નિરાંતે…

પ્રિય મિત્રો,
આજે શ્રી જોસેફ લેલિવેલ્ડને પત્ર લખવામાં રજા રાખી છે. આ ખુલ્લા પત્રથી, વાચકોને (કેટલા હશે?) શો ફાયદો થયો તે નથી જાણતો, પણ મને તો ફાયદો થયો જ. જે પ્રતિભાવો મળ્યા તે ઉત્સાહવર્ધક રહ્યા. પરંતુ, મુખ્ય ફાયદો એ કે, ગાંધીના જીવનની યાત્રા કરવાનો લહાવો મળ્યો. લેલિવેલ્ડે કેટલીક વાતો લખી છે તે તદ્દન નવી હતી. આમ હજી સુધીની આ યાત્રા સુખદ રહી. લેખકનું મન જાણવા મળ્યું એ તો એની આડપેદાશ છે. પબ્લિશિંગ અને પ્રોપેગેન્ડાની દુનિયામાં શું ચાલે છે તે જાણવાની પણ તક મળી.

ગાંધી નામ એક સંઘર્ષનું પ્રતીક છે. જૂનાં મૂલ્યોનું નવું અર્થઘટન કરીને એનો નવી રીતે ઉપયોગ કેમ કરાય તેના માટેનો સંઘર્ષ. બુદ્ધ, મહાવીર, ઇસા મસીહ, મહંમદ પયગંબર આવ્યા અને ગયા. જમાનો આગળ ચાલતો જ રહ્યો. રાજા-મહારાજાઓ આવ્યા અને ગયા. ઇતિહાસ એમની નોંધ લેતો હોય છે, પણ એમણે મૂલ્ય તરીકે લોકોને શું આપ્યું? આ પ્રશ્ન વિચાર માગી લે છે. ગમે તે થાય, જમાનો ગમે તેટલો બદલાય, મૂલ્યોની માંગ કેમ કદી ઓછી થતી નથી? કોઈ આર્તનાદ નથી કરતું કે હે અશોક, તું પાછો આવ, આજે ઠેકઠેકાણે કલિંગની લડાઈઓ ચાલ્યા કરે છે, તે બંધ કરાવ… હે અકબર, તું પાછો આવ તારા દીને ઇલાહી સાથે…. વગેરે વગેરે…પરંતુ જેમણે મૂલ્યો આપ્યાં એમને યાદ કરતા રહીએ છીએ. છેને? તમારો શું ખ્યાલ છે?

વિજ્ઞાને આપણને નવા જ યુગમાં પહોંચાડી દીધા. આજની દુનિયા અને માત્ર ત્રીસ વર્ષ પહેલાંની દુનિયામાં જબ્બત અંતર આવી ગયું છે. સુખનાં સાધનો વધ્યાં. અહીં હું ‘સુખનાં સાધનો’ (એટલે કે ટેકનૉલૉજી) શબ્દ પ્રયોગ કરૂં છું, સમજી વિચારીને – કારણ કે ટેકનૉલૉજી લોકોને સુખ આપ્યું જ છે. સુવિધા આપી છે. આનો ઇન્કાર ન થઈ શકે. આજે આપણી દુનિયા ટેકનૉલૉજીને કારણે વધારે પરિચિત જેવી બની ગઈ છે. નાની બની ગઈ? બહુ સાંભળેલી આ વાત છે. ખરેખર તો વધારે સઘન બની ગઈ છે એટલે નાની લાગે છે. પહેલાં મગજમાં જેટલું ભરાતું હતું તેના કરતાં આજે અનેકગણી સામગ્રી આપણા મગજમાં છે. પહેલાં એક કલાકમાં બળદગાડામાં જેટલું અંતર કાપતા હતા, એના કરતાં દસગણું અંતર એ જ કલાકમાં સમાઈ જાય છે. વિસ્તૃત લાગતી ભૂગોળ હવે કલાકોની ગણતરીમાં આવી જાય છે. સ્થળ અને કાળનાં અર્થઘટનો જ બદલાઈ ગયાં.

આમ છતાં મૂલ્યોની માંગ કદી ઘટી નહીં. એવું લાગે છે કે એ માંગનું મૂળભૂત રૂપ પણ બદલાયું નથી. એ પણ હકીકત છે કે મૂલ્યો પર સતત જોખમ તોળાતું રહ્યું છે. હંમેશા બધું એકડૅ એકથી કરવું પડતું હોય છે. મહાપુરુષો તો ગયા, અને ગયા તે એવા કે, જાણે એમને કશી લેવાદેવા જ ન હોય આપણી સાથે, પાછળ આવનારા સાથે. ઈસુ, મહંમદ, બુદ્ધ, મહાવીર બધા કોઈને ગાદીપતિ બનાવ્યા વિના જ ચાલ્યા ગયા. ગાંધીએ તો ચોખ્ખું કહ્યું કે હું કોઈ ‘ગાંધીવાદ’ પર પુસ્તક નહીં લખું, કારણ કે લખીશ તો એના વિશે મતભેદ થશે ત્યારે બન્ને જૂથો એકબીજા પર એ પુસ્તકની જ ફેંકાફેંકી કરશે! ભાઈ, આવું તે હોય? તમે લોકો કહેવા શું માગતા હતા? કેમ કોઈને પ્રોફેટ, નવો પ્રભુપુત્ર, નવો તીર્થંકર, નવો ગાદીપતિ બનાવીને ન ગયા? કદાચ તમે સૌ એમ કહેવા માગતા હતા કે હવે બધું જાતે જ કરો. તો મૂલ્યની જાળવણીની જવાબદારી અમારી સૌની છે? વ્યક્તિગત જવાબદારી? કદાચ તમારો મૌન સંદેશ એ જ હતો? લાગે છે કે તમે દુનિયાને નિરાધાર બનાવીને મોટો આધાર આપી ગયા છો! ભલે ને, અમારે એકડે એકથી બધું કરવું પડે.

બાળક પણ કરે જ છે ને? ગયા અઠવાડિયે કુટુંબમાં એક નવાનકોર સભ્યનું આગમન થયું. કોઈ એને ચાલતાં નહીં શીખવાડી શકે, બોલતાં નહીં શીખવાડી શકે. એ ભાઈએ બધું જાતે જ કરવાનું છે, મહિનાઓ પછી સાહેબ ઘૂંટણિયે ચાલશે, ઊભા થવાનો પ્રયત્ન કરશે, પડશે, આખડશે, મન ફાવે ત્યાં ફરશે, લાઇટની સ્વિચમાં હાથ નાખશે. ગરમ ઇસ્ત્રીને હાથ લગાડી દેશે. દરવાજાના સળિયા પકડીને ચડવા જશે તમે એની આગળ પાછળ ફરતા રહેશો. એના ઉપરથી નજર નહીં હટાવી શકો. પરંતુ, એ બધું જ જાતે કરશે. એણે આખી ઉત્ક્રાન્તિ ફરી જીવી દેખાડવાની છે. મૂલ્યોની બાબતમાં પણ એવું જ છે. આપણે મૂલ્યોની સમગ્ર ઉત્ક્રાન્તિ ફરી જીવી દેખાડવી પડશે. એ જ ગાંધીજીએ કર્યું ને!

આ બ્લૉગમાં પણ એ જ છે. બધું પોતે જ શીખો, કરો. મદદ મળશે, પણ કરો તમે પોતે જ! આ પ્રક્રિયા દરમિયાન બ્લૉગ કેમ વધારે વાંચવા લાયક બને એ પણ વિચાર્યું. ધાર્યું એમ છે કે મહિનામાં ઓછામાં ઓછો એક લેખ વિજ્ઞાન પર હોવો જોઈએ. એ જ રીતે એક લેખ આપણા સાહિત્યિક વારસા પર હોવો જોઈએ. મિત્રોને વાત કરી છે. સહકારની ખાતરી પણ મળી છે. વખત આવ્યે એમનો પરિચય આપીશ.
બાકી બીજા શું ખબર – મઝામાં?
એ…ભલે!!
.

%d bloggers like this: