Great Soul: Mahatma Gandhi (6)

Great Soul: Mahatma Gandhi(5)
and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૬)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ.
માફ કરજો, એક અઠવાડિયા માટે બ્રેક લેવાનું કહીને હું તો ગાયબ જ થઈ ગયો એમ તમે કહેશો, પણ શું થાય, ઘર માંડીને બેઠા હોઇએ તો લીલું સૂકું જોયા વગર ચાલતું નથી. એમાં પણ વાંચીને લખવું એમાં પહેલું વાક્ય બરાબર ન નીકળે ત્યાં સુધી કઈં લખાય જ નહીં! કટારલેખક તો છુ નહીં.

ચાલો, એ છોડૉ, પણ તમારા પુસ્તકના સંદર્ભમાં, અને એમાં આપણે જે પડાવ પર પહોંચ્યા છીએ એ જોતાં આજનો દિવસ મહત્વનો છે – પુસ્તક પ્રમાણે તમે ભારતની આઝાદીના સૂત્રધારને ભારત લઈ આવ્યા છો અને આજે… ભારત સ્વાતંત્ર્ય દિન ઊજવે છે! તમે તો ગાંધીના ભારત સાથેના સંઘર્ષની વાત કરો છો, મને લાગે છે કે આખું ભારત પોતાની સાથે સંઘર્ષ કરતું રહ્યું છે. એટલાં બધાં ધ્યેયો સામે છે, અને દરેક ધ્યેય પોતાની પ્રાથમિકતા માગે છ. બીજી બાજુ, ટાંચાં સાધનો છે. કહે છે ને, COmpeting ends and scarce means! અનેક ભારત એક ભૌગોલિક પ્રદેશમાં વસે છે.કયું ભારત આઝાદ થયું તે જ કળી શકાતું નથી.

મહાત્મા ગાંધી ભારત પાછા આવી ગયા છે, ગોપાલકૃષ્ણ ગોખલે ને ગુરુ માન્યા છે, ગુરુએ શિષ્યને એક વર્ષ રાજકારણથી દૂર રહેવા અને માત્ર દેશમાં ભ્રમણ કરવાની સલાહ આપી છે. ગાંધીજીએ સલાહને ગુરુ-આજ્ઞા માની છે અને દેશાટન કરે છે. ગોખલેજીનું અવસાન થઈ જાય છે, પણ શિષ્ય આજ્ઞાના પાલનમાં અટળ છે. આ છે તમારા પુસ્તકના બીજા ખંડની શરૂઆત. પણ લેલિવેલ્ડભાઈ, મારા ધ્યાનમાં એક વાત આવી. દક્ષિણ આફ્રિકાના ગાંધીના કઠોર અને અવિશ્વાસુ પરીક્ષક એવા તમે આ પ્રકરણમાં એના પ્રશંસક બનવા તરફ વળ્યા છો! હવે તમે જે શબ્દો વાપરો છો, એમાં ગુસ્સો નથી કે અવિશ્વાસ નથી. “વાણિયો સોદાબાજી કરે છે” કે ” ગાંધીને પોતાને જ સમજાય એવું એનું લૉજિક” કહો છો તેમાંથી અહોભાવ જ પ્રગટ થતો જોવા મળે છે.

ગાંધીજી આવ્યા તે પછી દક્ષિણ આફ્રિકાના ‘હીરો’ તરીકે એમના માટે ઘણા સત્કાર સમારંભો યોજાયા.તમે બરાબર જ નોંધ લીધી છે કે ગાંધીજી એમાં ગિરમીટિયાઓને ખરા હીરો તરીકે ઓળખાવે છે. તમે કહો છો કે આ રીતે એ ભારતમાં પણ પોતાને કોની નજીક માને છે તે સ્પષ્ટ કરે છે. એમની રાજકીય યોજનાનો સંકેત આવાં વિધાનોમાંથી મળે છે. આ રીતે એ વખતના નેતાઓ કરતાં પોતાને અલગ કરી લે છે. બીજા નેતાઓ ભારતની વાત તો કરતા હતા, પણ ભારતાનાં ગામડાં શું છે એની એમને ખબર સુદ્ધાં નહોતી. પરંતુ, ગોરમીટિયાઓના સંપર્ક જીવી ચૂકેલો આ માણસ, જનતાની વચ્ચે જવા માગતો હતો.અરે, ગુરુ ગોખલેજીની નીતિ પણ એમને પસદ નહોતી. અરજીઓ, દલીલો, ભાષણૉ… ગાંધીને પચે એવું ગુરુ પાસે કઈં નહોતું.

બીજી વાત, જે તમે પણ નોંધી છે તે એ કે, ગોખલે એ સર્વન્ટ્સ ઑફ ઇંડિયા સોસાયટી બનાવી હતી પણ ગોખલેના અવસાન પછી, ગાંધીજીએ એમાં જોડાવાની પોતાની ફરજ માનીને સભ્ય થવા અરજી આપી. ટ્રસ્ટીઓએ એમની અરજી નકારી દીધી, કે આ માણસ ‘irritating’ ટાઇપનો છે!

અહીં મારી વાત ઉમેરૂં છું ગોખલે કોંગ્રેસમાં નરમપંથી ગ્રુપના નેતા હતા. બીજી બાજુ લોકમાન્ય ટિળક ગરમપંથી હતા. બન્ન કરતાં ગાંધીજીએ જૂદો માર્ગ લીધો. કાકા કાલેલકર ‘બાપુ કી ઝાંકી’માં એક પ્રસંગ આપે છે. શરૂઆતનાં દિવસોમાં ટિળક ગાંધીજીને મળ્યા. ચર્ચાઓ કરી અને બહાર આવીને એમણે કૉમેન્ટ કરી કે આ માણસ છે તો જોરદાર, પણ આપણા કામનો નથી!(હું સ્મૃતિને આધારે લખું છું)

એક વર્ષ પૂરૂં થવા આવ્યું છે અને હવે ગાંધીજીએ પોતાના અભિપ્રાયો આપવાનું શરૂ કરી દીધું છે. સૂરતમાં બોલતાં ગાંધીજી કહે છેઃ” ભારતે જાગવાની જરૂર છે. જાગૃતિ વિના પ્રગતિ શક્ય નથી. દેશમાં જાગૃતિ લાવવી હોય તો દેશ સમક્ષ પ્રોગાર્મ રાખવો પડશે.” અને ગાંધીજી ફરી પોતાના દક્ષિણ આફ્રિકાના અનુભવને અતિ વિશાળ ફલક પર લાવવાની તૈયારી કરે છે.

તમે આ રીતે જોડો છો. મોહનદાસ ગાંધીના મુસ્લિમ કોમ સાથે ત્યાં સ્થપાયેલા સંપર્કો અને એમાંથી ઉત્પન્ન થયેલી હિન્દુ-મુસ્લિમ અભિન્નતાની પ્રતીતિ, ગિરમીટીયાઓ સાથેના સંપર્કમાથીપેદા થયેલા અસ્પૄશ્યતા વિરોધી વિચારો. જનતાના સીધા સંપર્કને કારણે અગ્રેજી છોડીને લોકોની ભાષામાં કામ કરવાનો એમનો આગ્રહ, અને આર્થિક પાયમાલીમાંથી ઊગરવા સ્વાવલંબનનો માર્ગ અને એનું પ્રતીક ચરખો.

ગાંધીજી કહે છે કે આ ચાર વાતો સિદ્ધ થાય તો સ્વરાજ હું એક વર્ષમાં અપાવીશ. આ વાત કોઈ નેતાને ગળે નહોતી ઊતરતી, પણ થાય શું? ગામડું કોઈએ જોયું નહોતું અને અહી માત્ર પાંચ-છ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાથી આવેલો માણસ દાવો કરે છે કે હું દેશની જનતાને જાણું છું!

પરંતુ, સ્વરાજ એક વર્ષમાં? પાકો વાણિયો જનતા સાથે પણ સોદાબાજી કરે છે. આ ચાર કામ કરો, બસ, સ્વરાજ તમારૂં. તમે લખ્યું છે કે આ ચાર વાતો વચ્ચે મેળ શો, એનું લૉજિક તો ગાંધી જ જાણે!

તમારૂં પુસ્તક વાંચતાં મને વિચાર આવ્યો કે અંગ્રેજીના વિરોધમાં માત્ર લોકો સાથે જોડાવાની ભાવના નહોતી, એ જ્યાંથી અંગ્રેજિયતની શરૂઆત થઈ હતી, એ મૅકૉલેવાદને ચેલેન્જ હતી.એ જ રીતે ભારતની અંગ્રેજો દ્વારા લૂંટની શરૂઆત કાપડ ઉદ્યોગથી જ થઈ હતી ને એના જવાબમાં ગાંધીજી ચરખો પસંદ કરે છે! અંગ્રેજ હકુમત સામેની મૂળભૂત ચૅલેન્જનાં આ બન્ને પ્રતીક છે. જો કે આ માત્ર મારો વિચાર છે. ખરેખર ગાંધીજીએ એવું કઈ કહ્યું નથી.મને સારૂં લાગ્યું એટલે તમને કહી દીધું.

આમ, દેશની એક વિશાળ બહુમતીને ગાંધીજીએ પોતાની તરફ વાળી લીધી અને, મને કે કમને, કોંગ્રેસે એમનો કાર્યક્રમ સ્વીકારવો જ પડૅ એવી સ્થિતિ ઊભી કરી દીધી. જનતાની નાડ પર એમનો હાથ હતો, એ સૌ સમજી ગયા હતા. ખૂબી એ છે કે આ સમય સુધી ગાંધીજીનું પોતાનું કોઈ સંગઠન નહોતું. કોંગ્રેસ પણ નહીં. પરંતુ, હવે કોઇ પણ મુદ્દો હોય, ગાંધીજી પાસે સૌ આવતા થઈ ગયા. એમની સભામાં માળસ હક્ડૅઠઠ ભેગું થાય. આગળની લાઇનમાં હોય તેને જ કદાચ સંભળાય – પણ સાંભળવા કોણ આવતું હતું? દર્શન થાય એટલે બસ. અહીં તમારી ટીકા સાચી છે.લેલિવેલ્ડભાઈ, દર્શન કરવાં, એ ભારતનો સ્વભાવ છે, સાંભળવાની જરૂર ઓછી, તો બોલવાની કે વિચારવાની વાત તો ક્યાં કરવી?

રોજ પગે લાગનારાઓની સંખ્યા એટલી મોટી હતી કે ગાંધીજીના પગ સૂઝી જતા. ટ્રેનમાં જાય તો લોકોને કેમ જાણે કેમ સમાચાર મળી જાય અને જનમેદની સ્ટેશને સ્ટેશને એકઠી થઈ જાય.મહાત્મા દેખાય, ન દેખાય… એની ટ્રેનનાં તો દર્શન થયાં! એક વાર તો ગાંધીજી પોતે જ કંટાળી ગયા. મુસાફરીમાં જરાય આરામ નહોતો મળ્યો અને આ નવી ભીડનો જયજયકાર સાંભળીને ઊઠ્યા અને સૌને જવા કહ્યું પણ કોઈ હટે જ નહીં. ગાંધીજી એવા અકળાયા કે એમણે દરવાજા પર ત્રણ વાર માથું પછાડ્યું! લેલિવેલ્ડભાઈ, તમે લખો છો કે અહિંસાના આ પુજારીએ પાછળથી કબૂલ કર્યું કે એમને કોઈ ઉપર હાથ ઉપાડી દેવાની ઇચ્છા થઈ આવી હતી! આ પ્રસંગ રાજમોહન ગાંધીએ એમના પુસ્તક Good Boatmanમાં પણ આપ્યો છે.

આ જ કારણે એમને છેક બિહારમાં ચંપારણ જવાનું આમંત્રણ મળ્યું. નક્શામાં ચંપારણ ક્યાં છે તે તો ઠીક પણ ગાંધીજીએ નામ પણ નહોતું સાંભળ્યું પણ ચંપારણ એમને ‘આપણો’ માણસ માનતું હતું. ચંપારણમાં સરકારે ખેડૂતો પાસેથી ફરજિયાત જમીનો લીઝ પર લઈ લીધી હતી અને ગળીનું વાવતર કરવા અંગ્રેજ પ્લાંટરોને આપી દીધી હતી. ખેડૂતો માટે ગળી વાવવાનું ફરજિયાત હતું એમની જ જમીન અને એ જ અંગેજોના ગુલામ. ગળીના મજૂર. ગાંધીને ગિર્મીટિયા યાદ આવે જ ને! અને શારીરિક અત્યાચારો પણ માઝાઅ મૂકી ગયા હતા. અહીં ગાંધીજીએ ચીંથરેવીંટ્યાં, ગાલ અને પેટમાં ખાડાવાળાં માણસ જોયાં.કલેક્ટરે ગાંધીજીના પ્રવેશ સામે મનાઇહુકમ ફરમાવ્યો તો એમણે તો ત્યાં જ અઠ્ઠે હી દ્વારકા કર્યું.અને આખા દેશમાં કેટલાયને પત્રો લખવા માંડ્યા. ચંપારણના શોષણ પરથી પરદો હટી ગયો. સરકાર મુંઝવણમાં પડી.અંતે ચંપારણની સ્થિતિની તપાસ માટે સમિતિ બનાવવાની સરકારને ફરજ પડી અને એમાં ગાંધીજીને પણ લીધા.

એ જ રીતે, ખેડામાં ભારે વરસાદમાં પાક બરબાદ થઈ ગયો પણ સરકાર મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી. ચંપારણમાં રાજેન્દ્રપ્રસાદ ગામ્ધીજીને મળ્યા, તેમ અહીં એમણે વલ્લભભાઈને જોતર્યા. ખેડૂટોનાં ઢોર ડઃઆંખર, વાસણકુસણ લીલામ થઈ ગયાં, પણ મહેસૂલ ન ભરવું તો નહીં જ! આ બે ઘટનાઓએ ગાંધીજી અને જનતાને એકાકાર કરી દીધાં.

આ દરમિયાન વિશ્વના તખ્તા પર એક મહત્વની ઘટના બની. પહેલા વિશ્વયુદ્ધ પછી તુર્કીને પરાજિત કરીને બ્રિટન વગેરે રાષ્ટ્રોએ ખલિફાના શાસનનો અંત આણી દીધો. આની સામે હિંદુસ્તાનના મુસલમાનોમાં ભારે રોષ હતો. બે ભાઈઓ – મૌલાના મહંમદ અલી અને શૌકત અલીએ મોરચો સંભાળ્યો હતો. એમણે ગાંધીજીને નેતા બનાવ્યા. ગાંધીજી દક્શ્હિણ આફ્રિકાથી જ ધર્મના ભેદભાવ વિના દરેકને ‘હિન્દી’ તરીકે જોતા હતા અને અહીં એમને દક્ષિણ આફ્રિકા કરતાં પણ મોટું કામ કરવાનું બીડું ઝડપ્યું હતું. એમાં એમને કોમી મતભેદો આડૅ આવતા હતા. એમણે મુસલમાનોને સાથ આપ્યો અને હિન્દુઓને પણ સાથ આપવાની સલાહ આપી.મૉટું આમ્દોલન થયું. મહંમદ અલી ઝીણા એનાથી વિરુદ્ધ હતા અને મુસલમાનો પર એમની ખાસ પ્રભાવ પણ નહોતો. ખરો પ્રભાવ અલી ભાઇઓનો હતો.
આ ટાંકણે નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. હવે ગાંધીજી રાષ્ટ્રીય તખ્તા પર પોતાના અધિકારથી આવવા તૈયાર હતા. દક્ષિણ આફ્રિકાનો બ્રિટિશ સામ્રાજ્યનો વફાદાર નાગરિક હવે બંડ પોકારવા સજ્જ હતો. જનતા એની સાથે હતી. એમણે અસહકારના આંદોલનનો ઠરાવ રજૂ કર્યો. એમાં વિદ્યાર્થીઓ સ્કૂલ કૉલેજ છોડે, વકીલો વકીલાત છોડે, સરકારી નોકરો રાજીનામાં આપીને વહીવટીતંત્રને ખોરવી નાખે, રેલવે કર્મચારેઓ નોકરી છોડૅ તો શું હાલત થાય> અને પોલીસ તથા આર્મીના જવાનો?

કોંગ્રેસમાં સનસનાટ ફેલાઈ ગઈ. સમર્થ્ન અપનાર હતા તે વિરોધ કરનારા પણ હતા. સમર્થન આપનારા માત્ર ગામ્ધીજી આગળ કઈં નહીં ચાલે એમ માનીને ચાલતા હતા. બધા જ મુઇસલમાનોએ ગાંધીજીને સજ્જડ ટેકો આપ્યો અને સાંકડી બહુમતીથી ઠરાવ મમ્જુર રહ્યો વિરોધ કરનારામાં મહંમદ અ લી ઝીણા હતા. એમણે ‘મિસ્ટર ગાંધી’ એમ સંબોધન કરતાં જ જનમેદની ઊકળી ઊઠી! ઝીણા પાર્લામેન્ટરી ચર્ચાઓમાં માનતા હતા. એમને કહ્યું કે મિસ્ટર ગાંધીના માર્ગે દેશ અરાજકતા તરફ જશે.લોકોએ એમને પૂરૂં બોલવા પણ ન દીધા ઝીણા વૉક-આઉટ કરી ગયા.આ વૉક-આઉટ અંતે દેશના ભગલામાં પરિણમ્યો.

આખા દેશે અસહકારના આંદોલનમાં ઝંપલાવ્યું. ઠેરેઠેરેથી વિરોધ દેખાવો સભાઓ અને મોરચાઓ, સરકારી કચેરીઓ પર કોંગ્રેસના ધ્વજ લહેરાવવા, લાઠી, ગોળી, જેલ… સરકારેને પહેલાં તો આંદોલન થશે એમ પણ નહોતું લાગતું પણ પછી હદ કરી દીધી.

એવામાં ચૌરીચૌરામાં પોલીસના દમન્થી કંટળેલા માનસોએ પોલીસ ચોકીને ઘેરી લીધી અને આગ લગાડી દીધી.૨૨ સિપાઇઓ બળી મર્યા.અને ટૉળાએ ‘મહાત્માગાંધી ઝિંદાબાદ’ના નારા પોકાર્યા. હાહાકાર થઈ ગયો. ગાંધીજીને આઘાત લાગ્યો. આંદોલન અહિંસક નહોતું રહ્યું. લોકો અહિંસાનો પાટઃ બરાબર શીખ્યા નથી એવું એમને લાગ્યું ગાંધીજીએ આંદોલન પછું ખેંચી લીધું સરકારને ભયંકર આમ્ચકો આપે એવી સ્થિતિમાં આંદોલન પહોંચી ગયું હતું, ત્યાં જ યૂ-ટર્ન! પણ આંદોલનના એકમાત્ર કમાંડર તરીકે ગાંધીજીનો શબ્દ એટલે લોકોને મન ભગવાનનો બોલ. દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યુ પણ કમાંડર એકનો બે ન થયો. લાલા લાજપત રાયે કહ્યું કે આપણી નિષ્ફળતા પણ આપણા નેતા જેવી જ મહાન છે!

ગાંધીજીએ દેશમાં માત્ર ત્રણ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યાં. માત્ર ત્રણ! અને તે પણ દસ-દસ વર્ષના ગાળે! આ એમાંનું પહેલું આંદોલન હતું.દસ વર્ષ પછી ૧૯૩૦માં સવિનય કાનૂનભંગનું આંદોલન થયું અને તે પછી ૧૯૪૨નું ‘ક્વિટ ઇંડિયા’ આંદોલન. વચ્ચેના દસ વર્ષના ગાળામાં એ દેશની જનતાની ઇચ્છા શક્તિ તપાસતા રહ્યા.લોકોને તૈયાર કરતા રહ્યા પણ પોતે જે પ્રોગ્રામ ૧૯૧૫=૧૬માં નક્કી કર્યો હતો એના મૂળ્ભૂત મુદ્દા કદી ન બદલ્યા. એક જબ્બર ટૅક્ટીશિયન , વ્યૂહબાજ તરીકે નવા નવા રસ્તા શોધતા રહ્યા, નવી દલીલો અને જૂના અનુભવોને નવેસરથી તાજા કરીને સમયની માંગ પ્રમાને એમાં ફેરફાર કરતા રહ્યા અને દરેક વખતે સરકાર ગફલતમાં રહેતી કારણ કે ગાધીજી Tip of the iceberg તો દેખાડતા અને એનાં પરિનામોની પણ આગાહી કરી દેતા પરંતુ, આવું આમ્દોલન થશે કે કેમ એવી શંકા નહેરુના મનમાં પણ રહેતી, તો બિચારા વાઇસરૉયને તો શું કહીએ.

લેલિવેલ્ડભાઈ, તમારી સાથે ગાંધીયાત્રા કરવાની મઝા આવે છે. અને આ પત્રમાળા હું બ્લૉગ તરીકે પણ મૂકતો રહ્યો છું, જેથી ગાંધીયાત્રામાં બીજા મિત્રો પણ સામેલ થઈ શકે.

આજે આટલું જ. હવે આટલું મોડું નહીં કરૂં અને જલદી આવીશ, વચન! (પણ, મુસ્લિમ મિત્રો કહે છે તેમ ‘ઇન્શાલ્લાહ’ પણ જોડું છું)

તમારા સૌની કુશળતા ઇચ્છું છું.

લિખિતંગ
દીપક ધોળકિયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: