્ય યાદ છે.
  અશોક સ્ત્મ્ભમાં લખાયેલું ” સત્ય મેવ જયતે”
  તે આજે અશોક વાચનયાત્રામાં વિગતવાર જાણવા મળ્યું… ખુબ સરસ…અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: