Great Soul: Mahatma Gandhi and His Struggle with India જોસેફ લેલિવેલ્ડને પત્ર (૧)

પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ,
તમારૂં પુસ્તક Great Soul: Mahatma Gandhi and His Struggle with India વાંચ્યું . એમાંના કેટલાક ઉલ્લેખોને કારણે તમને સારીએવી પ્રસિદ્ધિ મળી. ગાંધી જેવા વ્યક્તિત્વની ચર્ચા કરવાથી લેખકને અને પબ્લિશરને લાભ થાય જ. એમાં પણ થોડીઘણી વિવાદાસ્પદ વાતનો ફેલાવો થાય, કુતુહલ પેદા થાય એટલે પુસ્તક વેચાય એ મોટો લાભ. (ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પણ આ લાલચમાંથી બચી ન શક્યા એટલે તમને માફ). તમારૂં પુસ્તક મેં પણ આવા જ કુતુહલને કારણે વાંચ્યું. બોલો, માત્ર ક્યાંકથી મેળવીને નથી વાંચ્યું. ખરીદ્‍યું પણ! ખરીદ્‍યા પછી ન વાંચું તો પણ તમારૂં શું જાય? મેં વાંચ્યું એમાં તમારો કઈં વાંક નથી. વાંચ્યું એટલે થયું કે એની ચર્ચા પણ કરવી જોઇએ.

તમારી ટૂંકી ભૂમિકા (Author’s Note) વાંચતાં એક વાત સમજાઈ ગઈ કે ૧૯૬૪-૬૫ સુધી તમને માત્ર ગાંધી નામનો પરિચય હતો. કઈંક જિજ્ઞાસા પણ હતી અને તમે દક્ષિણ આફ્રિકામાં એમનો આશ્રમ જોવા ગયા. તમે કબૂલ પણ કરો છો કે એ વખતે તમે માત્ર રિપોર્ટરની નજરે જોતા હતા; ગાંધી પુસ્તકનો વિષય બની શકે એમ તમને નહોતું લાગ્યું. એ તો તમે ભારતમાં રિપોર્ટર તરીકે આવ્યા અને જે કઈં ‘ન-ગાંધિયું’ જોયું એમાંથી ગાંધીમાં તમને રસ વધ્યો.

ધીમે ધીમે તમને ખબર પણ ન પડે એમ એ માણસ તમારા મન પર છવાઈ જવા લાગ્યો. એ માણસ આજે હયાત ન હોવા છતાં પણ આપણા મન પર છવાઈ જવા લાગે છે. આપણને થાય કે આઇંસ્ટાઇનની વાત સાચી છે કે “આગામી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો કોઈ હાડચામનો માણસ ખરેખર આ પૃથ્વી પર હરતોફરતો હતો.

આમ તમે પણ એના ‘ભક્ત’ તો બની ગયા પણ તમે વેરભાવે ભજો છો. કહે છે કે ભગવાનની પ્રેમભાવે ભક્તિ કરવાથી સાત ભવે મુક્તિ મળે, પણ વેરભાવે ભક્તિ કરવાથી ત્રણ ભવમાં જ કામ થઈ જાય. એટલે તમે ગાંધીના દાવાઓને ગાંધીના શબ્દોમાં નથી સ્વીકારતા. એ જે કહે તેના પર તમને વિશ્વાસ નથી અને બીજા પુરાવા શોધો છો. મોટાભાગે તમને એની વિરુદ્ધના પુરાવા મળે છે. પરંતુ, છેલ્લી સ્થિતિ આ પુરાવાઓની વિરુદ્ધ જતી હોય છે, એનું અચરજ પણ તમને ઓછું નથી. જો કે, તમે એને ‘દંતકથા’ જેવું ગણીને છોડી દો છો. આમ છતાં, જે દંતકથા નથી, જે નર્યું અચરજ છે તે પ્રેમલક્ષણા ભક્તિમાં અને વૈરલક્ષણા ભક્તિમાં એકસમાન રહે છે; અને તમે ભૂમિકાના છેલ્લા વાક્યમાં એ અચરજ બહુ સારી રીતે વ્યક્ત કરી શક્યા છોઃ ” આ માણસ આજે પણ ભારતવાસીઓને – અને એક રીતે આપણને સૌને (એટલે કે દુનિયામાં સૌને) સહેલાઈથી છોડતો નથી!(Even now he doesn’t let Indians – and for that matter, rest of us – off easy).”

લેલિવેલ્ડભાઈ, તમે ‘લગે રહો મુન્નાભાઈ’ નહીં જ જોઈ હોય, એમાં પણ ગાંધી આજેય મગજમાં જે ‘કૅમિકલ લોચા’ પેદા કરે છે તે દેખાડ્યું છે. તમે પણ એ જ કહો છો! આમ, તમે વેરભાવે ભજતા હોવા છતાં તમારા આ છેલ્લા વાક્ય સાથે હું સંપૂર્ણ સંમત છું અને તમને અભિનંદન આપું છું.

પહેલાં તો ખોલો પુસ્તકના પહેલા ભાગ South Africaનું પહેલું પ્રકરણ prologue – એટલે કે કથાની પૂર્વભૂમિકા. શીર્ષક છેઃ An Unwelcome Visitor. અહીં તમે મોહન શી રીતે દક્ષિણ આફ્રિકા પહોંચ્યો એની ચર્ચા કરો છો. તમે મૂળ રિપોર્ટર છો, એટલે પહેલા જ ફકરામાં ગાંધીના આખ દક્ષિણ આફ્રિકી જીવનનાં સીમાચિહ્નો આંકી દીધાં છે અને એ માણસ શું હતો અને શું બની ગયો તે દર્શાવવા માટે તમે એક જ વાક્ય કહ્યું છે, જે તમને સારા લેખકની પંક્તિમાં મૂકી દે છેઃ None of that was part of the original job description. (આમાંથી કશું પણ કામના મૂળ વિવરણમાં નહોતું).ખરેખર જ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે કર્યું તેના માટે એમને ત્યાં બોલાવ્યા નહોતા.

પરંતુ, તમે પહેલા જ ફકરામાં એક વાત જોડી દીધી છે કે “જેને આગળ જતાં ભારત પૂજવાનું હતું પણ જવલ્લે જ અનુસરવાનું હતું એ ગાંધી બનવાની વાટ એમણે બરાબર પકડી લીધી હતી.” આ ચર્ચાનો મુદ્દો અને તેમ છે. એ સાચું કે મોહનમાંથી મહાત્મા સુધી પહોંચવામાં દક્ષિણ આફ્રિકાનો મોટો ફાળો રહ્યો. એ પણ સાચું કે ભારતે એમની પૂજા કરી પરંતુ એમનું અનુસરણ પણ જવલ્લે જ કર્યું એ અર્ધસત્યથી વધારે નથી. ખરૂં જોતાં ભારતે એમનું અનુસરણ પોતાની શક્તિ અને સમજ પ્રમાણે કર્યું જ. તમે ભારત એટલે મોટા નેતા માનતા હો તો તમારી વાત સાચી ઠરે, પરંતુ ગાંધીએ જનમાનસનો એવો કબજો લઈ લીધો હતો કે એમ ન કહી શકાય કે ભારતે એમનું મોટા ભાગે અનુસરણ ન કર્યું. ચહેરા વિનાના માણસે તો અનુસરણ કર્યું જ પરંતુ કોણે કેટલું કર્યું તે તમે જાણી ન શક્યા.

ગાંધી-ચિંતન જીવનમાં ઉતારવાની વાત કરતા હો તો એમાં કચાશ રહી એ વાત સાચી છે, પરંતુ, એ તો તમારું puritanism (શુદ્ધિવાદ) છે, ધર્મને તો આપણે આવા શુદ્ધિવાદી વિધિ-નિષેધોથી અઘરો બનાવી દીધો છે, અને તમે પણ જનતાને એ જ શુદ્ધિવાદી દૃષ્ટિએ મૂલવો છો, આજ સુધી કઈ પ્રજાએ કયો આદર્શ પૂરેપૂરો પાળ્યો છે? અને ગાંધીએ વિશ્વવ્યાપી આદર્શ રજૂ કર્યો હોય તો એનું પાલન કરવાની જવાબદારી એકલા ભારતની જ છે?

ગાંધીની અંદર કોઈ ભારેલો અગ્નિ હતો? તમે ના કહો છો. દુનિયા માને છે કે પીટરમારિત્સબર્ગ સ્ટેશને નવયુવાન વકીલ મોહનદાસને ટ્રેનમાંથી ઉતારી મૂક્યો એ ઘટનાએ ચિનગારીનું કામ કર્યું. ગાંધીજી પોતે પણ આત્મકથામાં રેલવે સ્ટેશનના બનાવને એમના જીવનના નવા વળાંક તરીકે ઓળખાવે છે, પરંતુ તમે એમની સાથે પણ અસંમત થઈને એક બીજો જ પ્રસંગ ટાંકો છોઃ હજી તો એ અજાણી ભૂમિ પર ઊતર્યાને માંડ ચોવીસ કલાક પણ નહીં થયા હોય; ૨૩મી મે ૧૮૯૩ના રોજ ૨૩ વર્ષ, ૭ મહિના અને ૨૧ દિવસનો યુવાન બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી ડર્બનમાં મૅજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થાય છે. માથે કાઠિયાવાડી પાઘડી છે અને મૅજિસ્ટ્રેટ જૂએ છે કે આ નવોસવો હિન્દુસ્તાની છોકરડો પાઘડી ઉતારતો પણ નથી. આ તો કોર્ટનું અપમાન છે! એ નવા વકીલને પાઘડી ઉતારવા કહે છે. એ પાઘડી ઉતારવાને બદલે કોર્ટની બહાર ચાલ્યો જાય છે! બીજા દિવસે Natal Advertiser આ ઘટનાના સમાચાર આપે છે, એનું મથાળું છેઃ An Unwelcome Visitor. ગાંધી એનો જવાબ આપે છે અને દક્ષિણ આફ્રિકામાં આગમનના માત્ર ચોથા દિવસે એમનો પત્ર એ જ છાપામાં છપાય છે. પીટરમારિત્સબર્ગનો બનાવ તો તે પછી બે અઠવાડિયે બન્યો.

તમે કહો છો તે સાચું લાગે છે કે ગાંધીના સ્પિરિટને ચિનગારીની જરૂર નહોતી. એમનામાં એ તાકાત હાજર જ હતી. તમે પાઘડીવાળા પ્રસંગને મહત્વનો માનો છો તેની સાથે હું સંમત થાઉં છું. ખાસ કરીને તમે એ પણ દેખાડ્યું છે કે એ ઘટના અને તે પછી સિગરામવાળાના દુર્વ્યવહારના બનાવને ગાંધીજીએ છોડ્યો નહીં અને એમને સંતોષ થાય એ રીતે એમને એ જ સ્ટેશનેથી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની છૂટ મળી. આમ એમની સાથે પાછળથી ન્યાય થયો. આથી પાઘડીવાળા પ્રસંગને આટલું મહત્વ આપીને તમે એમના વ્યક્તિત્વને વધારે સારી રીતે ઉપસાવ્યું છે.

પરંતુ તમે સાયકો-ઍનેલિસ્ટ એરિક એરિકસનને ટાંકીને કહો છો કે ગાંધીની અંદર એક ‘શાશ્વત નકાર’ (Eternal Negative) હતો તેને પરદેશની ભૂમિ પર પાંગરવાની તક મળી. અનુમાન બહુ સારૂં છે, ગળે ઊતરતું નથી. તમે એરિક એરિકસનનો દાવો કેમ સાચો માની લીધો? આમ તો તમે ગાંધીજીની દરેક વાતને સો ગળણે ગાળતા હો છો, પણ એરિકસનના દાવાને તરત સ્વીકારી લો છો! આનાથી પહેલાં એમના જીવનમાં તમે આ નકાર કયા પ્રસંગમાં જોયો? વળી તમે ભૂલી ગયા કે તમે પહેલાં જ એ કહી ચૂક્યા છો કે લંડનમાં બૅરિસ્ટરીનું ભણવા ગયેલા ગાંધીમાં રાજકીય દૃષ્ટિકોણ નહોતો કેળવાયો. દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં પણ એમની ચિંતા મુંબઇમાં મુખ્યત્વે વકીલાત જમાવવાની જ રહી. ગાંધીજીનો આ શાશ્વત નકાર નહોતો. એ એમની રચનાત્મક ઊર્જા હતી. અન્યાયનો વિરોધ કરતી વખતે પણ ગાંધીજીનું મુખ્ય લક્ષ્ય ખંડનાત્મકને બદલે મંડનાત્મક જ રહ્યું. ચાલો. કઈં વાંધો નહીં, તમારા આ અનુમાનમાંથી તમારી ગાંધી પ્રત્યેની વૈરલક્ષણા ભક્તિ જ પ્રગટ થાય છે, એ વાતની નોંધ લેશો.

તે સિવાય, આ prologue વાંચવા જેવો છે, એ વાતનો ઇન્કાર થઈ શકે એમ નથી. અહીં તમે ગાંધીજીની જે તસવીર રજૂ કરો છો તે ખરેખર એમના ઉદયકાળની તસવીર છે. તમે એ વાતની નોંધ લો છો કે પરદેશની ભૂમિ પર શરૂઆતના જ દિવસોમાં વિઘ્નોનો સામનો કરવો પડ્યો ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ધ્યાનાકર્ષક વ્યક્તિત્વવાળી વ્યક્તિ તરીકે ઉપસે છે. મૃદુભાષી તો છે, પરંતુ બોલવામાં સંકોચ નથી કરતા. તમારું માનવું છે કે આ ગુણ એમને દીવાન પિતા પાસેથી મળ્યા હોવા જોઇએ. ગાંધીજીએ આ સમયમાં પોતે બહુ શરમાળ હતા એમ કહ્યું છે, પણ તમે માનો છો કે એ શરમાળપણું નહોતું; ઠરેલપણું હતું. તમારો મત છે કે શરૂઆતની કઠણાઇઓનો સામનૉ કરવામાં એમનું આ ઠરેલપણું કામ આવ્યું. અહીં ગાંધીજી કરતાં પણ તમારો કયાસ વધારે સાચો હોઈ શકે છે, કારણ કે ગાંધીજીને પોતાની વાત વધારીને કહેવાની ટેવ નહોતી અને એ પોતાને માટે કડક ધોરણો લાગુ કરતા.

યુવાન મોહનદાસને જાતિગત ભેદભાવના ઘણા અનુભવો થયા. એમણે ત્યાં પહોંચ્યાને માંડ ત્રણ મહિના થયા હતા ત્યારે જ પત્રો અને અખબારી લેખો દ્વારા વાંધો લેવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ લેલિવેલ્ડભાઈ, તમે કહો છો કે એમણે આ બાબતની ચર્ચા માટે પ્રિટોરિયામાં મીટિંગ બોલાવી એમાં કશું વળ્યું નહીં. તમે આનું કારણ આપો છો કે હજી એમનું સ્ટૅટસ એક જૂનિયર વકીલનું હતું અને હિન્દુસ્તાનીઓ હજી એમને નેતા માનવા તૈયાર નહોતા. બીજું મુંબઇમાં વકીલાતામાં નિષ્ફળ થયા પછી એમને આ તક મળી હતી. પત્ની-બાળકો પણ હજી દેશમાં જ હતાં. એમને પણ લાવવાનાં જ હતાં એટલે એમણે પણ સામાજિક કાર્યો સાથે બધા જ હિન્દુસ્તાનીઓના વકીલ તરીકે પોતાની પ્રૅક્ટિસ જમાવવા પર ધ્યાન આપવાનું હતું.

શરૂઆતમાં એમણે જે મુખ્ય વકીલને મદદ કરવાની હતી તે ઇવૅન્જલિકલ ખ્રિસ્તી હતા. મોહનદાસ એમને કેસ વિશે સમજાવે એના કરતાં તમારા શબ્દોમાં એમને “ગાંધીના આત્મામામ” વધારે રસ હતો! મોહનદાસે એમના દોસ્ત પોલાકનાં પત્ની મિલી પોલાકને પણ કહ્યું હતું કે એમને કોઈ ધર્મનું બંધન નથી (uncommitted). પરંતુ, તમે બીજા વિદ્વાનોનો હવાલો આપીને કહો છો કે ખરેખર તો ખ્રિસ્તી બનવાનું ટાળવા માતેની મથામણમાં એમને બે વર્ષ લાગી ગયાં હતાં. ટૂંકમાં તમારૂં કહેવું એમ છે કે એમને પોતાની વકીલાત શરૂ કરવામાં તેમ જ નૈતિક બાબતોમાં વધારે રસ હતો.

ગાંધીના વિકાસનાં સોપાન ગણાવતાં તમે એક વાતની નોંધ લીધી છે કે બધા જ ભારતીયો માટે જે રીતે ‘કૂલી’ શબ્દનો પ્રયોગ થતો હતો એ એમને ખૂંચતો હતો. ૧૮૬૦ના અરસામાં ભારતમાંથી કોન્ટ્રૅક્ટ પર મજૂરો લઈ જવાની શરૂઆત થઈ હતી. આ રીતે અસંખ્ય ભારતીય મજૂરો દક્ષિણ આફ્રિકા, મોરિશ્યસ, ફિજી અને વેસ્ટ ઇંડીઝ પહોંચ્યા હતા. આ કૉન્ટ્રૅક્ટ એટલે કે એગ્રીમેન્ટ અભણ મજૂરોની જીભે ચડીને ‘ગિરમીટ. બની ગયા અને એગ્રીમેન્ટ હેઠળ આવેલા મજૂરો ‘ગિરમીટિયા’ કહેવાતા. એ બધા મૂળ તો ખેતમજૂરો હતા અને શેરડીના પાક માટે એમને લઈ જવાતા. એમને કૂલી કહેતા. ધીમે ધીમે આ શબ્દ હિન્દુસ્તાની વેપારીઓ માટે પણ વપરાતો થયો. તમે કહો છો કે ગાંધીને કૂળી શબ્દ બધા માટે વપરાય તે સામે વાંધો હતો. એમણે ગિરમીટિયાઓ માટે કામ પણ નહોતું કર્યું અને ગાંધીજીને એ અરસામાં ગિરમીટીયાઓ માતે આ શબ્દ વપરાય તેમાં કઈં વાંધાજનક નહોતું લાગતું. તમે દેખડ્યું છે તેમ એ વખતે એ માત્ર હિન્દુસ્તાની વેપારીઓના પ્રવક્તા હતા. એમનું કહેવું હતું કે જે લોકો ્કોઈ એગ્રીમેન્ટ વિના પોતાના પૈસા ખર્ચીને આવ્યા હોય એમને બ્રિટિશ હકુમત હેઠળના બધા અધિકાર મળવા જોઇએ કારણ કે તેઓ ઇંગ્લૅંડની જ એક વસાહતમાંથી બીજી વસાહતમાં આવ્યા હતા. આમ પ્રારંભિક દિવસોમાં ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સામાન્ય લોકો જેવું જ હતું. આમાં શી રીતે પરિવર્તનો આવતાં ગયાં એની ચર્ચા તમે હવે પછીના પ્રકરણમાં કરવાના છો. મઝા આવશે તમારો દૃષ્ટિકોણ સમજવામાં.

ભલે. લાંબું થયું છે એટલે હું પણ હવે પછીના પ્રકરણની ચર્ચા આવતા અઠવાડિયે કરીશ. દરમિયાન, તમને આ લખાણમાં કઈં કહેવા જેવું જણાય તો ગુજરાતી જાણનારા મિત્રોને કહેશો તો તેઓ તમારો અભિપ્રાય જરૂર મારા સુધી પહોંચાડી દેશે.

બાકી કુશળતા ઇચ્છું છું. ઘરમાં સૌને વંદન કહેશો.

લિખિતંગ
દીપક ધોળકિયા

%d bloggers like this: