આ સાચો બનાવ છે અને એનું મુખ્ય પાત્ર હું છું.
વાત જૂની છે. ભુજમાં કૉમર્સ કૉલેજ શરૂ થઈ તેને માંડ ચાર-પાંચ વરસ થયાં હશે. તે પહેલાં તો એક જ લાલન કૉલેજ હતી. એમાં માત્ર આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીઓ હતી. કૉમર્સ માટે કઈં નહોતું. શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર ગુજરાતમાં મંત્રી હતા. એમણે કૉમર્સ કૉલેજ બનાવવામાં સક્રિય ભાગ ભજવ્યો. ટ્રસ્ટીઓમાં મુંબઇના શેઠિયાઓ. મોટા ભાગે તો લોહાણા જ. માણસો કહેતા પણ એમ જ, કે લોહાણાઓએ કૉલેજ બનાવી. પણ ભુજમાં એક નવો ઉત્સાહ હતો એ પણ ખરૂં.
એ અરસામાં છઠ્ઠી બારી પાસે ભાઇભાઇની હોટેલ. રાજાશાહીના જમાનામાં ભુજમાં પાંચ નાકાં હતાં અને છઠ્ઠી બારી. જો કે બારી જેવું કઈં રહ્યું નહોતું રાજાશાહી તો મેં પણ નથી જોઈ. બસ, ભાઈભાઈમાં ચા ને ગાંઠિયાની રાતે અગિયાર પછી જ ખાસ મઝા હતી. ત્યાંથી મોટા બંધની પાળે આવીને બેસીએ. કૉમર્સ કૉલેજ બને છે એ વાત ધ્રુવપંક્તિ જેમ વચ્ચે વચ્ચે ડોકાયા કરે. કોઈ ‘બેઝ’ વોઇસમાં ખેદથી બોલે “લોહાણાઓનો દબદબો રહેશે….’
કૉલેજ તો શરૂ થઈ ગઈ. હવે મારા ભાઈને એમાં દાખલ કરાવવાનો સવાલ આવ્યો. ઍડમિશન એ જમાનામાં, ઍટ લીસ્ટ, કચ્છમાં કઈં મારામારીનો વિષય નહીં. એ ચિંતા તો નહોતી જ. કઈં સ્કૉલરશિપ મળે છે કે નહીં તે તપાસ કરી. બીજે દિવસે ભાઈને કૉલેજમાંથી અમુક ફૉર્મ મળ્યાં. એ ભરી આપો તો ફી માફ થાય.
ફૉર્મ જોયું તો છક થઈ ગયા. ફોર્મમાં જ્ઞાતિવાદ ખુલ્લમખુલ્લા હતો. ભારતના ઇતિહાસમાં આવું ફૉર્મ કોઈ બન્યું નહોતું. અરે, જાતિ આધારિત વસતિ ગણતરી પણ આ વખતે પહેલી વાર થાય છે. ફૉર્મમાં સ્પષ્ટ પૂછ્યું હતું કે તમે “લોહાણા કે બિન-લોહાણા?”
બીજા જ દિવસે હું અને ‘જેવી’ (મારા મિત્ર જગદી વિનોદરાય મહેતા) પહોંચ્યા પ્રિન્સિપાલને મળવા.અમે સખત વાંધો લીધો. પ્રિન્સિપાલ પણ સંમત થયા કે આ જાતનું ફૉર્મ કદી બન્યું નથી, પણ એવું છે…
અહીં ઍન્ટીક્લાઇમૅક્સ આવે છે!
…એવું છે કે આ કૉલેજમાં લોહાણાઓ માટે તો ઘણી પ્રાઇવેટ સ્કૉલરશિપો છે. ક્યારેક તો એમને ડબલ પણ મળી જાય છે. બીજી નાતના વિદ્યાર્થીઓ રહી જતા હોય છે, એટલે અમે નક્કી કર્યું કે લોહાણા વિદ્યાર્થીઓને બાકાત રાખવા…અને બીજાને લાભ આપવો!
હું અને ‘જેવી’ આસમાનેથી જાણે ધરતી પર પટકાયા. ધાર્યું હતું કઈંક અને નીકળ્યું કઈંક. લોહાણાનું ટ્રસ્ટ, લોહાણાઓના પૈસા – અને નક્કી એમ કરે કે આ સ્કૉલરશિપ લોહાણાને ન આપવી?! પ્રિન્સિપાલ સામે તો અમે ભોઠપ ન દેખાડી પણ મનમાં “ઓહોહોહો!” કહેતા ચેમ્બરમાંથી બહાર આવ્યા.
મગજમાં હતું ને, પૂર્વગ્રહનું જાળું… બસ, એમાં ગોથું ખાઈ ગયા.
આ ઘટના અમારા ફ્રેન્ડ સર્કલમાં આજે પણ જીવંત છે. કોઈ ઉતાવળે પ્રત્યાઘાત આપે તો એને સલાહ મળે જ – “જોજો, લોહાણા-બિનલોહાણા જેવું ન થાય!”
xxx
આપણે કોઈના ઇરાદાને જાણ્યાસમજ્યા વિના ખરાબ માનવામાં ભૂલ તો નથી કરતા હોતા ને? સામો માણસ ખોટો જ અને હું જ સાચો, એમ કેમ માની લેવાય? કોઇને સારા માનીને પછી ખોટા પડીએ; અથવા તો કોઈને ખરાબ માનીને પછી ખોટા પડીએ. પહેલી ધારણાનું નુકસાન સામા માણસની ઇમેજને થાય છે; બીજી ધારણામાંથી તો આપણું પોતાનું જ નકારાત્મક, અસુરક્ષિત વ્યક્તિત્વ બહાર આવે છે.
xxx
નોંધઃ ઘણી થઈ ઘમંડકથા. આવતા શનિ-રવિ -૨૬/૨૭મીથી શરૂ કરીશ નવી સીરીઝ – “જોસેફ લેલિવેલ્ડના પુસ્તક Great Soul Mahatma Gandhi: His Struggle with Indiaમાં શું છે? ‘રસપ્રદ’ વાતો એમના ક્રમમાં જ આવશે, ધીરજ રાખશો!”
આપણું પોતાનું જ જીવન અને અનુભવો આપણને કેટકેટલું શિખવી જાય છે? શિખતા આવડવું જોઈએ, અને મન મોકળું રાખતાં આવડવું જોઈએ. તમે ઘણું શિખવો છો મુરબ્બી.
૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગુ કરી ત્યારે અખબારો વાંચવાનું બંધ કર્યું. માત્ર પુસ્તકો. પણ એનો પણ આફરો ચડવા લાગ્યો. એટલે લગભગ બધં જ વાચન બંધ કર્યું. માત્ર માણસને જૂઓ. પરંતુ ૧૯૮૦ સુધી આરામ કર્યા પછી ફરી વાંચવાનું શરૂ કાર્યું ત્યારે બધું જુદી જ રીત્ર દેખાયું. બસ. મૂળ કથા આટલી ટૂંકી છે.
પૂર્વગ્રહ – જાણ્યે કે અજાણ્યે આપણે ઘણાં બધાં પૂર્વગ્રહોથી પીડાતા હોઈએ છીએ. આ પૂર્વગ્રહો ખોટાં નિર્ણયો અથવા તો માન્યતા તરફ દોરી જાય છે. જો થોડીક શાંતિ અને ધીરજ રાખતાં આવડે તો વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. જ્ઞાતી, દેખાવ, ભાષા, પ્રાંત, ઉંમર અને એવી કેટ કેટલી બાબતોને આધારે આપણે સામી વ્યક્તિના વ્યક્તિત્વની એક કાલ્પનિક છબી બનાવીએ છીએ – જેમ જેમ તેની સાથે પરીચય ગાઢ થાય તેમ તેમ ખ્યાલ આવે કે આપણે બનાવેલ કાલ્પનિક છબી વધુ ને વધુ ધુંધળી થતી જાય છે અને વાસ્તવિક છબી કાઈક જુદી હોય છે.
ઘમંડની શ્રેણી દ્વારા ઘણું જાણવા મળ્યું – ગાંધીજી વિષેની રસપ્રદ વાતોની ઈંતેજારી રહેશે.
બસ, આવતા શનિ-રવિથી લેલિવેલ્ડના ગાંધીજી હાજર થઈ જશે.
તો તો ઘણું સારુ.
એક સૂચન – ઈ-મેઈલ સબ-સ્ક્રીપ્શન નો વિજેટ મુકો તો સહેલાઈથી તમારી નવી પોસ્ટ વીશે માહિતિ મળીશકે.
વર્ણ વ્યવસ્થા ના સાપ ગયા અને લીસોટા ધીરે ધીરે ભૂસાતા જાય છે.
સુંદર લખાણ છે.
મૂળ તો માણસ છે. આપણે ગમે તે આઇડેન્ટિટી બનાવીએ અને લડ્યા કરીએ કે એકબીજા માટે પૂર્વગ્રહ બાંધ્યા કરીએ.
માણસ પોતાની જાતને બરાબર નથી ઓળખી શકતો,પોતાના દીકરા-દીકરી,પત્નીને પણ ઓળખી નથી શકતો તો પછી બીજાને કેવી રીતે ઓળખી શકાય? બીજા વીશે પોતાના વિચારો કેવી રીતે બાંધી શકાય?
તમારી Great Soul Mahatma Gandhi: His Struggle with India વાચવાની અધીરતા ખરી!
ટાઈમ મળે તો મારા બ્લોગના દર્શન કરજો, કોઈ દબાણ નથી.
વિપુલ દેસાઇ
http://suratiundhiyu.wordpress.com/
જરૂર તમારા બ્લૉગ પર આવીશ.
શ્રી દીપકભાઇ,
આ “ઘમંડ” શ્રેણી પણ સમયાનૂકુળતાએ કંઇક આગળ ચલાવશો તેવી અપેક્ષા. (આપના અનુભવે ઘણું જાણવા-સમજવા મળે છે)
પ્રસંગના સાર પર આપે સરસ કહ્યું; કોઇને સારા માનીને ખોટા પડીએ કે પછી ખરાબ માનીને ખોટા પડીએ તેમાં પ્રથમનું ખોટા પડવું આપણને આઘાતજનક તો નિવડે પણ બીજું ખોટું પડવું તો સદા ભારરૂપ નિવડે, કોઇકને અન્યાય કર્યાનો ડંખ સદા ખુંચતો રહે.
અને છતાં, મને લાગે છે જીવનના અનુભવોની સાથે સાથે આપણે બીજું ખોટું પડવું, એટલે કે કોઇને ખરાબ માની ને ખોટું પડવું વધુ પસંદ કરીશું. (આ પેલી ફોલ્સ પોઝીટિવ ઍરર.. વગેરેથી સમજવા જેવું ખરૂં !) અનુભવે કદાચ એ પદ્ધતિ વધુ વ્યવહારૂ લાગી હશે. જુઓને બે અજાણ્યાઓ મળે (બાબત વ્યવસાયીક હોય કે સામાજીક હોય) ત્યારે ઝટ દઇને એકબીજાનો વિશ્વાસ નથી કરતા, ધીમેધીમે એકબીજાનો વિશ્વાસ સંપાદીત કરવો પડે છે. આમાં જુની ઘટનાઓ વધુ ભાગ ભજવતી હોય છે. (જે આપે કહ્યું તેમ “પૂર્વગ્રહનું જાળું”) આ કદાચ સુરક્ષાચક્ર પણ હોય !
જુઓને આ બાળકોને કંઇ પૂર્વગ્રહ નથી હોતા (કે ન અનુભવ હોય !) આથી તે ઝટ દઇને દરેક વાતનો વિશ્વાસ કરશે, યુવાઓ થોડા ડમકશે પણ છતાંએ કંઇક સરળતાથીજ કોઇના પણ વિશ્વાસમાં આવી જશે. પરંતુ…વડીલો !! બહુ મહેનતે પણ કોઇનો વિશ્વાસ નહીં કરે (કે ન કોઇનો વિશ્વાસ કરવાની શિખ પણ આપશે !!) અથવા તો વિશ્વાસ કરતા હોવાનો, કોઇની વાત માન્યાનો, દેખાવ માત્ર જ કરશે ! (આટલી આવડત પાછી યુવાનોમાં હજુ નથી હોતી !)
છતાં, માત્ર બાહ્યાવરણને આધારે કે કોઇ એકાદ પૂર્વપ્રસંગને આધારે સામી વ્યક્તિ કે સમાજનું આકલન કરવા બેસવું તે સર્વથા સાચું નહીં જ બને. મહદાંશે અન્યાયકારી બનવાની સંભાવના પણ રહેશે. એ વાત આપના લેખના માધ્યમે સમજાઇ. મજાનો લેખ. આભાર.
અશોકભાઈ,
તમે નવો આયામ આપ્યો છે. અનુભવને કારણે દુધનો દાઝેલો છાશ ફૂંકીને પીતો હોય છે. આમાં દઝાડનારું દૂધ તો ફાવી ગયું, બીચારી છાશ કસોટીની એરણે ચડી!
આમ છતાં અનુભવ પરથી માણસ વધારે સાવચેતી રાખે એ સમજી શકાય છે, પણ પૂર્વગ્રહને અનુભવનું નામ આપતાં હું અચકાઉં છું. એ પ્રાપ્ત જ્ઞાન (કે અજ્ઞાન)નો ભાગ હોય છે, એમાં અનુભવ વિના જ અભિપ્રાય બનતો હોય છે.
હું માનું છું કે માણસ મૂળભૂત રીતે સારો હોય છે, પરંતુ નબળૉ હોય છે. મારી દૃષ્ટિએ ‘સારા’નો વિપરીતાર્થ
ખરાબ’ નહીં પણ ‘નબળો’ છે. એટલે માણસોની શ્રેણી હોય છે -સારો, જરા ઓછો સારો, એનાથી જરા ઓછો સારો…. બીજી બાજુ, પાકે પાયે નથી કહેતો પણ ઘણી વાર મને લાગે છે કે ‘અભુ સારો’ પણ સાપેક્ષ છે. બાકી કોઈ પૂર્ણ નથી એટલે કઈંક ને કઈંક નબળાઇ રહેતી જ હોય છે. આપણે અપેક્ષાઓ ઓછી રાખીએ અથવા થોડીઘણી કચાશ રહી જશે એમ માનીને ચાલીએ તો જીવન થાક્યા વિના ગાળી શકીએ.
અશોકભાઈ ફોલ્સ પોજીટીવ એરર સમજી ગયા.ફોલ્સ પોજીટીવ એરર દર વખતે અનુભવ કરીને મેળવવાનો હોતો નથી વારસામાં પણ મળતો હોય છે.એટલે પૂર્વગ્રહો વારસામાં પણ મળતા હોય છે.માબાપ પૂર્વગ્રહ ધરાવતા હોય તે જ પૂર્વગ્રહ આપણે પણ ધરાવતા હોઈએ છીએ.બધું વાયરિંગ કોર્ટેક્સમાં અગાઉથી બચપણમાં જ થયેલું હોય છે.હું કદી લોહાણા મિત્રોને મળેલો નહિ.એક જૈન વણિક મિત્રે લોહાણા વિષે સારો અભિપ્રાય આપેલો નહિ.એને અનુભવ થયો હશે કે નહિ મને ખબર નથી.ત્યાર પછી અહીં આવ્યા મને પોતાને એક લોહાણા મિત્રનો સાવ ખરાબ અનુભવ થયેલો અને ભારતની મુલાકાત વખતે એક લોહાણા મિત્રનો ખૂબ સુંદર અનુભવ થયેલો.બચપણથી પૂર્વગ્રહો આપણા મનમાં ભરવી દેવામાં આવતા હોય છે.સમજીને એનાથી દૂર થવાય તો સારું.ઘણા પૂર્વગ્રહો જિન્સમાં મળતા હોય છે.દરેક સાપને ઝેરી સમજવાનો પૂર્વગ્રહ આવો જ એક છે.
ભૂપેન્દ્રસિંહભાઈ કહે છે તેમાં હું ગાંધીજીનું એક કથન જોડવા માગું છું:”આપણે જેને તથ્ય માનીએ છીએ તે ખરેખર તો એક વસ્તુ કે ઘટનાની છાપ અથવા અંદાજો હોય છે અને આ અંદાજો એકસરખા નથી હોતા.” (એમ. કે. ગાંધી ફાઉંડેશનના ઇ-મેઇલમાંથી). મૂળ અંગ્રેજીઃ What passes fpr facts is only impresssion or estimate and estimates vary -(Mahatma Vol 7 p.209)
ભૂપેન્દ્રસિંહભાઈ કહે છે તેમાં હું ગાંધીજીનું એક કથન જોડવા માગું છું:”આપણે જેને તથ્ય માનીએ છીએ તે ખરેખર તો એક વસ્તુ કે ઘટનાની છાપ અથવા અંદાજો હોય છે અને આ અંદાજો એકસરખા નથી હોતા.” (એમ. કે. ગાંધી ફાઉંડેશનના ઇ-મેઇલમાંથી). મૂળ અંગ્રેજીઃ What passes of as facts is only impresssion or estimate and estimates vary -(Mahatma Vol 7 p.209)
દીપકભાઈ,
સાચું કહું તો હું જ પૂરું વાંચ્યા પહેલાં જ ઉતાવળો થઈને ભુજના લોહાણાઓ પર ઉશ્કેરાઈ ગયો હતો ! પરંતુ આખો પ્રસંગ વાંચ્યા પછી ઘણું સારું લાગ્યું!
આવી વાતો મૂકતા રહેજો.
સહુને ગમે છે.
યશવંતભાઈ,
ઍન્ટી-ક્લાઇમેક્સ એટલાં બધાં આવતાં હોય છે કે એમનાથી આપણા મનમાં ધારેલા ક્લાઇમેક્સનો ભાગાકાર કરીએ તો ભાગફળમાં શૂન્ય આવે! આ જ કદાચ યોગીઓ કહે છે તે વિચાર કે વિકલ્પના અભાવની સ્થિતિ હશે. નિર્દ્વન્દ્વ, નિર્વિકલ્પ.પણ એમણે બધું બહુ અઘરી ભાષામાં કહ્યું છે, એમ લાગે છે.
આપણે કોઈના ઇરાદાને જાણ્યાસમજ્યા વિના ખરાબ માનવામાં ભૂલ તો નથી કરતા હોતા ને?
———–
ગમ્યું – અપનાવવા જેવું લાગ્યું.