ઘમંડ જ્ઞાનનો

આ સાચો બનાવ છે. એનું મુખ્ય પાત્ર હું પોતે છું.
૨૦૦૦નું વર્ષ. દીકરી એમ.એસસી. કરવા વડોદરા ગઈ. એને મૂકીને દિલ્હી પાછો આવતો હતો. ટ્રેનમાં બેઠો. દીકરીની આંખનાં આંસુ પ્લેટફૉર્મ પરથી ‘આવજો’ કહેતાં રહ્યાં…
મારૂંય મન ભારે હતું. કંપાર્ટમેન્ટમાં જોયું તો ચાર ભક્તાણીઓ પણ દિલ્હી આવતી હતી. એમણે કહ્યું, આસારામ બાપુના સત્સંગમાં ગઈ હતી અને દિલ્હીથી પણ આગળ જવાનું છે. શું કરવું. પુસ્તકને સહારે કોઈ કૂલી ન ઉપાડી શકે એટલો મનનો ભાર હળવો કરવાની તૈયારી કરી ત્યાં તો એમનું સંધ્યા કીર્તન શરૂ થયું. પહેલાં ભજનો. બેસુરા રાગડા. વાંચવામાં ધ્યાન ન ચોંટે. થાય શું? અર્ધા કલાકની ભજનની સરવાણી, અને પછી શાંતિ. પરંતુ માત્ર બે મિનિટ – અને શરૂ થઈ ધુન…”રામ એક, રામ દો…રામ ગ્યારહ…”
મારૂં મગજ સાક્ષાત કંટાળો બનવા લાગ્યું હતું. ક્યારે પુરૂં થશે આ…? અંતે એ પણ પૂરૂં થયું અને હવે ભક્તિની ત્રીજી અવસ્થા શરૂ થઈ. પરંતુ એમાં મને બહુ તકલીફ નહોતી. ચારેય મહિલાઓએ હવે માળાઓ કાઢી અને એમાં ધ્યાન પરોવ્યું. હવે એટલી બધી શાંતિ થઈ ગઈ કે વાંચવામાં મન ન ચોંટે. મન પણ વિચિત્ર છે. સ્થિર ન થવા માટે પહેલાં અવાજનું બહાનું હતું. હવે અવાજ નહોતો એ બહાનું હતું.
પરંતુ શાંતિ ક્યાં ટકવાની હતી? દૂરથી એક ફકીરનો અવાજ આવ્યો. “જિતના મુઝે દોગે ઉસસે ઝ્યાદા અલ્લાહ તુમ્હેં દેગા…” મને થયું કે આજે ભગવાનવાળા કેડો નથી મૂકવાના. રામવાળા ચુપ થયા તો આ અલ્લાહવાળો આવ્યો. અને ફકિરનો આત્મવિશ્વાસ પણ ગજબ હતો. કોઈકે એને ખાવાનું આપ્યું તો એણે કહ્યું: “અરે બાસી તો નહીં હૈ ન? ઐસા ન હો કિ આપ્કા ખાના ખાઉં ઔર ડાક્ટર કો દવાઈ કા પચાસ રુપયા દૂં.” મને ખરેખર મનમાં ગુસ્સો આવ્યો…
પણ હવે ઍન્ટી-ક્લાઇમૅક્સ આવે છે!
માળા જપતી ભક્તાણીઓમાંથી મારી નજીક બેઠી હતી, એણે મને કોણી મારી. મેં જોયું તો એના હાથમાં એક રૂપિયાનો સિક્કો હતો. એણે ફકીર તરફ આંગળી ચીંધી. બીજી ત્રણેય ભક્તાણીઓએ પણ એક આંખે આ જોયું અને એક-એક રૂપિયો કાઢીને મારા હાથમાં મૂક્યો… ફકીરને મેં પૈસા આપી દીધા, એ તો આપવાના જ હતા
પરંતુ, આખી ઘટનાએ મારી આંખે ચડેલાં જ્ઞાનનાં પડળો ઉતારી નાખ્યાં. સામાન્ય જનનું આ જ સાચું ભારત છે. રામવાળાઓ અને અલ્લાહવાળાઓ વચ્ચે કઈં તકરાર નથી! આ ભારતના દુશ્મનો અંદર જ ઘણા છે પણ…આ ભારતને કોઈ તાકાત હરાવી શકે એમ નથી.
અને હું… ધર્મ એટલે શું એનું ચિંતન કરનારો શું જાણતો હતો? શું આ ભોળી સ્ત્રીઓને સમજાવું કે ભગવાન નથી? કે માળા કરતી વખતે બીજા વિચારો ન કરવા જોઈએ? કે આસારામ બાપુ તમને ઠગે છે? ?ખરેખર તો એમને વીતેલાં એક હજાર વર્ષનો ઇતિહાસ પણ ન ઠગી શક્યો.
આસારામ એટલે શું તે આજે સૌ જાણે છે. એનામાં ભોળી શ્રદ્ધા રાખીને ગુજરાત પહોંચેલી પેલી ભક્તાણીઓનું શું થયું તે હું નથી જાણતો. આત્મવિશ્વાસથી છલકાતા પેલા ફકીરનું શું થયું તે પણ હું નથી જાણતો. બસ, ટ્રેનની એ સફરમાંથી હું આમ આદમીની ભાવનાઓનું સંભારણું લઈને પાછો ફર્યો.

%d bloggers like this: