Vikram and Vetal

વિક્રમ અને વેતાળ

વિક્રમાર્ક ફરી શ્મશાને પહોંચ્યો અને પરથી શબ ઉતાર્યું અને ખભે નાખીને ચાલવા લગ્યો. વેતાળ ઘણો વખત મૌન રહ્યો એટલે વિક્રમ પણ વિચારમાં પડી ગયો કે આજે એ વળી શું કરવા માગે છે? સાથે આવશે કે શું? વિક્રમને પણ હવે ટેવ પડવા માંડી હતી. રોજ રાતે આવવું, શબ નીચે ઉતારવું, વેતાળની વાર્તા સાંભળવી, એની ધમકી સાંભળવી કે જવાબ જાણ્તો હોવા છતાં નહીં આપે તો માથું ઉડાવી દઈશ, અને તે પછી જવાબ આપવો. એમાં ભૂલ દેખાડવાનો વેતાળ પ્રયાસ કરે અને પછી અટ્ટહાસ્ય કરીને ઊડી જાય. આ રૂટીન તૂટે એમ લાગતાં વિક્રમને પણ ચિંતા થઈ કે આજે આ ખરેખર ચાલ્યો આવશે તો?

પરંતુ, મૂંગો રહે તે વેતાળ શાનો! એ બોલવા લાગ્યો. “વિક્રમ, મને તારી દયા આવે છે. હવે તને પણ આ ફાવી ગયું છે કે હું વાર્તા કહું અને પછી પાછો ચાલ્યો જાઉં. તારા મનમાં દ્વિધા છે. ખરેખર લઈ જાઉં કે નહીં? લઈ જશે તો તારૂં વચન પૂરૂં થશે. પણ હવે તારી અને મારી દોસ્તી થઈ ગઈ છે એ્ટલે લઈ જાય તો મિત્રદ્રોહ થાય! તારી હાલત પેલા પક્કરાય જેવી છે. એ બે સિદ્ધાંતોમાં માનતો હતો પ્ણ બન્ને સિદ્ધાંતો વચ્ચે ટક્કર થશે એવું તો એણે વિચાર્યું પણ નહોતું.. હવે એ શું પસંદ કરે?”

વેતાળનો અવાજ બંધ થતાં શાંતિ છવાઈ ગઈ. વિક્રમ સમજી ગયો કે પોતે “પક્કરાયની શી વાત છે” એમ પૂછશે તો જ વેતાળ વાર્તા કહેશે, પણ શા માટે? એને બચવું હોય તો એ પોતે જ શરૂ કરે, નહીં તો હું તો આ પહોંચ્યો નગરમાં.વેતાળને એના વિચારોની ખબર પડી ગઈ. એને થયું કે વાત સાચી, આમ તો એ નગર સુધી પહોંચી જશે. એટલે એને પોતે જ વાર્તા શરૂ કરી દીધી.
xxx

એ વખતે હસ્તિનાપુરમાં રાજા ધૃતરાષ્ટ્ર રાજ કરતા હતા. પાંડવો ઇન્દ્રપ્રસ્થમાં વસી ગયા હતા, પણ હજી વસ્તી ઓછી હતી. ખાલી જગ્યા ઘણી હતી. ખાંડવવન બાળ્યા પછી ઝાડોનાં ઠૂંઠાં હજીયે ઊભાં હતાં. સફાઈ ચાલતી હતી. લોકો રહેવા તો આવ્યા હતા પણ સમસ્યાઓ ઘણી હતી. હસ્તિનાપુરમાં ભીડ બહુ હતી. મકાનો પણ મોંઘાં હતાં બીજી બાજુ, ઇન્દ્રપ્રસ્થ તો હજી વસતું હતું. પક્કરાયને પણ થયું કે “ચાલ ને, ઇન્દ્રપ્રસ્થ જઈને વસીએ.” એની પત્ની પૂર્ણિકા પણ માની ગઈ.

અહીં આવીને તો પક્કરાય સમસ્યાઓ જોઈને સમાજસેવામાં લાગી ગયો. બધાને મળવું, એમની તકલીફો સાંભળવી અને એના ઉપાય કરવા. હવે લોકો પણ એટલા આત્મીય બની ગયાહતા કે એને બધા ‘પક’ના હુલામણા નામે બોલાવતા થઈ ગયા. જ્યાં જરૂર પડે ત્યાં પક મદદ કરવા હાજર. એને થતું કે આવાં કામો તો રાજ્યે પોતે જ કરવાં જોઇએ, ફરિયાદ શા માટે કરવી પડે? પકને વિચાર આવતો કે આ કૌરવો અને પાંડવોમાં બહુ ફેર નથી. લોકોની તકલીફો પર તો એમનું ધ્યાન જ જતું નથી. એમને તો ગાદી કોને મળે છે એમાં જ રસ છે. એને ખાસ કરીને કૃષ્ણ પર બહુ ગુસ્સો આવતો. હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થમાં તો અવારનવાર આવે છે. ભગવાન કહેવાય છે, પણ કદીયે સામાન્ય પ્રજાજનનું બારણું ખટખટાવીને પૂછ્યું નથી કે તમને કઈં તકલીફ છે?

હવે પકને ભગવાન પરથી પણ વિશ્વાસ ઊઠી ગયો હતો. થોડા બીજા માણસો પણ હતા. એ ભગવાનમાં નહોતા માનતા. લોકો એમને ચાર્વાકવાદી કહેતા. પક પણ ચાર્વાકવાદી બની ગયો. એ લોકો કહેતા કે મૃત્યુ પછી કઈં નથી, એટલે આ જીવન સારી રીતે જીવી લેવું જોઇએ. પકની સમાજસેવાની ભાવનાને આમાંથી બળ મળતું. આપણે પોતે જ પોતાને મદદ કરવાની છે, ભગવાન નહીં આવે. પકે તો બધા ધાર્મિક રીતરિવાજ પણ છોડી દીધા. સમાજસેવા એ જ પૂજા, એમ એ માનવા લાગ્યો હતો.

શાસન તો એવું નીંભર હતું કે ઠેરઠેર કૂડાકચરાના ઢગલા પડ્યા રહેતા. ગંદી નાળીઓ વહેતી રહેતી. નાક દબાવ્યા વિના રસ્તે ચાલવું અશક્ય હતું. લોકો તો ત્રાસી ગયા. એમણે પકને કહ્યું. પકે એમને સમજાવ્યા કે સરકાર ન કરે તો કઈં નહીં આપણે પોતે વ્યવસ્થા કરીએ. કારણ કે અધિકારીઓ તો સારી કૉલોનીઓમાં રહે છે અને રાજ્યના ઝાડુ કામદારો એમની સેવામાં લાગેલા હોય છે. પકે લોકોને સંગઠિત કર્યા અને સમજાવ્યા કે કહી દઈશું કે અમે સફાઈ પર ખર્ચ કર્યો છે, એટલે ટૅક્સ નહીં આપીએ. બધાની સંમતિ મળતાં પક હસ્તિનાપુર ગયો અને કેટલાક ઝાડુ કામદારોને લઈ આવ્યો. લોકો રાજી તો થયા, કામ કરાવતા પણ એમને અડકતા નહીં અને નીચા માનતા. પક લોકોને સમજાવતો, પણ એની મદદ લેનારા પણ એની આ વાત માનવા તૈયાર નહોતા. પકે તો એમની સાથે બેસવા ઊઠવાનું શરૂ કરી દીધું. રાજા યુધિષ્ઠિર સુધી પણ આ વાત પહોંચી. દરબારમાં બધા કહેતા કે એ લોકોનાં કામ કરે ત્યાં સુધી તો બરાબર. હવે એનાથી પણ એ આગળ જવા લાગ્યો છે! સૌનો મત હતો કે એની સામે કઈંક તો કરવું જ જોઈએ. એવું નક્કી થયું કે એને રાતે પકડી લેવો.

યોગાનુયોગ એવું બન્યું કે એને હસ્તિનાપુરથી ખેપિયો આવીને સમાચાર આપી ગયો કે એના પિતાનું અવસાન થઈ ગયું છે. પક તો તરત જ પત્ની સાથે હસ્તિનાપુર રવાના થઈ ગયો. પકને ખબર જ નહોતી કે એ જ રાતે એ જેલમાં પહોંચી ગયો હોત. જો કે અફવા તો એવી ફેલાઈ કે પક નાસી છૂટ્યો. અહીં હસ્તિનાપુરમાં પિતાના અગ્નિસંસ્કાર કર્યા પછી, માતાને સાંત્વના આપવા એ થોડા દિવસ રોકાયો. એક વાર એ બપોરે સૂતો હતો ત્યારે મામા-માસીઓની વાતો એના કાને પડી.. બધાં બારમું-તેરમું ધૂમધામથી કરવાની વાતો કરતાં હતાં. પક સફાળો ઊઠ્યો અને પત્નીને કહ્યું કે મૃત્યુ પછી કઈં બચતું નથી એટલે આ ઢોંગ હું નહીં કરૂં.. ચાલ, આપણે ચાલ્યાં જઈએ. બેઉએ સામાન બાંધ્યો, સૂતેલી માતાના ચરણસ્પર્શ કરીને ઇન્દ્રપ્રસ્થ જવા નીકળી પડ્યાં.

ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યો કે થોડી વારમાં એક રાનુ નામનો એક ઝાડુ કામદાર એની પાસે આવ્યો. એણે દુઃખી અવાજમાં કહ્યું કે એના પિતા મરી ગયા છે અને કાટખાંપણ માટે એને પૈસા જોઇએ. પક મુંઝાયો. પૈસા તો એ ઇચ્છે તો પણ આપી શકે એવી સ્થિતિ નહોતી. એણે બીજા કોઈ પાસે માગવાની સલાહ આપી પણ પેલો બીચારો રડવા લાગ્યો કે મને કોઈ પૈસા આપવા તૈયાર નથી. પક બહુ જ દુઃખી થયો. એણે જાતે જઈને કોઇ પાસેથી પૈસા ઉધાર લીધા અને રાનુને આપ્યા. પેલો આભાર માનતો ચાલ્યો ગયો.

xxx
વેતાળ જરા અટક્યો. વિક્રમ જાણતો હતો કે વાર્તા પૂરી નથી થઈ. વેતાળે ઊંડો શ્વાસ લઈને આગળ ચલાવ્યું –

થયું એવું કે પિતાના મૃત્યુના તેરમા દિવસે રાનુ ફરી પક પાસે આવ્યો કે આજે મારા પિતાનું તેરમું છે, કોઈ બીજો બ્રાહ્મણ તો આવશે નહીં, પણ તમે જરૂર આવજો.
પક વિમાસણમાં પડી ગયો. પિતાનું કારજ તો ન કર્યું; હવે અહીં એ જ સવાલ આવ્યો?

એણે રાનુને સમજાવવાની કોશીશ કરી કે આ બધા ઢોંગ છે, પણ પેલો માન્યો નહીં અને વાતવાતમાં એક સવાલ એવો પૂછી નાખ્યો કે પક સમસમી ગયો. એણે કહ્યું કે “મહારાજ, આપ અમારી મદદ તો બહુ કરો છો, પણ મારે આંગણે આવવામાં તમને પણ આભડછેટ તો નડતી નથી ને? પક સૂનમૂન બેસી રહ્યો.

“વિક્રમ, પક સામે મુસીબત હતી. રાનુને ઘરે જાય તો એણે પ્રેતભોજન લેવું પડે.. એ વાત તો એના વિશ્વાસની વિરુદ્ધ જતી હતી. પરંતુ, ન જાય તો એવો અર્થ થાય કે એ આભડછેટમાં માને છે. એના બન્ને સિદ્ધાંતો સામસામે આવી ગયા હતા!

વિક્રમ, બોલ, એણે શું કર્યું હશે અને શા માટે? હું જાણું છું કે તું બુદ્ધિમાન છે એટલે સાચો જ જવાબ આપીશ. ખોટો જવાબ આપીશ તો હું તારું ડોકું ઉડાવી દઈશ અને તારો જવાબ વિવાદથી મુક્ત નહીં હોય તો હું પાછો ઊડી જઈશ.”

વિક્રમ મુઝાયો. એણે ગળું ખંખાર્યું અને બોલવાનું શરૂ કર્યું…
“વેતાળ, તું પોતાને બહુ ચાલાક સમજે છે ને? મને ડોકું કપાવાની બીક નથી પણ હું તને સાચો જ જવાબ આપીશ. તારો સવાલ એ છે ને, કે પકે શું કર્યું હશે? સાંભળ…”
xxx
પકે શું કર્યું હશે? તમને પૂછું છું.

Advertisements

12 thoughts on “Vikram and Vetal”

 1. વિક્રમ અને વેતાળના પ્રશ્નો અઘરા હોય છે અને મોટા ભાગે તેના જવાબો મેં જે ધાર્યા હોય તેના કરતા વિપરિત આવતા હોય છે.

  મારી દૃષ્ટિએ તો પકે જવું જોઈએ પણ ભોજન ન લેવું જોઈએ. જેથી તે કહી શકે કે જો હું આભડછેટમાં માનતો હોત તો તમારે ત્યાં આવત નહીં અને ભોજન હું નહીં લઉ કારણ કે પ્રેત-ભોજન અને તેવી બાબતોમાં મને વિશ્વાસ નથી.

 2. શ્રી દીપકભાઈ,
  જો કે કૃષ્ણને સામાન્ય પ્રજાજનની પરવા નહીં હોય તે કથન સાથે સંપૂર્ણ સહમત નહીં થાઉં, પરંતુ કોઈ કારણે પક નાસ્તિક છે એ વાત માની અને મારો વિચાર દર્શાવું તો; મને અહીં બુલ્લેશાહની વાત વધુ કારગર લાગી છે, ’બેશક મંદિર મસ્જીદ તોડો…….પ્યાર ભરા દિલ કભી ન તોડો..’. પક માટે પોતાની માની લીધેલી નાસ્તિકતા કરતાં સમાજમાં દાખલારૂપ અને ખરે જ સમાજ માટે કલંક સમાન અસ્પૃશ્યતા વધુ મહત્વની હોવી ઘટે. બાકી તો ધાર્મિકો જેમ એક કારણ દર્શાવી અંત્યજને ત્યાં ન જમે તેમ નાસ્તિક પોતાની નાસ્તિકતાનું બહાનું ધરી આભડછેટને પ્રોત્સાહન આપતો ગણાશે ! ભોજનને પચાવનારૂં પરિબળ ઈશ્વર છે તેમ માનો કે પછી ચયાપચયની ક્રિયા છે તેમ માનો, મહત્વ તો ભોજન પચાવવાનું છે. ટુંકમાં, પકે રાનુને ઘરે ભોજન લેવા જવું જોઈએ, ભલે તેને પ્રેતભોજન ન ગણતાં પ્રેમભોજન ગણે !! (આ જવાબ પણ વિવાદમુક્ત તો નહીં જ ગણાય પરંતુ હું એ ડોકું કપાવાથી નથી ડરતો ! 🙂 )

 3. બીજા પ્રસંગે જમવા બોલાવશે તો પક જરૂર જશે પણ તે જે બાબતમાં વિશ્વાસ ધરાવતો ન હોય તેવું તો નહી કરે. નહીં તો સમાજમાં પ્રેત-ભોજનને સમર્થન મળશે કે જેમાં તે નથી માનતો.

 4. વિક્રમ વેતાળની વાર્તામાં ઈરાદાપૂર્વક હસ્તિનાપૂર, ઈંદ્રપ્રસ્થ, કૃષ્ણ વગેરે નામો ઉમેરવામાં આવ્યા છે. વાસ્તવમાં આવી વાર્તાઓને કોઈ ઐતહાસિક સમર્થન નથી તેથી આ વાર્તાઓને મહાભારત સાથે કશું લાગતું વળગતું હોય તેમ માની લઈ શકાય નહી. આમેય કૃશ્ણનું વ્યક્તિત્વ એવું છે કે તેને રીજીને નહીં તો લોકોને ખીજીને ય ભજવા પડે છે. તેથી નાસ્તિકો તેના વિશે મનઘડન વાર્તાઓ લખીને પોતાની ભક્તિ દર્શાવે 🙂

  આપણાં લેલિવેલ્ડભાઈ પણ એવું જ કરે છે ને – ગાંધીજીની સાથે 🙂

 5. વિક્રમ વૈતાલ ની વાર્તાઓ એ કોઈ ભેજા બાજની નીપજ છે .આવી રીતે 32 પૂતળીઓની વાર્તા પણ હકીકત નથી .વાર્તા છે .ગંગ કવિના કેટલાક છંદ છે ,જેમાં છેલ્લે “કવિ ગંગ કહે સુન શાહ અકબર “આવે છે એમ “બૈતાલ કહે બિક્રમ સુનો “નાં કેટલાક છંદ પણ છે .એમનો એક આપની સમક્ષ હું રજુ કરું છું .
  હંસ પર ગેંડ સર ચડા ગેંડ પર સિંહ બિરાજે
  સિંહે સાગર શિર ધર્યો તાપે ગિરિવર ગરજે
  ગિરિવર પર ઈશ કમલ બીચ કોયલ બોલે
  કોયલ પર કીર કીર પર મ્રીગલી ડોલે
  મૃગલીએ શશી શિર ધર્યો તાપે શેષનાગ બિરાજે
  “બૈતાલ ” કહે બિક્રમ સુનો હંસ હી ભાર કિતનો સહે
  આનો જબાબ તમે નહી આલો તો તમારું બૈરું તમને ખાંડ વિનાની ચા પીવડાવશે .
  આતાને તો જવાબ આવડે છે .અને ન આવડતો હોય તો આતાને ઘરવાળી નથી કે શાકમાં મેઠું ઓછું નાખે એ રામ રામ

 6. પકે બીજા બ્રાહ્મણને સાધ્યો અને એના મદદનીશ તરીકે ગયા.
  ———
  જૂની વાર્તા નવા લેબાસમાં મજાની લાગી. ફાગડા એ જમાનામાં પણ કાળા જ હશે; એ કલ્પના પણ પરફેક્ટ લાગી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s