કેદ અજ્ઞાનની

સૌથી પહેલાં દિલ્હી સ્ટેશને ગોવિંદભાઈ મારૂને મળવાનું થયું ત્યારે એમણે બ્લૉગ બનાવવાનું સુચન કર્યું. ભૂપેન્દ્રસિંહભાઈ, જુગલભાઈ અને અરવિંદભાઇએ તો જાહેરમાં જ  મને બ્લૉગ બનાવવાની સલાહ આપી. આથી હિંમત આવી. પરંતુ હજી પણ પૂરતો આત્મવિશ્વાસ નથી સ્થાપિત થયો. શું લખીશ? બહુ કઈં વિચાર્યું પણ નથી.

થોડુંઘણું જાણું છું, પરંતુ ઘણું થોડું જાણું છું, એટલે જ ને, જ્યારે સાંભળું કે જ્ઞાનનો સાગર અગાધ છે, ત્યારે મનમાં થાય કે ” રહેવા દે ભાઈ, આવા સર્વસ્પર્શી કથન પાછળ છુપાવાની કોશિશ ન કર ને કબૂલ કર છાનોમાનો કે…મારા અજ્ઞાનનો પણ કોઈ આરોઓવારો દેખાતો નથી.” 
ઘણી જાતનાં જ્ઞાનોએ મારી આસપાસ અજ્ઞાનની દીવાલો ખડી કરી દીધી છે.  દરેક નવા જ્ઞાનના સમાચાર મળવાની સાથે મને પ્રતીતિ થાય છે કે વળી કઈંક નવું આવ્યું જે હું નથી જાણતો.  વિડંબના છે ને?
 એટલે થયું કે ચાલો, અજ્ઞાનની દીવાલો ફલાંગીને કદાચ જઈ તો ન શકું, પણ એની પાર ડોકિયું તો કરી શકું. એટલે  આ બારી બનાવી. તમે પણ એમાંથી જોઈ શકો છો…દીવાલોની અંદરના અંધકારને. 
સ્વાગત કરૂં છું.

“કી જાણા મૈં કોણ…”
કોણ છું તે હું શું જાણું? સૂફીનો સવાલ. જાણનાર, જાણવાની વસ્તુ અને જાણવાની પ્રક્રિયા એકાકાર થઈ જાય ત્યારે કદાચ આવા પ્રશ્નો ઊઠે! હમણાં તો …આ લો, જાતેપંડે દીપક ધોળકિયા. મૂળ  વતન ભુજ, હાલે દિલ્હી. “તમે કેવા?” અવારનવાર પુછાતો પ્રશ્ન. જવાબઃ નાગર (સાંભળ્યું-વાંચ્યું છે કે મૂળ વતન ગ્રીસ!). આકાશવાણીમાં ૩૪ વર્ષ ગુજરાતી સમાચાર વાચક તરીકે નોકરી કરી, તે પછી નિવૃત્ત. બસ, તમારો સમય નથી બગાડવો…xxx

%d bloggers like this: