ઘમંડ સામા પક્ષનો ઇરાદો સમજી જવાનો

આ સાચો બનાવ છે અને એનું મુખ્ય પાત્ર હું છું.

વાત જૂની છે. ભુજમાં કૉમર્સ કૉલેજ શરૂ થઈ તેને માંડ ચાર-પાંચ વરસ થયાં હશે. તે પહેલાં તો એક જ લાલન કૉલેજ હતી. એમાં માત્ર આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીઓ હતી. કૉમર્સ માટે કઈં નહોતું. શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર ગુજરાતમાં મંત્રી હતા. એમણે કૉમર્સ કૉલેજ બનાવવામાં સક્રિય ભાગ ભજવ્યો. ટ્રસ્ટીઓમાં મુંબઇના શેઠિયાઓ. મોટા ભાગે તો લોહાણા જ. માણસો કહેતા પણ એમ જ, કે લોહાણાઓએ કૉલેજ બનાવી. પણ ભુજમાં એક નવો ઉત્સાહ હતો એ પણ ખરૂં.

એ અરસામાં છઠ્ઠી બારી પાસે ભાઇભાઇની હોટેલ. રાજાશાહીના જમાનામાં ભુજમાં પાંચ નાકાં હતાં અને છઠ્ઠી બારી. જો કે બારી જેવું કઈં રહ્યું નહોતું રાજાશાહી તો મેં પણ નથી જોઈ. બસ, ભાઈભાઈમાં ચા ને ગાંઠિયાની રાતે અગિયાર પછી જ ખાસ મઝા હતી. ત્યાંથી મોટા બંધની પાળે આવીને બેસીએ. કૉમર્સ કૉલેજ બને છે એ વાત ધ્રુવપંક્તિ જેમ વચ્ચે વચ્ચે ડોકાયા કરે. કોઈ ‘બેઝ’ વોઇસમાં ખેદથી બોલે “લોહાણાઓનો દબદબો રહેશે….’

કૉલેજ તો શરૂ થઈ ગઈ. હવે મારા ભાઈને એમાં દાખલ કરાવવાનો સવાલ આવ્યો. ઍડમિશન એ જમાનામાં, ઍટ લીસ્ટ, કચ્છમાં કઈં મારામારીનો વિષય નહીં. એ ચિંતા તો નહોતી જ. કઈં સ્કૉલરશિપ મળે છે કે નહીં તે તપાસ કરી. બીજે દિવસે ભાઈને કૉલેજમાંથી અમુક ફૉર્મ મળ્યાં. એ ભરી આપો તો ફી માફ થાય.

ફૉર્મ જોયું તો છક થઈ ગયા. ફોર્મમાં જ્ઞાતિવાદ ખુલ્લમખુલ્લા હતો. ભારતના ઇતિહાસમાં આવું ફૉર્મ કોઈ બન્યું નહોતું. અરે, જાતિ આધારિત વસતિ ગણતરી પણ આ વખતે પહેલી વાર થાય છે. ફૉર્મમાં સ્પષ્ટ પૂછ્યું હતું કે તમે “લોહાણા કે બિન-લોહાણા?”

બીજા જ દિવસે હું અને ‘જેવી’ (મારા મિત્ર જગદી વિનોદરાય મહેતા) પહોંચ્યા પ્રિન્સિપાલને મળવા.અમે સખત વાંધો લીધો. પ્રિન્સિપાલ પણ સંમત થયા કે આ જાતનું ફૉર્મ કદી બન્યું નથી, પણ એવું છે…

અહીં ઍન્ટીક્લાઇમૅક્સ આવે છે!

…એવું છે કે આ કૉલેજમાં લોહાણાઓ માટે તો ઘણી પ્રાઇવેટ સ્કૉલરશિપો છે. ક્યારેક તો એમને ડબલ પણ મળી જાય છે. બીજી નાતના વિદ્યાર્થીઓ રહી જતા હોય છે, એટલે અમે નક્કી કર્યું કે લોહાણા વિદ્યાર્થીઓને બાકાત રાખવા…અને બીજાને લાભ આપવો!

હું અને ‘જેવી’ આસમાનેથી જાણે ધરતી પર પટકાયા. ધાર્યું હતું કઈંક અને નીકળ્યું કઈંક. લોહાણાનું ટ્રસ્ટ, લોહાણાઓના પૈસા – અને નક્કી એમ કરે કે આ સ્કૉલરશિપ લોહાણાને ન આપવી?! પ્રિન્સિપાલ સામે તો અમે ભોઠપ ન દેખાડી પણ મનમાં “ઓહોહોહો!” કહેતા ચેમ્બરમાંથી બહાર આવ્યા.

મગજમાં હતું ને, પૂર્વગ્રહનું જાળું… બસ, એમાં ગોથું ખાઈ ગયા.

આ ઘટના અમારા ફ્રેન્ડ સર્કલમાં આજે પણ જીવંત છે. કોઈ ઉતાવળે પ્રત્યાઘાત આપે તો એને સલાહ મળે જ – “જોજો, લોહાણા-બિનલોહાણા જેવું ન થાય!”
xxx
આપણે કોઈના ઇરાદાને જાણ્યાસમજ્યા વિના ખરાબ માનવામાં ભૂલ તો નથી કરતા હોતા ને? સામો માણસ ખોટો જ અને હું જ સાચો, એમ કેમ માની લેવાય? કોઇને સારા માનીને પછી ખોટા પડીએ; અથવા તો કોઈને ખરાબ માનીને પછી ખોટા પડીએ. પહેલી ધારણાનું નુકસાન સામા માણસની ઇમેજને થાય છે; બીજી ધારણામાંથી તો આપણું પોતાનું જ નકારાત્મક, અસુરક્ષિત વ્યક્તિત્વ બહાર આવે છે.
xxx
નોંધઃ ઘણી થઈ ઘમંડકથા. આવતા શનિ-રવિ -૨૬/૨૭મીથી શરૂ કરીશ નવી સીરીઝ – “જોસેફ લેલિવેલ્ડના પુસ્તક Great Soul Mahatma Gandhi: His Struggle with Indiaમાં શું છે? ‘રસપ્રદ’ વાતો એમના ક્રમમાં જ આવશે, ધીરજ રાખશો!”

%d bloggers like this: