Great Soul: Mahatma Gandhi and His Struggle with India જોસેફ લેલિવેલ્ડને પત્ર (૧)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
તમારૂં પુસ્તક Great Soul: Mahatma Gandhi and His Struggle with India વાંચ્યું . એમાંના કેટલાક ઉલ્લેખોને કારણે તમને સારીએવી પ્રસિદ્ધિ મળી. ગાંધી જેવા વ્યક્તિત્વની ચર્ચા કરવાથી લેખકને અને પબ્લિશરને લાભ થાય જ. એમાં પણ થોડીઘણી વિવાદાસ્પદ વાતનો ફેલાવો થાય, કુતુહલ પેદા થાય એટલે પુસ્તક વેચાય એ મોટો લાભ. (ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પણ આ લાલચમાંથી બચી ન શક્યા એટલે તમને માફ). તમારૂં પુસ્તક મેં પણ આવા જ કુતુહલને કારણે વાંચ્યું. બોલો, માત્ર ક્યાંકથી મેળવીને નથી વાંચ્યું. ખરીદ્‍યું પણ! ખરીદ્‍યા પછી ન વાંચું તો પણ તમારૂં શું જાય? મેં વાંચ્યું એમાં તમારો કઈં વાંક નથી. વાંચ્યું એટલે થયું કે એની ચર્ચા પણ કરવી જોઇએ.

તમારી ટૂંકી ભૂમિકા (Author’s Note) વાંચતાં એક વાત સમજાઈ ગઈ કે ૧૯૬૪-૬૫ સુધી તમને માત્ર ગાંધી નામનો પરિચય હતો. કઈંક જિજ્ઞાસા પણ હતી અને તમે દક્ષિણ આફ્રિકામાં એમનો આશ્રમ જોવા ગયા. તમે કબૂલ પણ કરો છો કે એ વખતે તમે માત્ર રિપોર્ટરની નજરે જોતા હતા; ગાંધી પુસ્તકનો વિષય બની શકે એમ તમને નહોતું લાગ્યું. એ તો તમે ભારતમાં રિપોર્ટર તરીકે આવ્યા અને જે કઈં ‘ન-ગાંધિયું’ જોયું એમાંથી ગાંધીમાં તમને રસ વધ્યો.

ધીમે ધીમે તમને ખબર પણ ન પડે એમ એ માણસ તમારા મન પર છવાઈ જવા લાગ્યો. એ માણસ આજે હયાત ન હોવા છતાં પણ આપણા મન પર છવાઈ જવા લાગે છે. આપણને થાય કે આઇંસ્ટાઇનની વાત સાચી છે કે “આગામી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો કોઈ હાડચામનો માણસ ખરેખર આ પૃથ્વી પર હરતોફરતો હતો.

આમ તમે પણ એના ‘ભક્ત’ તો બની ગયા પણ તમે વેરભાવે ભજો છો. કહે છે કે ભગવાનની પ્રેમભાવે ભક્તિ કરવાથી સાત ભવે મુક્તિ મળે, પણ વેરભાવે ભક્તિ કરવાથી ત્રણ ભવમાં જ કામ થઈ જાય. એટલે તમે ગાંધીના દાવાઓને ગાંધીના શબ્દોમાં નથી સ્વીકારતા. એ જે કહે તેના પર તમને વિશ્વાસ નથી અને બીજા પુરાવા શોધો છો. મોટાભાગે તમને એની વિરુદ્ધના પુરાવા મળે છે. પરંતુ, છેલ્લી સ્થિતિ આ પુરાવાઓની વિરુદ્ધ જતી હોય છે, એનું અચરજ પણ તમને ઓછું નથી. જો કે, તમે એને ‘દંતકથા’ જેવું ગણીને છોડી દો છો. આમ છતાં, જે દંતકથા નથી, જે નર્યું અચરજ છે તે પ્રેમલક્ષણા ભક્તિમાં અને વૈરલક્ષણા ભક્તિમાં એકસમાન રહે છે; અને તમે ભૂમિકાના છેલ્લા વાક્યમાં એ અચરજ બહુ સારી રીતે વ્યક્ત કરી શક્યા છોઃ ” આ માણસ આજે પણ ભારતવાસીઓને – અને એક રીતે આપણને સૌને (એટલે કે દુનિયામાં સૌને) સહેલાઈથી છોડતો નથી!(Even now he doesn’t let Indians – and for that matter, rest of us – off easy).”

લેલિવેલ્ડભાઈ, તમે ‘લગે રહો મુન્નાભાઈ’ નહીં જ જોઈ હોય, એમાં પણ ગાંધી આજેય મગજમાં જે ‘કૅમિકલ લોચા’ પેદા કરે છે તે દેખાડ્યું છે. તમે પણ એ જ કહો છો! આમ, તમે વેરભાવે ભજતા હોવા છતાં તમારા આ છેલ્લા વાક્ય સાથે હું સંપૂર્ણ સંમત છું અને તમને અભિનંદન આપું છું.

પહેલાં તો ખોલો પુસ્તકના પહેલા ભાગ South Africaનું પહેલું પ્રકરણ prologue – એટલે કે કથાની પૂર્વભૂમિકા. શીર્ષક છેઃ An Unwelcome Visitor. અહીં તમે મોહન શી રીતે દક્ષિણ આફ્રિકા પહોંચ્યો એની ચર્ચા કરો છો. તમે મૂળ રિપોર્ટર છો, એટલે પહેલા જ ફકરામાં ગાંધીના આખ દક્ષિણ આફ્રિકી જીવનનાં સીમાચિહ્નો આંકી દીધાં છે અને એ માણસ શું હતો અને શું બની ગયો તે દર્શાવવા માટે તમે એક જ વાક્ય કહ્યું છે, જે તમને સારા લેખકની પંક્તિમાં મૂકી દે છેઃ None of that was part of the original job description. (આમાંથી કશું પણ કામના મૂળ વિવરણમાં નહોતું).ખરેખર જ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે કર્યું તેના માટે એમને ત્યાં બોલાવ્યા નહોતા.

પરંતુ, તમે પહેલા જ ફકરામાં એક વાત જોડી દીધી છે કે “જેને આગળ જતાં ભારત પૂજવાનું હતું પણ જવલ્લે જ અનુસરવાનું હતું એ ગાંધી બનવાની વાટ એમણે બરાબર પકડી લીધી હતી.” આ ચર્ચાનો મુદ્દો અને તેમ છે. એ સાચું કે મોહનમાંથી મહાત્મા સુધી પહોંચવામાં દક્ષિણ આફ્રિકાનો મોટો ફાળો રહ્યો. એ પણ સાચું કે ભારતે એમની પૂજા કરી પરંતુ એમનું અનુસરણ પણ જવલ્લે જ કર્યું એ અર્ધસત્યથી વધારે નથી. ખરૂં જોતાં ભારતે એમનું અનુસરણ પોતાની શક્તિ અને સમજ પ્રમાણે કર્યું જ. તમે ભારત એટલે મોટા નેતા માનતા હો તો તમારી વાત સાચી ઠરે, પરંતુ ગાંધીએ જનમાનસનો એવો કબજો લઈ લીધો હતો કે એમ ન કહી શકાય કે ભારતે એમનું મોટા ભાગે અનુસરણ ન કર્યું. ચહેરા વિનાના માણસે તો અનુસરણ કર્યું જ પરંતુ કોણે કેટલું કર્યું તે તમે જાણી ન શક્યા.

ગાંધી-ચિંતન જીવનમાં ઉતારવાની વાત કરતા હો તો એમાં કચાશ રહી એ વાત સાચી છે, પરંતુ, એ તો તમારું puritanism (શુદ્ધિવાદ) છે, ધર્મને તો આપણે આવા શુદ્ધિવાદી વિધિ-નિષેધોથી અઘરો બનાવી દીધો છે, અને તમે પણ જનતાને એ જ શુદ્ધિવાદી દૃષ્ટિએ મૂલવો છો, આજ સુધી કઈ પ્રજાએ કયો આદર્શ પૂરેપૂરો પાળ્યો છે? અને ગાંધીએ વિશ્વવ્યાપી આદર્શ રજૂ કર્યો હોય તો એનું પાલન કરવાની જવાબદારી એકલા ભારતની જ છે?

ગાંધીની અંદર કોઈ ભારેલો અગ્નિ હતો? તમે ના કહો છો. દુનિયા માને છે કે પીટરમારિત્સબર્ગ સ્ટેશને નવયુવાન વકીલ મોહનદાસને ટ્રેનમાંથી ઉતારી મૂક્યો એ ઘટનાએ ચિનગારીનું કામ કર્યું. ગાંધીજી પોતે પણ આત્મકથામાં રેલવે સ્ટેશનના બનાવને એમના જીવનના નવા વળાંક તરીકે ઓળખાવે છે, પરંતુ તમે એમની સાથે પણ અસંમત થઈને એક બીજો જ પ્રસંગ ટાંકો છોઃ હજી તો એ અજાણી ભૂમિ પર ઊતર્યાને માંડ ચોવીસ કલાક પણ નહીં થયા હોય; ૨૩મી મે ૧૮૯૩ના રોજ ૨૩ વર્ષ, ૭ મહિના અને ૨૧ દિવસનો યુવાન બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી ડર્બનમાં મૅજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થાય છે. માથે કાઠિયાવાડી પાઘડી છે અને મૅજિસ્ટ્રેટ જૂએ છે કે આ નવોસવો હિન્દુસ્તાની છોકરડો પાઘડી ઉતારતો પણ નથી. આ તો કોર્ટનું અપમાન છે! એ નવા વકીલને પાઘડી ઉતારવા કહે છે. એ પાઘડી ઉતારવાને બદલે કોર્ટની બહાર ચાલ્યો જાય છે! બીજા દિવસે Natal Advertiser આ ઘટનાના સમાચાર આપે છે, એનું મથાળું છેઃ An Unwelcome Visitor. ગાંધી એનો જવાબ આપે છે અને દક્ષિણ આફ્રિકામાં આગમનના માત્ર ચોથા દિવસે એમનો પત્ર એ જ છાપામાં છપાય છે. પીટરમારિત્સબર્ગનો બનાવ તો તે પછી બે અઠવાડિયે બન્યો.

તમે કહો છો તે સાચું લાગે છે કે ગાંધીના સ્પિરિટને ચિનગારીની જરૂર નહોતી. એમનામાં એ તાકાત હાજર જ હતી. તમે પાઘડીવાળા પ્રસંગને મહત્વનો માનો છો તેની સાથે હું સંમત થાઉં છું. ખાસ કરીને તમે એ પણ દેખાડ્યું છે કે એ ઘટના અને તે પછી સિગરામવાળાના દુર્વ્યવહારના બનાવને ગાંધીજીએ છોડ્યો નહીં અને એમને સંતોષ થાય એ રીતે એમને એ જ સ્ટેશનેથી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની છૂટ મળી. આમ એમની સાથે પાછળથી ન્યાય થયો. આથી પાઘડીવાળા પ્રસંગને આટલું મહત્વ આપીને તમે એમના વ્યક્તિત્વને વધારે સારી રીતે ઉપસાવ્યું છે.

પરંતુ તમે સાયકો-ઍનેલિસ્ટ એરિક એરિકસનને ટાંકીને કહો છો કે ગાંધીની અંદર એક ‘શાશ્વત નકાર’ (Eternal Negative) હતો તેને પરદેશની ભૂમિ પર પાંગરવાની તક મળી. અનુમાન બહુ સારૂં છે, ગળે ઊતરતું નથી. તમે એરિક એરિકસનનો દાવો કેમ સાચો માની લીધો? આમ તો તમે ગાંધીજીની દરેક વાતને સો ગળણે ગાળતા હો છો, પણ એરિકસનના દાવાને તરત સ્વીકારી લો છો! આનાથી પહેલાં એમના જીવનમાં તમે આ નકાર કયા પ્રસંગમાં જોયો? વળી તમે ભૂલી ગયા કે તમે પહેલાં જ એ કહી ચૂક્યા છો કે લંડનમાં બૅરિસ્ટરીનું ભણવા ગયેલા ગાંધીમાં રાજકીય દૃષ્ટિકોણ નહોતો કેળવાયો. દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં પણ એમની ચિંતા મુંબઇમાં મુખ્યત્વે વકીલાત જમાવવાની જ રહી. ગાંધીજીનો આ શાશ્વત નકાર નહોતો. એ એમની રચનાત્મક ઊર્જા હતી. અન્યાયનો વિરોધ કરતી વખતે પણ ગાંધીજીનું મુખ્ય લક્ષ્ય ખંડનાત્મકને બદલે મંડનાત્મક જ રહ્યું. ચાલો. કઈં વાંધો નહીં, તમારા આ અનુમાનમાંથી તમારી ગાંધી પ્રત્યેની વૈરલક્ષણા ભક્તિ જ પ્રગટ થાય છે, એ વાતની નોંધ લેશો.

તે સિવાય, આ prologue વાંચવા જેવો છે, એ વાતનો ઇન્કાર થઈ શકે એમ નથી. અહીં તમે ગાંધીજીની જે તસવીર રજૂ કરો છો તે ખરેખર એમના ઉદયકાળની તસવીર છે. તમે એ વાતની નોંધ લો છો કે પરદેશની ભૂમિ પર શરૂઆતના જ દિવસોમાં વિઘ્નોનો સામનો કરવો પડ્યો ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ધ્યાનાકર્ષક વ્યક્તિત્વવાળી વ્યક્તિ તરીકે ઉપસે છે. મૃદુભાષી તો છે, પરંતુ બોલવામાં સંકોચ નથી કરતા. તમારું માનવું છે કે આ ગુણ એમને દીવાન પિતા પાસેથી મળ્યા હોવા જોઇએ. ગાંધીજીએ આ સમયમાં પોતે બહુ શરમાળ હતા એમ કહ્યું છે, પણ તમે માનો છો કે એ શરમાળપણું નહોતું; ઠરેલપણું હતું. તમારો મત છે કે શરૂઆતની કઠણાઇઓનો સામનૉ કરવામાં એમનું આ ઠરેલપણું કામ આવ્યું. અહીં ગાંધીજી કરતાં પણ તમારો કયાસ વધારે સાચો હોઈ શકે છે, કારણ કે ગાંધીજીને પોતાની વાત વધારીને કહેવાની ટેવ નહોતી અને એ પોતાને માટે કડક ધોરણો લાગુ કરતા.

યુવાન મોહનદાસને જાતિગત ભેદભાવના ઘણા અનુભવો થયા. એમણે ત્યાં પહોંચ્યાને માંડ ત્રણ મહિના થયા હતા ત્યારે જ પત્રો અને અખબારી લેખો દ્વારા વાંધો લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ લેલિવેલ્ડભાઈ, તમે કહો છો કે એમણે આ બાબતની ચર્ચા માટે પ્રિટોરિયામાં મીટિંગ બોલાવી એમાં કશું વળ્યું નહીં. તમે આનું કારણ આપો છો કે હજી એમનું સ્ટૅટસ એક જૂનિયર વકીલનું હતું અને હિન્દુસ્તાનીઓ હજી એમને નેતા માનવા તૈયાર નહોતા. બીજું મુંબઇમાં વકીલાતામાં નિષ્ફળ થયા પછી એમને આ તક મળી હતી. પત્ની-બાળકો પણ હજી દેશમાં જ હતાં. એમને પણ લાવવાનાં જ હતાં એટલે એમણે પણ સામાજિક કાર્યો સાથે બધા જ હિન્દુસ્તાનીઓના વકીલ તરીકે પોતાની પ્રૅક્ટિસ જમાવવા પર ધ્યાન આપવાનું હતું.

શરૂઆતમાં એમણે જે મુખ્ય વકીલને મદદ કરવાની હતી તે ઇવૅન્જલિકલ ખ્રિસ્તી હતા. મોહનદાસ એમને કેસ વિશે સમજાવે એના કરતાં તમારા શબ્દોમાં એમને “ગાંધીના આત્મામામ” વધારે રસ હતો! મોહનદાસે એમના દોસ્ત પોલાકનાં પત્ની મિલી પોલાકને પણ કહ્યું હતું કે એમને કોઈ ધર્મનું બંધન નથી (uncommitted). પરંતુ, તમે બીજા વિદ્વાનોનો હવાલો આપીને કહો છો કે ખરેખર તો ખ્રિસ્તી બનવાનું ટાળવા માતેની મથામણમાં એમને બે વર્ષ લાગી ગયાં હતાં. ટૂંકમાં તમારૂં કહેવું એમ છે કે એમને પોતાની વકીલાત શરૂ કરવામાં તેમ જ નૈતિક બાબતોમાં વધારે રસ હતો.

ગાંધીના વિકાસનાં સોપાન ગણાવતાં તમે એક વાતની નોંધ લીધી છે કે બધા જ ભારતીયો માટે જે રીતે ‘કૂલી’ શબ્દનો પ્રયોગ થતો હતો એ એમને ખૂંચતો હતો. ૧૮૬૦ના અરસામાં ભારતમાંથી કોન્ટ્રૅક્ટ પર મજૂરો લઈ જવાની શરૂઆત થઈ હતી. આ રીતે અસંખ્ય ભારતીય મજૂરો દક્ષિણ આફ્રિકા, મોરિશ્યસ, ફિજી અને વેસ્ટ ઇંડીઝ પહોંચ્યા હતા. આ કૉન્ટ્રૅક્ટ એટલે કે એગ્રીમેન્ટ અભણ મજૂરોની જીભે ચડીને ‘ગિરમીટ. બની ગયા અને એગ્રીમેન્ટ હેઠળ આવેલા મજૂરો ‘ગિરમીટિયા’ કહેવાતા. એ બધા મૂળ તો ખેતમજૂરો હતા અને શેરડીના પાક માટે એમને લઈ જવાતા. એમને કૂલી કહેતા. ધીમે ધીમે આ શબ્દ હિન્દુસ્તાની વેપારીઓ માટે પણ વપરાતો થયો. તમે કહો છો કે ગાંધીને કૂળી શબ્દ બધા માટે વપરાય તે સામે વાંધો હતો. એમણે ગિરમીટિયાઓ માટે કામ પણ નહોતું કર્યું અને ગાંધીજીને એ અરસામાં ગિરમીટીયાઓ માતે આ શબ્દ વપરાય તેમાં કઈં વાંધાજનક નહોતું લાગતું. તમે દેખડ્યું છે તેમ એ વખતે એ માત્ર હિન્દુસ્તાની વેપારીઓના પ્રવક્તા હતા. એમનું કહેવું હતું કે જે લોકો ્કોઈ એગ્રીમેન્ટ વિના પોતાના પૈસા ખર્ચીને આવ્યા હોય એમને બ્રિટિશ હકુમત હેઠળના બધા અધિકાર મળવા જોઇએ કારણ કે તેઓ ઇંગ્લૅંડની જ એક વસાહતમાંથી બીજી વસાહતમાં આવ્યા હતા. આમ પ્રારંભિક દિવસોમાં ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સામાન્ય લોકો જેવું જ હતું. આમાં શી રીતે પરિવર્તનો આવતાં ગયાં એની ચર્ચા તમે હવે પછીના પ્રકરણમાં કરવાના છો. મઝા આવશે તમારો દૃષ્ટિકોણ સમજવામાં.

ભલે. લાંબું થયું છે એટલે હું પણ હવે પછીના પ્રકરણની ચર્ચા આવતા અઠવાડિયે કરીશ. દરમિયાન, તમને આ લખાણમાં કઈં કહેવા જેવું જણાય તો ગુજરાતી જાણનારા મિત્રોને કહેશો તો તેઓ તમારો અભિપ્રાય જરૂર મારા સુધી પહોંચાડી દેશે.

બાકી કુશળતા ઇચ્છું છું. ઘરમાં સૌને વંદન કહેશો.

લિખિતંગ
દીપક ધોળકિયા

30 thoughts on “Great Soul: Mahatma Gandhi and His Struggle with India જોસેફ લેલિવેલ્ડને પત્ર (૧)”

 1. Excellent article ! I am a blind fan of the Mahatma( after accepting all his faults!) but main attraction about him is that he still attracts debate,discussion-more than Lenin or Mustafa Kamal Pasha because his thoughts have some element which transcends time and space.I will look forward to your next blog

  1. તમારું પૃથક્કરણ બહુ સાચું છે. એટલે જ હું કહું છું કે લેલિવેલ્ડ વેરભાવે ભજે છે. ખરેખર તો આ પુસ્તક વાંચવું જોઈએ, ભલે દરેક વાતમાં સંમત ન થઈએ.

 2. દીપકભાઈ આ વિવાદાત્મક પુસ્તક વિષે વાંચેલું પણ પુસ્તક વાંચયું નથી. આપે સુંદર શરૂઆત કરી તે વિષે સંક્ષિપ્તમાં અને સાથે આપની ટકોર કે કોમેન્ટ પણ વાંચવા મળશે તે જાણી આનંદ થયો. બીજા હપ્તાની આતુરતા પૂર્વક રાહ જોઉ છું. અભિનંદન બ્લોગ ઉપર આ પુસ્તક મૂકવા બદલ !

 3. દીપકભાઈ,
  અભિનંદન સુંદર લખાણ છે. ગાંધીજી નું વ્યક્તિત્વ અનેક દ્રષ્ટિકોણ થી જોઈ શકાય છે.
  પરંતુ મારા અનુમાને હું ‘સત્ય ના પ્રયોગો’ અને ‘મહાદેવભાઈ ની ડાયરી’
  ને જ Gold Standard માનીશ.

 4. મને લાગે છે, મારે માટે તો સીધા લેલિવેલ્ડને વાંચવા કરતા આપના માધ્યમથી વાંચવું વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક બની રહેશે. (મારા જેવાનું અંગ્રેજીનું આછુંપાતળું જ્ઞાન સીધું આવા અઘરા પૂસ્તકને સમજવામાં અડચણરૂપ બની રહે) આગળના વાંચનની આતુરતાપૂર્વક રાહ રહેશે. બહુ જ ઉમદા કાર્ય. આભાર.

 5. અમેરિકનો ભારતનાં બે વ્યક્તિઓને ઓળખે છે એક છે વિવેકાનંદ અને બીજા છે ગાંધીજી.એક ઇન્ડોનેશિયન મિત્ર ગાંધીજીથી ખૂબ પ્રભાવિત,મને કહે ગાંધી ગુડ મેન.ત્યારે બાજુમાં ઉભેલા ચરોતરના મિત્ર ગાંધીજીને ગાળો દેવા લાગ્યા.પણ પેલો માને નહિ કે ગાંધી ખરાબ માનવ હોઈ શકે.પછી મને કહે ગાંધી ગેવ યુ ફ્રીડમ,નો પિસ્તોલ,નો ગન.મેં એને કહ્યું તુ સાચો છે,ગાંધી નોટ સિમ્પલી ગુડ મેન,બટ ગ્રેટ મેન.સરદારપટેલ વડાપ્રધાન બની શક્યા નહિ તે બાબતે ચરોતરના પટેલો ગાંધીજીને આજે પણ ગાળો દેતા હોય છે.કરુણતા એ છે કે એમાંના કોઈએ ના ગાંધીજી કે નાતો સરદારને જોયા છે.આ ચર્ચા સમયે ગાંધીજીના ખાસ ફેન એવા પટેલ સુપરવાઈઝર કહે ચરોતરના નહિ લગભગ આખા ગુજરાતના પટેલો ગાળો દેતા હોય છે.મતલબ બધા પટેલો ગાળો દેતા નથી,કારણ તેઓ પટેલ જ છે.અને ગાંધીજીના બહુ મોટા ફેન છે.કોઈ પટેલ મિત્રોએ પોતાના માથે લેવું નહિ.જે હોય તે ગાંધીજી ગ્રેટ હતા,છે અને રહેવાના.

  1. ભૂપે્ન્દ્રસિંહભાઈની વાત સાચી છે. ક્રિસ્ટોફર રૉથ નામના એક અમેરિકન સજ્જન સાથે ગાંધીટૉપિયા વેબસાઇટ પર મુલાકાત થઈ. આ ભાઈ ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને અમલમાં મૂકવાનો પ્રયાસ કરે છે. એમણે મને ટ્રસ્ટ ડીડનો ડ્રાફ્ટ પણ વાંચવા મોકલ્યો હતો. અમેરિકનો ગાંધીજીને જે આદર આપે છે, એટલો આદર કદાચ આપણે ભારતમાં નથી આપતા. દિલ્હીમાં રાજઘાટ પરના પુસ્તકો વેચવાના કેન્દ્રમાં એક વાર વાત કરતાં કાઉંટર પર બેઠેલા ભાઈનો અભિપ્રાય હતો કે વિદેશીઓ ગાંધીજીમાં વધારે રસ લે છે. દેશના લોકો આવે છે, પણ પાંચ રૂપિયાની પુસ્તિકા પણ ખરીદ્યા વિના જતા રહે છે!

   1. શ્રી દીપકભાઇ, બાપુ.
    થોડું વિષયાંતર લાગશે પણ, આપણે પાંચ રૂપિયાની પુસ્તિકા પણ ખરીદવામાં પીછેહટ કરીએ છીએ એ વાત તો સાવ સાચી છે. અને ગાંધીજી કે વિવેકાનંદના પુસ્તકો તો બહુ જ સસ્તામાં મળે છે, (વિવેકાનંદજીના પુસ્તકો તો અમારી બાજુના ગામડાઓમાં, સાવ મફતમાં, અમુક સંસ્થાઓ વહેંચે પણ છે. તો પાછું વાંચવાનીએ લોકો આળસ કરે છે !)

    બાકી મારો અનુભવ છે કે વાંચનનો શોખ સામાન્ય રીતે બહુ જ સસ્તો શોખ છે ! (આર્થિક દૃષ્ટિએ !! અને એટલે મેં એ શોખ રાખ્યો છે ! મુળ તો મારવાડી ખરો ને !!) દરરોજ માત્ર એકાદ ચા કે પાનમસાલો ઓછો કરીએ તો તેની બચતમાંથી મહિને કેટલાયે ઉત્તમ પુસ્તકો ખરીદી શકાય. (અને પાછો ડબલ લાભ થાય !) બાપુ ઘણા વિષયે અમારી ધોલાઇ કરે છે, આ ન વાંચવા બાબતે પણ એકાદ કડક ધોલાઇ પ્રોગ્રામ કરવાની જરૂર છે ! 🙂 આભાર.

     1. એલા ! મારે હજુ તો અંગ્રેજીનાં ફાંફા છે ! ત્યાં તેં અને દીપકભાઇએ આ કઇ નવી ભાષા આદરી ? મને લાગે છે તને મારા ’મારવાડી’ હોવા પર આશ્ચર્ય/પ્રશ્ન છે. પણ એ સાચું જ છે.

      1. હં…બરાબર ભાષા નો જાણકાર ભાઈ, દીપક્ભાઈ ને પ્રશ્ન આશ્ચર્ય થયો [સોરી દીપક્ભાઈ] પણ તુ સમજીગયો! મારવાડી ? [હુ તો વર્ષો થી કહુ જ છુ]
       અને હા દીપકભાઈ અમને ગાંધીજી ને વધુ સમજવાનો વધુ જાણવાનો મોકો મળ્યો છે,ઇન્તેજાર રહેશે હવે પછી ના પત્ર નો,

  2. ભાઈ ભુપેન્દ્રસિંહ,
   કુદરત ના ઉત્ક્રાંતિ વાદ ના સિધાંત ને આટલી સુંદર અને સમજી શકાય તેવી રીતે રજૂઆત કરતા તમારા અનેક લેખો વાન્ચીયા બાદ ‘આ કાગડો કાળો છે માટે બધા કાગડા કાળા છે’ અનુમાન હસાવી જાય છે.

 6. દીપકભાઈ, જો આ લેલિવેલ્ડભાઈ ખરેખર આ પત્ર વાંચે તો કેવું? તમે ખએખર એમના એક-એક મુદ્દાનું પૃથક્કરણ કર્યું છે. તમે શરૂઆતમાં જ લખેલી વાત કે “એમાં પણ થોડીઘણી વિવાદાસ્પદ વાતનો ફેલાવો થાય, કુતુહલ પેદા થાય એટલે પુસ્તક વેચાય એ મોટો લાભ….” એકદમ સાચી છે. ફક્ત ગાંધી જ નહી કોઈ પણ વિષય માટે આ સાચું પડે છે. જ્યારે પ્રસિદ્ધિ મેળવવી હોય તો આવું કાંઈક વિવાદાસ્પદ કહી દેવાનું અને પછી યેનકેન પ્રકારે તેનો પ્રચાર કરાવવાનો, બસ, આપોઆપ પ્રસિદ્ધિ મળી જાય. અને આમે, ગાંધીજીનું જીવનતો આજે બોડી બામણીના ખેતર જેવું બની ગયું છે. આલિયો-માલિયો જે જુઓ તે બસ ગાંધીની નિંદા કરવા નિકળી પડે છે. ભૂપેન્દ્રસિંહજીએ કહ્યું તેમ કોઈ એક વાતને કારણે જો તેમને કે સરદારને ના ઓળખનારા સમાજની એક સમગ્ર જ્ઞાતિ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરતી હોય તો અન્યોની તો વાત જ શું કરવી? ગાંધીએ ભાગલા પડાવ્યા, ગાંધીએ મુસલમાનોને છુટ આપી, ગાંધીએ અનામત પ્રથામાં હામી ભરી, વગેરે વગેરે એક એક મુદ્દા પર સમાજનો એક એક વર્ગ તેમનો વિરોધી છે. અને તેથી જ કદાચ ભારતીયો કરતા અમેરિકનો તેમના વધુ મોટા પ્રશંસક છે. કેમકે તેમને ગાંધી દૂરથી જોવા મળે છે, અને કદાચ સંપૂર્ણપણે જાણવા પણ મળે છે. આવતા અઠવાડિયાની રાહ જોવાય છે હવે તો…

  1. શ્રી ધવલભાઇ, આપના આક્રોશનું સન્માન કરતાં, એક વાત ઉમેરૂં તો, મારી સમજ મુજબ ગાંધીજીએ તેમના પ્રતિ થયેલા અને થનારા લગભગ તમામ પ્રશ્નોના ઉત્તર ક્યાંક ને ક્યાંક આપ્યા જ છે. તેઓએ ઘણું બધું લખ્યું છે. પણ હવે ઘણાની સમસ્યા શું છે કે સ્વયં ગાંધીજીએ પોતાના વિશે લખેલ મુદ્દાઓ કે આપેલા જવાબોને થુંકી કાઢવાના, અને અન્ય કોઇએ લખ્યું હોય તે આધારભૂત ગણવાનું. અને દીપકભાઇની જેમ, ટુ ધ પોઈંટ, વળતો સમતોલ પ્રત્યુત્તર આપનાર તો વળી ભાગ્યે જ મળે.

   ભુપેન્દ્રસિંહજીએ કરેલું અવલોકન અમુક નાના વર્ગ કે વ્યક્તિવિશેષ બાબતે સાચું હશે જ. પરંતુ સમગ્ર પટેલ (પાટીદાર-મારો અનુભવ સૌરાષ્ટ્ર પુરતો ગણવો) સમાજમાં આવો કોઇ વિરોધ હોવાનું મને તો દેખાયું નથી. ઉલ્ટું આજે એ એક મોટો સમાજ હશે જેણે હજુ પણ ગાંધીની યાદગીરીરૂપ ગાંધીટોપી અને કેટલાયે ગાંધીમુલ્યો સન્માનસહ જાળવી રાખ્યા છે. (એમ તો મારા સગાઓ અને મિત્રમંડળનો એક નાનો ભાગ કેટલીક અંગત ઐતિહાસિક ઘટનાઓને કારણે, જેની સત્યાર્થતા કદી ચકાસાઇ નથી, સદા ગાંધીનો વિરોધ જ કરે છે ! જે મને પણ બહુ દુઃખદાયી લાગે છે.)

   એમ તો ગાંધીજી વ્યવહારમાં ઘણી બાબતે મારા મગજમાં પણ કેમિકલ લોચાઓ કરે રાખે છે ! (અને છતાં હું ઓછામાં ઓછું નિષ્ફળ વેપારી તો નથી, બોલો કોણ કહે છે ગાંધીચિંધ્યા માર્ગે વેપાર ન થાય !! કંઇ અઘરૂં નથી, થોડુંઘણું હંગામી નૂકશાન ભોગવીને પણ વ્યાપારી પ્રમાણિકતા તો જાળવી રાખવાની. સરવાળે ફાયદો જ વધુ રહે તે જાત અનુભવ છે. ) છતાં, સંપૂર્ણ આદર ધરાવતો છતાં, હું ગાંધીજીના બ્રહ્મચર્ય અને વિમા (ઈન્સ્યોરન્સ) બાબતના માર્ગદર્શનને નમ્રતાપૂર્વક અસ્વાભાવિક ગણી નકારૂં. આ નકારની નમ્ર દૃઢતાનું શિક્ષણ પણ પાછું “ગાંધી વિદ્યાલય”માંથી પણ મળે છે !

   દીપકભાઇના આ ઉમદા પ્રયાસને કારણે આગળ પણ ગાંધી વિશે ખુલ્લા મને ઘણું વિચારવા મળશે, એ વાતે જ હું તો દીપકભાઇને અને અહીંના સૌ વિચારક મિત્રોને લાખ લાખ ધન્યવાદ આપીશ. આભાર.

 7. લેલિવેલ્ડના પુસ્તકનો તલસ્પર્શી અભ્યાસ ત્યાર બાદ ઝીણવટભર્યુ પૃથક્કરણ અને છેવટે તમારા સુયોગ્ય જવાબો કે જે માત્ર ગાંધીજીના જીવનનો વિગતે અભ્યાસ કરી ગયા હોય તે જ આપી શકે. આ બધીએ શરીર અને ઈંદ્રીયોના સ્તર કરતાં ક્યાંયે વધારે ગહન અને વધુ ઉર્ધ્વ ભુમિકાએ કરાયેલી કસરતનો લાભ વધુને વધુ વાચકો મેળવે અને સાથે સાથે આ કસરતમાં જોડાય તેવી એક ઈચ્છા રહ્યાં કરે છે.

 8. Hi Dipak,
  I have not read the book but read heard about it. Thanks for the detailed review. I think after you finish this discussion, you should send this to some main stream Gujarati news paper. More people need to read this.
  Dilip

 9. i had Gadhigjis darshan in 1936 when i was 12 year old next i I
  studied in gujarat vidhypith for one year in haripura cogress i woked as safai sevak for one month in 1942 my self along with Hamid kureshi went to sabermati jail for 15 days crticts are consider Dev in our culture idonot doubt honesty of the auther onemay not ahero asyou wish narendra1924@gmail.com

  1. નરેન્દ્રભાઈ, આપ જેવી કર્મઠ,નિષ્ઠાવાન અને અનુભવવૃદ્ધ વ્યક્તિ મારા બ્લૉગ પર આવ્યા તે મારૂં સદ્‍ભાગ્ય છે.

   હું પણ માત્ર લેલિવેલ્ડના ગુજરાતમાં પ્રતિબંધિત પુસ્તકની સમીક્ષા કરવા માગું છું. આપે નોંધ્યું હશે કે લેખકનાં કેટલાંક તારણો સાથે હું સંમત છું, કેટલાંક સાથે નહીં. મેં એ પણ લખ્યું છે કે ‘પ્રોલૉગ’ વાંચવા જેવો છે. મારે લેખકની ‘ઑનેસ્ટી’ની સમીક્ષા નથી કરવી, પરંતુ એમના વિચારરોની મારી દૃષ્ટિએ મૂલવણી કરવી છે. ક્યાંક મારો મત વાચકોને સ્વીકાર્ય બનશે, ક્યાંક નહીં.

   પરંતુ આપની પાસેથી હું એટલી આશા રા્ખું છું કે આપ આ શ્રેણી વાંચતા રહેશો અને દર વખતે અભિપ્રાય આપતા રહેશો. આપનાં સંસ્મરણો લખી મોકલશો તો એ યોગ્ય સમયે બ્લૉગવાચકો સમક્ષ મૂકવામાં મારૂં ગૌરવ સમજીશ. આભાર.

 10. ગાંધી તો દરિયો છે. એમાંથી કોઈ મીઠું પકવે, કોઈ માછલાં પકડે. કોઈ વળી રત્નો મેળવવા ડૂબકીઓ મારે. કોઈની કને ગાંધી વરાળ બનીને વરસેય ખરો !

  દીપકભાઈએ પોતાનો બ્લોગ શરૂ કરીને નવો પ્રકાશ પાથરવાનું કાર્ય હાથ ધર્યું છે. આરંભમાં જ એમણે વિવાદના મધપુડા જેવું પુસ્તક પોતાની વ્યાપક વિચારશક્તિના જોરે બહુ સૂક્ષ્મ વિશ્લેષણ સાથે રજૂ કર્યું છે. આ પુસ્તક, આ કથાનાયક, આ બધા વિવાદો અને એ બધાંની વચ્ચે પોતાની વિશ્લેષણાત્મક પ્રતિભા વડે દીપકભાઈ આપણને અજવાળું વહેંચવા આવ્યા છે ત્યારે આ લેખને નિમિત્તે એમનું અભિવાદન કરીને આપણે હરખાઈએ.

  અહીં, આ લેખ પરની આખી ચર્ચાએ ગાંધીને પુનઃ પુનઃ યાદ કર્યો છે. હૈયું ભરાય–ઊભરાય તેવી સ્થિતિ થઈ છે. બ્લોગર અને એના વાચકો સૌને વંદન.

  1. શ્રી જુગલભાઈ, તમારી ટિપ્પણીના પહેલા જ ફકરામાં ગાંધીનું સચોટ નિરૂપણ છે. આના વિશે માત્ર એક જ શબ્દ કહી શકું છું – આફરીન!!

 11. પરંતુ ગાંધીએ જનમાનસનો એવો કબજો લઈ લીધો હતો કે એમ ન કહી શકાય કે ભારતે એમનું મોટા ભાગે અનુસરણ ન કર્યું. ચહેરા વિનાના માણસે તો અનુસરણ કર્યું જ
  ———
  આ વાત બહુ જ ગમી. કદાચ સામાન્ય માણસ ગાંધીજીને વધારે સારી રીત સમજ્યો છે.

  મારો એક અનુભવ ..
  ગાંધીજીની હત્યાના દિવસે….
  અમારે ઘેર રેડિયો ન હતો. મારા મામાને ઘેર હતો. અમારા ઘરથી દસ મિનિટ ચાલતાં થાય એટલે દૂર.
  મારાં માસી રડતાં અને કકળતાં અમારે ઘેર એ સમાચાર આપવા આવ્યાં. મને તો શું થયું એ સમજ ન પડી; પણ બધાં રડવા માંડ્યાં – અને હું પણ રડ્યો.
  સામાન્ય માણસોનાં મન પર એ માણસે જે અસર કરી તે ખરેખર બેમિસાલ હતી.

  બાકી એ મહાન માણસના જીવનમાંથી એક નાનો અંશ પણ આપણા જીવનમાં ઉતારીએ એ અનેક શાસ્ત્રર્થ કરતાં વધારે કરવા જેવી ચીજ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: