ઘમંડ સારા માણસ હોવાનો

આ સાચો બનાવ છે અને હું એનું મુખ્ય પાત્ર છું.

૧૯૯૪-૯૫ની આ વાત છે. દિલ્હીમાં અમારી કોલોનીના રેસિડન્ટ વેલફેર એસોસિએશનનો હું સેક્રેટરી હતો. એક બિલ્ડિંગમાં દસ ફ્લૅટમાંથી એક વર્ષોથી ખાલી પડ્યો હતો. મકાન માલિકને કોઈએ જોયો પણ નહોતો. જાણે નધણિયાતો. આનો લાભ લઈને અજાણ્યા માણસો, કામવાળીઓ માટે એ ટોયલેટ અને પાનાં રમવાનો અડ્ડો બની ગયો.ધીમે ધીમે બારીઓના કાચ તૂટ્યા અને બારી દરવાજાની ગરજ સારતી થઈ ગઈ. એક દિવસ એમાં આગ લાગી. કોઇકે બીડી નાખી હશે. આગ તો બહુ નાની હતી, પણ બીજા દિવસે એ બિલ્ડિંગના બાકીના નવમાંથી આઠ જણે લેખિતમાં આપ્યું કે એસોસિએશન આ ફ્લૅટનું ધ્યાન રાખે. મેં જવાબદારી લઈ લીધી. ફ્લૅટ સાફ કરાવડાવ્યો અને તાળું મારી દીધું. પત્યું?

ના. બે જ દિવસની અંદર ક્યાંકથી મકાનમાલિક આવી પહોંચ્યા! ઘરે આવ્યા અને પોતાની ઓળખાણ આપી. (ધારો કે નામ ’પ’) મને થયું કે આ ભાઈ ક્યાંથી ટપકી પડ્યા? કોઇએ એમને કહ્યું? એમણે મને કહ્યું (વાતચીત હિન્દીમાં થઈ, પણ અહીં ગુજરાતીમાં જ આપું છું. સંવા્દ આજે બનાવેલા છે, વાતનો અર્ક અકબંધ છે):

“તમને મારા ફ્લૅટ પર તાળું મારવાનો શું હક છે? હું પોલીસમાં જાઉં છું એફ. આઇ.આર. કરાવવા.”

હું ચોંક્યો. હક તો હતો જ નહીં. આ તો ધરમ કરતાં ધાડ પડી. પ-ભાઈ સ્વાભાવિક રીતે જ ઉશ્કેરાયેલા હતા. મેં મગજ ઠંડું રાખ્યું. મને થયું કે અત્યારે વધારે હિંમત દેખાડવી પડશે. મેં એમની આશાથી વિપરીત, એમને કહ્યું કે હું પણ પોલીસમાં સાથે આવીશ અને કબૂલ કરીશ કે મેં તાળું માર્યું છે. હવે થોડા પાછળ હટવાનો વારો પ-ભાઈનો હતો. એમણે મને કહ્યું કે “પોલીસ પોતે જ બોલાવે ત્યારે જજો, સાથે આવવાની જરૂર નથી”. મેં કહ્યું કે “મારે કબૂલ જ કરવું છે તો પોલીસ મને બોલાવે એની રાહ શા માટે જો‍ઉં?” હવે મને ના કેવી રીતે પાડે!

ચાલો. અમે બન્ને નીકળ્યા. એક-બે મિનિટ ચાલ્યા ત્યાં તો મગજમાં ચમકારો થયો. નવમાંથી એક જણે (ધારો કે દ-ભાઈએ) પત્ર પર સહી નહોતી કરી. કદાચ એ જ આ ભાઈના મિત્ર નહીં હોય ને? મેં એમને પૂછ્યું તો એમણે કબૂલ કર્યું કે ’દ’ એમના મિત્ર થાય અને એમણે જ તાળાના સમાચાર આપ્યા હતા. મેં કહ્યું કે “તો એમને પણ પોલીસમાં લઈ જઈએ.” પેલા ભાઈ ના પાડતા રહ્યા પણ હું દ-ભાઈને ઘરે પહોંચી ગયો. અમને બન્નેને સાથે જોઈને એ પણ સફાળા ઊભા થઈ ગયા. મેં એમને કહ્યું, “યાર, તમે શું ઊંધું ચતું સમજાવી દીધું? હવે દ-ભાઈનો વારો હતો, ગભરાઈ જવાનો.

દ-ભાઈ પ-ભાઇને સમજાવવા લાગ્યા કે ઢોલ્કિયાજી (અહીં હું ધો્ળકિયા નથી!) તો સારા મા્ણસ છે. એમને તો બીજાઓએ ખોટી માહિતી આપી એટલે એમણે સફાઈ કરાવીને તા્ળું માર્યું. પોલિસમાં જવાની જરૂર નથી; વગેરે વગેરે. પ-ભાઈ માની ગયા.

અમે બન્ને મારે ઘરે પાછા આવ્યા. હવે મારો હાથ ઉપર હતો અને હું એ વાત સમજતો પણ હતો. મેં એમને એમના મકાનની સફાઈનો ખર્ચ સો રૂપિયા ચૂકવી આપવા કહ્યું! એમણે સો રૂપિયા કાઢી આપ્યા, મેં રસીદ આપી. એ ઊઠ્યા અને બાઇક સ્ટાર્ટ કરી. મને થયું કે હવે વટ પાડવાની છેલ્લી તક છે. મગજ સક્રિય થઈ ગયું અને મેં એમને કહ્યું કે “મારે ઇવનિંગ ડ્યૂટી પર જવું છે, તમે ક્યાંથી જશો?”એમણે કહ્યું: “લોહેવાલે પુલ સે, કિનારીબજાર” હું તો ચોંટ્યો. મેં કહ્યું કે “પુલ પાર કરીને તમે રાઇટ ટર્ન લેશો ત્યાં હું ઉતરી જઈશ, મને લેફ્ટમાંથી બસ મળી જશે.” એ સંમત થયા. હું મારી મુત્સદીગીરી પર મનમાં મલકાતો પાછળ બેઠો. મારે તો દેખાડવું હતું કે એમણે જે કર્યું તેનાથી મને જરાય ખોટું નથી લાગ્યું.

ભલે. જમનાનો પુલ અમે પાર કર્યો. એમણે જમણી બાજુ જવાનું હતું અને મારે ઊતરવાનું હતું.
xxx

હવે એન્ટી-ક્લાઇમેક્સ આવે છે.

એ જમણી બાજુ ન વળતાં ડાબી બાજુ વળ્યા! મને થયું કે હશે, કઈંક ટ્રાફ઼િકનો નિયમ. આગળ જઈને યૂ-ટર્ન લેશે ત્યાં ઉતારવાના હશે. પરંતુ યૂ-ટર્ન પણ નીકળી ગયો. મને ન સમજાયું. મનમાં બીક પણ લાગી. મેં પૂછ્યું; “ક્યાં જાઓ છો, તમે તો કિનારી બજાર જવાનું કહેતા હતા ને?” એમણે જરા બાઇક ધીમી કરીને કહ્યું “તમને આકાશવાણી છોડીને પછી જઈશ!” મેં કહ્યું ” અરે, એવી જરૂર નથી.”

હવે એમનો જવાબ હતો: નહીં, તમારા જેવા માણસને મેં અન્યાય કર્યો છે, હવે થોડી સેવાની તક આપો!”

મને લાગ્યું કે ધોધમાર વરસાદ થાય છે અને મારા મનનાં ગંધાતાં ખાબોચિયાંને નવા પાણીએ ઉલેચી નાખ્યાં છે. મનમાં વરસતા વરસાદ વચ્ચે હું એટલું જ કહી શક્યો :” તમને પોતાને ખબર નથી કે તમે મારા કરતાં વધારે સારા મા્ણસ છો. હું તમારી જગ્યાએ હોત તો તમને ઉતારીને જમણી બાજુ વળી ગયો હોત. પણ તમે ડાબી બાજુ વળીને તો મને હરાવી દીધો!”

પ-ભાઇને તે પછી કદી મળવાનું નથી બન્યું. પણ ભૂલવાનું તો કેમ બને?

તટસ્થ માપદંડ પર માપીએ તો ઘણી વાર એવા માણસો મળી જતા હોય છે, જ્ને મારા કરતાં ઉપર મૂકવાનું મન થયું છે. જે લોકો કશા જ કારણ વિના આપણને સારા માને તે ખરેખર સારા હોવા જોઇએ.

%d bloggers like this: