Great Soul: Mahatma Gandhi

Great Soul: Mahatma Gandhi and His Struggle with India
જોસેફ લેલિવેલ્ડને પત્ર (૨)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
આજે હું તમારા પુસ્તકના બીજા પ્રકરણ No Touchism (અસ્પૃશ્યતા) વિશે ચર્ચા કરીશ. આ પ્રકરણમાં તમે એ કહેવા માગો છો કે અસ્પૄશ્યતા સહિતના સામાજિક પ્રશ્નોમાં ગાંધીજીના વિચારોમાં દક્ષિણ આફ્રિકામાં થયેલા અનુભવોએ શો ભાગ ભજવ્યો. પ્રકરણને મથાળે તમે વી.એસ. નયપોલના પુસ્તક The Area of darkness (પ્રકાશન ૧૯૬૪)માંથી ગાંધીજી વિશેનું એક વાક્ય મૂક્યું છેઃ “…the least Indian of Indian leaders” (બધા હિન્દુસ્તાની નેતાઓમાં સૌથી ઓછા હિન્દુસ્તાની). આ સાથે પ્રકરણની શરૂઆત કરતાં તમે નહેરુએ ગાંધીજી વિશે કરેલું વિધાન પણ ટાંક્યું છે. નહેરૂ એમને ગામડામાં વસતા ભારતની પ્રકટ અને અપ્રકટ ઇચ્છાના ‘સર્વશ્રેષ્ઠ સ્વર’ સમાન ગણાવે છે. તમે ૧૯૬૬માં ભારતમાં નિમાયા ત્યારે જે ભારત જોયું તેમાંથી તમારા મનમાં પ્રશ્ન ઊઠ્યો કે એક માણસ જે “સૌથી ઓછો હિન્દુસ્તાની” હોય એ હિન્દુસ્તાનનો “સર્વશ્રેષ્ઠ સ્વર” કેમ બની શકે?

હું સમજી શકું છું કે તમે અહીં આ બન્ને અભિપ્રાયોનો સમન્વય કરવા માગો છો. નયપોલ અને નહેરુ એક જ ગાંધીને જુદા જુદા દૄષ્ટિકોણથી જૂએ છે. નયપોલ ભારતીય સમાજની કુરીતિઓ, સામાજિક ઊંચનીચ અને ભારતીય નેતાઓની એના પ્રત્યે ઉદાસીનતાના સંદર્ભમાં ગાંધીને મૂલવે છે. ગાંધીજી સમગ્ર જનતા અને એના નેતાઓથી અલગ પ્રકારના વિચારો લઈને આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા અને મૂળ તો એક વિદેશી નજરે ભારતની ત્રુટિઓને જોતા હતા. નયપોલના વિધાનમાં એ જ જનતાની સામાજિક કે રાજકીય આકાંક્ષાઓની ઝલક મળતી નથી. બીજી બાજુ નહેરુ, સામાજિક કુરીતિઓ અને ઊંચનીચનો ભોગ બનેલી જનતાની આકાંક્ષાઓ પર ભાર મૂકે છે. શોષિત જનતા ગાંધી સાથે રાજકીય લડાઈ માટે પણ જોડાઇ કારણ કે ગાંધીજીએ સામાજિક ઉત્થાન પર પણ ભાર મૂક્યો.

નયપોલનો અભિપ્રાય તમારા પુસ્તકના ટાઇટલમાં પણ દેખાય છે. પુસ્તકના નામમાં struggle for India નથી, struggle with India છે. તમે એ વાત પર ભાર મૂકો છો કે જે માણસે હિન્દુસ્તાનની મુક્તિ માટે સંઘર્ષ કર્યો તે સતત ભારતીય સમાજની કુરીતિઓ સામે પણ લડતો રહ્યો કારણ કે એનો દૃષ્ટિકોણ ભારતમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી ગ્રસ્ત નહોતો. તમે અસ્પૃશ્યતા, જાતિપ્રથા વગેરેની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે તેનું અહીં પુનરાવર્તન નથી કરતો કારણ કે અમને ભારતમાં આ બધું જાણવા માટે નયપોલની જરૂર નથી.

પરંતુ, ગાંધીના વિકાસમાં તમે જે તબક્કા સૂચવ્યા છે તેની નોંધ લીધા વિના ચાલે નહીં. આમાં તમારો ઇરાદો શુદ્ધ હોવા છતાં તમે કેટલીક અતિશયોક્તિ પણ કરી છે. દાખલા તરીકે, તમે ગાંધીજી લંડન જવાના હતા તેને લગતા ઘટનાક્રમનો ઉલ્લેખ કરો છો. મોઢ વાણિયા મહાજને આ નિર્ણય સામે વાંધો લીધો, પરંતુ ગાંધીજી અડગ રહ્યા. આમ છતાં નાતને સંતોષ થાય તે માટે માતાને માંસ, મદિરા અને સ્ત્રીથી દૂર રહેવાનું વચન પણ આપ્યું. તમે કહો છો કે એમણે નાતના વડીલોની અવગણના તો કરી, પરંતુ હજી નાત વિરુદ્ધ ખુલ્લા બળવા માટે તૈયાર નહોતા. આ સાચી વાત છે, પરંતુ ઓગણીસ વર્ષના છોકરામાં વિદ્રોહનાં તત્વો હોય તો પણ એ જરૂરી નથી કે એ ખરેખર વિદ્રોહ કરે. આમ તમે વધારે પીંજણ કર્યું છે. આ ઘટનાક્રમ પાછળથી વિકસેલા મહાત્માના સંકેત ન આપતો હોય તો એમાં નવાઈ નથી. એ જ રીતે, ગાંધીજી લંડનથી પાછા આવ્યા ત્યારે એમને પ્રાયશ્ચિત કરવા નાશિક લઈ ગયા – અને એ માની ગયા – એ પણ મોટી વાત નથી.

આમ છતાં આ પીંજણનાં કેટલાંક સારાં પરિણામ પણ છે. દાખલા તરીકે, અસ્પૃશ્યતા વિશેના ગાંધીજીના વલણને તમે વધુ વ્યાપક સંદર્ભમાં મૂકી શક્યા છો. જરા વિગતે જોઈએ.

તમે ધ્યાન દોરો છો કે માંડ પચીસનો આ યુવાન બૅરિસ્ટર દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યો પરંતુ એમના વચ્ચેની વાતચીતમાં માણસમાત્ર સમાન હોવા છતાં સામાજિક સુધારા કરતાં આત્માના ઉદ્ધારનો મુદ્દો પ્રમુખસ્થાને હતો. તે પછી ૧૮૯૪માં ગાંધીજીને એમના એક મિત્ર લંડનથી ટૉલ્સટોયનું પુસ્તક War and Peace મોકલે છે. પુસ્તક ઉચ્ચ વર્ગના દંભનો ભંડો ફોડે છે. ટૉલ્સટોય ઇસાઇ વિચારધારા પર કટાક્ષ કરતાં લખે છેઃ “આપણે સૌ ભાઈઓ તો છીએ, પણ મને પગાર મળે છે, તે તને સજા કરવા માટે – અને આ પગાર પર મારૂં જીવન નભે છે. આપણે બધા ભાઈઓ તો છીએ પરંતુ મને કર ઊઘરાવવા માટે પગાર મળે છે અને હું ગરીબ મજૂરો પાસેથી પણ કર ઊઘરાવું છું. એ ન કરૂં તો હું પોતે જ જીવી ન શકું. આપણે સૌ ભાઈઓ તો છીએ પણ મને સ્ટાઇપેન્ડ એટલા માટે મળે છે કે ઇસાઇ ધર્મ ખરેખર જે છે તેને બદલે જૂદી વાત હું ધર્મના નામે તારી સમક્ષ રજૂ કરૂં.” – તમારૂં અનુમાન સાચું છે કે મોહન પર આ વિચારની અસર થઈ હોય. એટલું જ નહીં, ટૉલ્સટોય એમના પુસ્તક What is to be done?માં શિક્ષિતોને અનર્ગળ ઉપભોગવાદનાં દુષ્પરિણામોથી બચવા માટે bread labour અથવા Body labour તરફ વળવા જણાવે છે. “બ્રેડ લેબર” શબ્દને તો ગાંધીજીએ પછી પોતીકો બનાવી લીધો! અહીં ટૉલ્સટોય મહત્વની વાત કરે છેઃ ” આપણી જમાતના લોકો અને મજૂર વર્ગની વિશાળ બહુમતી જાતે સંડાસ સાફ કરવામાં શરમ નહીં અનુભવે, ઉલ્ટું, આપણે પોતે સંડાસ ભરી દઈએ અને બીજા કોઈ, આપણા જ ભાઈઓ, એમાંનો મળ બીજે લઈ જાય અને સાફ કરે એ વાતથી શરમ અનુભવશે ત્યારે જ” ઈશ્વરના કાયદાનું પાલન થશે.

ટૉલ્સટોયના “આપણે ભાઈઓ તો છીએ, પરંતુ…” વ્યંગની અને સંડાસ સાફ કરવાના આગ્રહની અસર ગાંધીજી પર સ્પષ્ટ દેખાય છે. લેલિવેલ્ડભાઈ, આ સંદર્ભમાં તમે સંડાસ સાફ કરવાની બાબતમાં મોહનદાસ ગાંધીએ પોતાની પત્ની કસ્તૂરબા સાથે જે દુર્વ્યવહાર કર્યો તે પ્રસંગ ટાંક્યો છે. ૧૯૦૧માં ગાંધીજીને કલકતા કોંગ્રેસમાં ભાગ લેવાની તક મળી. એમણે દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની સ્થિતિ વિશે પાંચ મિનિટ બોલવાનું હતું . કોંગ્રેસના નેતાઓની નજરમાં આ માણસ જરા પણ મહત્વનો નહોતો. માત્ર એને પરદેશમાં જે કર્યું તેને કારણે એની બાબતમાં કૌતુક જરૂર હતું, પરંતુ કોંગ્રેસની કાર્યવાહીમાં એમની રજૂઆતનું મૂલ્ય ઉપકથા કરતાં વધારે નહોતું. આમ છતાં ગાંધીજીએ જે જોયું તેનું વર્ણન એમણે પોતે જ કર્યું છે. સૌથી પહેલાં તો એમનું ધ્યાન સંડાસો તરફ ગયું. તમારા શબ્દો વાપરીને હું તો કહીશ કે આ એમની “ભારત સાથેના સંઘર્ષ”ની શરૂઆત હતી. ગાંધીજીએ વોલંટિયરોને સંડાસોની સ્થિતિ વિશે કહ્યું તો એમણે કહ્યું કે એ સાફ કરવાનું કામ એમનું નહીં! ક્યાંકથી ગાંધીજી ઝાડુ શોધી લાવ્યા અને સાફ કરવા લાગ્યા. ગાંધીજી લખે છે કે આ સન્માનમાં એમની સાથે ભાગ પડાવવા કૉઇ તૈયાર નહોતું!

માત્ર સંડાસ સંબંધી વલણમાં જ નહીં, ભવિષ્યના આ મહાત્માએ કોંગ્રેસ ડેલિગેટો વચ્ચે પણ અસ્પૃશ્યતાની વ્યવસ્થા જાલવી રાખવાના સુવ્યવસ્થિત પ્રયાસ જોયા. ગાંધીજી કહે છે કે દક્ષિણ ભારતથી આવેલા બ્રાહ્મણ ડેલિગેટો માટે જુદું રસોડું અને ભોજન ખંડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી એમના ભોજન પર અછૂતોની નજર પણ ન પડે. રસોડા ફરતી દીવાલ પણ બનાવી દેવામાં આવી હતી!

લેલિવેલ્ડભાઈ, ગાંધીજીના જીવનકાર્યમાં આ બન્ને બાબતો હંમેશાં મહત્વની રહી. આમાં દક્ષિણ આફ્રિકાની અસર શી? તમારી દલીલ જોઇએ. તમે એક સારા વકીલ જેમ કેસ ઊભો કર્યો છે, પણ અમને તો ગાંધીના જીવનની યાત્રા કરવી જ છે, એટલે તમારી સાથે ચાલવામાં અમને આનંદ આવશે.

તમે કહો છો કે શરૂઆતમાં એમનું ધ્યાન માત્ર સ્વાધીન હિન્દીઓ પર હતું; ગિરમીટિયાઓનાં સુખદુઃખ સાથે એમને કશી લેવાદેવા નહોતી. એમનાં લખાણોમાં પણ આ ભેદ તમે દેખાડ્યો છે. ગાંધીજી જ્યારે હિન્દીઓ માટે બ્રિટિશ સંસ્થાનના નાગરિક તરીકે સમાન અધિકારોની માગણી કરતા હતા, ત્યારે The Critic અખબારે સવાલ કર્યો કે હિન્દીઓ પોતાની અંદર જ સમાન અધિકારો આપવા તૈયાર નથી, તો એમને આવા અધિકાર માગવાનો શો હક છે. ગાંધીજી માટે આ સવાલ મહત્વનો હતો અને તમે ગાંધીજીના સેક્રેટરી પ્યારેલાલને ટાંકીને જણાવો છો કે આ સવાલ એમના હૃદયમાં શૂળ બનીને ભોંકાયો અને એમણે હવે માત્ર સુધરેલા હિન્દી સમાજના અધિકારોની વાતને બદલે ગિરમીટિયાઓને પણ સામેલ કર્યા. દક્ષિણ આફ્રિકાના ગિરમીટિયા અને સભ્ય હિન્દીઓ અહીં હિન્દુસ્તાનની ધરતી પર અછૂતો અને સવર્ણ હિન્દુ. આમ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવોએ એમના વિચારોને ભારતની સ્થિતિ પર વિચાર કરવા પણ પ્રેર્યા.

નાતાલ ઇંડિયન કોંગ્રેસનું બંધારણ ગાંધીજીએ તૈયાર કર્યું તેમાં સાત ઉદ્દેશો પૈકી બે, ગિરમીટિયાઓની સ્થિતિનો અભ્યાસ કરીને એમાં સુધારા માટે કાર્ય કરવાના હતા. ટૉલ્સટોયના “આપણે સૌ ભાઈ”વાળા કટાક્ષે આમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જો કે તમારો ઊંડો અભ્યાસ જણાવે છે કે આ દિશામાં છેક છેલ્લે સુધી બહુ કામ ન થયું પણ ગાંધીજીના મગજમાં શરૂઆતથી જ આ મુદ્દો હતો.

હવે તમારી અવળવાણીની પણ વાત વચ્ચેથી કરી લઈએ, તે પછી ગિરમીટિયાઓ વિશે ગાંધીજીના બદલાયેલા દૃષ્ટિબિંદુ પર પાછા આવીશું. મેં પહેલાં જ કહ્યું છે કે તમે ગાંધીજીના શબ્દોની આકરી પરીક્ષા કરો છો અને મોટા ભાગે તો એમાંથી કઈંક ખામી શોધી કાઢો છો. પરંતુ, બીજા કોઈના શબ્દોને મહત્વ આપો છો. દાખલા તરીકે ગાંધીજીએ ૧૮૯૪ના મે મહિનામાં દેશ પાછા ફરવાની તૈયારી કરી લીધી હતી. એમને વિદાય આપવા માટે સમારંભ યોજાયો હતો. તેમાં એમની નજર એક અખબારી અહેવાલ પર પડી. એમાં નાતાલના હિન્દીઓના મતાધિકાર રદ કરવા માટેના બિલ પર થયેલી કાર્યવાહીના સમાચાર હતા. એમણે મીટિંગમાં હાજર રહેલા લોકોનું ધ્યાન એ તરફ દોર્યું. બધા અકળાઈ ગયા અને એમને પાછા આવવા કહ્યું. આ છે ગાંધીજીનું પોતાનું અર્થઘટન. બીજી બાજુ, ગાંધીજીના અભ્યાસી અને આદરપાત્ર લેખક ટી.કે. મહાદેવન લખે છે કે બિલ ઘણા વખતથી ચર્ચામાં હતું, આ મુદ્દો ઊભો કરવાનું કારણ એ કે માત્ર ગાંધીજી ત્યાં જ રહીને પોતાની વકીલાત જમાવવા માગતા હતાઃ ભારતમાં તો એમના માટે અનિશ્ચિતતા જ હતી. મહાદેવનજી પણ ગાંધીની આસપાસના આધ્યાત્મિક રહસ્યોનાં જાળાં ભેદવા હંમેશાં પ્રયત્ન કરતા રહ્યા. લેલિવેલ્ડભાઈ, તમે એમનું અર્થઘટન તરત માની લો છો પરંતુ આ વખતે ગાંધી પ્રત્યે થોડા ઉદાર પણ છો. તમે કહો છો કે માત્ર વકીલાત જમાવવી એ મહત્વાકાંક્ષા જ નહીં, એમાં સાચને પક્ષે રહીને લડવાની ઇચ્છા પણ ભળેલી હતી એમ માનવું “ઉદારતાપૂર્ણ” અને “વધારે સાચું” છે. આ થઈ મે ૧૮૯૪ની વાત – અને તમે પોતે જ કહો છો કે – માત્ર ત્રણ મહિનામાં, ઑગસ્ટ ૧૮૯૪માં ગાંધીજી આ બિલની વિરુદ્ધ ચોપાનિયાં, લેખો, અરજીઓ લખવામાં ભારે વ્યસ્ત થઈ ગયા હતા! આ હકીકત જાણ્યા છતાં તમે મહાદેવનને ટાંક્યા છે. તમારે એમના દાવાને ચોખ્ખા શબ્દોમાં નિરાધાર ગણાવવો જોઇતો હતો. પરંતુ, તમે તો ‘સત્યના પ્રયોગો’ને પાછળથી વ્યવસ્થિત રૂપે તર્કને અનુકૂળ બને એ રીતે અને એમાંથી એક ખાસ પ્રકારનું વ્યક્તિત્વ ઉપસે એ ઉદ્દેશથી લખાયેલું પુસ્તક માનો છો!

ખેર! એ જ તો તમારી વૈરલક્ષણા ભક્તિ છે. એ જ રીતે ગિરમીટિયાઓ માટે એમણે કામ કર્યું એ વાત પણ માનવા તમે તૈયાર નથી. ગિરમીટિયાઓ બાબતમાં ગાંધીજીના વિચારોમાં પરિવર્તન આવ્યું તેના માટે ગાંધીજી એક મજુર બાલાસુંદરમનું ઉદાહરણ આપે છે. એ માણસ ગાંધીજીની ઑફિસમાં આવ્યો ત્યારે જખમી હતો. મોઢામાંથી લોહી નીકળતું હતું અને બે દાંત તૂટી ગયા હતા. ગાંધીજી કહે છે કે એમણે એને સારવાર માટે મોકલ્યો અને મૅજિસ્ટ્રેટ પાસે લઈ ગયા. તમે આ વાતને ખોટી માનો છો.. તમારૂં કહેવું છે કે બાલાસુંદરમ લોકલ અધિકારીને મળી આવ્યો હતો અને સારવાર લેવા જાતે જ ગયો હતો! તમારૂં કહેવું છે કે ગાંધીજીએ આ બનાવ પછી ત્રીસ વર્ષે આત્મકથા લખી. તેમ છતાં એમના પર પુસ્તકો લખનારાએ એ વખતના બીજા દસ્તાવેજી આધારોને ધ્યાનમાં નથી લીધા. કયા દસ્તાવેજમાં એમ કહ્યું હોય કે એ માણસને ગાંધીએ મોકલ્યો હતો અથવા નહોતો મોકલ્યો? અને બીજા દસ્તાવેજ સાચા જ હોય અને ગાંધી માત્ર પોતાની છાપ ઊભી કરવા લખે છે એવો તમારો દાવો પણ કેમ માની લેવાય? વળી, આ બનાવ પછી બધા ગિરમીટિયા ગાંધીજી પાસે આવતા થયા એવા શ્રી નગીનદાસ સંઘવીના કથનને પણ તમે ફગાવી દો છો. તમે કહો છો કે ગાંધીજીએ બાલાસુંદરમ સિવાય બીજા કોઈ પ્રસંગોનું વર્ણન નથી કર્યું! રંગ છે, તમારી તર્કશક્તિને!

આમ છતાં, એક મઝા આવી જાય એવો પ્રસંગ નોંધ્યા વિના નથી રહી શક્તો. તમે લખો છો કે ૨૬મી ઑક્ટોબર ૧૮૯૫ના રોજ ગાંધીજી પહેલી વાર ગિરમીટિયાઓની ઝૂંપડપટીમાં ગયા. તેઓ ફંડ એકઠું કરતા હતા અને માત્ર પાંચ પૌંડ એકઠા કરી શક્યા. તે પછી, બીજા અઠવાડિયે ટોંગાટ એસ્તેતમાં ગયા. ત્યાં એમને મજૂરો સાથે વાત કરવા ન દેવાઈ. એ વખતે ડર્બનના મૅજિસ્ટ્રેટે એક એસ્ટેટ માલિકને ગાંધીનિ હિલચાલ પર નજર રાખવા જણાવ્યું. પેલાએ જવાબ આપ્યો કે “આ માણસ થોડી ગરબડ કરશે એમાં મને શંકા નથી, પરંતુ જબ્બર આંદોલન ચલાવી શકે એમ નથી લાગતું. એનો ચહેરો જ નબળો છે!” આ માણસ ભવિષ્ય જાણતો હોત તો આવું ન કહ્યું હોત.

એકંદરે, તમે ગાંધીના વિકાસના તબક્કાઓ બરાબર સમજાવી શક્યા છો, એ પણ કબૂલ કરવું પડશે. આમાં તમે હિન્દિઓના અધિકારોની વાત કરતાં ગિરમીટિયાઓને પણ સમાન માનવા સુધીની ગાંધી યાત્રા રજૂ કરી અને એ જ અનુભવો અને ટૉલ્સટોયની અસર અસ્પૃશ્યતા વિરુદ્ધના એમના કાર્યક્રમમાં વ્યક્ત થતી હોવાનું દેખાડી શક્યા છો. સમષ્ટિની દિશામાં ગાંધીની આ હરણફાળ હતી.

લેલિવેલ્ડભાઈ, આ પ્રકરણમાં મને ટિપ્પણી કરવા જેવું લાગ્યું તે જ વાતો મેં લખી છે. આ પુસ્તક વાંચીને બીજા કોઈ નવી વાતો પર ભાર આપે એ શક્ય છે જ. ભલે, બહુ થયું આજે. હવે આવતા અઠવાડિયે હું તમારા ત્રીજા પ્રકરણ ‘Among Zulus’ વિશે ચર્ચા કરીશ.

તો ભલે, ફરી આવતા અઠવાડિયે મળીશું ત્યાં સુધી રજા લઉં.

બાકી અહીં સૌ મઝામાં છે.

લિખિતંગ
દીપક ધોળકિયા

3 thoughts on “Great Soul: Mahatma Gandhi”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: