ઘમંડ સારા માણસ હોવાનો

આ સાચો બનાવ છે અને હું એનું મુખ્ય પાત્ર છું.

૧૯૯૪-૯૫ની આ વાત છે. દિલ્હીમાં અમારી કોલોનીના રેસિડન્ટ વેલફેર એસોસિએશનનો હું સેક્રેટરી હતો. એક બિલ્ડિંગમાં દસ ફ્લૅટમાંથી એક વર્ષોથી ખાલી પડ્યો હતો. મકાન માલિકને કોઈએ જોયો પણ નહોતો. જાણે નધણિયાતો. આનો લાભ લઈને અજાણ્યા માણસો, કામવાળીઓ માટે એ ટોયલેટ અને પાનાં રમવાનો અડ્ડો બની ગયો.ધીમે ધીમે બારીઓના કાચ તૂટ્યા અને બારી દરવાજાની ગરજ સારતી થઈ ગઈ. એક દિવસ એમાં આગ લાગી. કોઇકે બીડી નાખી હશે. આગ તો બહુ નાની હતી, પણ બીજા દિવસે એ બિલ્ડિંગના બાકીના નવમાંથી આઠ જણે લેખિતમાં આપ્યું કે એસોસિએશન આ ફ્લૅટનું ધ્યાન રાખે. મેં જવાબદારી લઈ લીધી. ફ્લૅટ સાફ કરાવડાવ્યો અને તાળું મારી દીધું. પત્યું?

ના. બે જ દિવસની અંદર ક્યાંકથી મકાનમાલિક આવી પહોંચ્યા! ઘરે આવ્યા અને પોતાની ઓળખાણ આપી. (ધારો કે નામ ’પ’) મને થયું કે આ ભાઈ ક્યાંથી ટપકી પડ્યા? કોઇએ એમને કહ્યું? એમણે મને કહ્યું (વાતચીત હિન્દીમાં થઈ, પણ અહીં ગુજરાતીમાં જ આપું છું. સંવા્દ આજે બનાવેલા છે, વાતનો અર્ક અકબંધ છે):

“તમને મારા ફ્લૅટ પર તાળું મારવાનો શું હક છે? હું પોલીસમાં જાઉં છું એફ. આઇ.આર. કરાવવા.”

હું ચોંક્યો. હક તો હતો જ નહીં. આ તો ધરમ કરતાં ધાડ પડી. પ-ભાઈ સ્વાભાવિક રીતે જ ઉશ્કેરાયેલા હતા. મેં મગજ ઠંડું રાખ્યું. મને થયું કે અત્યારે વધારે હિંમત દેખાડવી પડશે. મેં એમની આશાથી વિપરીત, એમને કહ્યું કે હું પણ પોલીસમાં સાથે આવીશ અને કબૂલ કરીશ કે મેં તાળું માર્યું છે. હવે થોડા પાછળ હટવાનો વારો પ-ભાઈનો હતો. એમણે મને કહ્યું કે “પોલીસ પોતે જ બોલાવે ત્યારે જજો, સાથે આવવાની જરૂર નથી”. મેં કહ્યું કે “મારે કબૂલ જ કરવું છે તો પોલીસ મને બોલાવે એની રાહ શા માટે જો‍ઉં?” હવે મને ના કેવી રીતે પાડે!

ચાલો. અમે બન્ને નીકળ્યા. એક-બે મિનિટ ચાલ્યા ત્યાં તો મગજમાં ચમકારો થયો. નવમાંથી એક જણે (ધારો કે દ-ભાઈએ) પત્ર પર સહી નહોતી કરી. કદાચ એ જ આ ભાઈના મિત્ર નહીં હોય ને? મેં એમને પૂછ્યું તો એમણે કબૂલ કર્યું કે ’દ’ એમના મિત્ર થાય અને એમણે જ તાળાના સમાચાર આપ્યા હતા. મેં કહ્યું કે “તો એમને પણ પોલીસમાં લઈ જઈએ.” પેલા ભાઈ ના પાડતા રહ્યા પણ હું દ-ભાઈને ઘરે પહોંચી ગયો. અમને બન્નેને સાથે જોઈને એ પણ સફાળા ઊભા થઈ ગયા. મેં એમને કહ્યું, “યાર, તમે શું ઊંધું ચતું સમજાવી દીધું? હવે દ-ભાઈનો વારો હતો, ગભરાઈ જવાનો.

દ-ભાઈ પ-ભાઇને સમજાવવા લાગ્યા કે ઢોલ્કિયાજી (અહીં હું ધો્ળકિયા નથી!) તો સારા મા્ણસ છે. એમને તો બીજાઓએ ખોટી માહિતી આપી એટલે એમણે સફાઈ કરાવીને તા્ળું માર્યું. પોલિસમાં જવાની જરૂર નથી; વગેરે વગેરે. પ-ભાઈ માની ગયા.

અમે બન્ને મારે ઘરે પાછા આવ્યા. હવે મારો હાથ ઉપર હતો અને હું એ વાત સમજતો પણ હતો. મેં એમને એમના મકાનની સફાઈનો ખર્ચ સો રૂપિયા ચૂકવી આપવા કહ્યું! એમણે સો રૂપિયા કાઢી આપ્યા, મેં રસીદ આપી. એ ઊઠ્યા અને બાઇક સ્ટાર્ટ કરી. મને થયું કે હવે વટ પાડવાની છેલ્લી તક છે. મગજ સક્રિય થઈ ગયું અને મેં એમને કહ્યું કે “મારે ઇવનિંગ ડ્યૂટી પર જવું છે, તમે ક્યાંથી જશો?”એમણે કહ્યું: “લોહેવાલે પુલ સે, કિનારીબજાર” હું તો ચોંટ્યો. મેં કહ્યું કે “પુલ પાર કરીને તમે રાઇટ ટર્ન લેશો ત્યાં હું ઉતરી જઈશ, મને લેફ્ટમાંથી બસ મળી જશે.” એ સંમત થયા. હું મારી મુત્સદીગીરી પર મનમાં મલકાતો પાછળ બેઠો. મારે તો દેખાડવું હતું કે એમણે જે કર્યું તેનાથી મને જરાય ખોટું નથી લાગ્યું.

ભલે. જમનાનો પુલ અમે પાર કર્યો. એમણે જમણી બાજુ જવાનું હતું અને મારે ઊતરવાનું હતું.
xxx

હવે એન્ટી-ક્લાઇમેક્સ આવે છે.

એ જમણી બાજુ ન વળતાં ડાબી બાજુ વળ્યા! મને થયું કે હશે, કઈંક ટ્રાફ઼િકનો નિયમ. આગળ જઈને યૂ-ટર્ન લેશે ત્યાં ઉતારવાના હશે. પરંતુ યૂ-ટર્ન પણ નીકળી ગયો. મને ન સમજાયું. મનમાં બીક પણ લાગી. મેં પૂછ્યું; “ક્યાં જાઓ છો, તમે તો કિનારી બજાર જવાનું કહેતા હતા ને?” એમણે જરા બાઇક ધીમી કરીને કહ્યું “તમને આકાશવાણી છોડીને પછી જઈશ!” મેં કહ્યું ” અરે, એવી જરૂર નથી.”

હવે એમનો જવાબ હતો: નહીં, તમારા જેવા માણસને મેં અન્યાય કર્યો છે, હવે થોડી સેવાની તક આપો!”

મને લાગ્યું કે ધોધમાર વરસાદ થાય છે અને મારા મનનાં ગંધાતાં ખાબોચિયાંને નવા પાણીએ ઉલેચી નાખ્યાં છે. મનમાં વરસતા વરસાદ વચ્ચે હું એટલું જ કહી શક્યો :” તમને પોતાને ખબર નથી કે તમે મારા કરતાં વધારે સારા મા્ણસ છો. હું તમારી જગ્યાએ હોત તો તમને ઉતારીને જમણી બાજુ વળી ગયો હોત. પણ તમે ડાબી બાજુ વળીને તો મને હરાવી દીધો!”

પ-ભાઇને તે પછી કદી મળવાનું નથી બન્યું. પણ ભૂલવાનું તો કેમ બને?

તટસ્થ માપદંડ પર માપીએ તો ઘણી વાર એવા માણસો મળી જતા હોય છે, જ્ને મારા કરતાં ઉપર મૂકવાનું મન થયું છે. જે લોકો કશા જ કારણ વિના આપણને સારા માને તે ખરેખર સારા હોવા જોઇએ.

25 thoughts on “ઘમંડ સારા માણસ હોવાનો”

 1. સાવ સાચી વાત છે જે આપણી ધારણા કરતાં પણ માણસ એક મુઠ્ઠી ઉંચેરો નીકળે ત્યારે આપણે લઘુતા ગ્રંથી અનુભવતા હોઈએ છીએ પરંતુ તે સ્પષ્ટ રીતે સ્વીકરવામાં આપણો અહમ આડે આવતો રહે છે. આપે જે વાત તેઓની સમક્ષ સ્વીકરી તે ખરા અર્થમાં અહમથી ઉપર ઉઠવાની વાત છે

 2. Admittance of mistake and repentance thereof equals humanism.
  હા પસ્તાવો વિપુલ ઝરણું પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય શાળી બને છે…….
  ૭ કે ૮ ધોરણ માં શીખેલી કોય કવિતાની લીટી યાદ આવીગયી

  દીપકભાઈ તમારી લેખન શય્લી આનંદકારી છે.

 3. દીપકભાઈ, જીવનમાં ઘણી વખત એવું બને છે જ્યારે આપણે કોઈકને ‘સીધો કરવા’ નીકળીએ અને મોડે મોડે ખ્યાલ આવે કે એ તો સીધો થઈ જ ગયેલો હતો અને પરોક્ષરીતે અજાણપણે પણ એણે હવે આપણને સીધા કરી ધીધા. પણ એવે સમયે એ સ્વિકારવું અને તેના મોઢે કહેવું તે ઘણી મોટી વાત છે.

 4. ઢોલ્કીયાજી,

  મને એમ થાય છે કે પહેલા લાઈક પર ક્લિક કરુ, અને પછી લેખ વાંચુ, અને પછી પ્રતિભાવ આપું.

  કારણ? કારણ વગર જ આવું થાય છે.

   1. ઢોલ્કીયાજી,

    તમે જો અનુમતિ આપો તો – ઢોલ વગાડીને સમગ્ર બ્લોગ-જગતમાં ઢોલકીયાજી તરીકે પ્રસિદ્ધ કરી આપું – માત્ર તમારી મંજુરી જોઈએ.

    1. તમારી મરજી. તમે મને ‘ઢોલ્કિયાજી’ એમ શા માટે કહો છો તે સમજાવવા માટે તમારે આ બ્લૉગનો રેફરન્સ આપવો પડશે અને બીજા વાચકો પણ અહીં આવશે! આ તો મારા લાભમાં જ છે! અને ૩૫ વર્ષ સુધી ઢોલ્કિયાજી (પંજાબીઓ અને બીજાઓ માટે) અને ધોલાકિયાજી (બંગાળીઓ માટે) રહ્યો તો ગુજરાતીઓ તો પોતાના છે. માત્ર ‘ઢોલ’ કહીને ‘પોલ’ ખોલવાનું એલાન કરશો તો પણ મારી પબ્લિસિટી જ થશે. Every black cloud has a silver lining! હવે તમે જ નક્કી કરો કે તમારી મરજી શી હોવી જોઇએ

 5. શ્રી દીપકભાઇ,
  એકદમ પ્રવાહી ઢબે રેલાવ છો આપ ! જાણે આપ લખતા નહીં પણ બોલતા હો અને અમે સાંભળતા હોઇએ તેવું લાગ્યું. (એક, શ્રી ભુપેન્દ્રસિંહજીના લેખન વિશે મેં આમ જ કહેલું !) કશા જ દંભ કે આડંબર વગરનું, સ્વાનૂભવનું વર્ણન, બહુ જટીલ કાર્ય છે.

  ’જે લોકો કશા જ કારણ વિના આપણને સારા માને તે ખરેખર સારા હોવા જોઇએ.’ — વાહ ! હવે આંખો, આ યાદ રાખીને, ખરેખર સારા માણસોને શોધતી રહેશે. (અને અકારણ મનના કોઇક ખુણે સંઘરાયેલો થોડો ઘમંડ ઘસાસે !) આભાર.

 6. દીપકભાઈ ,,
  સરસ રજૂઆત.
  માહોલ એવો છે કે- મોટાભાગે સામેના માણસને મૂળ ચાવી ગયેલો માની લેવામાં આવે છે.
  માણસે પોતાની સજ્જનતા પુરવાર કરવી પડે છે.
  આ તો અવિશ્વાસભંગનો કિસ્સો ગણાય.
  અમને એક દુકાનના માણસે કહ્યું હતું કે- તમે ઠક્કર હો એ માનવામા નથી આવતું. ઠક્કર આટલા સીધા ન હોય!
  અમે કહ્યું કે- અપવાદ ન હોય? શું રાજપૂતો તમામ તલવારબાજી કરનારા જ હોય? ઠક્કર સીધા ન હોય તેમ માનવાનું કારણ ખરું?
  એણે જવાબમાં દુકાનના માલિકનું બોર્ડ બતાવ્યું.
  દુકાનનો માલિક ઠક્કર હતો!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: