Great Soul: Mahatma Gandhi(3)

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૩)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
આ પહેલાં મેં તમને બે પત્રો લખ્યા છે; આશા છે કે મળી ગયા હશે. તમારો જવાબ નથી એ નવાઈની વાત છે. મને લાગે છે કે

આખી પત્રમાળા પૂરી થઈ જાય તે પછી તમારા ઉત્તરની આશા રાખવી જોઈએ. અસ્તુ.

આજે હું તમારા પુસ્તકના ત્રીજા પ્રકરણ Among Zulus વિશે ચર્ચા કરીશ. એક મિનિટ! તમે કદાચ ચોથા પ્રકરણ Upper House

પરના મારા પ્રતિભાવ જાણવા વધારે આતુર છો, કારણ કે એમાં તમે ગાંધીજી અને કૅલનબૅકના સંબંધોનું નિરૂપણ કર્યું છે. તમારા પુસ્તક પર

ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો એનું એક કારણ આ ચોથું પ્રકરણ જ છે અને તમને આ બાબતમાં વધારે રસ હોય એ હું સમજી શકું છું. પરંતુ, હું

પહેલાં જ કહી ચૂક્યો છું કે હું ક્રમ નહીં તોડું. એટલે તમારે આવતા અઠવાડિયે ફરી આ બ્લૉગ પર આવવું પડશે. આજે તો માત્ર ત્રીજા

પ્રકરણની વાત કરીશ.

આમ તો આ પ્રકરણ નાનું છે અને ઇતિહાસની નજરે એમાંથી આછીપાતળી માહિતી જ મળે છે, પણ વલણ તો એ જ છે. ગાંધીની

વાત ન માનવી; એની વિરુદ્ધ બની શકે એટલા પુરાવા રજૂ કરવા અને છેવટે, ગાંધી વિશે દુનિયા જે તારણો પર પહોંચી છે તે જ તારણો પર

પહોંચવું. તમારા આ નકારાત્મક વલણ છતાં મેં આ પ્રકરણ પણ રસપૂર્વક વાંચ્યું છે.

ગાંધીજીએ, (ખરેખર તો બૅરિસ્ટર મોહનદાસ ગાંધીએ) દક્ષિણ આફ્રિકામાં પ્રજાકીય કાર્યો શરૂ કર્યાં ત્યારે એમનું ધ્યાન માત્ર

‘સુધરેલા’ હિન્દીઓ પર હતું. એમાં ગિરમીટિયાઓ પણ પાછળથી પ્રવેશ્યા (આ બાબતની આપણે આ પહેલાંના પત્રમાં છણાવટ કરી છે).

આફ્રિકી પ્રજા એટલે કે મૂળ કાળા લોકો માટે ગાંધીજી કઈં વિચારે એ શક્ય પણ નહોતું. આનાં ઘણાં કારણો છે, અને તમે પણ એ જાણો જ છો.

પરંતુ, હમણાં એની ચર્ચા મુલતવી રાખીએ.

દક્ષિણ આફ્રિકા પર કબજો કરી બેઠેલા ગોરા -આફ્રિકાન (મૂળ ડચ) અને બ્રિટિશરો આફ્રિકીઓને ‘કાફર’ કહેતા. આ શબ્દ મૂળ

અરબીનો છે અને ઈશ્વરમાં ન માનતો હોય તેના માટે કુરાનમાં એનો પ્રયોગ થયો છે. પરંતુ, દક્ષિણ આફ્રિકામાં ગોરાઓએ એમાં ઘ્ણા નવા

અર્થો જોડ્યા હતા. જે કઈં હલકી કક્ષાનું હોય તે કાફર. પછી એ ધાન્ય હોય કે માણસ. ઝુલુ વિદ્રોહ પહેલાંનાં ગાંધીજીનાં કેટલાંયે લખાણો

ટાંકીને તમે દેખાડ્યું છે કે ગાંધીજી પણ એમના માટે ‘કાફર’ શબ્દ જ વાપરે છે. વળી, તેઓ એમને ‘savage’ એટલે કે ‘જંગલી જાનવર’ની

બરાબર પણ માને છે.

૧૯૦૮માં ગાંધીજી પહેલી વાર જેલ ગયા તે વખતનો એમનો અનુભવ લખે છે કે “અમને કાફરો માટેની જેલમાં લઈ ગયા. એ

બધા અપરાધીઓ હતા. ગોરાઓ સાથે ન રાખે તે તો સમજાય એવું હતું પણ કાફરો સાથે રાખવા એ અસહ્ય હતું…” ગાંધીજીની બૅરૅકમાં પણ

કાફરો જ હતા અને એમને કશી શરમ નહોતી. એક માણસે એમની સામે અભદ્ર ઇશારા કર્યા અને પછી બીજા એક કેદીની પથારીમાં એ ચાલ્યો

ગયો અને બન્નેએ પોતાનાં જનનાંગો દેખાડ્યાં. ગાંધીજી આ પછી આખી રાત ન સૂઈ શક્યા. એક વાર એ સંડાસ જતા હતા ત્યારે એક મસમોટો

કાળો આવ્યો અને એમને હટી જવા કહ્યું પણ ગાંધીજીએ કહ્યું કે એમને બહુ વાર નહીં લાગે. પેલો શાનો માને? એણે ગાંધીજીને ઊંચકીને દૂર

ફેંકી દીધા!

ગાંધીજીના મિત્ર અને બાયોગ્રાફર મિ. ડૉક એમને જેલમાં મળ્યા ત્યારે ગાંધીજીએ એમને આ વાત કરી. ડૉક તો હરોરી ગયા.પરંતુ

તમે કહો છો કે ગાંધીજી પોતે આ વાત કરે છે ત્યારે એવી રીતે કે જાણે એમને કઈં અસર જ ન થઈ હોય અને બહુ ધૈર્યથી

એમણે આ બધું સહન કર્યું હોય! તમારૂં કહેવું છે કે ગાંધીને આખા બનાવ તરફનો પોતાનો પ્રત્યાઘાત સમજીવિચારીને આપવાનો સમય મળી

ગયો હતો. તમે ખરેખર ગાંધીજીનાં લખાણો વાંચો તો સમજાશે કે એમાં અંગત ભાવનાઓ- Emotions – ને સ્થાન નથી.Understatement,

એટલે કે, હોય તેનાથી ઓછું કરીને કહેવું, એમની ખાસિયત હતી. એમની આત્મકથા વાંચશો તો એમ જ લાગશે કે આ આપણે ગાંધીજીએ

લખેલું વાંચીએ છીએ? જાણે કોઈ મારા-તમારા જેવાએ કોઈ નાની વાત લખી નાખી હોય! આવાં બીજાં દૃષ્ટાંતો દ્વારા તમે આફ્રિકીઓ પ્રત્યે

શરૂઆતમાં ગાંધીજીને સૂગ હતી એવું દેખાડ્યું છે.

ઝુલુ વિદ્રોહ શા માટે થયો? ગોરી હકુમતે મૂળ નિવાસીઓ પર માથાવેરો નાખ્યો. આ વેરો ન ભરનારને આકરી સજાની જોગવાઈ

હતી. એની જમીન પણ જપ્ત કરી લેવાની હતી. ઝુલુઓએ આનો સખત વિરોધ કર્યો. એકઠા થયેલા ઝુલુઓ પાસે ભાલા (અસેગાઇ) હતા.

એમને હટાવવા માટે એક પોલીસ અધિકારીએ રિવૉલ્વર કાઢી. પણ એ કઈં કરી શકે તે પહેલાં ઝુલુઓ ત્રાટક્યા અને બે ઑફિસર માર્યા

ગયા.આ પછી સરકારના જુલમો વધી ગયા.

એનો બદલો લેવા ઝુલુઓના એક ચીફ ભમ્બાતાએ દોઢેકસો માણસ એકઠા કર્યા અને પહાડો પર લઈ ગયો. એમને પકડવા હજારેકનું દળકટક ગયું. એમણે ઘરોમાં ઘુસીને લોકોને માર્યા, ઘરબાર સળગાવી નાખ્યાં. તમે લખ્યું છે કે આવા સંયોગોમાં, જે માનસ ભવિષ્યમાં ‘મહાત્મા’તરીકે પંકાવાનો હતો એની આગેવાની હેઠળ હિન્દીઓએ બ્રિટિશ હકુમતને ટેકો આપ્યો. ગાંધીજીએ બોઅર યુદ્ધની જેમ આ વિદ્રોહ વખતે પણ સ્ટ્રેચર સેવા આપી. જો કે પહેલાં એમની સાથે ૧૧૦૦ હિન્દીઓ હતા, જેમાંથી ૮૦૦ ગિરમીટિયા હતા. આ વખતે માત્ર ૧૯ જણે એમને સાથ આપ્યો, એમાં પણ ‘શિક્ષિત; હિન્દીઓ તો માત્ર ચાર હતા!

ગાંધીજીએ આમ કેમ કર્યું? તમે જ કારણ આપો છો! એ વખતે ભારતમાં બ્રિટિશ હકુમત વિરુદ્ધ ગાંધીજીના મનમાં સારી ભાવના

હતી. એમની દલીલ હતી કે દક્ષિણ આફ્રિકા અને ભારત, બન્ને અંગ્રેજોની વસાહતો હતી. એક વસાહતમા લોકો બીજી વસાહતમાં જઈને કામ

કરતા હોય તો એમને પૂરા અધિકાર મળવા જોઈએ, જે હિન્દીઓને નહોતા મળ્યા. આમ એ વખતે એમની લડાઈ બ્રિટિશ હકુમત સામે નહીં,

એની અંદર જ હતી. એમનો ખ્યાલ હતો કે આફ્રિકીઓ અને હિન્દીઓના પ્રશ્નો એકસરખા નહોતા. એમના પ્રયાસ હતા કે બ્રિટીશ હકુમતને

વફાદાર રહીને જ અધિકારો હાંસલ કરી શકાય. હિન્દીઓને બ્રિટિશ નાગરિક તરીકે ગણવાની એમની માંગ હતી, જ્યારે ગોરી હકુમત

ચામડીના રંગના આધારે વર્ગીકરણ કરવા માગતી હતી. બ્રિટિશ નાગરિક માને તો સમાન અધિકારો આપવા પડે. લેલિવેલ્ડભાઈ, તમે જ

કહો છો કે ગાંધીને મન નક્કર લાભ કરતાં સિદ્ધાંત સ્થપાય એ મોટી વાત હતી. એમની માંગ હતી કે દક્ષિણ આફ્રિકામાં મજૂરો સિવાયના

હિન્દીઓને પ્રવેશ ન આપવાનો કાયદો રદ કરવો જોઈએ અને કઈં નહીં તો માત્ર છ શિક્ષિત હિન્દીઓને દર વર્ષે આવવા દેવા જોઈએ. આમાં

એક ચીલો પડતો હતો. લેલિવેલ્ડભાઈ, તમે ગમે તે કહો, ગોરાઓ આ વાત માનવા પણ તૈયાર ન થયા! કારણ કે ચીલો પડતો હતો! સમજ્યા

ને, ગાંધી મૂરખ નહોતો અને ટૂંકા ગાળાના સોદા નહોતો કરતો. તમને ભલે ને આ વાતમાં એમનું કાનૂ્નબાજ ભેજું દેખાયું હોય!

ગાંધીજીએ સ્ટ્રેચર સેવા દરમિયાન જોયું કે ઘાયલોમાં ઝુલુઓની સંખ્યા બહુ મોટી છે અને ગોળી વાગવાથી ઘાયલ થયા

હોય તેના કરતાં કોરડા કે બીજાં હથિયારોથી ઘાયલ થયા હોય એમની સંખ્યા અનેકગણી મોટી હતી. આમ. એમને એ વખતે ઝુલુઓ પર

બ્રિટિશ હકુમતે કરેલા અત્યાચારો જાતે જોવા મળ્યા. ગાંધીજીને ઝુલુઓની માંગમાં પણ વજૂદ દેખાયું. એમનો દેશ, એમની જમીન, અને હકુમત એમની જમીન ખૂંચવી લેવાના કાયદા બનાવે! અને તમે કહો છો તેમ એમણે ઘણાં વર્ષો પછી કબૂલ્યું કે “મારૂં હૃદય ઝુલુઓ સાથે હતું”

મે ૧૯૦૮માં ગાંધીજીને YMCA (યંગ મેન ક્રિશ્ચ્યન એસોસિએશન) તરફથી યોજાયેલી ચર્ચાસભામાં બોલવાનું હતું વિષય હતોઃ “શું એશિયનો અને ક્લર્ડ લોકો સામ્રાજ્ય માટે ખતરા સમાન છે?” ગાંધીજીના વિચારો દર્શાવવા હું તમારા જ શબ્દોનો આધાર લઈશ. એમણે કહ્યું:”સુવ્યવસ્થિત સમાજમાં ઉદ્યમી અને બુદ્ધિમાન લોકો કદી ખતરારૂપ ન બની શકે.” તે પછી તમે કહો છો કે ” તે પછી તરત જ તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ આફ્રિકનો અને હિન્દીઓ, બન્ને માટે બોલે છે…” આફ્રિકનો વિનાના આફ્રિકાની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે” (ગાંધીજી). તમે કહો છો કે પહેલી વાર “અસભ્ય કાફર’ એમના ભાષણમાં નથી આવતો અને તેઓ એમને “સશક્ત અને બુદ્ધિમાન” ગણાવે છે. ગાંધીજી કહે છેઃ “એમને ન્યાયનો અધિકાર છે”. ગાંધીજી કહે છે કે “આ રાજકીય અધિકારોની વાત નથી, સવાલ જમીનની માલિકીનો છે, “ઈશ્વરે બનાવેલી આ ધરતી પર દક્ષિણ આફ્રિકામાં સ્વાધીનતા, સ્વમાન અને માણસને શોભે એવું જીવન જીવવામાં એમની સામે કોઈ પ્રતિબંધ નથી.” રાજકીય અધિકારોની વાત ન હોવા છતાં, તમે નોંધો છો કે પહેલી વાર એમણે આ ભાષણમાં “સ્વતંત્ર સંસ્થાઓ”, “સ્વશાસન” વગેરે અવધારણાઓનો આફ્રિકીઓના સંદર્ભમાં પ્રયોગ કર્યો. આગળ જતાં આ અવધારણાઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ સ્થાયિત્વ પામી!

તમારો ખરેખર તો આભાર માનવો જોઇએ કે દક્ષિણ આફ્રિકાની સ્થિતિ જોઈને ગાંધીજીના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું તેના તરફ ધ્યાન દોર્યું છે. એમનું સપનું હતું વિવિધ જાતિઓનો એ દેશ “મેઘધનુષી રાષ્ટ્ર” બને. અને આજનું દક્ષિણ આફ્રિકા એ જ ધ્યેયને સામે રાખીને કામ કરે છે! આ છે ગાંધી, જે આગળ જતાં મહાત્મા બને છે!

આમ છતાં, તમે કહો છો કે એમને જેલમાં આફ્રિકીઓના અનુભવ થયા, તે સિવાય જેલની બહાર આફ્રિકીઓ સાથેના એમના સંબંધો નજીવા રહ્યા. માત્ર ત્રણ આફ્રિકીઓ સાથે એમનો સંપર્ક હતો. એમાંથી બે આઇઝેક અને જૅકબ તો ટ્લ્સટોય ફાર્મમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. ત્રીજું નામ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મહત્વનું છે, અને એ ગાંધીજીના આશ્રમની નજીક જ રહેતા હતા. એ હતા,જ્હૉન લંગાલિબલેલે ડૂબે. એ ભણેલાગણેલા ખ્રિસ્તી ઝુલુ હતા. ૧૯૦૦ની સાલમાં એમને ગાંધીજીની નાતાલ ઇંડિયન કોંગ્રેસને આદર્શ માનીને નાતાલ નૅટિવ કોંગ્રેસની સ્થાપના કરી હતી. તે પછી આ સંગઠનનું નામ સાઉથ આફ્રિકન નૅટિવ કોંગ્રેસ થયું અને છેવટે એનું જ રંગભેદી શાસન સામે સંઘર્ષ કરનાર આજના શાસક પક્ષ આફ્રિકન નૅશનલ કોંગ્રેસમાં રૂપાંતર થયું. ગાંધી અને ડૂબે મળ્યા? તમે કહો છો કે બહુ મળતા હોય એવા પુરાવા નથી! એ જ દુઃખ છે, તમારૂં. તમે ડૂબેની ૮૦ વર્ષની પુત્રી લુલૂ ડૂબેને મળ્યા છો અને એ કહે છે કે એ બન્ને મિત્રો હતા. તમે કહો છો કે પુત્રી એ માત્ર આ વાત સાંભળી છે, એ એમની મિત્રતાની સાક્ષી નથી. એનો જન્મ ગાંધીએ દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી સોળ વર્ષે થયો તમે ઈલાબેન ગાંધીને મળ્યા છો. ઈલાબેને તમને કહ્યું કે બન્ને પોતપોતાના લોકોના ગૌરવ માટે ચિંતિત હતા. પણ તમે કહો છો કે ઈલાબેન ફિનિક્સ આશ્રમમાં જ મોટાં થયાં પણ ગાંધીજીની હત્યા થઈ ત્યારે એમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. આમ બે કુટુંબીઓની વાત માનવા તમે તૈયાર નથી!, ભાઈ, દરેક વસ્તુ લિખિત રૂપમાં જ હોવી જોઇએ? આ તો તમારૂં કાનૂનબાજ ભેજું છે! તમે કહો છો કે બન્ને અવારનવાર મળતા હોય એવા પુરાવા નથી મળતા.. તે પછી એ પણ કહો છો કે ડૂબેનું અખબાર થોડા વખત માટે ગાંધીજીના આશ્રમમાં છપાતું. અમારે શું સમજવું? એમ કે, બન્ને મળતા નહોતા પણ સંપર્કમાં હતા! વિચિત્ર વાત છે.

દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં આજે પણ ગાંધી, ડૂબે અને ઇસાઇયા શેન્બેની ત્રિપુટિને આફ્રિકી જાગૃતિના સ્રોત માનવામાં આવે છે. તમે ઇનાન્ડા પ્રાંતની મુલાકાત લીધી ત્યારે તમને ડૂબે અને ગાંધીનાં બૅનર્સ જોઈને લાગ્યું કે આ એકતા પોકળ છે. કારણ? ક્યાંય લખ્યું નથી. માત્ર વ્યવસ્થિત રીતે ઘડી કાઢેલી દંતકથાઓ છે. વાહ, કહેવું પડે!

દક્ષિણ આફ્રિકાની વાત આવે અને નેલસન મંડેલાનું નામ ન આવે તે બને જ નહીં. મંડેલા ઇણ્ડિયનોનો સત્યાગ્રહ જોઈને પ્રભાવિત થયા હતા. મણીલાલ ગાંધીને પણ મળ્યા હતા. સમગ્ર જનતાને સાંકળી લેવાના ગાંધી-આદર્શનો એમને સ્વીકાર કર્યો. પરંતુ આંદોલન હંમેશાં અહિંસક જ હોવું જોઇએ એ માનવા તૈયાર નહોતા. એમને તે પછી આફ્રિકન નૅશનલ કોંગ્રેસની સશસ્ત્ર પાંખ પણ બનાવી. પરંતુ, ૨૭ વર્ષના કારાવાસ પછી બહાર આવ્યા ત્યારે એમણે ગોરાઓ પ્રત્યે દ્વેષ ન ફેલાવ્યો અને એ જ મેઘધનુષી રાષ્ટ્રના નિર્માણ માટે હાકલ કરી. તમે પણ પ્રકરણનું સમાપન કરતાં કબૂલ કરો છો કે મંડેલા સાધન અને સાધ્યની બાબતમાં ગાંધીજી જેટલા ચુસ્ત નહોતા તેમ છતાં ગાંધીજીએ જે દેશને થોડા વખત માટે પોતાનો માન્યો, તેના એ જનક હતા એવું નેલસન મંડેલાએ પોતે જ સ્વીકાર્યુ છે અને ગાંધીને આવું સર્ટીફિકેટ આપવાની યોગ્યતા મંડેલાથી વધારે બીજા કોઈમાં નથી!

ચાલો, મઝા આવી. આવતા અઠવાડિયે ‘અપર હાઉસ’. ત્યાં સુધી રજા લઉં.

તમારા ક્ષેમકુશળ ઇચ્છું છું.

લિખિતંગ
દીપક ધોળકિયા

5 thoughts on “Great Soul: Mahatma Gandhi(3)”

  1. આમ તો આ એક જાતનો પત્ર-વ્યવહાર છે. જો કે ખુલ્લો પત્રવ્યવહાર છે તેથી વાંચીએ છીએ. વળી એક તરફ તો આખે આખુ વિવાદાસ્પદ પુસ્તક છે અને તેના દરેક પ્રકરણનો આપ પત્ર રૂપે જવાબ આપો છો – તેનાથી મુળ પુસ્તક વિશે અને તે અંગેની લેખકશ્રીની રજૂઆતો તથા તેમની સામે આપના અભીપ્રાયો માણવાની મજા પડે છે.

    વાચક તરીકે આમ તો અમારે સાક્ષીભાવે આ સમગ્ર લેખમાળાને અવલોકવાની છે – અને અવલોકનની આ પ્રક્રીયા ઘણી રસપ્રદ છે.

    આવતા અઠવાડીયાના રસપ્રદ પ્રકરણ અને આપના પ્રત્યુત્તરની રાહમાં…

  2. દીપકભાઈ, તમે લેલિવેલ્ડભાઈના આ પુસ્તકની ઝીણવટપૂર્વક કરેલી છણાવટથી, ફક્ત પ્રથમ ત્રણ જ અધ્યાય પરની તમારી ટિકા-ટિપ્પણ વાંચ્યા પછી લાગે છે કે આ ભાઈ ખરેખર કોઈક માનસિક ક્ષતિથી પિડાતા હશે. તેમનું લેખન સંપૂર્ણપણે નહી તો આંશિકરીતે તો પૂર્વાગ્રહયુક્ત જ જણાય છે. જે ભાઈ પોતે કબુલ કર્યા છતાં નકારી કાઢતા હોય અને પોતે જ એક ફકરામાં શું લખ્યું છે તે તેમને યાદ ના રહેતું હોય, અથવા અમુક જગ્યાએ તમે ટાંક્યું છે તેમ કશુંક લખી નાંખ્યા પછી આગળના પરિચ્છેદમાં ભૂલી જતાં હોય કે પૂર્વે તેઓ શું કહી ચુક્યાં છે તે વ્યક્તિની માનસિક સ્થિતીનો આપણે શું ક્યાસ કાઢવો?

    તમે આગલા પત્ર માટેની લેલિવેલ્ડભાઈની ઉત્કંઠા આ પત્રની શરૂઆતમાં જ વધારી દીધી છે, અને ખાસકરીને તે કારણે અમારી પણ ઉત્કંઠા વધુ તિવ્ર રહી છે. આપના આગલા પત્રની રાહમાં,

    આપનો અદનો વાચક…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: