નિરાંતે…

પ્રિય મિત્રો,
આજે શ્રી જોસેફ લેલિવેલ્ડને પત્ર લખવામાં રજા રાખી છે. આ ખુલ્લા પત્રથી, વાચકોને (કેટલા હશે?) શો ફાયદો થયો તે નથી જાણતો, પણ મને તો ફાયદો થયો જ. જે પ્રતિભાવો મળ્યા તે ઉત્સાહવર્ધક રહ્યા. પરંતુ, મુખ્ય ફાયદો એ કે, ગાંધીના જીવનની યાત્રા કરવાનો લહાવો મળ્યો. લેલિવેલ્ડે કેટલીક વાતો લખી છે તે તદ્દન નવી હતી. આમ હજી સુધીની આ યાત્રા સુખદ રહી. લેખકનું મન જાણવા મળ્યું એ તો એની આડપેદાશ છે. પબ્લિશિંગ અને પ્રોપેગેન્ડાની દુનિયામાં શું ચાલે છે તે જાણવાની પણ તક મળી.

ગાંધી નામ એક સંઘર્ષનું પ્રતીક છે. જૂનાં મૂલ્યોનું નવું અર્થઘટન કરીને એનો નવી રીતે ઉપયોગ કેમ કરાય તેના માટેનો સંઘર્ષ. બુદ્ધ, મહાવીર, ઇસા મસીહ, મહંમદ પયગંબર આવ્યા અને ગયા. જમાનો આગળ ચાલતો જ રહ્યો. રાજા-મહારાજાઓ આવ્યા અને ગયા. ઇતિહાસ એમની નોંધ લેતો હોય છે, પણ એમણે મૂલ્ય તરીકે લોકોને શું આપ્યું? આ પ્રશ્ન વિચાર માગી લે છે. ગમે તે થાય, જમાનો ગમે તેટલો બદલાય, મૂલ્યોની માંગ કેમ કદી ઓછી થતી નથી? કોઈ આર્તનાદ નથી કરતું કે હે અશોક, તું પાછો આવ, આજે ઠેકઠેકાણે કલિંગની લડાઈઓ ચાલ્યા કરે છે, તે બંધ કરાવ… હે અકબર, તું પાછો આવ તારા દીને ઇલાહી સાથે…. વગેરે વગેરે…પરંતુ જેમણે મૂલ્યો આપ્યાં એમને યાદ કરતા રહીએ છીએ. છેને? તમારો શું ખ્યાલ છે?

વિજ્ઞાને આપણને નવા જ યુગમાં પહોંચાડી દીધા. આજની દુનિયા અને માત્ર ત્રીસ વર્ષ પહેલાંની દુનિયામાં જબ્બત અંતર આવી ગયું છે. સુખનાં સાધનો વધ્યાં. અહીં હું ‘સુખનાં સાધનો’ (એટલે કે ટેકનૉલૉજી) શબ્દ પ્રયોગ કરૂં છું, સમજી વિચારીને – કારણ કે ટેકનૉલૉજી લોકોને સુખ આપ્યું જ છે. સુવિધા આપી છે. આનો ઇન્કાર ન થઈ શકે. આજે આપણી દુનિયા ટેકનૉલૉજીને કારણે વધારે પરિચિત જેવી બની ગઈ છે. નાની બની ગઈ? બહુ સાંભળેલી આ વાત છે. ખરેખર તો વધારે સઘન બની ગઈ છે એટલે નાની લાગે છે. પહેલાં મગજમાં જેટલું ભરાતું હતું તેના કરતાં આજે અનેકગણી સામગ્રી આપણા મગજમાં છે. પહેલાં એક કલાકમાં બળદગાડામાં જેટલું અંતર કાપતા હતા, એના કરતાં દસગણું અંતર એ જ કલાકમાં સમાઈ જાય છે. વિસ્તૃત લાગતી ભૂગોળ હવે કલાકોની ગણતરીમાં આવી જાય છે. સ્થળ અને કાળનાં અર્થઘટનો જ બદલાઈ ગયાં.

આમ છતાં મૂલ્યોની માંગ કદી ઘટી નહીં. એવું લાગે છે કે એ માંગનું મૂળભૂત રૂપ પણ બદલાયું નથી. એ પણ હકીકત છે કે મૂલ્યો પર સતત જોખમ તોળાતું રહ્યું છે. હંમેશા બધું એકડૅ એકથી કરવું પડતું હોય છે. મહાપુરુષો તો ગયા, અને ગયા તે એવા કે, જાણે એમને કશી લેવાદેવા જ ન હોય આપણી સાથે, પાછળ આવનારા સાથે. ઈસુ, મહંમદ, બુદ્ધ, મહાવીર બધા કોઈને ગાદીપતિ બનાવ્યા વિના જ ચાલ્યા ગયા. ગાંધીએ તો ચોખ્ખું કહ્યું કે હું કોઈ ‘ગાંધીવાદ’ પર પુસ્તક નહીં લખું, કારણ કે લખીશ તો એના વિશે મતભેદ થશે ત્યારે બન્ને જૂથો એકબીજા પર એ પુસ્તકની જ ફેંકાફેંકી કરશે! ભાઈ, આવું તે હોય? તમે લોકો કહેવા શું માગતા હતા? કેમ કોઈને પ્રોફેટ, નવો પ્રભુપુત્ર, નવો તીર્થંકર, નવો ગાદીપતિ બનાવીને ન ગયા? કદાચ તમે સૌ એમ કહેવા માગતા હતા કે હવે બધું જાતે જ કરો. તો મૂલ્યની જાળવણીની જવાબદારી અમારી સૌની છે? વ્યક્તિગત જવાબદારી? કદાચ તમારો મૌન સંદેશ એ જ હતો? લાગે છે કે તમે દુનિયાને નિરાધાર બનાવીને મોટો આધાર આપી ગયા છો! ભલે ને, અમારે એકડે એકથી બધું કરવું પડે.

બાળક પણ કરે જ છે ને? ગયા અઠવાડિયે કુટુંબમાં એક નવાનકોર સભ્યનું આગમન થયું. કોઈ એને ચાલતાં નહીં શીખવાડી શકે, બોલતાં નહીં શીખવાડી શકે. એ ભાઈએ બધું જાતે જ કરવાનું છે, મહિનાઓ પછી સાહેબ ઘૂંટણિયે ચાલશે, ઊભા થવાનો પ્રયત્ન કરશે, પડશે, આખડશે, મન ફાવે ત્યાં ફરશે, લાઇટની સ્વિચમાં હાથ નાખશે. ગરમ ઇસ્ત્રીને હાથ લગાડી દેશે. દરવાજાના સળિયા પકડીને ચડવા જશે તમે એની આગળ પાછળ ફરતા રહેશો. એના ઉપરથી નજર નહીં હટાવી શકો. પરંતુ, એ બધું જ જાતે કરશે. એણે આખી ઉત્ક્રાન્તિ ફરી જીવી દેખાડવાની છે. મૂલ્યોની બાબતમાં પણ એવું જ છે. આપણે મૂલ્યોની સમગ્ર ઉત્ક્રાન્તિ ફરી જીવી દેખાડવી પડશે. એ જ ગાંધીજીએ કર્યું ને!

આ બ્લૉગમાં પણ એ જ છે. બધું પોતે જ શીખો, કરો. મદદ મળશે, પણ કરો તમે પોતે જ! આ પ્રક્રિયા દરમિયાન બ્લૉગ કેમ વધારે વાંચવા લાયક બને એ પણ વિચાર્યું. ધાર્યું એમ છે કે મહિનામાં ઓછામાં ઓછો એક લેખ વિજ્ઞાન પર હોવો જોઈએ. એ જ રીતે એક લેખ આપણા સાહિત્યિક વારસા પર હોવો જોઈએ. મિત્રોને વાત કરી છે. સહકારની ખાતરી પણ મળી છે. વખત આવ્યે એમનો પરિચય આપીશ.
બાકી બીજા શું ખબર – મઝામાં?
એ…ભલે!!
.

15 thoughts on “નિરાંતે…”

 1. મૂલ્યની માંગ કાયમ રહેશે – કારણ કે આપણને પોતાને જ આપણાથી ત્યાં સુધી સંતોષ નથી થતો જ્યાં સુધી જીવનમાં મૂલ્યો ન આવે.

  દરેકે જાતે જ શીખવું પડશે અને જોઈએ – આપણો અનુભવ તે બીજાનો અનુભવ ન બની શકે. આપણી સલાહ તે સાંભળે, સમજે પણ અમલમાં મુકતાં પહેલાં તેને પ્રયોગ તો કરવો જ હોય છે. શું થાય છે? તે અનુભવવું હોય છે. અને એટલે જ જો ઘેંટા ન બનાવવા હોય તો માર્ગદર્શન હેઠળ દરેકને પોતાની મેળે જ શીખવા દેવું જોઈએ.

  આપણે ભારતીયો એટલાં બધાં દોઢ ડાહ્યાં છીએ કે સતત બીજાને શીખવવા અને સલાહ આપવા તત્પર હોઈએ છીએ – કોઈને કશી સ્વતંત્રતા આપવાની જ નહીં – અને જો કોઈ સ્વતંત્ર રીતે પોતાનો માર્ગ કંડારે તો તેને ભ્રષ્ટ ગણવાનો, નઠારો ગણવાનો, દાધારીંગો ગણવાનો. હું તો ઈચ્છું કે આપણો દેશ વધુને વધુ ડઠ્ઠર અને દાધારીંગા અને પોતાનું ધાર્યું જ કરવા વાળા લોકોથી ઉભરાય જાય. આવા લોકો જ સાચો અનુભવ મેળવશે અને તેમાંથી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થશે.

  આવતાં અઠવાડીયે લેલીવેલ્ડભાઈને વધુ સમજવા મળશે તેવી અપેક્ષા સાથે વિરમું છું.

 2. મહાપુરુષો, ઉત્ક્રાંતિ, બ્લોગ – આ બધુંય એક જ પ્રવાહમાં આવી ગયું. વાહ!
  બ્લોગની આ જ મઝા છે કે એમાં કોઈની પણ સાથે કમિટમેન્ટ હોય તો એ પોતાની જાત સાથે છે. અહીં આપણી ઉપર કોઈ એડીટર નથી, એને લઈને આપણી જવાબદારીય ઉલ્ટાની વધી જાય છે. દૃશ્ય -અદૃશ્ય વાચકો સમક્ષ આપણે આપણી જાણબહાર ખૂલતા જઈએ છીએ.
  લખતા રહો! અનેક શુભેચ્છાઓ.

 3. તદ્દન સાચી વાત છે, આપણે મૂલ્યોની સમગ્ર ઉત્ક્રાંતિ ફરી જીવી દેખાડવી પડશે. પાયામાં મળેલા મૂલ્યો પર ચણતર કરીને તે જ મૂલ્યોને વધુ સુદૃઢ બનાવવા, જે પાયાની જે ઈંટ તુટી ગઈ હોય તેને બેધડક પણે ફેંકીને નવી ઈંટને ચણતરના પાયામાં મુકતા પણ અચકાઈએ નહી તો જ એ ઈમારત ભવ્ય બને. મૂલ્યો એ વારસો છે, પણ વારસાનું ફક્ત જતન કરીને બેસી રહે ના ચાલે, તેનું સંવર્ધન પણ કરવું પડે. મૂલ્યો આપણી બચત જેવા છે, જો ઘરમાં જતન કરીને મુકી રાખો તો ૨૦ વર્ષ પછી એવો દિવસ આવે કે જ્યારે બચાવ્યા ત્યારે લખપતિની હરોળમાં હોવ, અને ૨૦ વર્ષ પછી તેની કિંમત એક સાયકલ લેવા જેટલી કે સાયકલનું ટાયર લેવા જેટલી પણ ના રહી હોય. જેમ બચતનું રોકાણ કરીને તેમાંથી આવક રળીએ તો જ એ બચત લેખે લાગી કહેવાય, તે રીતે મૂલ્યોને સંવર્ધિત કરીને નવા મૂલ્યો વિકસાવીએ ત્યારે જ આપણા એ વારસાનું મૂલ્ય જળવાય.

  1. મૂલ્યોનો વ્યવહાર પણ ઢાંચાઢાળ વ્યવસ્થામાં વાસી થઈ જતો હોય છે. તમારી વાત સાચી છે કે નવાં વિકસાવીએ તો જ એ વારસાનું મૂલ્ય જળવાય.

 4. દીપકભાઈ,
  આભાર. બ્લોગ દ્વારા ગાંધીયાત્રા કરાવવા બદલ. આ માધ્યમનો આ પણ એક અલગ રંગ છે.

  .

 5. શ્રી. દીપકભાઇ, અર્થાત બારી ધીમે ધીમે ખુલતી જાય છે ! હજુ વ્યુઈંગ ઍંગલ વાઈડ થશે, વધુ પ્રકાશ પથરાશે, એ સમાચારે અત્યારથી જ ઉત્સુકતા જગાવી દીધી છે.
  બ્લોગ લેખન સંદર્ભે શ્રી.બિરેનભાઇનો અને મૂલ્યો, જતન અને સંવર્ધન સંદર્ભે શ્રી.ધવલભાઇનો પ્રતિભાવ સચોટ લાગ્યો. શુભેચ્છા અને આભાર.

  1. બે-ત્રણ દિવસ ‘રાતી આંખ’ રહી. એમાં સતત બે-ત્રણ કલાક લખવું કે વાંચવું પડે એવાં કામો ચડી ગયાં. આખો વખત લૅપટૉપ પર પણ ન વાંચી શકાય, જ્યાં ફોન્ટ નાનામોટા કરી શકો, તો પુસ્તકની તો વાત જ ક્યાં રહી. આના કારણે ગાડી અટકી પડી. હવે ધીમે ધીમે ફરી ચડી જશે. રાહ જૂઓ છો તેથી આનાણ્દ પણ થયો અને જવાબદારીની ભાવના પ્રબળ બની.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: