Great Soul: Mahatma Gandhi(4)

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૪)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
આ અઠવાડિયે હું તમારા પુસ્તકના ચોથા પ્રકરણ Upper House વિશે ચર્ચા કરવા માગું છું. મેં કહ્યું જ છે કે તમારા પુસ્તકને પ્રસિદ્ધિ અપાવનાર ઘટકોમાં આ પ્રકરણ પણ છે. મૂળ મુદ્દા પર આવું તે પહેલાં તમે જે બૅકગ્રાઉંડ આપ્યું છે તેના પર નજર નાખી લઉં, જેથી, તમે કહી શકો કે હું બરાબર સમજ્યો છું કે નહીં. તમને મારી અધૂરી સમજને કારણે કોઈ રીતે અન્યાય ન થાય એવી મારી ભાવના છે.
૧૯૦૬માં ગાંધીજી નાતાલમાં ફિનિક્સ આશ્રમ છોડીને ટ્રાન્સવાલના જોહાનિસબર્ગમાં રહેવા ચાલ્યા ગયા હતા. ટ્રાન્સવાલમાં જ ગાંધીજીએ જબ્બરદસ્ત કૂચનું આયોજન કર્યું હતું અને ત્યાં જ સત્યાગ્રહનો જન્મ થયો. પરંતુ, હમણાં એની વિગતોમાં નહીં ઊતરૂં, કારણ કે પાંચમા (અને પુસ્તકના પ્રથમ ખંડના છેલ્લા) પ્રકરણમાં આપણે એના પર વિગતે ચર્ચા કરવાના જ છીએ. અત્યારે એટલું નોંધીએ કે ગાંધીજીનું કુટુંબ -કસ્તૂરબા, દીકરાઓ, ભત્રીજાઓ વગેરે નાતાલમાં જ રહ્યાં.

તમે લખો છો કે નાતાલમાં બ્રિટિશ મૂળના ગોરાઓની હકુમત હતી, જ્યારે ટ્રાન્સવાલ ડચ એટલે કે બોઅરો (આફ્રિકાનર્સ)ના હાથમાં હતું. ઍંગ્લો-બોઅર યુદ્ધમાં બન્ને પક્ષો સામસામે હોવા છતાં હિન્દીઓને અધિકારો ન આપવા બાબતમાં બન્ને વચ્ચે કશો મતભેદ નહોતો! તમારૂં માનવું છે કે મોહનદાસ ગાંધીની ગેરહાજરી દરમિયાન હિન્દીઓનો કોઈ નેતા નહોતો અને હકુમતે એમના હકો પર મોટી તરાપ મારવાની તૈયારી કરી લીધી હતી. આમ છતાં ગાંધીજી એ બાબતમાં ગંભીર નહોતા.

તમે એક સારા વકીલ જેમ ઘણી વાતો જોડી શકો છો. દાખલા તરીકે, તમે કહો છો કે નાતાલથી દુર રહેવાનું કારણ એ કે ગાંધીજી માટે ‘કુટુંબ’ શબ્દનો અર્થ, પોતાનાં પત્ની-બાળકો કે ભાઈ ભાંડુઓ, એવો નહોતો રહ્યો. હિન્દુસ્તાનથી એમના ભાઈ લક્ષ્મીદાસ ગાંધીએ એમને પૈસા મોકલવા લખ્યું તો ગાંધીજીએ જવાબ આપ્યો કે તેઓ કુટુંબમાં માનવમાત્રને ગણે છે અને એમની જે કઈં કમાણી છે તે સાર્વજનિક કાર્યોમાં વપરાય છે. આમ એમણે પૈસા મોકલવાનું પણ બંધ કરી દીધું હતું.

અહીં ગાંધીજી જે મિત્રો સાથે રહ્યા તેમાં હિન્દુસ્તાની કોઈ નહોતા. ગાંધીજી એમને ‘મારૂં કુટુંબ’ કહે છે! ગાંધીજી પોતાના કુટુંબથી એટલા દુર જવા માગતા હતા કે એમના મિત્ર પોલાક પરણીને આવ્યા તો સપત્નીક એક જ ઘરમાં ગાંધીજી સાથે રહ્યા, પરંતુ, એમના પુત્ર હરિલાલ આવ્યા તો ગાંધીજીએ એમને કસ્તૂરબા પાસે નાતાલ મોકલી દીધા. પોલાકને બાળક થયું તે પછી અગવડ વધી જતાં ગાંધીજી બીજા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. આ મકાનમાં એમના સાથી હતા, હર્મન કૅલનબૅક (આ નામનો મૂળ ઉચ્ચાર તો ‘કાલેનબાખ’ કે એવો કઈંક હોવો જોઈએ પણ ગાંધી-સાહિત્યમાં એમનું નામ મેં ‘કૅલનબૅક’ વાંચ્યું હોવાથી ગૂંચવાડો ન વધે એટલા માટે હું પ્રચલિત ઉચ્ચારને વળગી રહીશ).
કૅલનબૅક યહૂદી હતા અને એમનો પરિવાર પણ શ્રીમંત હતો. પોતે એક કાબેલ આર્કિટેક્ટ હતા એટલે કમાણી પણ સારી હતી. કસરતબાજ હતા એટલે શરીર પણ કસાયેલું હતું. બીજી બાજુ ગાંધીજી નબળા. કૅલનબૅકના શરીરસૌષ્ઠવને એ આદર્શ માનતા હતા.ગાંધીજીના સંપર્કમાં આવ્યા તે પછી કેલનબૅકે પોતાનું કામકાજ છોડી દીધું અને ટૉલ્સટોયના ગાંધીમાન્ય આદર્શ પ્રમાણે શારીરિક શ્રમનું જીવન સ્વીકારી લીધું.

કૅલનબૅક મૂળ તો પ્રયોગવીર હતા. એટલે એમનો મૂડ હોય ત્યાં સુધી એક કામ કરતા અને પછી બીજી ધુન ચડે તો એની પાછળ મંડી પડતા. આમાં જ એ ગાંધીજીની અસર હેઠળ આવ્યા અને ટૉલ્સટોય આશ્રમ બનાવવામાં એમની સાથે રહીને કામ કર્યું. લેલિવેલ્ડભાઈ, તમે એમના આ સ્વભાવ પર પણ જરા ઊંડાણથી પ્રકાશ પાડ્યો હોત તો સારૂં થાત. એમનો એક પ્રસંગ કહું. ગાંધીજીની અહિંસાના એ ખરા સમર્થક હતા અને એમાં એક વાર તો ગાંધીજી કરતાં પણ આગળ નીકળી ગયા. નિર્ભયતા એટલે શું? એમણ્ને એક વાર સાપ પાળ્યો! ગાંધીજીએ એને છોડી મૂકવા કહ્યું તો કૅલનબૅકે દલીલ કરી કે આપણે અહિંસક હોઇએ તો બધાં પ્રાણીઓ સાથે મૈત્રી કરવી જોઈએ. ગાંધીજીએ કહ્યું કે આ મૈત્રી નથી. તમારી સાથે રહેવું એ સાપનો સ્વભાવ નથી. એ જંગલનો જીવ છે અને એના જીવનમાં તમે આડે આવો એ અહિંસા ન કહેવાય. તે પછી કૅલનબૅકે સાપને છોડી દીધો. આ ઘટના કાકાસાહેબ કાલેલકરે લખેલી નાની પુસ્તિકા ‘બાપુની ઝાંખી’માં છે, અત્યારે તો હું માત્ર મારી યાદદાસ્તને આધારે લખું છું એટલે કઈં સમજફેર પણ હોઈ શકે છે. તમને રસ પડે તો મૂળ પુસ્તિકામાંથી આ ઘટના વાંચી લેશો.

તમે ગાંધીનગરમાં ગાંધી-વિવેચક ત્રિદીપ સુહૃદને મળ્યા. એમણે ગાંધીજી અને કૅલનબૅક માટે ‘Couple’ શબ્દ વાપર્યો. તમે આના પર ટિપ્પણી કરો છો કે ” જે બહુ જ દેખીતું હતું તે તારણ કાઢવાની આ સૌથી વધારે ધારદાર રીત હતી” ભલે. હવે તમે કૅલનબૅક ભારત આવ્યા ત્યારે મહાદેવભાઈ દેસાઇએ લખેલા એક લેખને આધારે કૅલનબૅકનું કથન પણ જોડો છો કે બન્ને “લગભગ એક જ પલંગમાં” સાથે રહેતા હતા. કૅલનબૅકના કહેવાથી ગાંધીજીએ એમની બધી “લૉજિકલ અને ચાર્મિંગ લવ નોટ્સ”નો નાશ કર્યો, એમ જણાવીને તમે ઉમેરો છો કે આ નોટ્સ આજે પણ નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇંડિયામાં ઉપલબ્ધ છે, કારણ કે કેલનબૅકના વંશજોએ દાયકાઓ પછી એ પત્રો પ્રગટ કર્યા. હવે તમે જ કહો કે કૅલનબૅક પોતે ગાંધીજીને નોટ્સનો નાશ કરવાનું કહે છે અને પોતે સાચવી રાખે છે! તમારી બાજ-નજરમાંથી કઈંક છૂટી તો નથી ગયું ને? આ સ્પષ્ટ વિરોધાભાસનું અર્થઘટન કરવા માટે તમને કઈં સામગ્રી ન મળી?

હવે તમે બીજા એક “આદરણીય ગાંધી-વિવેચક” જેમ્સ ડી. હન્ટને ટાંકો છો આ વિદ્વાન ગાંધી-કેલનબૅક સંબંધોનું નિરૂપણ કરતાં Homo-erotic શબ્દ વાપરે છે અને કહે છે કે એ સંબંધો Homo Sexual તો નહોતા જ. બન્ને શબ્દ વચ્ચેનું અંતર તમે જ સ્પષ્ટ કરો છો કે આ વિદ્વાન આ શબ્દ વાપરીને એટલું જ દેખાડવા માગે છે કે બન્ને વચ્ચે જોરદાર પરસ્પર આકર્ષણ હતું, તેથી વિશેષ કશું જ નહીં! તમે હન્ટનું આ કથન વેબરના પુસ્તક Gandhi as Disciple and Mentor (ગાંધી શિષ્ય અને ગુરુ તરીકે)માંથી લીધું છે. તમને આ શીર્ષકમાંથી જ સમજાઈ જવું જોઇતું હતું કે બન્ને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ હતો અને ભાવનાત્મક સ્તરે અતૂટ અભિન્નતા હતી. આમ છતાં તમે નિરાધાર અફવાઓનો આશરો લેવાનું પસંદ કરો છો કે દક્ષિણ આફ્રિકાના એ વખતના નાના હિન્દુસ્તાની સમાજમાં એ વાત ચર્ચાને ચાકડે ચડેલી હતી કે મોહનદાસ પત્નીને છોડીને એક પુરુષ સાથે રહેવા ગયા…! આના માટે કઈં સંદર્ભ ટાંક્યો હોત તો સારૂં થયું હોત. કઈં નહીં તો તમારી વિશ્વસનીયતા વધી હોત.

આમાંથી એક જ વાત દેખાય છે કે બ્રહ્મચર્યનું વ્રત લેનારા ગાંધીને ૩૭-૩૮ની વયે સેક્સી અર્થ નીકળે એવી મઝાક-મશ્કરી કરવામાં કઈં બાધ નહોતો. આપણી સમક્ષ ગાંધીજીનું જે ચિત્ર આવે છે તે એટલું બધું ગંભીર છે કે આપણે એ ન માની શકીએ કે ગાંધીજી સ્વભાવે એટલા ગંભીર નહોતા. ‘મહાત્મા’ તરીકે પણ જે માણસ ગંભીર ન હોય તે માત્ર મોહનદાસ તરીકે કેમ ગંભીર હોય? મહાદેવભાઈએ ગાંધીના હળવા સુરમાં જે વાત વર્ષો પછી લખી તે ગંભીર અર્થમાં શું છે તે હન્ટે દેખાડ્યું છે. કૅલનબૅકને લખેલા એક પત્રમાં ગાંધીજી કહે છે કે મેં તમારૂં પોર્ટ્રેટ રાખ્યું છે, જે મારા પલંગની બરાબર સામે છે. આમાં ગાંધીજી “રૂ અને વૅસેલિન”ના ઉપયોગને પણ “સતત યાદ” આપનારી વસ્તુઓ તરીકે રજૂ કરે છે! કબૂલ કે આ દ્વિઅર્થી છે. ગાંધીજી કહે છે કે “તમે મારા દેહનો કબજો લઈ લીધો છે. આ કિન્નાખોરીથી લાદેલી ગુલામી સિવાય બીજું કશું નથી”. આ પણ દ્વિઅર્થી છે, કબૂલ. સવાલ એ છે કે તમે શું કહો છો? તમે કહો છો કે લંડનની હોટેલના રૂમમાં વૅસેલિનની ઉપસ્થિતિ ગાંધીજીને નિયમિત રીતે ઍનિમા લેવો પડતો હતો એ સ્થિતિની સૂચક હોઈ શકે છે! તમે જાણો છો કે આનો જ ઉપયોગ ગાંધીજીએ વિનોદભાવે કર્યો છે. તમે જાણે અમુક અર્થઘટન કરવા લાચાર હો તેમ અમને પૂછો છો કે “દેહનો કબજો” શબ્દોનો સામાન્યપણે શો અર્થ થાય? તમે જ કહો કે શબ્દોનો અર્થ માણસના મૂડ પર આધાર રાખે છે કે નહીં? હળવી રીતે જે કહ્યું હોય તેનો અર્થ પણ, તમે સૂચવવા માગો છો એવો જ નીકળે એવું નથી. એટલે જ તમે ‘સામાન્યપણે” કહીને અમને તમારા પક્ષમાં લેવા માગો છો!

લેલિવેલ્ડભાઈ, તમે વિવાદ તો ઊભો કર્યો પણ તમે પોતે જ નથી માનતા કે ગાંધી-કૅલનબૅક સંબંધોમાં કશું અજૂગતું હતું! આવો, હું શું સમજ્યો છું તે જોઈએ. કૅલનબૅક ગાંધીજીને ગુરુ માનતા હતા, જ્યારે ગાંધીજી એમને એમની ટૉલ્સટોય ફાર્મની પ્રવૃત્તિઓ માતે અનિવાર્ય અને “એક મન, એક પ્રાણ’ માનતા હતા. એમણે કૅલનબૅક સાથે ૨૯ જાન્યુઆરી ૧૯૧૧ના રોજ એક સમજૂતી માટેનો મુસદ્દો બનાવ્યો. એમાં ગાંધીજી પોતાને ‘અપર હાઉસ’ કહે છે અને કૅલનબૅક ‘લોઅર હાઉસ’ છે! તમે કહો છો કે આ “દેખાવમાં ગંભીર” (mock serious) ડ્રાફ્ટ હતો. તમારૂં કહેવું છે કે ગાંધીજી બન્નેમાં wittier (વધારે વિનોદી) હતા એટલે ‘અપર હાઉસ-લોઅર હાઉસ’ જેવી સંસદીય શબ્દજાળ એમણે જ વણી હોવી જોઈએ. લોઅર હાઉસ એટલે શરીર અને અપર હાઉસ એટલે મગજ. કૅલનબૅક લોઅર હાઉસ છે એટલે આશ્રમની વ્યવસ્થા સંભાળે અને એમાં એમને બધી છૂટ. પોતે અપર હાઉસ, એટલે યોજનાઓ ઘડવાનું કામ એમનું. ખર્ચ કૅલનબૅક કરે પણ ખર્ચ વધારે પડતો થતો જણાય તો એને મંજૂર ન રાખવાનો અધિકાર અપર હાઉસ પાસે અને આશ્રમના નિયમો શા હોય તે નક્કી કરવાનું કામ અપર હાઉસનું! આ વિશુદ્ધ ટીખળ છે અને તમે પણ એ વાત સમજો છો. અપર હાઉસ અને લોઅર હાઉસના જે કામૂક અર્થ થાય તેને પણ તમે આ રીતે નકારી કાઢો છો! એટલે જ હું કહું છું કે તમે પોતે પણ નથી માનતા કે ગાંધી-કૅલનબૅક સંબંધોમાં કઈં અજૂગતું હતું. વળી તમે વિનોદવૃત્તિ એકતરફી હોવાનું પણ કહો છો. એ વાતની તમે નોંધ લીધી છે કે કૅલનબૅકે પોતે કદી પણ ‘અપર હાઉસ- લોઅર હાઉસ’ જેવા શબ્દો નથી વાપર્યા. એમણે પત્રમાં કે પોતાની ડાયરી કે નોટ્સમાં “મિ.ગાંધી” તરીકે જ ગાંધીજીને આદરપૂર્વક ઓળખાવ્યા છે.

ગાંધી-કૅલનબૅક સંબંધો પ્રત્યે આના પછી તમે વધારે પ્રામાણિક બનીને લખો છો. પત્ર બહુ લાંબો થવાને કારણે આ પ્રકરણની બીજી નોંધપાત્ર વાતો છોડી દઉં છું. મારે માત્ર તમારા ‘ચર્ચાસ્પદ’ મુદ્દાની જ ચર્ચા કરવી હતી. લેલિવેલ્ડભાઈ, એક વાત કહી દઉં – આપણે જે ન માનતા હોઇએ, એવું હોવાના સંકેત આપીએ એને સાચું લખાણ ન કહેવાય. એને bad faith કહે છે.

ભલે ત્યારે. ફરી મળીશું આવતા અઠવાડિયે અને આ પ્રકરણથી આગળ વધીને ટ્રાન્સવાલના સત્યાગ્રહની કથા પાંચમા પ્રકરણમાં જોઈશું. મને લાગે છે કે તમે અને હું એ પ્રકરણમાં સંમત થશું કે ગાંધીના મનોગર્ભમાં એ સત્યાગ્રહ સાથે મહાત્માના ભ્રુણનું સર્જન થઈ ચૂક્યું હતું. બસ, તે પછી તો એ ભારત પાછા આવી ગયા અને એ કથા તો તમારા પુસ્તકના બીજા ખંડમાં આપણને લઈ જશે.

તમારી કુશળતા ઇચ્છું છું
લિખિતંગ
દીપક ધો્ળકિયા

27 thoughts on “Great Soul: Mahatma Gandhi(4)”

  1. આભાર, યશવંતભાઈ, ગાંધીને કોઈ કહી જાય ત્યારે કુટ્ટા કરીને બેસી રહીએ તેના કરતાં એની સાથે દલીલ કરવાનું મને વધારે સારૂં લાગે છે.

 1. I understand your passion and love/high regard for Gandhi makes you defend any scurrilous accusations. But what relationship Gandhi and one of his ardent follower had, is that in any way relevant at this stage? What Gandhi did for India – and world at large – is quite obvious and that is the only thing that matters.

  1. મારો સવાલ પણ એ જ છે. વધારામાં, આ આક્ષેપો પણ ઉપજાવી કાઢેલા છે. મારો ખ્યાલ છે કે ગાંધીએ જે કર્યું, જે સનાતન મૂલ્યોને સામાજિક સંદર્ભમાં અમલમાં મૂક્યાં, તે એક ખાસ પ્રકારની આર્થિક, સામાજિક નીતિઓ મા્ટે ચૅલેન્જ જેવાં છે. એટલે ગાંધીનાં અંગત ચારિત્ર્ય પર હુમલા કરવા એ એમની સ્ટ્રૅટેજી છે, એમ મને લાગે છે, જેથી એની વાતોનું વજન ઓછું થાય. ૨૦૦૬માં આ પુસ્તક લખીને, આવી વાતો કરીને લેખક શું કહેવા માગે છે? અને એ જે કહે છે તે પણ બધું માત્ર suggestive છે, જેનો કોઈ પણ અર્થ નીકળે. મારો પ્રયાસ લેલિવેલ્ડથી જૂદો અર્થ કાઢવાનો છે.
   આમ છતાં હું નથી માનતો કે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનું જરૂરી હતું! At least, પુસ્તકમાં શું છે તે કહીને મેં આ પ્રતિબંધ વિરુદ્ધ વ્યક્તિગત રીતે વિરોધ નોંધાવ્યો છે. માત્ર પ્રતિબંધથી ગાંધી વિરુદ્ધના બખાળાનો અવાજ આપણા કાન સુધી નહીં પહોંચે, પરંતુ એ unchallenged રહી જશે.

 2. Really wee done. Gandhi is all time great leader,thinker doer,and what not.People misuse his name to get accepted with western audience. I have seen many authors who in order to be noticed and be accepted by the West either runs down India or write trash about Gandhi or Nehru samir

 3. આખા લેખનો સાર આપે એક જ વાક્યમાં આપી દીધો – “તમે જ કહો કે શબ્દોનો અર્થ માણસના મૂડ પર આધાર રાખે છે કે નહીં?”

  1. સાદીસીધી મઝાક મશ્કરીની વાતોને સાઠ વર્ષે સંદર્ભમાંથી અલગ કરીને રજૂ કરી હોય એવું છે – અને તે પણ એ વ્યક્તિ મા્ટે, જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું રહ્યું. આભાર.

 4. Gandhi ek mahatma, mahamanav, emna vishe ashtam-pashtam lakhvu ane vicharvu e nabla magajni j pravrutti hoy sake, wisdom nahi. ek evo mahamaanav jena vishe Einstain jeva mahan vaignanik ne pan rahasya lagyu, emna personal life vishe aam koi elfel bakhaala kadhi ne Gandi upar chopdi lakhyani badash mare… aavu badhu koi serious lekhak ne kadi na shobhe. Aapna deshma j je pradeshma Gandhi nathi (peda) thaya e pradeshna ketlak nisasakhor loko Gandhi ne gaalo aape chhe, Gujarati sambhle tem bibhitsa bole chhe… evi j kaik vachhoot Joseph Lelyveld jeva, the New York Times-na ex excutive editor ane ek Pulitzer Prize-winner, felaave to ema kai navaee janati nathi… Gandhi ne barabar yathaarth samazva pachavva aatlo janam ochho pade..
  Great Dipakbhai, aape charcha karine amara jeva anekna knowledge-ma abhivruddhi karavi. awaiting your next article. Regards

  1. આભાર. તમારી વાત સાચી છે. આઇન્સ્ટાઇને એમના વિશે અવિસ્મરણીય શબ્દો કહ્યા છે. ગાંધીને જેમ વધારે વાંચો એમ એ વધારે ‘પોતાનો’ લાગવા માંડે છે. આ બ્લૉગ પર આવીને વાંચતા રહો અને આમ જ પ્રોત્સાહન આપતા રહો એવી આશા રાખું છું.

 5. તમે ગાંધીને પચાવ્યો છે, તેને આત્મસાત કરી દીધો છે. કેમકે આટલી બધી ક્ષતિઓ કોઈક માણસમાં જોયા પછી, તેની લગભગ દરેક વાત વાહિયાત જણાયા પછી પણ, “તમારી કુશળતા ઇચ્છું છું” એવું નિવેદન કરવું એ મારા ગજા બહારની વાત છે.

 6. ગાન્ધીજી એ લગભગ વિશ્વ ની તમામ સન્સ્ક્રુતિ પર – એક યા બીજી રીતે અસર કરી છે, એટ્લે ગાન્ધી માત્ર અમારા એવી કુપ મન્ડુક્તા ચાલે પણ નહિ. તેમજ સ્વાભાવિક રીતે ગાન્ધી પર નો હુમલા નો જવાબ દેવા ની નૈતિક ફ઼રજ તમે બજાવો છો. It appears you know Gandhi more than Gandhi himself !

  1. ગાંધી સૌ કોઇના છે, એમાં શંકા નથી. ન હોય તો હોવા જોઈએ, કારણ કે એ વ્યક્તિ મટીને વિચાર અથવા મૂલ્ય બની ગયા છે. ગાંધીની ટીકા કરી શકાય, એમની ભૂલો દેખાડી શકાય પરંતુ ગાંધીના સમગ્ર વ્યક્તિત્વ સાથે લાગતું વળગતું ન હોય એવા ખૂણેથી કોઈ કશું કહે તો એનો દાવો ખરો છે કે નહીં તે તો તપાસવું જોઈએ. આ તપાસ દરમિયાન મને જે કઈં સમજાયું તે લખ્યું છે. બાકી ગાંધીને ગાંધી કરતાં વધારે કોઈ સમજે અથવા હું સમજું છું એ તો બહુ મોટી વાત થઈ.

 7. શ્રી.દીપકભાઇ, હું તો બસ ધન્યતા અનુભવતો, વાંચતો જ રહી જાઉં છું. અદ્‌ભુત પ્રત્યુત્તર. પ્રતિભાવો પણ મનનિય. મારા સૌ મિત્રોને વાંચવા મળે તે હેતુથી આ લેખમાળાની લિંક (feeder) મારા બ્લોગે, આપની મંજૂરીની અપેક્ષાએ મુકું છું. આભાર.

  1. અશોકભાઈ,
   રૂબરૂ મળ્યા વિના જ માત્ર બ્લૉગ પર કોમેન્ટો લખીને હું કેટલાયે મિત્રોને મારી નજીક અનુભવું છું. કોઈ શરતચૂકથી રહી જાય એવી બીકે નામો નથી લખતો. આ કારણે તમે તમારા બ્લૉગ પર feeder મૂકો એના માટે તમારે મંજૂરી માનીને જ ચાલવાનું હોય! મિત્રોની સૂચીમાંથી રદ કર્યાની ફીલિંગ તમને ન થાય તે શરતે આભાર માનું છું.

 8. શ્રી દિપકભાઇ,

  ઉત્તમ પ્રયાસ. સરસ લેખમાળા.

  મને આપના લેખ સબસ્ક્રાઇબ કરવા છતાં મેઇલમાં મળતા નથી. આજે ફરી સબસ્ક્રાઇબ કર્યું છે.

 9. તમારા ગાંધીને મળવાથી મને સાવ નવા અને અદભૂત ગાંધીને મળવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું, આભાર દિપકભાઈ.

 10. If this is really a letter, then you are kind to Leliweld in your style of writing. As you say, he knows the truth but wants to titillate readers. Perhaps Gay thing is a new topic getting attention and he wants to use it for better sale. He is working for better ‘TRP’. But you have NOT said that.

  There may be a cultural divide also. A witticism with ‘upama alankar’ as used by Gandhiji may be beyond them to understand.
  -Paresh vaidya

  1. તમારૂં તારણ સાચું છે,પણ કઠોર શબ્દો વાપરવામાં આપણે પોતે જ ‘ઓવરસ્ટેટમેન્ટ’ના અપરાધી બની જઈએ. માત્ર રજૂઆતના આધારે મિત્રો પોતાનાં તારણો કાઢે એ જરૂરી છે.
   આમ છતાં પુસ્તક પર પ્રતિબંધ મૂકવા કરતાં લેખક સાથે આર્ગ્યૂમેન્ટ કરવાનો રસ્તો યોગ્ય જણાય છે, ખાસ કરીને આ પુસ્તક ગુજરાતની બહાર, કોઈ પણ બુક-સ્ટોરમાં અને ઑનલાઇન મળી શકે છે એટલે પ્રતિબંધ અર્થ વગરનો બની રહે છે. પ્રતિબંધ તો આપણા સમાજમાં ઘણી વાતો પર છે, જેનો આપણે જાહેરમાં ઉલ્લેખ નથી કરતા પરંતુ એનું અસ્તિત્વ સ્વીકારી લેતા હોઈએ છીએ. આ પુસ્તક પર પ્રતિબધનો અર્થ પણ એવો જ થાય છે કે “વાત સાચી છે, પણ આપણે નહીં બોલીએ…” આ સાચો રિસ્પૉન્સ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: