Satyavachan

સાચું બોલવું સહેલું નથી!

સાચું બોલવું અઘરૂં છે. ગમે તેટલા પ્રયત્ન કરીએ, આમાં ચૂક થશે જ. સત્યકથન એ છે કે સત્યકથન અઘરૂં છે. એ બહુ મહેનતનું કામ છે. ધારો કે, આપણે કહીએ છીએ કે “હિમાલય સૌથી ઊંચો પર્વત છે”. આ વાક્ય પર વિચાર કરીએ.

જે સત્ય હોય તેનો કઈંક આધાર હોય. કોઈ કથન સત્ય છે કે કેમ એ વાક્યની અંદરથી સિદ્ધ ન થઈ શકે. હિમાલયની ઊંચાઈનું સત્ય પોતે આ વાક્યનો ગુણ નથી કે આપણે બોલ્યા કે તરત એ સ્થાપિત થઈ જાય. એક વાક્યથી માત્ર એટલું જ સિદ્ધ થઈ શકે કે એ વ્યાકરણની દૃષ્ટિએ અર્થપૂર્ણ છે. અહીં ’છે’ ક્રિયાપદ વાક્યના અંતે આવે છે અને ’હિમાલય’ અને ’સૌથી ઊંચો પર્વત’ એકબીજાના પર્યાય તરીકે સમજાય છે. પરંતુ, આટલું કહી દેવાથી હિમાલય સૌથી ઊંચો પર્વત છે એ સાબીત થતું નથી. એની સત્યતા તપાસવા માટે એવું કઈંક જોઇએ જે એ કથનની બહાર હોય. પર્વતની ઊંચાઈ માપવાનાં સાધનો જોઈએ, બીજા પર્વતોને પણ માપવા પડે. તે પછી સરખામણી કરીને નક્કી કરી શકાય કે હિમાલય ખરેખર જ સૌથી ઊંચો પર્વત છે.

આમ આટલા સાદા ચાર જ શબ્દોના વાક્યને સત્ય પૂરવાર કરવું હોય તો આખો હિમાલય જોઈએ, તે ઉપરાંત બીજા પર્વતો જોઈએ અને એમને માપવાનાં સાધન જોઈએ. આ રીતે જોતાં સત્ય અઘરી વસ્તુ છે. સત્ય નક્કર તથ્યોપર આધારિત હોય છે. તે સિવાય વાક્ય ખોટું સાબીત થાય. જે કઈં વાક્ય દર્શાવતું હોય તે દરેક વસ્તુ વ્યાકરણ વિના સિદ્ધ થવી જોઈએ. સત્ય માટે ભાષા પૂરતી નથી; એના માટે બાહ્ય જગતની જરૂર પડે છે. વાક્ય માત્ર એ બાહ્ય જગતનું પ્રતિબિંબ છે.

આમાં એવું નથી કે “હિમાલય સૌથી ઊંચો પર્વત છે” એ વાક્યની સત્યતા સાબીત કરવા માટે આપણે હંમેશાં જાતે જ હિમાલયની ઊંચાઈ માપવી જોઈએ. આ માપ બીજાઓએ લીધું છે અને એનો આપણે આધાર લઈ શકીએ. બીજાએ માપ લીધું છે, એ પણ નક્કર તથ્ય જ છે, એટલે એનો આપણે લાભ લઈ શકીએ.

માત્ર હિમાલય શા માટે – “ક્રૉસિન લેવાથી તાવ ઊતરી જાય” એ વાક્ય લો. વ્યાકરણની દૃષ્ટિએ એ અર્થપૂર્ણ છે. પરંતુ વાક્યની અંદર, ક્રોસિન કે તાવ, અથવા ક્રોસિનનો તાવ પરનો પ્રભાવ હાજર નથી. ત્રણેય એની બહાર છે, શરીરવિજ્ઞાનના જાણકારોએ આપેલાં તારણો, રસાયણશાસ્ત્રીઓએ દેખાડેલા માર્ગ અને ટૅકનૉલૉજીની મદદ વિના ક્રોસિન બની ન હોત અને તાવ ઊતર્યો ન હોત. અહીં પણ આપણે બીજાના કાર્યને તથ્ય તરીકે સ્વીકારીએ જ છીએ. આવાં પેઢી દર પેઢી એક્ત્ર થતાં અનુભવજન્ય તથ્યો આપણી પૂંજી બને છે અને એમાં આપણા અનુભવો ઉમેરીને આપણે નવી પેઢી માટે વારસો તૈયાર કરીએ છીએ.

મારો મુદ્દો સ્પષ્ટ કરવા માટે બીજું એક ઉદાહરણ આપું તો? “કાળી ગાયો પાંચ પગવાળી હોય છે”. વ્યાકરણ પ્રમાણે તો આ વાક્ય અર્થપૂર્ણ છે જ. પરંતુ એ અસત્ય કથન છે, કારણ કે બાહ્ય જગતમાં એને ટેકો નહીં મળે. કાળી ગાય તો આપણે જોઈ છે અને એ પણ જોયું છે કે એને પાંચ પગ નથી હોતા.આપણે વારસામાં મેળવેલા જ્ઞાનમાં પણ કોઈએ સા્ક્ષી પુરાવી નથી કે એણે પાંચ પગવાળી ગાય જોઈ છે – માત્ર કાળી ગાય નહીં, કોઈ પણ ગાય! આમ છતાં વ્યાકરણ બરાબર સીધે પાટે ચાલે છે, કારણ કે એના અમુક નિયમ છે અને આ વાક્ય એ નિયમોની અંદર છે. જો કે, બાહ્ય પરિબળોને કારણે આપણા મસ્તિષ્કનો એટલો બધો વિકાસ થયો છે કે પાંચ પગવાળી ગાય (કાળી કે ધોળી) આપણી કલ્પનામાં તો સંભવી શકે છે એની ના નહીં, આપણે કલ્પનાના ઘોડા દોડાવી શકીએ પરંતુ, જાણીએ છીએ કે એ માત્ર કલ્પના છે. જોયું, આવી ગયું ને, ‘કલ્પનાના ઘોડા’! આવાં બધાં રૂપકો સાચાં પણ નથી હોતાં કે ખોટાં પણ નથી હોતાં. એ માત્ર અભિવ્યક્તિની રીત જેવાં હોય છે. એનાથી વિચારની રજૂઆત ચમત્કૃતિપૂર્ણ જણાય છે. એ માત્ર આપણા મસ્તિષ્કની તુલના કરવાની અને વ્યક્ત કરવાની શક્તિનો વિકાસ દર્શાવે છે.

આ જ પ્રકારનું બીજું એક વાક્ય લઈએ. “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે”. વ્યાકરણ પ્રમાણે આ અર્થપૂર્ણ વાક્ય છે, એમાં શંકા નથી, પરંતુ, બાહ્ય જગતમાં એનો આધાર નથી. આપણાથી પહેલાં થઈ ગયેલા કોઈ વડવાએ પણ એની સાક્ષી આપીને કહ્યું નથી કે એ વાક્યના સમર્થનમાં પુરાવો છે. ઉલ્ટું આપણા વડવાઓ એમ કહી ગયા છે કે આ વાક્યના સમર્થનમાં પુરાવા નથી! આપણો વારસો તો એ જ છે ને?. આમ છતાં, કલ્પનામાં એ વાક્ય સત્ય પ્રતીત થાય એનો ઇન્કાર નથી. xxx

(બર્ટ્રાન્ડ રસેલ, વિત્જેન્સ્તીન અને અન્ય વિદ્વાનોએ કરેલાં વિવેચનોના આધારે)

9 thoughts on “Satyavachan”

 1. ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે.

  આ વાક્ય વ્યાકરણની દૃષ્ટિએ સત્ય છે. પ્રમાણની દૃષ્ટિએ ચકાસવા માટે તેમાં આવેલા ચાર શબ્દોને સમજવા પડે:
  ૧. ઈશ્વર
  ૨. સૃષ્ટિ
  ૩. સર્જનહાર
  ૪. છે

  ઈશ્વર શબ્દ વિશેની સમજણ બધાની જુદી જુદી છે. બાકીના ૩ શબ્દો વિશે બધાની સમજણ લગભગ એક સરખી છે. તેથી સહુ પ્રથમ આ વાક્ય સત્ય છે કે અસત્ય તે માટે ઈશ્વર શબ્દનો અર્થ વ્યવસ્થિત સમજાવો જોઈએ.

   1. કોઈ પણ સર્જન માટે બે કારણની જરૂર પડે

    ૧. નીમીત્ત કારણ
    ૨. ઉપાદાન કારણ

    દા.ત. ફર્નીચર બનાવવા માટે લાકડું ઉપાદાન કારણ છે તો સુથાર નીમીત્ત કારણ છે.

    આ ઉપરાંત સર્જન માટેના કરણો એટલે કે સાધનની પણ જરૂર પડે. જેમ કે કરવત, રંધો, છીણી, હથોડી વગેરે વગેરે.

    સૃષ્ટિ પણ એક સર્જન છે તો તેને માટે પણ નીમીત્ત અને ઉપાદાન કારણની જરૂર પડે. સૃષ્ટિના રચયીતાને સર્જનહાર કહીએ તો ઈશ્વર આ સૃષ્ટિનું નીમીત્ત કારણ ગણશું? જો નીમીત્ત કારણ ઈશ્વરને ગણીએ તો ઉપાદાન કારણ શેને ગણશું? પ્રકૃતિને?

    1. પહેલાં એ નક્કી થવું જોઈએ કે ઈશ્વર છે કે નહીં. શાસ્ત્રો પણ એ દેખાતો હોવાનો ઇન્કાર કરે છે. આ સંજોગોમાં એને નિમિત્ત કારણ માનવા માટે પહેલાં એનું અસ્તિત્વ માનવું પડે. સૃષ્ટિ અથવા પ્રકૃતિ આપણી કલ્પનાની વસ્તુ નથી.એ આપણી બહાર છે.

     1. ઈશ્વર છે કે નહીં તે નક્કી થાય કે ન થાય તો યે સૃષ્ટિ છે તે તો હકીકત છે. સૃષ્ટિ છે તો તે માત્ર આપણી બહાર નથી. આપણી બહાર, અંદર અને આપણે પોતે સૃષ્ટિનું એક અંગ છીએ.

      સૃષ્ટિ છે તો તે તેની મેળે ઉત્પન્ન થઈ કે તેને કોઈએ ઉત્પન્ન કરી?

 2. “સત્ય માટે ભાષા પૂરતી નથી”

  સરસ વાત. ભાષા તો પ્રત્યાયનનું સાધન માત્ર છે. વળી ભાષા અને એને સહજ, સર્વવ્યાપી બનાવવા માટેના નિયમો વગેરે જોઈશું તો ભાષા તો જીવનના દરેક ક્ષેત્રની વાત સામાને પહોંચાડવાનું ઉપાદાન જ છે. સાવ જુઠ્ઠી વાત પણ વ્યક્ત કરવા માટે જે વાક્ય યોજાય તેને ભાષાના જ નિયમો વડે રજૂ કરાય.

  સત્ય કે અન્ય કોઈ તત્ત્વોને ભાષા સાથે સીધો કોઈ જ સંબંધ ન હોઈ શકે – ન હોવો ઘટે, કારણ કે બન્નેનાં ક્ષેત્રો અલગ છે.

  પરંતુ જ્યારે તેનું સર્જન થાય છે, કે વાક્યરૂપે તે પ્રયોજાય છે ત્યારે તે વાક્યમાં મુકાયેલી વિગતો તે વાક્યની શબ્દરચના અને શૈલીને આધારે વિગતોની અસરકારકતા સિદ્ધ થાય છે. વાત સાવ ખોટી હોય પણ વાક્યમાં તે અત્યંત તેજસ્વીતાથી (એટલે કે સાહિત્યના નિયમો મુજબની કલાત્મકતાથી) મુકાય તો તે અસર કરી જાય છે.

  પ્લેટોએ સર્જકોને પોતાના યુટોપિયામાંથી ગેરહાજર રાખ્યા તેનું કારણ આપતાં કહ્યું કે કલાનાં માધ્યમો (અહીં સાહિત્યમાં માધ્યમ શબ્દ છે)નકલનીય નકલ કરનારાં હોય છે તેથી એક નકલ ભલે થઈ, એ આપણા હાથની વાત નહોતી, પણ હવે એનીય નકલ કરવાનો કોઈ અર્થ નથી ! તેથી એવા નકલનીય નકલ કરનારને એમણે તગેડી મૂક્યા !

  ભાષાનું મહત્ત્વ સત્યના સંદર્ભે એક રજૂઆતના સાધનથી વધુ નથી. આપે કહ્યું છે તેમ સત્યને પામવા માટે સાબીતીઓનો આશરો એ જ એક ઉપાય છે.

  બહુ મજાનો વિષય લીધો છે, આપે. આભાર સાથે…

  1. આભાર, જુગલભાઈ,
   માત્ર ભાષાના આધારે આપણે કામ ચલાવીએ છીએ અને કોઈ પણ કન્સેપ્ટને ચકાસતા નથી. તમે પ્લેટોની વાત સારી કરી. એવા ચિંતકો ક્યાં છે? આપણે ત્યાં સૌ એક જ રસ્તે ચાલ્યા અને તે પણ ભાષાના આધારે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: